વરસાદી મોસમ અને આપણે../પરેશ વ્યાસ

Rain Room - AramcoWorld
વરસાદી મોસમ અને આપણે..
મને વીંધતો ચોમાસનો મિજાજ જળબંબોળ;
મુશળધાર પડે સાટકા; રુદિયે ભીના સૉળ. – ભગવતીકુમાર શર્મા
ચોમાસાનાં આગમનની છડી પોકારાઇ ચૂકી છે. વરસાદ અને કવિતાનો આગવો નાતો છે. તમામ સિદ્ધહસ્ત કવિઓએ ઊંચી માંયલા વરસાદી કાવ્યો લખ્યા છે. આ ‘જળબંબોળ’ કાવ્ય પણ ઉત્તમ કોટિની વરસાદી અભિવ્યક્તિ છે. ઉપરોક્ત કાવ્યપંક્તિઓમાં બે શબ્દોનાં ઝુમખાં મઝાનાં છે. પહેલાં બે શબ્દો ‘જળબંબોળ’ અને ‘મુશળધાર’ છે જે વરસાદી મિજાજ બતાવે છે. અને પછીનાં બે શબ્દો ‘સાટકા’ અને ‘સૉળ’ એ વરસાદી મિજાજની અસર બતાવે છે. સાટકા એટલે ટૂંકી લાકડીને છેડે પાતળી સાટ બાંધી કરવામાં આવતો કોરડો કે ચાબૂક. અને સૉળ એટલે લાકડી વગેરેના મારનો શરીર ઉપર થતો પાતળો લાંબો સોજો, ભરોડ…. આ વરસાદ સાલી અઘરી માયા છે. નહીં?! અને આપણાં નવોદિત કવિઓ તો વરસાદને જોઇને જ ગહેકવા માંડે છે. અરે, કવિતામાં જેને કાંઇ ટપ્પાં ન પડે એવા લોકો ય વરસાદ આવે એટલે દેખાદેખીમાં વોટ્સ એપ કે ફેસબૂક ઉપર કવિતાઓ લઇને મચી પડે છે. ઇન ફેક્ટ, સોશિયલ મીડિયા ઉપર અપલોડ કે ફોરવર્ડ કરવામાં આવતા સંદેશાઓમાં વર્ષા કાવ્યો અને વરસાદી કાવ્યસંગીતનો રાફડો ફાટે છે. ચાલો એ જવા દઇએ. આપણે રહ્યાં સામાન્ય સિટિઝન્સ. વરસાદ આપણે માટે તો અનેક અઘરાં પ્રયોજન લઇને આવે છે. અમે કબૂલીએ છીએ કે આપણી પ્રેમકથાઓમાં વરસાદનું આગવું પ્રદાન છે. અને આપણી જીવનકથાઓ પણ વરસાદ પર આધારિત છે. આપણો રોમાન્સ અને આપણી ઇકોનોમી બન્ને રેઇન આધારિત છે. કેવું કોમ્બિનેશન છે આ કે જે આવે છે ત્યારે આપણે કેર-ફ્રી થઇ જઇએ છીએ, કેર-ફુલ આપણને થવું પડે છે પણ જો કેર-લેસ થઇએ તો આપણી માઠી થઇ જાય.
ચોમાસું આવે ત્યારે થોડી વસ્તુઓ થાય જ. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જાય. વાહનો ચાલતા ચાલતા અટકી જાય. રસ્તાઓ તૂટી જાય. ખાડાખબડાથી કેડ અને કપડાં બચાવીને ચાલવું પડે. ચોમાસામાં ગંદવાડ વધે, મંદવાડ વધે. છીંક આવે, ખાંસી થાય, છીંકાછીંક થાય. મેલેરિયા, ડેંગુ થાય. ઝિકાની ઝીંકઝીંક પણ વધી જાય. સાદો તાવ, ઝેરી તાવ અને ઘણું બધું. આપણે સાચવવું. કવિઓ, ગીતકારો તો વરસાદ ભીંજાઇ જવા ઇજન આપે. પણ.. આપણે સાચવવું. હેં ને?
રસ્તે વેચાતી ખાણીપીણી આરોગવામાં જોખમ રહેલું છે. ખાણી અને પીણી બન્ને પ્રદૂષિત હોય અને આપણી પ્રતિકારક શક્તિ ઓછી હોય. ભીંજાવામાં હીરોગીરી નથી. પણ સંજોગવશાત ભીંજાઇ જઇએ તો ઘરે પહોંચીને શરીર લૂંછી સૂકા વસ્ત્રો ધારણ કરી લેવા જોઇએ. મચ્છરથી બચવાની જવાબદારી તો સરકારે આપણી પર જ નાંખી દીધી છે. ઘર અને કામકાજની જગ્યાઓએ અંદર અને બહાર મચ્છરોને પેદા ન થવા દેવા અને પેદા થઇ ગયા હોય તો એનાં ડંખથી બચવું આપણા હિતમાં છે. મચ્છરદાની કે મચ્છર ભગાડો ક્રીમ કે રીપેલન્ટ જરૂરી બની જાય છે. કડવો લીમડો સારો. ન્હાવામાં અને ધુમાડો કરવામાં. લાંબા સુતરાઉ વસ્ત્રો સારાં. ભેજ હોય તો ચામડીનાં રોગ થાય. એમાં ય ખંજવાળીએ તો તો ચર્મરોગ વકરે. ગરમ પીણાંનું સેવન ઇચ્છનીય. ચા સાથે તુલસી, ફુદીનો, હળદર, આદુ અને લીલી ચાનાં ફાયદા અનેક. ગરમ સૂપ સારું. કાચું શાકભાજી, સલાડ ખાવું નહીં. ખાવું જ હોય તો વરાળમાં બાફેલું સલાડ ખાઇ શકાય. શાકભાજી હૉલસેલમાં ખરીદવા નહીં. એકીસાથે રાંધવા પણ નહીં. જૂતા, મોજા, ચાદર, ઓશીકા અને રેઇનકોટ સૂકા હોવા જોઇએ. કારણ? કારણ કે આપણે એમાં હોઇએ..
તમે કહેશો કે આલ્લે લે.. આ તો અમને ખબર જ છે. એમાં નવું શું છે? બસ એ જ કે ર.પા. ભલે કહે કે પગનાં અંતરયાળપણાંને ફળિયામાં ધક્કેલો રે, વરસાદ ભીંજવે કે પછી હરીન્દ્ર દવે કહે કે ચાલ વરસાદની મોસમ છે વરસતા જઇએ પણ આપણે તો ઘરમાં રહીને સોશિયલ મીડિયામાં ભીંજવા ભીંજાવવાની રમત રમ્યા કરવી. આદિલ મન્સૂરી ભલે લખી ગયા કે રેઇનકોટ, છત્રીઓ, ગમશૂઝ , વોટરપ્રૂફ હેટ્સ , માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં.. પણ ભીંતને ચણતા જરૂરી છે. જમાનો એવો છે. રોગનો આતંકવાદ અટકાવવો જરૂરી છે. શુષ્ક રહેવું, સ્વચ્છ રહેવું, સ્વસ્થ રહેવું…તંઇ શું?

1 ટીકા

Filed under Uncategorized

One response to “વરસાદી મોસમ અને આપણે../પરેશ વ્યાસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.