Daily Archives: સપ્ટેમ્બર 15, 2020

હરામખોર / પરેશ વ્યાસ

“Haramkhor Ladki …”That is what Sanjay Raut called Kangna Ranaut.
આવો વટકારો લોલ ન કરીએ, જી રે જપવા દીધાં નહિ જરીયે.
ઓરો આવ્યને કેશલા, તને ધોકણે ઢીબું,
ઓરો આવ્યને કેશલા, તારે પૂંછડે લીંબુ. સુપરવાઇઝરે બૂમ પાડી – ‘એ હરામખોરો! કામ કરો કામ, રાગડા તાણો છો?’ ખેમીએ જવાબ આપ્યો, ‘ગાઈએ છીએ, પણ જુઓ છો ના, હાથ તો કામ કરે છે!’ –ટૂંકી વાર્તા ‘ખેમી’ રા.વિ. પાઠક
હરામખોર એટલે હરામ+ખુર્દન. ખુર્દન એટલે ખાવું. હરામનું ખાતો/તી હોય એ. હરામ એટલે? ના, ‘હે રામ’ સાથે એને કોઈ સંબંધ નથી. ભગવદ્ગોમંડલ અનુસાર હરામ એટલે કુરાનમાં મના કરેલું હોય તેવું. વગર હકનું, અઘટિત, અયોગ્ય, નહિ વાજિબ, નામુનાસિબ, ગેરવાજબી, ધર્મ, નીતિ અને વ્યવહારની વિરુદ્ધ હોય એવું, અપવિત્ર, નિષિદ્ધ, અધર્મી. મુંબઈ પી.ઓ.કે. (પાક ઓક્યુપાઈડ કાશ્મીર) છે. અમદાવાદ મિનિ-પાકિસ્તાન છે. વાણી વિલાસ વારે વારે વટકે છે. ઉત્તર પ્રદેશમાં એક કલેક્ટરે ચીફ મેડિકલ ઓફિસરને કહી દીધું કે તું ગધેડો છે. ચામડી ઉધેડી નાંખીશ. જીવતો જમીનમાં દાટી દઇશ. શબ્દો બટકે છે. ભાષા ખટકે છે. કાનમાં કીડા પડે છે. આ સઘળું શું ચાલી રહ્યું છે?
પુરુષને એમ છે કે ભૂંડા બોલ બોલીએ તો એમાંથી પુરુષત્વ છલકે. ભૂંડા બોલ મરદાનગી નથી, સાહેબ. જો કે માત્ર ભૂંડા બોલ કે ચોખ્ખી ગાળો દેવી- એ જ વાંધાજનક છે એવું નથી. આપત્તિજનક વાણી વ્યવહારનાં અગિયાર પ્રકાર છે.
૧. અપમાનજનક નામે બોલાવવું તે. દા.ત. તું ગધેડો છે.
૨. પોતે સામેવાળાની સરખામણીમાં બળૂકો અને બુદ્ધિશાળી છે દા.ત. જો મારી સામે જો, હું સિંહ છું.
૩. કર્કશ અને વારંવાર ટીકા. દા.ત. ગદ્ધાવૈતરું કરે છે પણ તો ય કામમાં ઠેકાણાં નથી.
૪. નીચું દેખાડવું. દા.ત. અબે ગધે, તેરી ઔકાત ક્યાં હૈ?
૫. હાથચાલાકી કે હોંશિયારીથી કામ લેવું દા. ત. હે વૈશાખનંદન, આટલો બોજ તો તારે સહેવો જ રહ્યો.
૬. દોષારોપણ કરવું. દા. ત. વાંક તારો છે. ગધા કહીંકા
૭. ખોટો આરોપ મૂકવો દા.ત. મને ખબર છે તું સિંહણ સામે બૂરી નજરથી જુએ છે.
૮. બોલ્યા વિના ચહેરા કે હાથનાં હાવભાવથી અપમાન કરવું. દા. ત. વચલી આંગળી દેખાડવી.
૯. દલીલબાજી એવી કે સામાવાળો કન્ફ્યુઝ થઈ જાય. દા.ત. તને સપનામાં ગાજર આવ્યું’તું ને? હેં ને?
૧૦. વર્તુળાકાર દલીલો, અંતહીન નીચો દેખાડવાનો કારસો. દા.ત. તું ગધેડો છે, છે, છે, છે, છે….
૧૧. ધમકી દેવી દા. ત. આ મારું જંગલરાજ છે. તું આવતો જ નહીં. નહીં તો…
હવે કોઈ ભૂંડું બોલે તો આપણે શું કરવું? જે અપમાન કરે છે એને સમજાવવું. પણ ગાંધીજીનાં દેશમાં એ ય કારગત ન નીવડે તો? આપણે એ ચોક્કસ યાદ રાખવું કે એ જે કાંઇ પણ બોલે એ માટે હું જવાબદાર નથી. એટલે એમ કે કારણ વગરની બેજવાબદાર દલીલોનો જવાબ જ ન દેવો. દેખવું નહીં, દાઝવું નહીં. જો મામલો હદથી વધી જાય તો એ જાણે, છે જ નહીં. એનું જાણે કોઈ અસ્તિત્વ જ નથી આપણાં માટે. તારે ને મારે કટ. આ કટ શબ્દ ઇંગ્લિશ નથી. ભગવદ્ગોમંડલ અનુસાર ગુજરાતી શબ્દ ‘કટ’નાં ૨૩ જુદા જુદા અર્થ થાય છે. કટ એટલે અણબનાવ. કટ એટલે કાપ. જો કે ઘણીવાર છૂટી જવું અથવા તો કટ કરી દેવું આસાન નથી હોતું. આપણો બોસ જ અપમાન કરતો હોય . અથવા આપણો ઘરવાળો/ળી જ ભૂંડા બોલ બોલતો/તી હોય તો શું કરવું? સહન થાય ત્યાં સુધી કરવું. ન થાય તો છૂટાછેડા. બાકી હરિ હરિ…
એ યાદ રહે કે સામાન્ય અસમંતિ કે શાકાહારી જીભાજોડી અપમાન નથી. એવું તો થાય. વાતે વાતે વાંકું પડે તો ય વાતોની કુંજગલી એમ સાવ છોડી ન દેવાય. પણ આ તો આપણી સામાન્ય લોકની વાતો. રાજકારણીની વાત જુદી છે. એંગ્લો-આઈરિશ સ્ટેટ્સમેન એડમન્ડ બર્ક કહેતા કે જ્યારે સત્તા અમર્યાદ હોય તો ગાળો કે નિંદા વધારે ભયાનક બની જતી હોય છે. જવા દો, આપણે શું કામ એવું જોવું કે સાંભળવું જેમાં આપણે કોઈ નહાવા કે નીચોવવાનું નથી. હેં ને?!!
No photo description available.

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ