Daily Archives: જુલાઇ 26, 2020

રાશોમન ઇફેક્ટ: એક ઘટના પણ સમજણ દરેક જણની અલગ/

રાશોમન ઇફેક્ટ: એક ઘટના પણ સમજણ દરેક જણની અલગ
શબ્દ કવિતા:
નાની અમથી વાત પર,
જાય છે સૌ જાત પર ! ધારણા જન્મે-મરે,
થઈ ગયું કે થાત પર ! -લક્ષ્મી ડોબરિયા
શબ્દ સમાચાર ૧. ઉદ્ધવ ઠાકરે કોરોનાગ્રસ્ત મહારાષ્ટ્રનો ઉદ્ધાર કરવામાં વ્યસ્ત છે. તેઓ મુખ્ય મંત્રી છે પણ ચૂંટાયા નથી. છ મહિનાની અવધિમાં ન ચૂંટાય તો સિંહાસન ત્યાગ કરવો પડે. લોક દ્વારા સીધાં ચૂંટાઈને વિધાનસભા અથવા વિધાનસભ્યો કે રાજ્યપાલ દ્વારા ચૂંટાઈને વિધાન પરિષદનાં સભ્ય બનવું જરૂરી છે. ચૂંટણીની પ્રક્રિયા કોરાનાને કારણે કોરાણે મુકાઇ ગઈ છે. સોરી, મુકાઇ ગઈ હતી. હવે ચૂંટણી થશે. મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને ફોન કરે અને બીજે દિવસે વિધાનસભ્યોની ખાલી પડેલી જગ્યાઓની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ જાય છે. આવું કેમ બન્યું? ન્યૂઝ-૧૮ આ ઘટનાનાં સમાચારનું મથાળું બાંધે છે: ‘રાશોમન ઇફેક્ટ ઇન મહારાષ્ટ્ર’.
શબ્દ સમાચાર ૨. કોરોના વાઇરસ ચીનમાં શરૂ થયો. કોવિડ-૧૯ એટલે સને ૨૦૧૯ માં શરૂ થયેલો ‘કોરો’ના ‘વા’ઇરસ ‘ડી’સીઝ. શરૂઆતમાં ચીન માટે સ્વાભાવિક સહાનુભૂતિ હતી પણ પછી વિશ્વ આખામાં ફેલાયો એટલે ચીન સામે માહિતી છૂપાવવા અને વિશ્વનાં દેશોને ગેરમાર્ગે દોરવાનાં પ્રયાસની ટીકા થઈ રહી છે. મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડીફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલેસિસમાં આ વિષય ઉપર લખાયેલાં લેખનું શીર્ષક છે: ‘પેન્ડેમિક એન્ડ પાવર નરેટિવ્સ: ધ રાશોમન ઇફેક્ટ’.
શું છે આ ‘રાશોમન ઇફેક્ટ’ (Rashomon Effect)?
શબ્દ વાર્તા: ‘રાશોમન’ નામની એક જાપાનીઝ સાયકોલોજીકલ ક્રાઇમ થ્રિલર ફિલ્મ ૧૯૫૦માં બની હતી. ફિલ્મની પૃષ્ઠભૂમિ આઠમી સદીનું ક્યોટો શહેર. એનાં દક્ષિણ દ્વારનું નામ હતું રાશોમન. ફિલ્મની શરૂઆતમાં વરસાદથી બચવા એક ધર્મગુરુ અને એક કઠિયારો રાશોમન દ્વાર નીચે ઊભા હોય છે. ત્યાં એક સામાન્ય નાગરિક આવે છે. કઠિયારો એને ત્રણ દિવસ પહેલાં બનેલી એક અજૂગતી ઘટનાની વાત કહે છે. જંગલમાં લાકડાં કાપવા ગયો ત્યારે એક સ્ત્રીની હેટ મળી. પછી આગળ એક ડાકુનું ફાળિયું, પછી રસ્સીનો ટૂકડો, એક તાવીજ અને.. આખરે મળી આવી એક લાશ. એ ભાગી છૂટ્યો અને સત્તાવાળાઓને જાણ કરી. ધર્મગરુએ કહ્યું કે એ દિવસે એણે એક સમુરાઈ(સૈન્ય અધિકારી)ને એની પત્ની સાથે જંગલમાં જોયા હતા. ઘટના આમ તો દેખીતી છે. જંગલમાં એક ડાકુ સમુરાઈને પકડીને બાંધી દે છે અને પત્ની પર બળાત્કાર કરે છે. તે પછી સમુરાઈને મારી નાંખે છે, જેની લાશ કઠિયારાંને મળી આવે છે. ડાકુ કોર્ટમાં કહે છે કે એણે સમુરાઈને છેતર્યો હતો, એમ કહીને કે ગાઢ જંગલમાં એની પાસે પ્રાચીન તલવારોનો ખજાનો છે. જંગલમાં એણે ચાલાકીથી સમુરાઈને ઝાડ સાથે બાંધી દીધો. પછી પત્નીને ત્યાં લઈ આવ્યો. પત્નીએ એક કટારીથી ડાકુ પર હુમલો કર્યો પણ આખરે એને શરણે થઈ ગઈ. શરીર સંબંધને કારણે એને અપરાધ કર્યો છે- એવી લાગણી થઈ આવી અને એણે ડાકુને કહ્યું કે તું મારા પતિ સાથે ખરાખરીની લડાઈ કર. ડાકુએ એમ કર્યું. સામે સમુરાઈ પણ બહાદૂરીપૂર્વક લડ્યો પણ મૃત્યુ પામ્યો. પત્ની ત્યાંથી ભાગી છૂટી. હવે આ જ ઘટના વિષે પત્નીની જુબાની કાંઇ જુદી હતી. એણે કહ્યું કે ડાકુએ એની ઉપર બળાત્કાર કર્યો અને જતો રહ્યો. પછી એણે પતિને બંધનમુક્ત કર્યા અને એક ડાકુ સાથે શરીર સંબંધને કારણે અપવિત્ર થયેલી પત્નીને માફ કરી દેવા પતિને વિનંતી કરી. પતિ બસ એની સામે તાકીને જોતો રહ્યો. પત્નીની આજીજી અને પતિની નારાજગી. પત્ની આખરે બેહોશ થઈ ગઈ. હોંશમાં આવી તો બાજુમાં પતિની લોહિયાળ લાશ પડી હતી. હવે આ જ ઘટનાનું ત્રીજું વર્ઝન એટલે સમુરાઈ પતિની કેફિયત જે કાંઇ અલગ જ હતી. તમે કહેશો કે પતિ તો મરી ચૂકયો છે પણ મૃતાત્મા સાથે વાત કરવાની વિદ્યાનો ઉપયોગ કરીને એની વાત જાણી. પતિએ કહ્યું કે પત્ની ઉપર બળાત્કાર કર્યા બાદ ડાકુએ એને એની સાથે આવવા કહ્યું. પત્ની તૈયાર ગઈ પણ એક શરતે કે ડાકુ એનાં પતિને મારી નાંખે, જેથી બે પુરુષો સાથે એને સંબંધ છે, એવી નામોશીમાંથી બચી જાય. ડાકુને ભારે નવાઈ લાગી. ઊલટાનું એણે સમુરાઈને બંધનમુક્ત કર્યો અને કહ્યું કે તું તારી પત્નીને મારી નાંખ અથવા એને જીવતી જવા દે. ચોઈસ ઈઝ યોર્સ. પણ પત્ની ત્યાંથી ભાગી છૂટી. ડાકુએ એને પકડવાની કોશિશ કરી પણ એ હાથ ન આવી. ડાકુ ત્યાંથી જતો રહ્યો. આ ઘટનાથી વ્યથિત સમુરાઈએ આખરે આત્મહત્યા કરી. રોશમન ગેટ નીચે આ વાત થતી હતી ત્યારે કઠિયારાંએ કહ્યું કે આખી ઘટના ખરેખર સાવ જુદી જ હતી. એણે પોતે બળાત્કાર અને હત્યા જોઈ હતી. પણ આ આ ઝમેલામાં પડવું નહીં, એવું વિચારીને કાંઇ બોલ્યો નહોતો. આમ ચાર વ્યક્તિઓની બયાની અલગ અલગ હતી. પોતાની સગ્ગી આંખથી જોયું હોય એ તો માની જ શકાય ને? કે પછી જેવું માનતા હોય એવું દેખાય?!!!
શબ્દ પૃથક્કરણ: આ વ્યક્તિગત સ્મૃતિ અને સમજણની વાત છે. કોઈ જટિલ અને સંદિગ્ધ ઘટના બને ત્યારે વિચારવું, જાણવું અને યાદ રાખવું- સૌનું અલગ અલગ હોય છે. સાંપ્રત સમયમાં મીડિયા કે સોશિયલ મીડિયા એક જ ઘટનાને અલગ અલગ રીતે લેતી હોય છે. અખબારોની હેડલાઇન્સ જુદી જુદી હોય એ ‘રાશોમન ઇફેક્ટ’ છે. ઉદ્ધવ ઠાકરે સાહેબની ખુરશી બચી, એને કોઈ કોઈ લોકો ભાજપ અને શિવસેનાની ‘યે નજદીકિયાં’ સમજી રહ્યું છે. તો કોઈ એવું ય કહે છે કે ઉદ્ધવ ઠાકરેને જો રાજીનામું આપવું પડે તો લોકોમાં સહાનુભૂતિ જાગે, જે ભાજપને ભારે પડે. કોઈ એવું ય માને છે કે આ શરદ પવારનું સૂચન છે. ભાજપ જતે દહાડે શરદ પવારની ચાણક્ય નીતિનો લાભ લેવા માંગે છે. આપણે આંધળાનો હાથી વાર્તા જાણી છીએ. જે આંધળો હાથીનાં પગને અડે તો એને લાગે કે હાથી થાંભલા કેવો છે. કાનને અડે એને સૂપડાં જેવો, પૂંછડીને અડે એને દોરડી જેવો અને પેટને અડે એને દીવાલ જેવો લાગે. રાશોમન ઇફેક્ટની આ આપણી દેશી આવૃત્તિ છે. ફરક એટલો કે પેલાં આંધળા છે અને રાશોમનમાં ચશ્મદીદ ગવાહ છે. પણ સમજણ બધાની જુદી છે. સાચું શું છે? એ તો કોઈને ખબર નથી. સૌ પોતાનું સત્ય ગળે ટાંગીને ફરે છે. કોણ કહે છે કે સત્ય બિનશરતી છે? એબ્સોલ્યુટ ટ્રુથ, કન્ડિશન્સ એપ્લાઇડ!
શબ્દ શેષ:
“લોકો સત્ય સાંભળવા માંગતા નથી કારણ કે તેઓ તેમની ભ્રમણા ભાંગવા માંગતા નથી.” -જર્મન ફિલોસોફર ફ્રેડરિચ નિત્સે (૧૮૪૪ -૧૯૦૦)
छायाचित्राचा तपशील उपलब्ध नाही.
પરેશ વ્યાસ

Leave a comment

Filed under Uncategorized