Daily Archives: સપ્ટેમ્બર 14, 2020

બંગાળની ખુબસુરતી મૌસમી ચેટર્જી

બંગાળની ખુબસુરતી મૌસમી ચેટર્જી
વીતેલા વર્ષોના જાણીતા અભિનેત્રી મૌસમી ચેટર્જીનો ૭૧ વર્ષના થયાં. ૨૬ એપ્રિલ, ૧૯૪૮ના રોજ કોલકાતામાં તેમનો જન્મ. હિન્દી અને બંગાળી ફિલ્મોમાં આ ખુબસુરત અભિનેત્રીએ ખાસ્સી લોકપ્રિયતા મેળવી હતી. રાજેશ ખન્ના, શશી કપૂર, જીતેન્દ્ર, સંજીવ કુમાર અને વિનોદ મેહરા સાથેની તેમણે સફળ ફિલ્મો કરી હતી. ૧૯૭૩-૭૮ દરમિયાન તેઓ સૌથી વધુ ફી લેતા અભિનેત્રીઓમાં ત્રીજા ક્રમે રહેતાં હતાં.
કોલકાતામાં જન્મેલા મૌસમીના પિતા પ્રાંતોશ ચટ્ટોપાધ્યાય સેનાના અધિકારી અને દાદા જજ હતા. તેમને એક બેન અને એક ભાઈ છે. જાણીતા ગાયક-સંગીતકાર હેમંત કુમારના દીકરા જયંત મુખર્જી સાથે મૌસમીએ લગ્ન કર્યા હતા. જયંત પણ પિતાની જેમ રવીન્દ્ર સંગીતના નિષ્ણાત છે. તેમને પાયલ અને મેઘા નામે બે દીકરીઓ છે. તેમણે લગ્ન કર્યા પછી હિન્દી ફિલ્મોમાં કામ કરવું શરુ કર્યું હતું, જે તે સમયને જોતાં ખાસ્સું અસામાન્ય ગણાય.
૧૯૬૭ની બંગાળી ફિલ્મ ‘બાલિકા બધુ’થી તેમની અભિનય યાત્રા શરુ થઇ હતી. ત્યારે તેઓ ૧૪ વર્ષના હતાં. એક મુલાકાતમાં મૌસમીએ કહ્યું હતું કે ‘બાલિકા બધુ’ પછી મને ઘણી ઓફર મળી હતી, પણ મારે અભ્યાસ પૂરો કરવો હતો. હું દસમા ધોરણમાં હતી ત્યારે મારા એક વડીલ બીમાર પડ્યા, જેમની આખરી ઈચ્છા મને પરિણીત જોવાની હતી, તેથી મારે પરણવું પડ્યું હતું.’
શક્તિ સામંતની ૧૯૭૨ની ‘અનુરાગ’થી મૌસમી નાયિકા રૂપે આવ્યાં. ફિલ્મ ખુબ સફળ થઇ. અંધ છોકરીની એ ભૂમિકા માટે તેમને ફિલ્મફેરનું શ્રેષ્ઠ અભિનેત્રીનું નામાંકન મળ્યું હતું. એ તે વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ પણ બની. પોતે હિન્દી ફિલ્મોમાં આવવા અંગે મૌસમીએ કહ્યું હતું કે, ‘મારા સસરા હેમંત કુમારને લીધે ઘણી ફિલ્મી હસ્તીઓ અમારા ઘરે આવતી રહેતી. તેમાંના શક્તિદાએ મને નાયિકા બનાવવાની રજૂઆત કરી હતી. પહેલાં તો મેં ના કહી હતી, પણ મારા સસરા અને પતિએ પ્રેરિત કરતા મેં ‘અનુરાગ’ કરી હતી.
૧૯૭૩માં તેમણે ઘણી ફિલ્મો કરી હતી જેમાંથી શશી કપૂર સાથેની ‘નૈના’, વિનોદ ખન્ના સાથેની ‘કચ્ચે ધાગે’ અને વિનોદ મેહરા સાથેની ‘ઉસ પાર’ હતી. ત્યાર બાદ ત્યારે સંઘર્ષ કરતા અમિતાભ બચ્ચન સાથે ‘બેનામ’ અને રાજેશ ખન્ના સામે ‘હમશકલ’ કરી. દુષ્કર્મ પીડિતા રૂપે મનોજ કુમારની ‘રોટી કપડા ઔર મકાન’ તેમની સૌથી સફળ ફિલ્મ બની રહી. તેમના પર થતા દુષ્કર્મનું દ્રશ્ય હિન્દી ફિલ્મોના સૌથી ઘૃણાસ્પદ દ્રશ્યોમાનું એક ગણાય છે. એ ભૂમિકા માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનું ફિલ્મફેર નામાંકન મળ્યું હતું. તેમની જીતેન્દ્ર સાથેની ‘સ્વર્ગ નર્ક’ અને રાકેશ રોશન સાથેની ‘આનંદ આશ્રમ’ પણ સફળ રહી. તો સંજીવ કુમાર સાથેની ‘અંગુર’ પણ યાદગાર રહી.
વિનોદ મેહરા સાથે તેમણે ૧૦ ફિલ્મોમાં રોમાન્ટિક ભૂમિકા કરી હતી. તેમણે ૧૩ ફિલ્મો સાથે કરી હતી. જેમાં
‘અનુરાગ’, ‘ઉસ પાર’, ‘રફતાર’, ‘ઉમર કૈદ’, ‘મઝાક’, ‘ઝીંદગી’ કે ‘જ્યોતિ બને જ્વાલા’ હતી. બાસુ ચેટર્જી સાથે તેમણે ‘મંઝીલ’ કરી. ઉત્તમ કુમાર સાથેની ‘ઓગુ બોધુ સુંદરી’ સફળ રહી તો મરાઠી ફિલ્મ ‘તુમ્હી અદ્કીત્તા મી હો સુપારી’માં તેમણે કીમિયો રોલ કર્યો હતો. રાજેશ ખન્ના સાથે ‘ભોલા ભાલા’, ‘પ્રેમ બંધન’ અને ‘ઘર પરિવાર’ કરી હતી. ૧૯૮૪માં તેમની નાયિકા રૂપે ‘માંગ ભરો સજના’, ‘ઘર એક મંદિર’ અને ‘પેટ પ્યાર ઔર પાપ’ આવી હતી. ૧૯૮૫માં બંગાળી ફિલ્મ ‘પ્રતિજ્ઞા’ પછી તેમને મુખ્ય ભૂમિકા મળી નહીં.
૧૯૮૫થી ૧૯૯૧ દરમિયાન મૌસમી ધર્મેન્દ્ર કે સુનીલ દત્ત સાથેની ફિલ્મોમાં માતા કે ભાભી રૂપે દેખાયાં. ‘ઘાયલ’માં તેઓ સની દેઓલના ભાભી હતાં. છતાં, તેમની મુખ્ય ભૂમિકાવાળી કેટલીક ફિલ્મો આવી પણ ખરી. રાજેશ ખન્ના સાથે ‘ઘર પરિવાર’ અને ‘આ અબ લૌટ ચલે’, જીતેન્દ્ર સાથે ‘સંતાન’, ‘પ્રતીક્ષા’ અને ‘ઉધાર કી ઝીંદગી’, તો સહાયક ભૂમિકામાં ‘કીમત’, ‘ના તુમ જાનો ના હમ’ કે ‘હમ કૌન હૈ?’ (૨૦૦૪) આવી. ૨૦૦૬માં મૌસમીએ તનુજા ચંદ્રાની ‘ઝીંદગી રોક્સ’ની બેવડી ભૂમિકાથી કમબેક પણ કર્યું. તેમણે ઇન્ડો-કેનેડીયન ‘બોલીવૂડ-હોલીવૂડ’ નામની ફિલ્મ પણ કરી.
મૌસમીને સહાયક અભિનેત્રી રૂપે ફિલ્મફેર એવોર્ડ તેમની બંગાળી ફિલ્મ ‘ગોયનાર બક્ષો’ (૨૦૧૪) માટે મળ્યો હતો. તો ૨૦૧૫માં તેમનું ફિલ્મફેર લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માન થયું હતું.
મૌસમી ચેટર્જીના યાદગાર ગીતો: બડે અચ્છે લગતે હૈ – (બાલિકા બધુ), સુનરી પવન, નિંદ ચુરાયે, તેરે નૈનો કે મૈ દીપ જલાઉંગા (અનુરાગ), સંસાર હૈ એક નાદિયા – રફતાર, છત્રી ના ખોલ (દો જૂઠ), લીના ઓ લીના, નહીં નહીં કોઈ તુમસા હસીં – (સ્વર્ગ નર્ક), મેઘા રે મેઘા, તેરા સાથ હૈ તો (પ્યાસા સાવન), મુઝે છૂ રહી હૈ (સ્વયંવર), યાદ રહેગા પ્યાર કા યે (ઉમર કૈદ), રીમઝીમ ગીરે સાવન (મંઝીલ), મૈ તેરે પ્યાર મેં પાગલ (પ્રેમ બંધન), ઓ હંસની (ઝહરીલા ઇન્સાન), સીમટી હુઈ યે ઘડિયા (ચંબલ કી કસમ), મેહંગાઈ માર ગઈ (રોટી કપડા ઔર મકાન).
‘એપ્રિલ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી
શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
प्रतिमेत याचा समावेश असू श्‍ाकतो: 1 व्‍यक्ती

Leave a comment

Filed under Uncategorized