Daily Archives: જુલાઇ 22, 2020

અદભુત અભિનેતા પરેશ રાવળ

અદભુત અભિનેતા પરેશ રાવળ
ગુજરાતી નાટકોમાંથી જેઓ હિન્દી ફિલ્મોના મહાન અભિનેતા સુધી પહોચ્યા છે, એવાં પરેશ રાવલ ૭૦ વર્ષના થયા. ૩૦ મે, ૧૯૫૦ના રોજ મુંબઈમાં તેમનો જન્મ. પરેશભાઈ ગુજરાતી, હિન્દી, મરાઠી અને તેલુગુ ભાષા કડકડાટ બોલે છે. ૧૯૯૪માં ‘વોહ છોકરી’ અને ‘સર’ ફિલ્મના તેમના અભિનય માટે પરેશ રાવળને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. ‘સર’ના અભિનય માટે તેમને શ્રેષ્ઠ ખલનાયકનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ૨૦૦૧માં ‘હેરા ફેરી’ના અભિનય બદલ તેમને શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તો ૨૦૦૩માં ‘આવારા પાગલ દીવાના’ માટે તેમને શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો વધુ એક ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તો ‘રાજા’ ફિલ્મના અભિનય માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો સ્ટાર સ્ક્રીન એવોર્ડ મળ્યો હતો. તેજ રીતે શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાના બે સ્ટાર સ્ક્રીન એવોર્ડ અને ઝી સીને એવોર્ડ તેમને ‘હેરાફેરી’ અને ‘આવારા પાગલ દીવાના’ માટે મળ્યાં હતાં. જોકે પરેશભાઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માન મળ્યું તેમના કેતન મહેતાની ફિલ્મ ‘સરદાર’ના શીર્ષક પાત્રની ભૂમિકા માટે. ૨૦૧૪માં તેમને સરકારે પદ્મશ્રીના ઈલકાબથી નવાજ્યા હતા.
તેલુગુ ફિલ્મોના દર્શકો તેમને લોકપ્રિય વિલન રૂપે ઓળખે છે. તેમની જાણીતી તેલુગુ ફિલ્મોમાં ‘ક્ષણ ક્ષનમ’, ‘મની’, ‘મની મની’, ‘ગોવિંદા ગોવિંદા’, ‘રીક્ષાવોડું’, ‘બાવાગારુ બગુન્નારા’, ‘શંકર દાદા એમ.બી.બી.એસ.’ કે ‘તીન માર’ને યાદ કરી શકાય. તેમની નોંધપાત્ર હિન્દી ફિલ્મોમાં ‘નામ’ (૧૯૮૬), ‘શિવા’, ‘મોહરા’, ‘તમન્ના’, જેમાં તેમણે હિજડાની ભૂમિકા ભજવી હતી, ‘ઐતરાઝ’, ‘ટેબલ નંબર ૨૧’, ‘ઝીલા ગાઝીયાબાદ’ને યાદ કરી શકાય. તેમણે કોમેડિયન તરીકે પણ નામ કાઢ્યું છે. જેમાં ‘અંદાઝ અપના અપના’, ‘ચાચી ૪૨૦’, ‘હેરા ફેરી’, ‘નાયક’, ‘આંખેં’, ‘આવારા પાગલ દીવાના’, ‘હંગામા’, ‘હલચલ’, ‘દીવાને હુએ પાગલ’, ‘ગરમ મસાલા’, ‘ફિર હેરા ફેરી’, ‘ગોલમાલ: ફન અનલીમીટેડ’, ‘ભાગંભાગ’, ‘ભૂલ ભુલૈયા’, ‘વેલકમ’, ‘ઓયે લકી! લકી ઓયે!’, ‘અતિથી તુમ કબ જાઓગે?’, ‘ઓ.એમ.જી. – ઓહ માય ગોડ!’ કે ‘વેલકમ બેક’ (૨૦૧૫)ને યાદ કરી શકાય.
મુંબઈના નાગર બ્રાહ્મણ પરિવારમાં પરેશભાઈનો જન્મ. તેઓ ૧૯૭૯ના મીસ ઇન્ડિયા મોડેલ અને અભિનેત્રી સ્વરૂપ સંપતને પરણ્યા છે. તેમને આદિત્ય અને અનિરુદ્ધ નામે બે દીકરા છે. પરેશ મુંબઈની વિલે પાર્લેની નરસી મોનજી કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થી છે. ફિલ્મોમાં આવતા પહેલાં અને પછી પણ પરેશ રાવળે અનેક ગુજરાતી – હિન્દી નાટકો કર્યા છે. સુરતના દર્શકોએ પરેશભાઈના અનેક નાટકો જોયા છે. અમે તેમના ‘તોખાર’ના અભિનયને ભૂલી ન શકીએ. છેલ્લે તેઓ ‘ડીયર ફાધર’ ગુજરાતી નાટકમાં પણ ખુબ સફળ થયા છે. ફિલ્મોમાં તેઓ ‘અર્જુન’ (૧૯૮૫)માં સહાયક ભૂમિકામાં આવ્યાં. બીજે વર્ષે ‘નામ’માં તેમના કામથી તેઓ અભિનેતા રૂપે જામી ગયા. ત્યારથી એંશી અને નેવુંના દાયકામાં તેઓ વિલન રૂપે ખુબ જામ્યા, જેમાં ‘કબ્ઝા’, ‘કિંગ અંકલ’, ‘રામ લખન’, ‘દૌડ’, ‘બાઝી’ યાદ કરી શકાય. નેવુંના દાયકામાં તેમણે પડદા પર કોમેડી પણ કરવા માંડી. આજે તેઓ એક સોથી વધુ ફિલ્મોના અભિનેતા રૂપે જાણીતા છે.
‘હેરા ફેરી’માં પરેશભાઈ એવાં જામ્યા કે ત્યાર બાદ તેમને ફિલ્મોની મુખ્ય ભૂમિકા પણ મળવા લાગી. ‘હેરા ફેરી’ (૨૦૦૦)માં તેઓ ઓછા બોલા, ચબરાક, દયાળુ મકાન માલિક બાબુરાવ ગણપતરાવ આપ્ટે રૂપે અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીને પેઈંગ ગેસ્ટ રૂપે તેમના ઘરમાં રાખતા હતાં. એ ફિલ્મની સફળતાનું શ્રેય પરેશ રાવળને આપવું જોઈએ. તે ભૂમિકા માટે તેમને ફિલ્મફેનો બેસ્ટ કોમેડિયન એવોર્ડ પણ મળ્યો. ત્યાર બાદ ‘ફિર હેરા ફેરી’ (૨૦૦૬)માં પણ તેમણે એજ પાત્ર નિભાવ્યું, જેને પણ સફળતા મળી. તેજ રીતે ‘આંખેં’ (૨૦૦૨)માં અમિતાભ બચ્ચન, આદિત્ય પંચોલી, અક્ષય કુમાર, અર્જુન રામપાલ અને સુસ્મિતા સેન જેવા કલાકારો સાથે પરેશભાઈએ બેંક લુંટનારા ત્રણ પૈકીના એકની ભૂમિકા કરી હતી. પછી તો કોમેડી મલ્ટીસ્ટારર ફિલ્મોમાં પરેશ રાવળ જરૂર દેખાતા. જેમાં ‘આવારા પાલગ દીવાના’, ‘હલચલ’, ‘ગરમ મસાલા’, ‘હંગામા’, ‘માલામાલ વીકલી’, ‘ગોલમાલ’, ‘ચૂપ ચૂપ કે’, ‘ભાગંભાગ’, ‘ભૂલ ભુલૈયા’, ‘વેલકમ’, ‘મેરે બાપ પહલે આપ’ કે ‘દે ધનાધન’ યાદ કરી શકાય. ૨૦૧૦માં તેઓ ઓનર કિલિંગ જેવા ગંભીર વિષય પર ‘આક્રોશ’ ફિલ્મમાં પણ દેખાયા. તો ૨૦૧૨ની પરેશ રાવળ નિર્મિત ‘ઓહ માય ગોડ!’ સુપરહીટ રહી. જ્યાં પરેશ મુખ્ય ભૂમિકામાં હતા અને મિત્ર અક્ષય કુમાર ભગવાનની સહાયક ભૂમિકામાં હતા. બંનેના ખુબ વખાણ થયાં હતાં. સંજય દત્તના જીવન પરથી બનેલી ‘સંજુ’માં તેમણે સુનીલ દત્તની યાદગાર ભૂમિકા નિભાવી છે.
ટેલીવિઝન પર પરેશભાઈએ એંશીના દાયકામાં દૂરદર્શનની ‘બનતે બિગડતે’માં રીટા ભાદુરી સાથે કામ કર્યું હતું. તો ‘ચુનૌતી’ નામની કોલેજ કેમ્પસના વિષયવાળી શ્રેણીમાં પણ કામ કર્યું હતું. તેમણે અનેક હિન્દી શ્રેણીઓનું નિર્માણ કર્યું છે. જેમાં ઝી ટીવી પરની ‘તીન બહુરાનિયાઁ’, સહારા ટીવી પર ‘મૈ ઐસી કયું હું’ કે કલર્સની ‘લાગી તુજ સે લગન’ યાદ કરી શકાય. તેઓ નરેન્દ્ર મોદી પર બનનારી બાયો-પીકમાં પણ દેખાશે. તેમની બીજી નિર્માણ રૂપી ફિલ્મ પણ આવી રહી છે. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં પરેશ રાવળ અમદાવાદ પૂર્વમાંથી ભારતીય જનતા પક્ષ તરફથી ચૂંટણી લડીને જીત્યા હતા, જોકે ૨૦૧૯માં તેઓ ચૂંટણી લડ્યા નહોતા. ટૂંકમાં, પરેશ રાવળ પ્રત્યે ગુજરાતી
નાટકના પ્રેક્ષકોથી માંડી હિન્દી ફિલ્મોના દર્શકો ફિદા છે.
‘મે માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી સાભાર – શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
प्रतिमेत याचा समावेश असू श्‍ाकतो: 1 व्‍यक्ती

Leave a comment

Filed under Uncategorized