Daily Archives: સપ્ટેમ્બર 16, 2020

દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા વિનોદ ખન્ના

દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા વિનોદ ખન્ના
પીઢ અભિનેતા અને સાંસદ વિનોદ ખન્નાની આ જગતમાંથી કરુણ વિદાયને ત્રણ વર્ષ થઇ ગયાં. ૨૭ એપ્રિલ, ૨૦૧૭ની સવારે ૧૧.૨૦ કલાકે ૭૦ વર્ષની વયે નિધન થયું હતું. હિન્દી ફિલ્મોના તેઓ ખુબ સફળ અભિનેતા હતા. તેઓ ૨૦૧૭ની ૩૧ માર્ચે રિલાયન્સ ફાઉંડેશન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને બ્લેડરનું કેન્સર હતું. તેમની પાછળ પત્ની કવિતા ખન્ના અને ચાર સંતાનો છે. રાહુલ અને અક્ષય ખન્ના અભિનેતા છે, જે વિનોદના પહેલાં પત્ની ગીતાંજલીના સંતાનો છે.
વિનોદ ખન્ના પંજાબના ગુરદાસપુરના ચાર સત્રથી ભાજપના સાંસદ હતા. વિનોદ ખન્ના હિન્દી ફિલ્મોના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાંના એક હતા. ૧૯૬૮ના ‘મન કા મીત’થી તેઓ પડદા પર દેખાયા હતા. તેમણે આરંભની કેટલીક ફિલ્મોમાં નકારાત્મક અથવા સહાયક ભૂમિકાઓ ભજવી હતી. ગુલઝારની ‘મેરે અપને’થી તેઓ જાણીતા બન્યા હતા. સિત્તેર અને એંશીના દાયકાઓમાં તેઓ સૌથી વ્યસ્ત અભિનેતાઓમાંના એક હતા. ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘રેશમા ઔર શેરા’, ‘એલાન’, ‘ઇન્સાફ’ કે ‘દયાવાન’ જેવી સફળ ફિલ્મોમાં તેઓ જામ્યા હતા.
વિનોદ ખન્ના તેમની જે ફિલ્મોની મુખ્ય ભૂમિકાઓ માટે યાદ રહેશે તેમાં ‘મેરે અપને’, ‘અચાનક’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘ગદ્દાર’, ‘જેલ યાત્રા’, ‘ઇમ્તિહાન’, ‘મુક્કદર કા સિકંદર’, ‘ઇનકાર’, ‘કચ્ચે ધાગે’, ‘અમર અકબર એન્થની’, ‘રાજપૂત’, ‘કુરબાની’, ‘કુદરત’, ‘દયાવાન’, ‘કારનામા’, ‘સુર્યા’ કે ‘જુર્મ’ને યાદ કરી શકાય.
તેઓ શરૂઆતમાં નાની અને સહાયક તથા નકારાત્મક ભૂમિકાઓમાં દેખાયા હતા. ગુલઝાર સાહેબની દિગ્દર્શક રૂપે પહેલી જ ફિલ્મ ‘મેરે અપને’માં એન્ગ્રી યંગ મેનની ઈમેજમાં વિનોદ ખન્ના દેખાયા અને દર્શકોની આંખોમાં વસી ગયા. ‘મેરા ગાંવ મેરા દેશ’માં તેઓ ડાકૂ બન્યા હતા. ગુલઝારની જ ‘અચાનક’માં તેમના અભિનયના વખાણ થયાં. નાણાવટી ખૂન કેસનું આ અલગ પહેલું હતું, જેમાં સેનાના અધિકારી અંગત કારણોસર હથિયાર હાથમાં લેતા હતા.
૧૯૮૨માં તેમની કરિયરની ટોચ પર હતા ત્યારે વિનોદ ખન્ના તેમના સ્પીરીચ્યુઅલ ગુરુ ઓશો રજનીશના ચેલા બનીને પાંચ વર્ષ કેમેરાથી દૂર રહ્યા હતા. પરત થઈને તેમણે ‘ઇન્સાફ’ અને ‘સત્યમેવ જયતે’ એમ એક પછી એક બે હીટ ફિલ્મો આપીને પુનરાગમન કર્યું હતું.
હિન્દી ફિલ્મોના સૌથી સોહામણા મુખ્ય કલાકાર સમા વિનોદ ખન્નાનો જન્મ ૬ ઓક્ટોબર, ૧૯૪૬ના રોજ પેશાવરમાં પંજાબી પરિવારમાં થયો હતો. કમલા દેવી અને કિશનચંદ ખન્ના તેમના મા-બાપ. પિતાજી ટેક્સટાઇલ, ડાઈંગ અને કેમિકલના વેપારી હતા. તેમને ત્રણ બહેનો અને એક ભાઈ. જન્મના થોડા વખત પછી દેશના ભાગલા થયાં અને પરિવાર મુંબઈ આવીને વસ્યું. વિનોદ શરૂઆતમાં મુંબઈની સેન્ટ મેરી સ્કૂલમાં અને પછી પરિવાર દિલ્હી જતાં દિલ્હી પબ્લિક સ્કૂલ, મથુરા રોડમાં ભણ્યા. ચાર વર્ષ બાદ પરિવાર ફરી મુંબઈ આવી વસ્યું અને વિનોદને નાસિક પાસે દેવલાલી સ્કૂલમાં મોકલાયા. ત્યાંની હોસ્ટેલમાં વિનોદે ‘સોલવા સાલ’ અને ‘મુઘલ-એ-આઝમ’ જોઈ અને સિનેમાના પ્રેમમાં પડી ગયા. મુંબઈની સીડનહામ કોલેજમાંથી તેઓ બી.કોમ. થયા.
સૌથી પહેલાં નિર્માતા સુનીલ દત્તે વિનોદ ખન્નાને એ. સુબ્બા રાવના નિર્દેશનમાં ‘મન કા મીત’ (૧૯૬૮)માં વિલનની ભૂમિકા આપી હતી. હીરો હતા સોમ દત્ત. ૧૯૭૦ની ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘સચ્ચા જુઠા’, ‘આન મિલો સજના’ અને ‘મસ્તાના’માં વિનોદ દેખાયા, ૧૯૭૧માં ‘મેરા ગાંવ મેરા દેશ’ અને ‘એલાન’ આવી. વિલનમાંથી હીરો બની શકેલા થોડા અભિનેતાઓમાં વિનોદ ખન્ના હતા. ભારતી સામે ‘હમ તુમ ઔર વોહ’ (૧૯૭૧)માં તેઓ પહેલી વાર હીરો બન્યા. તરત ગુલઝારની ‘મેરે અપને’માં અને ‘અચાનક’માં આવ્યા અને તેમના અભિનયના વખાણ થયા.
પછી દસ વર્ષ સુધી વિનોદ ખન્ના સોલો હીરો રૂપે આવતા રહ્યા, જેમાં ‘ફરેબી’ અને ‘હત્યારા’, ‘કૈદ’, ‘જાલિમ’, ‘ઇનકાર’, ‘ગદ્દાર’, ‘આપ કી ખાતીર’, ‘રાજમહલ’, ‘મૈ તુલસી તેરે આંગન કી’, ‘આધા દિન આધી રાત’, ‘આરોપ’, ‘તાકત’, ‘જેલ યાત્રા’, ‘દૌલત’, ‘ધ બર્નિંગ ટ્રેન’, ‘કુરબાની’ થી તેઓ સફળ થતાં જ રહ્યા. તેમણે સહાયક ભૂમિકાઓ સ્વીકારી અને રાજેશ ખન્ના સાથે ‘આન મિલો સજના’, ‘સચ્ચા જુઠા’, ‘કુદરત’, ‘રાજપૂત’ અને ‘પ્રેમ કહાની’માં દેખાયા. પડદા બહાર બંને ખન્ના અચ્છા દોસ્ત પણ હતાં.
વિનોદ ખન્નાએ મલ્ટી હીરો વાળી ૪૭ ફિલ્મો કરી છે, જેમાં શશી કપૂર સાથે ‘શંકર શંભુ’, ‘ચોર સિપાહી’ અને ‘એક ઔર એક ગ્યારહ’; અમિતાભ બચ્ચન સાથે ‘હેરા ફેરી’, ‘ખુન પસીના’, ‘અમર અકબર એન્થની’, ‘ઝમીર’, ‘પરવરિશ’ અને ‘મુકદ્દર કા સિકંદર’ યાદગાર હતી. રણધીર કપૂર સાથે ‘હાથ કી સફાઈ’ અને ‘આખરી ડાકૂ’, અને તેજ રીતે જીતેન્દ્ર અને ધર્મેન્દ્ર સાથે પણ તેમણે સફળ ફિલ્મો કરી.
૧૯૮૨માં વિનોદ ખન્ના ઓશો રજનીશના અનુયાયી બન્યા અને પાંચ વર્ષ કેમેરાથી દૂર રહ્યા. પણ ફરી આવીને સફળ થયા. ‘ઇન્સાફ’, ‘જુર્મ’ અને ‘ચાંદની’માં દેખાયા. પછી નેવુંના દાયકામાં પણ તેમની ફિલ્મો આવતી રહી. ૧૯૯૯માં તેમને ફિલ્મફેર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો.
પછી પણ તેઓ નાની ભૂમિકામાં આવતા રહ્યા. ‘દીવાનાપન’, ‘રેડ એલર્ટ’, ‘દબંગ’ (૨૦૧૦).. છેલ્લે તેઓ શાહરુખ ખાન સાથે ‘દિલવાલે’ માં દેખાયા. ૧૯૯૭માં વિનોદ ખન્ના ભાજપમાં જોડાયા. પંજાબના ગુરદાસપુર મતવિસ્તારમાંથી ચૂંટણી જીત્યા. ૧૯૯૯માં ફરી જીત્યા. જુલાઈ, ૨૦૦૨ માં વાજપેઈ સરકારમાં વિનોદ ખન્ના કેન્દ્રના સાંસ્કૃતિક અને પ્રવાસન પ્રધાન પણ બન્યા. છ માસ બાદ તેઓ વિદેશ બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન પણ બન્યા. ૨૦૦૪માં ફરી જીત્યા. જોકે ૨૦૦૯માં તેઓ હાર્યા હતા પણ ૨૦૧૪ની ૧૬મી લોકસભામાં સાંસદ રૂપે બિરાજમાન હતા.
એ વિનોદ ખન્ના તેમના લાખો પ્રસંશકોને છોડીને ૨૭ એપ્રિલ, ૨૦૧૭ની સવારે અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. સરકારે તેમના પ્રદાન બદલ વિનોદ ખન્નાને દેશનું સર્વોચ્ચ સીને સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ મરણોત્તર આપ્યું હતું.
વિનોદ ખન્નાના જાણીતા ગીતો: જબ કોઈ બાત બિગડ જાયે – જુર્મ, કોઈ હોતા જીસકો અપના – મેરે અપને, દિલ મેં હો તુમ – સત્યમેવ જયતે, હોની કો અનહોની કર લે, દેખ કે તુમકો દિલ ડોલા હૈ – અમર અકબર એન્થની, દરબાર મેં ઉપરવાલે કે – હેરા ફેરી, છેડ મેરે હમરાહી – મસ્તાના, વાદા કર લે સાજના – હાથ કી સફાઈ, આજ ફિર તુમ પે – દયાવાન, હમ તુમ્હે ચાહતે હૈ ઐસે, કુરબાની કુરબાની – કુરબાની, હમ પ્રેમી પ્રેમ કરના જાને, જાતે હો જાને જાના – પરવરીશ, ચાહિયે થોડા પ્યાર, મુસ્કુરાતા હુઆ મેરા યાર – લહું કે દો રંગ, નૈનો મેં દર્પણ હૈ – આરોપ.
‘એપ્રિલ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી – આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
प्रतिमेत याचा समावेश असू श्‍ाकतो: एक किंवा अधिक लोक आणि जवळून

Leave a comment

Filed under Uncategorized