Daily Archives: જુલાઇ 20, 2020

પીઢ અને સફળ ફિલ્મકાર શશી કપૂર

પીઢ અને સફળ ફિલ્મકાર શશી કપૂર

લોકપ્રિય અભિનેતા – નિર્માતા શશી કપૂર હોત તો આજે ૮૨ વર્ષના થાત. શશી કપૂર યાને બલબીરરાજ પૃથ્વીરાજ કપૂરનો ૧૮ માર્ચ, ૧૯૩૮ના રોજ કોલકાતામાં જન્મ થયો હતો. એક લાંબા સમય સુધી ઘણી બધી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો અને ક્લાસિક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. એક જમાનાના નંબર વન એવા કપૂર પરિવારના તેઓ શાહજાદા હતા. પૃથ્વીરાજ કપૂરના રાજ કપૂર અને શમ્મી કપૂર બાદના તેઓ સુપુત્ર. હોલીવુડના અભિનેત્રી ફેલીસીટી કેન્ડલના બહેન અને રંગમંચના વિખ્યાત અભિનેત્રી જેનીફર કપૂર તેમના પત્ની અને કરણ, કુનાલ અને સંજના કપૂરના તેઓ પિતા. સિને કલામાં તેમણે કરેલાં પ્રદાન બદલ ૨૦૧૧માં શશી કપૂરને પદ્મભૂષણથી અને ૨૦૧૫માં સિનેમાના સર્વોચ્ચ એવા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા. પિતા પૃથ્વીરાજ અને ભાઈ રાજ કપૂર બાદ ફાળકે એવોર્ડનું સર્વોચ્ચ સન્માન પામનારા કપૂર પરિવારના તેઓ ત્રીજા કપૂર હતા જે એક વિરલ ઘટના હતી.

ચાર વર્ષની ઉમરથી શશી પિતાજીના નાટકોમાં કામ કરતા. ચાલીસના દાયકાના અંતથી તેઓ બાળ કલાકાર રૂપે ફિલ્મોમાં કામ કરતા થયા હતા. ‘આગ’, ‘આવારા’, દુલ્હા દુલ્હન’ કે ‘શ્રીમાન સત્યવાદી’માં રાજ કપૂરના નાના અવતાર રૂપે શશી દેખાતા. ‘ધર્મપુત્ર’ (૧૯૬૧)થી શશી કપૂર હીરો રૂપે દેખાયા, જે સીલસીલો ૧૧૬ ફિલ્મો સુધી લંબાયો. જેમાં ૬૧ ફિલ્મોમાં તેઓ સોલો હીરો, ૫૫ મલ્ટી સ્ટાર ફિલ્મો અને ૨૧માં તેઓ સહકલાકાર રૂપે તથા ૭ ફિલ્મોમાં સ્પેશિયલ અપિયરન્સ રૂપે દેખાયા. સાંઠ અને સિત્તેરથી માંડી ૮૦ના દાયકાની મધ્ય સુધી શશી કપૂર ખુબ લોકપ્રિય હતા. તેમણે ‘ધ હાઉસહોલ્ડર’, ‘શેક્સપિયરવાલા’, ‘બોમ્બે ટોકી’, ‘હીટ એન્ડ રન’, ‘પ્રેટી પોલી’, ‘સિદ્ધાર્થ’, કે ‘મુહાફિઝ’ જેવી અંગ્રેજી ફિલ્મો પણ કરી હતી. આવી આંતરરાષ્ટ્રીય ફિલ્મો કરનારા દેશના પહેલાં કલાકારોમાંના શશી હતા.
શશી ડોન બોસ્કો હાઈસ્કૂલ, માટુંગામાં ભણ્યા. અંગ્રેજ અભિનેત્રી જેનીફર કેન્ડલને કોલકાતામાં ૧૯૫૬માં નાટક દરમિયાન મળ્યાં. શશી ત્યારે પૃથ્વી થિયેટરના સ્ટેજ મેનેજર અને અભિનેતા હતા. જેનીફર તેમના પિતા જયોફરી કેન્ડલના ડ્રામા ગ્રુપમાં હતાં. તેઓ પ્રેમમાં પડી ગયાં. જેનીફરના પિતાએ શરૂઆતમાં વિરોધ કર્યો હતો તો શશીના ભાભી ગીતા બાલીએ તેમને સહાય કરી હતી. તેઓ જુલાઈ, ૧૯૫૮માં લગ્નથી જોડાયાં. મર્ચન્ટ આઇવરી પ્રોડક્શનની ઘણી ફિલ્મો તેમણે સાથે કરી. તે બંનેએ મળીને મુંબઈમાં જુહુ પર ૫ નવેમ્બર, ૧૯૭૮ના રોજ પૃથ્વી થિયેટર શરૂ કર્યું, જે આજે દેશનું મહાન નાટ્ય તીર્થ બન્યું છે. ૧૯૮૪માં જેનીફરનું કેન્સરથી નિધન થયું અને શશીજી ભાંગી પડ્યા. ત્યારથી તેમનું સ્વાસ્થ્ય સતત કથળતું રહ્યું.

એક સમયે જામી ગયેલી અભિનેત્રી નંદાએ શશી કપૂર સાથે આઠ ફિલ્મો સાઈન કરી હતી. તેમાંની ‘જબ જબ ફૂલ ખિલે’ યાદગાર રહી. આ બંને કલાકારોએ વર્ષો બાદ પણ તેઓ એકબીજાના ફેવરીટ કલાકાર હોવાનું જણાવ્યું હતું. રાખી સાથે પહેલી મોટી સફળતા ‘શર્મીલી’માં મેળવીને તેઓની ‘કભી કભી’, ‘બસેરા’, ‘તૃષ્ણા’, ‘દૂસરા આદમી’, જેવી ફિલ્મો આવી. શર્મિલા ટાગોર સાથે ‘વક્ત’, ‘આમને સામને’, ‘સુહાના સફર’, ‘આ ગલે લગ જા’ તથા યાદગાર ‘ન્યુ દિલ્હી ટાઈમ્સ’ જેવી ફિલ્મો કરી. જેના પત્રકારની ભૂમિકા માટે શશી સાહેબને ૧૯૮૬નો બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. ઝીનત અમાન સાથે ‘ચોરી મેરા કામ’, ‘રોટી કપડા ઔર મકાન’, ‘સત્યમ શિવમ સુન્દરમ’ જેવી ફિલ્મો કરી. હેમા માલિની સાથે શશીજીએ દસ ફિલ્મો કરી હતી.
શશી કપૂરની અન્ય જાણીતી ફિલ્મો ‘હસીના માન જાયેગી’ અને ‘એક શ્રીમાન એક શ્રીમતિ’ બબીતા સાથે, ‘કન્યાદાન’, ‘પ્યાર કા મૌસમ’ આશા પારેખ સાથે, મુમતાઝ સાથે ‘ચોર મચાયે શોર’ તો રેખા સાથે યાદગાર એવી ‘કલયુગ’, ‘વિજેતા’, ‘પ્યાર કી જીત’ જેવી ફિલ્મો તેમણે કરી હતી.
શશી કપૂરની મલ્ટી સ્ટાર ફિલ્મોમાં ‘દિલ ને પુકારા’, ‘ત્રિશુલ’, ‘ફકીરા’ કે તેમની પોતાની યાદગાર ‘ઝૂનૂન’ આવી. રાજેશ ખન્ના સાથે તેઓ ‘પ્રેમ કહાની’માં આવ્યા. અમિતાભ બચ્ચન સાથે શશી કપૂરની જોરદાર જોડી બાર ફિલ્મોમા આવી. જેમાં ‘રોટી કપડા ઔર મકાન’, ‘દીવાર’, ‘કભી કભી’, ‘ઈમાન ધરમ’, ‘ત્રિશુલ’, ‘કાલા પથ્થર’, ‘સુહાગ’, ‘દો ઔર દો પાંચ’, ‘શાન’, ‘સિલસિલા’, ‘નમક હલાલ’, કે ‘અકેલા’ યાદગાર રહી. શશી સંજીવ કુમાર સાથે ‘મુક્તિ’ અને ‘ત્રિશુલ’માં દેખાયા.
૧૯૭૮માં શશી કપૂરે તેમની નિર્માણ સંસ્થા ‘ફિલ્મવાલાઝ’ શરૂ કરી અને ‘ઝૂનૂન’, ‘કલયુગ’, ‘૩૬ ચૌરંઘી લેન’, ‘વિજેતા’ અને ‘ઉત્સવ’ જેવી યાદગાર ફિલ્મો બનાવીને કમાલ કરી. ૧૯૯૧માં તેમણે ફેન્ટસી ફિલ્મ ‘અજૂબા’નું નિર્માણ અને નિર્દેશન પણ કર્યું, જેમાં અમિતાભ બચ્ચન અને હૃષી કપૂર જેવા મોટા કલાકારો હતા. શશી કપૂર લાંબો સમય નાદુરસ્ત રહ્યાં, તેઓ મુખ્યત્વે વ્હીલ ચેર પર હતા. ફાળકે એવોર્ડ સન્માન લેતી વખતે તેઓ કશું બોલી શક્યા નહોતા, માત્ર એક આંસૂ તેમની આંખમાંથી સર્યું હતું.
મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં ૪ ડિસેમ્બર, ૨૦૧૭ની સાંજે તેમણે છેલ્લા શ્વાસ લીધાં ત્યારે તેઓ ૭૯ વર્ષના હતા. ૨૦૧૪થી તેમને છાતીના ચેપને કારણે હોસ્પિટલમાં રખાયા હતા, તેમની બાયપાસ સર્જરી પણ કરાઈ હતી. શશી કપૂરના જવાથી મનોરંજક અને સાર્થક સિનેમા તથા રંગકર્મનો એક યુગ પુરો થયો.

શશી કપૂરના યાદગાર ગીતો: દિન હૈ બહાર કે (વક્ત), પરદેસીઓ સે ના અખિયાં મિલાના, યહાં મૈ અજનબી હું (જબ જબ ફૂલ ખિલે), કેહને કી નહીં બાત (પ્યાર કિયે જા), નૈન મિલા કે ચૈન ચુરના, કભી રાત દિન હમ દૂર થે (આમને સામને), વક્ત કરતા જો વફા (દિલ ને પુકારા), બેખુદી મેં સનમ (હસીના માન જાયેગી), લીખે જો ખત તુઝે (કન્યાદાન), તુમ બિન જાઉં કહાં (પ્યાર કા મોસમ), સા રે ગા મા પ (અભિનેત્રી), વો તેરે પ્યાર કા ગમ, જીક્ર હોતા હૈ જબ કયામત કા (માય લવ), ખિલતે હૈ ગુલ યહાં (શર્મીલી), થોડા રુક જાયેગી તો (પતંગા), વાદા કરો નહીં છોડોગે (આ ગલે લગ જા), લે જાયેંગે દિલવાલે દુલ્હનિયા, ઘૂંઘરું કી તરહા (ચોર મચાયે શોર), કેહ દૂ તુમ્હેં (દીવાર), કભી કભી મેરે દિલ મેં (કભી કભી), દિલ મેં તુઝે બીઠા કે (ફકીરા), સુહાની ચાંદની રાતેં (મુક્તિ), મોહબ્બત બડે કામ કી ચીજ હૈ (ત્રિશુલ), ચંચલ શીતલ નિર્મલ (સત્યમ શિવમ સુંદરમ), બાહો મેં તેરી મસ્તી કે ઘેરે (કાલા પથ્થર), તુને અભી જાના નહીં (દો ઔર દો પાંચ), યમ્મા યમ્મા (શાન), જહાં પે સવેરા હો (બસેરા).
‘માર્ચ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી સાભાર: આભાર: શુભ સાહિત્ય

Image may contain: 1 person

Leave a comment

Filed under Uncategorized