હોક્સ:/પરેશ વ્યાસ

Team Trump Can't Erase the Boss' Coronavirus 'Hoax'

હોક્સ:Paresh wrote: “Hoax is the favorite word of Donald Trump. He spoke or tweeted the word 345 times in the year 2019

છલ છલોછલ જૂઠના વરસાદનું મૃગજળ કરે,

સત્યને મારી મરોડી છળ કરે. -યામિની વ્યાસ

‘ગોદી મીડિયા’ શબ્દ આપણે જાણીએ છીએ. એ એવા કોઈ પણ સમાચાર માધ્યમો માટે છે, જે ‘સમ આચાર’ રાખતા નથી. તેઓ કોઈ એક રાજકીય પક્ષ, મોટે ભાગે શાસનમાં હોય એવા પક્ષને વફાદાર હોય છે. એના ખોળો ખૂંદતા હોય છે. નિષ્પક્ષ ખબર એટલે શું?- એની ખબર એમને હોતી નથી. સામાન્ય લોકોનાં બ્રેઇન વોશ કરીને, એને સૂકવીને, પછી ઇસ્ત્રી કરીને તેઓ લોકોને પરત સુપ્રત કરે છે. ક્યારેક ક્યારેક તો લોક-દિમાગનું ડ્રાય-ક્લીન કરવાની ચેષ્ટા કરે છે! પછી તો શું સાચું? કેટલું સાચું?- એ લોકોને સમજાતું નથી. ગોદી મીડિયા સામે જે નિરંતર ગોકીરો કરે છે એ મીડિયા ખુદ પણ ગોદી મીડિયા હોઈ શકે છે. માત્ર ગોદ જ અહીં જુદી છે. કોઈ વિરોધ પક્ષ કે કોઈ સમૂહ (દા.ત. ટૂકડે ટૂકડે ગેંગ)નાં એજન્ડાને લઈને જ તેઓ સતત વાતો કરે, હોબાળો મચાવે. કમળો થયો હોય અને પીળું જ દેખાય- એવો ઘાટ અહીં છે. ના, ભાજપનાં ચૂંટણી ચિહ્ન કમળ સાથે આ રૂઢિપ્રયોગને કોઈ નિસ્બત નથી. તમે કહેશો કે હું એનડીટીવી કે રીપબ્લિક ટીવીની વાત કરી રહ્યો છું. અથવા તો રવિશ કુમાર કે અર્નબ ગોસ્વામીની વાતો કરવાનો છું. પણ ના, આજે આ વાત યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની છે, જ્યાં (પણ આપણી જેમ જ) મીડિયાનું સ્ટેટસ યુનાઈટેડ નથી. એક ફોક્સ ટીવી છે, જે ટ્રમ્પનાં ગુણગાન ગાય છે. જ્યારે બીજી તરફ સીએનએન છે, જેનો એજન્ડા ટ્રમ્પનો વિરોધ છે. તાજા સમાચાર છે કે સીએનએનનાં એન્કર પત્રકાર બ્રિયાન સ્ટેલ્ટરે પુસ્તક લખ્યું છે, જેનું શીર્ષક છે: ‘હોક્સ: ડોનાલ્ડ ટ્રમ્પ, ફોક્સ ન્યૂઝ એન્ડ ધ ડેન્જરસ ડીસ્ટોર્શન ઓફ ટ્રુથ.’ અમેરિકાનાં પ્રેસિડન્ટ, એક ટીવી ન્યૂઝ ચેનલ અને સત્યની ભયાનક વિકૃતિ- એવો ગુજરાતી અર્થ થાય. આજે હોક્સ (Hoax) શબ્દની વાત કરવી છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર એનો અર્થ થાય છે: મજાકમાં છેતરવું, બનાવવું મજાક(માં કરેલી છેતરપિંડી). શબ્દકોશનો અર્થ વાંચીએ તો એવું લાગે કે હોક્સ કોઈ એક જોકની વાત છે, પણ એવું નથી. હોક્સનો અર્થ છે ગંભીર છેતરપીંડી. હોક્સ ન્યૂઝ એટલે લોકોને સમૂચાં ગુમરાહ કરતા સમાચાર. ખોટા અને/અથવા ઉપજાવી કાઢેલા સમાચાર એ હોક્સ ન્યૂઝ છે. આ અજાણતામાં થયેલી ભૂલ નથી. આ બનાવટી સત્ય છે. આ તરકટી સત્ય છે. આ લખવામાં કે અવલોકન કરવામાં રહી ગયેલી ભૂલ નથી. આ અફવા કે માન્યતાની ય વાત નથી. આ લોકવાયકાની વાત નથી. આ એપ્રિલ ફૂલની વાત પણ નથી. આ નકરી અને નફ્ફટ છેતરપીંડી છે. જો કોઈ વ્યક્તિ મસ્તી મજાકનાં અર્થમાં હોક્સ શબ્દનો ઉપયોગ કરે તો હવે એ વ્યાજબી નથી. ગુજરાતી લેક્સિકોને પણ હવે એનાં અર્થમાં યોગ્ય ઉમરેણ કરવું જ રહ્યું. હોક્સ શબ્દનાં મૂળમાં શબ્દ છે: હોકસ-પોકસ (Hocus-Pocus). સત્તરમી સદીમાં જાદૂગર માટે આ શબ્દ વપરાવો શરૂ થયો કારણ કે જાદૂગર પોતાનો જાદૂ, આમ તો એમની છેતરવાની, સંમોહિત કરી દેવાની કલા દર્શાવવાની શરૂઆત કરે ત્યારે બોલે… હોકસ પોકસ ટેન્ટસ ટેબન્ટસ.. આપણાં મહાન જાદૂગર કે. લાલ બોલતા’તા ‘ગીલી ગીલી ગીલી છૂ….’ એવી જ કોઈ વાત. હોકસ-પોકસનો ‘હોકસ’ શબ્દ લેટિન શબ્દો ‘હિકસ એ ડોક્ટસ’ (આ છે જ્ઞાની પુરુષ) પરથી આવ્યો હોય, એવું પણ મનાય છે. પછી તો હોકસ શબ્દનો અક્ષર ‘ક’ ખોડો થઈ ગયો અને ‘સ’ સાથે જોડાઈ ગયો. ઇંગ્લિશમાં ‘સી’ ની જગ્યાએ ‘એક્સ’ લખાયું અને એમ આખો શબ્દ બન્યો હોક્સ. હોક્સ એ પ્રેસિડન્ટ ટ્રમ્પનો પ્રિય શબ્દ છે. ન્યૂયોર્ક ટાઈમ્સ લખે છે પોતાના પ્રેસિડન્ટ તરીકે કાર્યકાળનાં પ્રથમ વર્ષ ૨૦૧૭માં તેઓ ‘હોક્સ!’ શબ્દ ૧૮ વાર, ૨૦૧૮માં ૬૩ વાર અને ૨૦૧૯માં ૩૪૫ વાર બોલ્યા કે ટ્વીટયા હતા. દા.ત. ગ્લોબલ વોર્મિંગનો હોબાળો એક હોક્સ છે. હોક્સ એ બળૂકો શબ્દ છે, જ્યારે તમે રોષ પ્રગટ કરતાં હો, ગુસ્સામાં હો તો એ ભાવ પ્રગટ કરી આપે છે. કોઈ ટીવી ન્યૂઝ ચેનલનાં સમાચારને ‘હોક્સ’ કહેવું એટલે તમે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છો, દેશ વિરોધી કૃત્ય કરી રહ્યા છો એવો આરોપ એમાં શામેલ હોય છે. બ્રિયાન સ્ટેલ્ટરનાં પુસ્તક ‘હોક્સ’માં ન્યૂઝ ચેનલ ફોક્સ ટીવીની કોવિડ-૧૯ની ગંભીરતાને છાવરવાનાં પ્રયાસો વિષે પણ લખાયું છે. ફોક્સ ન્યૂઝનાં એન્કર સીન હેનિટી એમનાં ટોક શૉમાં કહેતા કે બીજી ન્યૂઝ ચેનલ્સ કોવિડ-૧૯નો વધારે પડતો હાઉ ફેલાવી રહ્યા છે. આમ કહીને ફોક્સ ટીવી ટ્રમ્પનો આડકતરો બચાવ કરી રહ્યા હતા. કહે છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં કોવિડ-૧૯ મહામારી વિષે અમેરિકા ગંભીર નહોતું. ફેબ્રુયારીમાં તો અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ પણ યોજાયો હતો. ટ્રમ્પ અને સીન હેનિટી બંનેએ એક એક વાર કહ્યું હતું કે વિરોધ પક્ષ કોવિડ-૧૯ બાબતે ‘હોક્સ’ ફેલાવી રહ્યા છે. મતલબ કે બીમારી એટલી બધી ગંભીર નથી. અને હવે ગયા અઠવાડિયે સમાચાર આવ્યા કે ફ્લોરિડાનો ટેક્સી ડ્રાઈવર જે એમ માનતો હતો કે આ મહામારી એક હોક્સ છે, એની પત્ની કોવિડ-૧૯ વાઇરસથી મૃત્યુ પામી. હોક્સ એ નેગેટિવ શબ્દ છે. એમાં નકારનો રણકાર છે. ટીકા છે. આક્ષેપ છે. લોકોને ગેરમાર્ગે દોરવાની સાઝિસનો નિર્દેશ છે. હોક્સ રમૂજ નથી. મજાકમાં કોઈને ઉલ્લુ બનાવવાની વાત નથી. આ આખી માનવ જાતનાં મગજને કોતરીને પોતાનો ઉલ્લુ સીધો કરવાની વાત છે. હિંદીમાં ‘ઉલ્લુ સીધા કરના’ યાને અપના હિત સાધના. અમેરિકામાં ચૂંટણી છે એટલે ઘણાં રાજકીય પુસ્તકો છપાશે. થોડું સત્ય, થોડો હોબાળો, થોડું તથ્ય, થોડો સરવાળો. સાલું જબરું હોક્સ છે, નહીં?

 

શબ્દ શેષ: “ટ્રુથ (સત્ય)ને પરિપૂર્ણ કરવા હોક્સ (છળ) જરૂરી છે.” –ઇન્ડોનેશિયન રાઇટર અને ઇકોનોમિસ્ટ ટોબા બીટા”.

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.