Daily Archives: સપ્ટેમ્બર 2, 2020

અભિનેતા અને સામાજિક કાર્યકર સદાશિવ અમરાપુરકર

અભિનેતા અને સામાજિક કાર્યકર સદાશિવ અમરાપુરકર
મરાઠી અને હિન્દી ફિલ્મોના પ્રતિભાશાળી અભિનેતા સદાશિવ અમરાપુરકર અગર જીવતા હોત તો ૭૦ વર્ષના થાત. ૧૧ મે, ૧૯૫૦ના રોજ અહમદનગરમાં તેમનો જન્મ થયો હતો. તેઓ ૧૯૮૩થી ૧૯૯૯ સુધી અભિનેતા રૂપે પ્રવૃત્ત હતા. ‘સડક’ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ વિલનનો ફિલ્મફેર એવોર્ડ અપાયો હતો. તે ઉપરાંત તેઓ સહાયક ભૂમિકામાં અને છેલ્લે કોમિક રોલમાં પણ જાણીતા બન્યા હતા.
સદાશિવ સ્કૂલ અને કોલેજમાં હતા ત્યારથી જ તેમને અભિનય પ્રત્યે લગાવ હતો. તેઓ પુણે યુનિવર્સીટીમાંથી ઇતિહાસના વિષયમાં એમ.એ. થયા હતા. ત્યારે પણ તેઓ નાટકોમાં કામ કરતા હતા. તેઓ નાટકોના સિદ્ધહસ્ત અભિનેતા, દિગ્દર્શક અને લેખક પણ હતા. નાટકો અને ફિલ્મો માટે તેમને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના અનેક એવોર્ડ પણ મળ્યાં હતાં. ગોવિંદ નિહાલાનીની ‘અર્ધ સત્ય’ (૧૯૮૩) તેમની પહેલી જ ફિલ્મ હતી, જેને માટે તેમને ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો. હિન્દી, મરાઠી, બંગાળી, ઓરિયા, હરિયાણવી, તેલુગુ અને તમિલ ફિલ્મો મળીને સદાશિવે ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. ૧૯૯૩માં ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા માટે એવોર્ડ આપવાનું શરૂ થયું હતું અને પહેલો જ એવોર્ડ સદાશિવ અમરાપુરકરને ફિલ્મ ‘સડક’ની વિલનની ભૂમિકા માટે મળ્યો હતો. તો એજ વર્ષે તેમણે ફિલ્મ ‘આંખે’માં ઇન્પેક્ટર પ્યારે મોહનની કોમિક ભૂમિકા પણ કરી હતી, જેને માટે તેમના વખાણ થયા હતાં.
સદાશિવ સામાજિક રીતે અગ્રણી હતાં, ઉદાર સખાવત પણ કરતા. ડૉ. શ્રીરામ લાગૂ અને અન્યો સાથે સદાશિવે ‘લગ્નાચી બેડી’ મરાઠી નાટક ભજવીને પચાસ લાખ રૂપિયાની સખાવત સામાજિક કાર્યકરોને મદદરૂપ થવા માટે ઉઘરાવ્યા હતાં. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના તેઓ ટ્રસ્ટી અને સક્રિય સભ્ય હતા. દેહવેપાર કરનારી મહિલાઓ અને તેમના એચ.આઈ.વી. ગ્રસ્ત બાળકો માટે ચાલતા અહમદનગરના સ્નેહાલયના પણ તેઓ ટ્રસ્ટી હતા. નર્મદા બંધના સરદાર સરોવરના ડૂબક વિસ્તારના લોકોના પુનઃવસવાટ માટેના નર્મદા બચાવો આંદોલન સાથે પણ તેઓ જોડાયા હતા. લોકશાહી પ્રબોધન વ્યાસપીઠ નામની એક બિનરાજકીય પ્રવૃત્તિ સાથે જોડાઈને મતદારના અધિકાર અને લોકશાહી માટે જાગૃતિ લાવનાર મંચ સાથે પણ તેઓ જોડાયા હતા. અહમદનગર ઐતિહાસિક વસ્તુ સંગ્રહાલય માટે પણ તેમણે ભંડોળ એકઠું કરવામાં મદદ કરી હતી. જનજાગૃતિ લાવવા માટે અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાતા હતા. ગ્રામીણ યુવાનોના વિકાસ માટેની કોઈ પણ પ્રવૃત્તિ માટે તેઓ તરત જોડાતા રહેતા. થાણેના માનસિક રોગીઓ માટેની સંસ્થા સાથે ‘વોકેશનલ એજ્યુકેશન ડિરેક્શન એન્ડ હાર્મોની’ – વેધ- સાથે પ્રવૃત્ત રહી અહમદનગરની શાળાના બાળકો, વાલીઓ અને શિક્ષકોને માટે વર્ષમાં એકવાર જઈ તેમને કારકિર્દી માર્ગદર્શન તેઓ એકાદ દાયકા સુધી આપતા રહ્યા હતા.
સદાશિવને વાચનનો ભારે શોખ હતો. તેઓ મરાઠી અને હિન્દી પુસ્તકોનો પ્રચાર કરતા, સામાજિક મુદ્દે અખબારો-સામયિકોમાં અનેક લેખો લખતા અને પુસ્તક પ્રકાશન પણ કરતા. તેમણે હેલેન કેલરના જીવન પરથી બનેલા નાટકનું ‘કીમિયાગર’ નામનું પુસ્તક લખ્યું છે તો ઉભરતા અભિનેતાઓ માટે ‘અભીનાયાચે સાહા પાઠ’ (અભિનયના છ પાઠ) પુસ્તક પણ તેમણે લખ્યું છે. આટલી બધી પ્રવૃત્તિઓ ઉપરાંત તેઓ સમય કાઢીને તેઓ ફોટોગ્રાફી અને સ્કેચ દોરવાનો પણ શોખ ધરાવતા હતા. તેઓ એક અદભુત વક્તા હતા, સંવેદનશીલ માનવ હતા, જેમણે જરૂરતમંદ લોકો માટે પોતાનો વજનદાર અવાજ ઉઠાવ્યો હતો.
મરાઠી નાટકોથી પોતાની કારકિર્દી શરૂ કરનાર સદાશિવે ૫૦ જેટલાં નાટકોના અભિનય-દિગ્દર્શન કર્યા બાદ મરાઠી ફિલ્મ ‘૨૨ જૂન, ૧૮૯૭’ નામની મરાઠી ફિલ્મમાં બાળ ગંગાધર તિલકની ભૂમિકાથી પડદા પર પદાર્પણ કર્યું હતું. પછી આવી ‘અર્ધસત્ય’ જેનાથી તેઓ જાણીતા બન્યા. ખાસ કરીને સદાશિવની સંવાદ અદાયગીના વખાણ થયા. પછી ‘પુરાના મંદિર’, ‘નાસૂર’, ‘મુદ્દત’, ‘જવાની’ અને ‘ખામોશ’ જેવી ફિલ્મો મળી. ૧૯૮૭માં તેઓ ધર્મેન્દ્રની ‘હુકુમત’માં મુખ્ય વિલન બન્યા, જે ખુબ સફળ થઇ. પછી તેઓ વિલન રૂપે ‘મોહરે’, ‘ખતરો કે ખિલાડી’, ‘કાળ ચક્ર’, ‘ઈશ્વર’, ‘એલાન-એ-જંગ’, ‘ફરીસ્તે’, ‘વીરુ દાદા’, ‘નાકા બંધી’ અને ‘બેગુનાહ’માં આવ્યા. નેવુંના દાયકામાં તેઓ સહાયક ભૂમિકા તરફ ગયા અને ‘આંખે’, ‘ઈશ્ક’, ‘કૂલી નંબર ૧’, ‘ગુપ્ત’, ‘આન્ટી નંબર ૧’, ‘જય હિન્દ’, ‘માસ્ટર’, ‘હમ સાથ સાથ હૈ’ જેવી ફિલ્મોમાં આવ્યા. દરમિયાનમાં તેઓ મરાઠી ફિલ્મોમાં પણ વિવિધ ભૂમિકાઓ કરતા રહ્યા. તેમની છેલ્લી ભૂમિકા હિન્દી ફિલ્મ ‘બોમ્બે ટોકીઝ’માં કીમિયો રૂપે હતી.
સદાશિવે સુનંદા અમરાપુરકર સાથે લગ્ન કર્યા હતા, તેમણે ત્રણ દીકરીઓ હતી. તેમની પાછળ પત્ની અને ત્રણ પરિણીત દીકરીઓના પરિવારને મુકતા ગયા હતા. સદાશિવે ૨૦૦૯ની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાતા જાગૃતિ અભિયાનમાં ભાગ લીધો હતો. ઓક્ટોબર, ૨૦૧૪માં તેમને ફેફસાંની બીમારી લાગુ પડી તેમને કોકીલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કર્યા અને ૩ નવેમ્બર, ૨૦૧૪ના રોજ ૬૪ વર્ષની વયે આ મહાન અભિનેતાનું નિધન થયું.
‘મે માસના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકમાંથી – આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
प्रतिमेत याचा समावेश असू श्‍ाकतो: 1 व्‍यक्ती, जवळून आणि बाहेरील

Leave a comment

Filed under Uncategorized