Daily Archives: જુલાઇ 30, 2020

સઘળું એબ્સર્ડ છે…./પરેશ વ્યાસ

સઘળું એબ્સર્ડ છે…..
રોજ રોજ કોવિડ-૧૯ બુલેટિન આવતું રહે છે. આજે આટલાં મર્યા, આટલાં સાજા થિયાં, આટલાં નવાં રોગી પેદા થિયાં. આ એવો સેન્સેક્સ છે, જેમાં ઝાઝી વધઘટ નથી. ગુજરાતનો નવા કેસનો આંકડો દરરોજ ૪૦૦નાં આળેગાળે અટકે છે. રોજ ૨૦-૩૦ લોકો મરે છે. મરણ પણ મોનોટોનસ થઈ ગયું છે, બાપ! પણ.. હવે સઘળું અનલૉક થતું જાય છે. સરકારને હવે માનવીની તંદુરસ્તી કરતાં મનીની દુરસ્તી વધારે ઇમ્પોર્ટન્ટ લાગે છે. સરકાર કિયે છે, કરે છે તો હાચું જ હશે. જાન હૈ તો જહાં હૈ પણ મની હૈ વો મહાન હૈ! હેં ને?
વતનની રાહમેં વતનકે કેટલાંય મજૂરો શહીદ થઈ ગયા. ગમે તે હોય પણ આ સરકાર નામ સરસ ગોતી કાઢે છે. શ્રમિક સ્પેશ્યલ ટ્રેન, આત્મનિર્ભર સહાય યોજના વગેરે. ‘આત્મનિર્ભર’ અને ‘સહાય’ એ બે શબ્દો જો કે એક બીજા સાથે મેચ થતાં નથી. પણ એ જાવા દ્યો. હવે લોકો માટે મોઢું કોઈને દેખાડવા જેવું રહ્યું નથી. અરે ભાઈ, ઢાંકો રે ઢાંકો. માસ્ક મરજિયાત નથી. જરાય નહીં. અને સાબુ કે સેનેટાઈઝરથી હાથ ધો ધો કરવા, આપણો ધરમ થઈ ગયો છે. કામકાજ અને ખરીદ-વેચાણ આજકાલ ઓનલાઈન છે. ના, રાજકારણનું ખરીદ-વેચાણ ઓનલાઈન નથી. હે મારા પ્રિય એમએલએ-ઓ, રૂપિયા પૈસા દૂધે ધોઈને નહીં પણ સાબુથી ધોઈને લેજો. વાઇરસ હોય તો? આમ અમને ચિંતા તો થાય ને?
આજકાલ સામાજિક દૂરી જરૂરી છે. પણ હે ભાયું બેનો, સામાજિક માધ્યમો(સોશિયલ મીડિયા)થી દૂરી નથી. ત્યાં અનેક અફવા વાઇરલ થતી રહે છે. સરકાર વિરુદ્ધ અફવા હોય તો એને શરૂ કરનાર જણનું આઇપી એડ્રેસ ગોતીને સરકાર એને ધરબી દેય છે. પણ સરકારની પ્રશસ્તિ કરતી અફવા બેરોકટોક રમણે ચઢે છે. ભક્તોની નીતિરીતિ જીગર મુરાદાબાદીનાં શેર જેવી છે: સાકીપે ઈલઝામ ન આયે, ચાહે મુઝ તક જામ ન આયે. સરકાર તો બૌ હારી સે બાપ!
કોઈ પણ લોકશાહી ચાર થાંભલા ઉપર ટકી હોય છે. રાજતંત્ર, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર અને અખબારીતંત્ર. પહેલાં બે થાંભલા તો એકાકાર થઈ ગયા હતા. હવે ન્યાયતંત્ર પણ હા એ હા કરે છે, એવા આક્ષેપ થઈ રહ્યાં છે. અખબારી તંત્ર વિષે વાત કરીએ તો કેટલાંકને બાદ કરતાં બાકી બધાં સરકારી ભાટાઈમાંથી ઊંચા નથી આવતા. ‘ગોદી મીડિયા’ શબ્દ કાંઇ અમથો ચલણમાં છે? હવેની લોકશાહી એકદંડિયો મહેલ છે. પ્રજા એ મહેલમાં કેદ રાજકુમારી છે. તો ….બોલો એમાં ખોટું શું છે? રાજકુમાર આવે અને રાજકુમારીને છોડાવીને લઈ જાય એનાં કરતાં મહેલમાં ક્વોરેન્ટાઇન કરેલી રાજકુમારી સેઇફ છે. ઠીક છે બધું.
હવે સરકાર ઉપર ભક્તોનાં પ્રેસરથી ભગવાનનાં દ્વાર ખૂલ્યા છે. શ્રદ્ધા, આસ્થા, પૂજા, ભક્તિ માસ્ક સાથે સેનેટાઇઝ્ડ થઈ ચૂકી છે. અંતે, આદિ કવિ નરસિંહ મહેતાનું પ્રભાતિયું એમની ક્ષમા યાચના સાથે: રાત રહે જાહરે પાછલી ખટઘડી, સૌ પુરુષ સ્ત્રીઓએ સૂઈ રહેવું. જોગિયા, વેદિયા અને વૈષ્ણવોએ અનુક્રમે જોગ, વેદ અને કૃષ્ણનું ગાન કરવું પણ ભોગિયાઓએ ભોગ શા માટે છોડવા?- (એ સમજાતું નથી). પતિવ્રતા નારી વિષે કહ્યું છે પણ પત્નીવ્રતા નરનો ધર્મ શું છે?- એ તો રામ જાણે. અથવા કૃષ્ણ જાણે. જો કે આપણે આપણો ધર્મ સંભાળવો, એ જ એક સત્ય છે. નરસિંહ મહેતા મને એ સમજાવે તે પહેલાં મારી આંખો ખૂલી જાય છે. મને લાગે છે કે આ સાલું સઘળું એબ્સર્ડ છે. કોઈએ કહ્યું હતું કે લાઈફમાં કાંઈ પણ બરાબર ન ચાલે તો ઊંઘી જવું. હું પાછો સૂઈ જાઉં છું. આ મારી પરમ ધ્યાનાવસ્થા છે. મેડિટેશન મેડિકેશન થઈ જાય છે. ઈતિ.
छायाचित्राचा तपशील उपलब्ध नाही.

Leave a comment

Filed under Uncategorized