વીજ્ઞાન’ અને ‘ઈશ્વર’+કમાલના કવિ – કૈફી આઝમી

નોવેલ કોરોના (COVID–19)’ વાયરસે આજે ફરીથી આપણને ‘વીજ્ઞાન’ અને ‘ઈશ્વર’ની બરાબર વચ્ચે ખડા કરી દીધા છે. આપણે વીજ્ઞાનના ખોળામાં બેસવું કે ઈશ્વરના ભરોસે રહેવું – એ વીશે તાર્કીક રીતે વીચારવા મજબુર કરે એવી પરીસ્થીતી આજે છે. એક વાત તો સ્વીકારવી જ પડશે કે સાધુ–સન્તો અને કહેવાતા મોટા મોટા ભક્તો પણ કોરોના વાયરસથી બચવા માટે ‘ડૉક્ટર’ નામના ભગવાનની પ્રાર્થના કરવા માટે ‘હૉસ્પીટલ’ નામના મન્દીરમાં જવાનું પસન્દ કરે છે. સોશીયલ મીડીયા પર હજારો મેસેજ ફરતા થઈ ગયા છે કે આપણે ધર્મસ્થાનોમાં ડોનેશન આપવાને બદલે હૉસ્પીટલમાં આપવાની જરુર છે. કોઈકે એમ પણ કહ્યું કે મન્દીરના ઝુમ્મર કરતાં હૉસ્પીટલનું વેન્ટીલેટર વધારે મહત્ત્વનું છે! પલાંઠી વાળીને મન્ત્રજાપ કરનાર મહંતો અને મૌલવીઓ કરતાં મૌનપણે દર્દીની સારવાર કરી રહેલાં નર્સ–ડૉક્ટરમાં સૌને ઈશ્વરનાનો સાક્ષાત્કાર થઈ રહ્યો છે. નર્સ કે ડોક્ટરમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે આપણું આસ્તીક કે નાસ્તીક હોવું કશું જ અનીવાર્ય નથી… આપણું સમજણભર્યું માણસ હોવું જ ઈનફ છે.

ઈશ્વરની ભક્તી કરીશું તો જીવનમાં કોઈ સંકટ નહીં આવે એવા ઘેનમાં સદીઓથી આપણને રાખવામાં આવ્યા છે; પરન્તુ જ્યારે ખરેખર કોઈ વીકટ સંકટ આવે છે ત્યારે આપણને કાં તો સુરક્ષાબળના સૈનીકોની સહાય મળે છે અથવા પોલીસ કે નર્સ–ડૉકટર વગેરેની સહાય મળે છે. જીવનભર જેમની પ્રેરક વાણી સાંભળીને આપણે ધર્મઘેલા બની જઈએ છીએ અને લાખો–કરોડો રુપીયાનાં ડોનેશનો જેમના ચરણે ધરી દઈએ છીએ, તેઓ આપણા સંકટ વખતે ક્યારેય આપણી સાથે હોતા નથી. સુનામી આવે ત્યારે કોઈ સન્ત આપણને બચાવતા નથી, વાવાઝોડું ફુંકાય ત્યારે કોઈ વૈરાગી આપણી વારે આવતો નથી, ધરતીકમ્પ થાય ત્યારે કોઈ ધર્મગુરુ આપણને બચાવતો નથી, કુદરતી કષ્ટ આવે ત્યારે કોઈ કથાકાર આપણી સમ્ભાળ લેતો નથી. દુષ્કાળ આવે ત્યારે કોઈ વેશધારી ‘મહાત્મા’ આપણને મદદ કરતા નથી. ઈશ્વરના નામે આપણને હમ્મેશાં માત્ર અને માત્ર ગુમરાહ જ કરવાના પ્રયત્નો થતા રહ્યા છે. આ કડવું સત્ય સંસારને સમજાવી દેવા બદલ થેંક્યુ, કોરોના!

પૃથ્વીલોક પર આવ્યા પછી માણસે પોતાના અસ્તીત્વની પરવા કરી હોય કે ન કરી હોય, પણ ઈશ્વરના અસ્તીત્વની પરવા ભરપુર કરી છે. મેં અગાઉ એક લેખમાં લખ્યું હતું કે ઈશ્વરે માણસને બનાવ્યો છે કે નહીં એની કોઈ ખબર કે ખાતરી નથી; કીન્તુ માણસે ઈશ્વરને બનાવ્યો છે એ બાબતે કોઈ શંકા પણ નથી! મેં એમ પણ લખ્યું હતું કે ઈશ્વરની શોધ માણસે કરી છે એટલે ઈશ્વરનો આકાર પણ લગભગ માણસને મળતો આવે છે. સપોઝ, ઈશ્વરની શોધ હાથીએ કરી હોત તો આપણને સુંઢવાળો ઈશ્વર મળ્યો હોત. સપોઝ, કાનખજુરાએ ઈશ્વરની શોધ કરી હોત તો અનેક પગવાળો છતાં ક્યારેય ઉભો ન થઈ શકનારો ઈશ્વર આપણને મળ્યો હોત. સાપ અને અજગરે ઈશ્વરની કલ્પના કરી હોત તો પેટ વડે ઘસડાઈને ચાલનારો ઈશ્વર આ જગતને મળ્યો હોત. માછલીએ ઈશ્વરની શોધ કરી હોત તો માત્ર પાણીમાં જ એના અસ્તીત્વનો સ્વીકાર થયો હોત. ખેર, માણસે ઈશ્વરની શોધ કરી એટલે એણે પોતે બનાવેલી મુર્તી કે પ્રતીમાને વીવીધ વસ્ત્રો અને આભુષણો પહેરાવ્યાં. માણસને ખુદની ખુશામત ખુબ ગમતી હોય છે, એટલે એણે ઈશ્વરની ખુશામત માટે સ્તવનો–પ્રાર્થનાઓ, સ્તુતીઓ અને અઢળક ભજનો વગેરેની રચના પણ કરી!

Rohit Shah..

કમાલના કવિ – કૈફી આઝમી

આપણે જેમને કૈફી આઝમી તરીકે ઓળખીએ છીએ તે સૈયદ અખ્તર હુસૈન રીઝવી સાહેબની આજે ૧૮મી પુણ્યતિથિ. ૧૦ મે, ૨૦૦૨ના રોજ ૮૩ વર્ષે તેમનું નિધન થયું હતું. તેઓ મૂળ તો ઉર્દૂ કવિ. હિન્દી ફિલ્મોમાં ઉર્દૂ સાહિત્ય લાવવા માટે કૈફીને હંમેશા યાદ કરાશે. તેમના સાથીઓ સાથે કૈફીએ વીસમી સદીના સૌથી યાદગાર મુશાયરાઓમાં કાવ્યપઠન કર્યું છે.
૧૪ જાન્યુઆરી, ૧૯૧૯ના રોજ ઉત્તર પ્રદેશના આઝમગઢ જીલ્લાના મીઝવા ગામે શિયા મુસ્લિમ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેઓ અભિનેત્રી શૌકત આઝમીને પરણ્યા હતા. તેમની દીકરી શબાના આઝમી ભારતની મહાન અભિનેત્રી છે અને દીકરો બાબા આઝમી જાણીતો સિનેમેટોગ્રાફર છે. માત્ર ૧૧ વર્ષની વયે તેમણે પહેલી ગઝલ લખી હતી અને નાની ઉમરે જ મુશાયરામાં રજૂ કરીને દાદ પણ મેળવી હતી. ઘરમાં કોઈને વિશ્વાસ નહોતો આવતો, બધાં માનતા કે કૈફીએ મોટા ભાઈની ગઝલ વાંચી છે, પણ જયારે મોટા ભાઈએ જણાવ્યું કે એ તેમની ગઝલ નહોતી, ત્યારે બધાંએ મળીને કૈફીને એક વિષય આપી ગઝલ લખવાનું કહ્યું. તે એવી સરસ લખાઈ કે અંતે તેને બેગમ અખ્તરે ગાઈને અમર કરી દીધી. આઝમી પર્શિયન અને ઉર્દૂ શીખતા હતા, પણ ૧૯૪૨ની ‘હિન્દ છોડો’ ચળવળમાં તેમણે અભ્યાસ અટકાવ્યો હતો. તેઓ માર્ક્સીસ્ટ બની ગયા અને ૧૯૪૩થી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડાઈ ગયા હતા. લોકચાહના સાથે આગળ વધતા કૈફી ‘પ્રગતિશીલ લેખક અંદોલન’ સાથે જોડાયા. ૨૪ વર્ષની ઉમરે તો તેઓ કાનપુરની ટેક્સટાઈલ મિલના મજુરોના નેતા બન્યા હતા. જમીનદારના આ દીકરાને પાર્ટીએ મુંબઈ જઈને મજૂરો માટે કામ કરવાનું કહ્યું. હવે તેઓ મુંબઈના મુશાયરા સાથે હતા. ત્યાં તેઓ અલી સરદાર જાફરી સાથે પાર્ટીના પેપર ‘કૌમી જંગ’ માટે કામ કરવા લાગ્યા. ૧૯૪૭માં તેઓ એક મુશાયરા માટે હૈદરાબાદ ગયા જ્યાં શૌકત નામની મહિલાને મળ્યાં, પ્રેમમાં પડ્યા અને તેમની સાથે લગ્ન પણ કર્યા. પછી તો શૌકત આઝમી રંગમંચ અને ફિલ્મોના અભિનેત્રી બન્યાં.
કૈફીના ફિલ્મી કાર્યમાં ગીતકાર, લેખક અને અભિનેતાનું રહ્યું. ૧૯૫૧ની ‘બુઝદિલ’ માટે તેમણે પહેલીવાર ગીતો લખ્યાં જેને સચિનદેવ બર્મને સૂર આપ્યાં. નાનુભાઈ વકીલની ફિલ્મોમાં ગીતો લખ્યાં. જયારે ખ્વાજા અહમદ અબ્બાસ અને બિમલ રોય જેવા દિગ્દર્શકોએ ‘નવી સિનેમા’ માટે પ્રયાસ કર્યા ત્યારે સાહિર લુધિયાનવી, જાં નિસાર અખ્તર, મજરૂહ સુલતાનપુરી અને કૈફી આઝમીએ હિન્દી ફિલ્મોના ગીતોની તરાહ બદલી નાંખી, નવા શબ્દો આપ્યાં. હિન્દી ફિલ્મોના ગીતોમાં આવેલું આ નવું મોજું વર્ષો સુધી ટક્યું. કૈફીએ ચેતન આનંદની ‘હીર રાંઝા’ (૧૯૭૦)ના તમામ સંવાદો કાવ્ય રૂપે જ લખ્યાં. આ બહુ મોટું કામ હતું. તેમણે એમ.એસ. સથ્યુની ફિલ્મ ‘ગર્મ હવા’ (૧૯૭૩)ના ગીતો, સ્ક્રીપ્ટ અને સંવાદ માટે પણ ખુબ સરાહના મળી. શ્યામ બેનેગલની ‘મંથન’ માટે પણ કૈફીએ સંવાદ લખ્યાં. કૈફી આઝમીએ અનેક ફિલ્મોના ગીતો અને સંવાદ લખ્યાં પણ તેઓ જેને માટે યાદ રહેશે તેમાં ‘કાગઝ કે ફૂલ’, ‘હકીકત’ અને ‘હીર રાંઝા’, ‘કોહરા’, ‘અનુપમા’, ‘ઉસકી કહાની’, ‘સાત હિન્દુસ્તાની’, ‘શોલા ઔર શબનમ’, ‘પરવાના’, ‘બાવર્ચી’, ‘પાકીઝા’, ‘હસ્તે જખ્મ’, ‘અર્થ’ કે ‘રઝીયા સુલતાન’ના ગીતો યાદ કરી શકાય. ‘નૌનિહાલ’ (૧૯૬૭) ફિલ્મનું ‘મેરી આવાઝ સુનો’ ગીત તેમણે પંડિત જવાહરલાલ નેહરુના જીવન પર લખ્યું હતું, જેમાં નેહરુજીની અંતીમ યાત્રાના દ્રશ્યો દર્શાવાયા હતાં. તેમની આત્મકથામાં તેમના મહાન સાહિત્યિક કાર્યનો સંગ્રહ કરાયો છે, જેનું શીર્ષક ‘આજ કે પ્રસિદ્ધ શાયર: કૈફી આઝમી’ છે. કૈફીએ પોતાની કવિતાઓનું વાચન પોતાના જ અવાજમાં ઓડિયો બુક ‘કૈફીયાત’ રૂપે રેકોર્ડ કર્યું હતું. ૨૦૦૬માં ‘કૈફી ઔર મૈ’ નામનું નાટક કૈફીની કવિતા, જીવન અને તેમના પત્ની શૌકતની યાદો ‘યાદોં કે રાહગુઝર’ નું લેખન જાવેદ અખ્તરે કર્યું અને તેમણે તે શબાના આઝમી સાથે મંચ પર પણ દેશ-વિદેશમાં રજૂ કર્યું હતું. કૈફીના જીવન અને લેખન આધારિત અન્ય નાટક રાની બલબીર દ્વારા ‘વક્ત ને કિયા ક્યા હસીં સિતમ’ નામે રજૂ થયું હતું. કૈફી આઝમીને પદ્મશ્રીના ઇલકાબથી નવાજાયા હતા, તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ સહિત અનેક સન્માન મળ્યાં હતાં. તે ઉપરાંત ‘સાત હિન્દુસ્તાની’ના ગીત માટે નેશનલ ફિલ્મ એવોર્ડ, ‘ગર્મ હવા’ના સંવાદ અને પટકથા માટે બે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યાં હતા.
કૈફી આઝમીના ગીતો: વક્તને કિયા ક્યા હસીં સિતમ (કાગઝ કે ફૂલ), મેરી આવાઝ સુનો (નૌનિહાલ), ઝૂમ ઝૂમ ઢલતી રાત, યે નયન ડરે ડરે, ઓ બેકરાર દિલ (કોહરા) ધડકતે દિલ કી તમન્ના, આપસે પ્યાર હુઆ જાતા હૈ (શમા), મિલો ન તુમ તો, યે દુનિયા યે મેહફીલ (હીર રાંઝા), યું હી કોઈ મીલ ગયા થા (પાકીઝા), તુમ ઇતના જો મુસ્કુરા રહી હો, કોઈ યે કૈસે બતાયે, ઝૂકી ઝૂકી સી નઝર (અર્થ), શીશા હો યા દિલ (આશા), તુમ જો મીલ ગયે હો (હસતે જખમ).
‘મે માસના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકમાંથી – શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
प्रतिमेत याचा समावेश असू श्‍ाकतो: 1 व्‍यक्ती

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.