Daily Archives: નવેમ્બર 2, 2020

કરુણાની રાણી હતાં મીના કુમારી

Watch “સ્વામી સચ્ચિદાનંદ મહારાજ નુ કોરોના કાળ માં સેવાકીય કાર્ય”                                       on YouTube  https://youtu.be/7vXtDtdFXAs
*********************************************************
કરુણાની રાણી હતાં મીના કુમારી
ભારતની ‘ટ્રેજેડી ક્વિન’નો ખિતાબ પામનાર મીના કુમારીનો ૮૭મો જન્મ દિન. ૧ ઓગષ્ટ, ૧૯૩૩ના રોજ મુંબઈના પરા દાદરમાં તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ માહજબીન બાનુ હતું. ભારતીય ફિલ્મોની સૌથી વધુ જાણીતી-માનીતી અભિનેત્રીઓમાંના તેઓ એક હતાં. તેમનાં બાળપણથી શરુ થયેલી અને મૃત્યુ સુધી જારી રહેલી તેમની ૩૦ વર્ષની કરિયરમાં મીના કુમારીએ નેવુંથી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમાંની ઘણી આજે ક્લાસિક ગણાય છે. ભારતની મધ્યમ વર્ગની પીડિત નારીના પાત્રોમાં મીના કુમારી સૌથી વધુ જચ્યા. એ પાત્રોને કારણે જ મીનાજીને ‘ટ્રેજેડી ક્વિન’ મનાયા.
અલી બક્સ અને ઇકબાલ બેગમની ત્રીજી દીકરીની ડીલીવરી કરાવનાર ડો. ગદરેની ફી ચૂકવવાના પૈસા મા-બાપ પાસે નહોતાં. બાપ પહેલાં તો આ બાળકીને યતીમખાનામાં મૂકી આવ્યો જોકે થોડા કલાક પછી પાછી પણ લઇ આવ્યો હતો. પિતાજી અલી બક્સ પારસી નાટકોના પીઢ અભિનેતા અને સંગીતકાર હતા.
માત્ર સાત વર્ષની કુમળી વયે જયારે માહજબીન કેમેરા સામે આવી ત્યારે તેને નામ મળ્યું, ‘બેબી મીના’. ‘ફરઝંદ-એ-વતન યાને લેધરફેસ’ (૧૯૩૯) એ તેમની પહેલી ફિલ્મ હતી. પ્રકાશ સ્ટુડીઓના વિજય ભટ્ટ તેના નિર્દેશક હતા. ૧૯૪૦ના દાયકામાં બેબી મીના એકલી જ કામ કરતી અને આખા પરિવારનું પોષણ કરતી. તેની કિશોરાવસ્થામાં તેને ‘મીના કુમારી’ નામ મળ્યું. શરૂઆતમાં તેમણે ધાર્મિક ફિલ્મો કરી પણ ૧૯૫૨માં આવી, વિજય ભટ્ટની ‘બૈજુ બાવરા’. હિરોઈન તરીકેની પહેલી જ ફિલ્મથી મીના કુમારી સ્ટાર બની ગયાં.
મીના કુમારી હંમેશા જે ભૂમિકાઓ માટે યાદ રહેશે તેમાં બૈજુ બાવરા, પરિણીતા, ફૂટપાથ, અઝાદ, મીસ મેરી, યહૂદી, સહારા, ચિરાગ કહાં રોશની કહાં, કોહિનૂર, દિલ અપના ઔર પ્રીત પરાઈ, ભાભી કી ચૂડીયાં, સાહિબ બીબી ઔર ગુલામ, મૈ ચૂપ રહુંગી, આરતી, દિલ એક મંદિર, સાંજ ઔર સવેરા, ચિત્રલેખા, ભીગી રાત, બહુ બેગમ, બેનઝીર, કાજલ, ફૂલ ઔર પથ્થર, મેરે અપને, દુશમન અને પાકીઝા યાદ કરી શકાય.
મીના કુમારીને એક ફિલ્મના સેટ પર કમાલ અમરોહી મળ્યા અને પ્રેમ થયો ત્યારે મીનાની ઉમર ૧૯ અને કમાલની ઉમર ૩૪ વર્ષની હતી. અમરોહાના ઉર્દુ શાયર સંવાદ લેખક કમાલ અમરોહી ત્રણ વાર પરણ્યા હતા. અમરોહીએ મીના કુમારીને સૈયદ ના હોવાને કારણે સંતાન નહોતું આપ્યું. બીજી પત્નીના દીકરા તાજદારને મીનાએ ઉછેરવાનો હતો. લગ્ન પછી તેમણે પોતાના પ્રેમ જીવન પર ‘દાયરા’ ફિલ્મ બનાવી, જે નિષ્ફળ ગઈ. બીજી ફિલ્મ ‘પાકીઝા’ ૧૯૫૬માં શરુ કરી, જે ૧૬ વર્ષે બની રહી. ૧૯૭૨માં ફિલ્મ રજૂ થઇ તે પહેલાં તેમના છુટા છેડા થઇ ચુક્યા હતા. છતાં મીના કુમારી એક પીઢ અભિનેત્રીને છાજે તેમ ‘પાકીઝા’ પૂરી કરવા માટે પોતાનાથી થાય તે બધું જ કરી છૂટ્યાં.
મીના કુમારી પોતે ભજવેલા ‘સાહિબ બીબી ઔર ગુલામ’ના છોટી બહુના પાત્રની જેમ શરાબી બની ગયાં. સ્વાસ્થ્ય જવાબ દઈ ગયું હતું. ત્યાં સુધી કે ઊભા થઈને શૂટિંગ કરવા માટે પણ જઈ શકાતું નહોતું. ‘પાકીઝા’ના દૂરથી લેવાયેલાં અનેક દ્રશ્યોમાં મીના કુમારીને બદલે અભિનેત્રી પદ્મા ખન્નાને ‘ડબલ’ તરીકે ઊભા રખાયા હતાં. અંતે ‘પાકીઝા’ માર્ચ, ૧૯૭૨માં રજૂ થઇ. ફિલ્મ નિષ્ફળ ગઈ. મીના કુમારી પૂર્ણ રીતે ભાંગી પડ્યા હતાં. અંતે, ‘પાકીઝા’ રજૂ થયાના ત્રીજા સપ્તાહે ૨૮ માર્ચે મીના કુમારીને સેન્ટ એલીઝાબેથ નર્સિંગ હોમમાં દાખલ કરાયા. તેમણે કમાલને છેલ્લા શબ્દો કહ્યાં, ‘મારે તમારા હાથમાં મરવું છે.’ અને કોમા માં સરી પડ્યાં. ત્રણ દિવસ પછી ૩૧ માર્ચ, ૧૯૭૨ના રોજ માત્ર ૩૯ વર્ષની ઉમરે આ મહાન અભિનેત્રીએ જગતના તખ્તા પરથી આંસૂભરી વિદાય લીધી. મૃત્યુનું કારણ હતું, સીરોસીસ ઓફ લીવર. દારુ જીતી ગયો, મીનાજી હારી ગયાં. તેમને મઝગાવના નારિયેલવાલી કબ્રસ્તાનમાં દફનાવાયા. તેમણે જાતે જ લખી આપેલાં શબ્દો તેમની કબર પર કોતરાયા, ‘તેણીએ તૂટેલા સાઝ સાથે જીવન પુરું કર્યું, તૂટેલા ગીત સાથે, તૂટેલા દિલ સાથે પણ કોઈ પછતાવા વિના..’. હવે, ‘પાકીઝા’ મીના કુમારીની છેલ્લી ફિલ્મ બની ગઈ. ગીતો તો હીટ બન્યાં જ હતાં, દર્શકો પોતાની પ્રિય અભિનેત્રીને છેલ્લીવાર જોવા સિનેગૃહમાં ગયાં. હવે ‘પાકીઝા’ ન ધારેલી સફળતા મેળવી ગઈ. મીના કુમારીની પ્રેમી-પતિ કમાલ અમરોહીને અપાયેલી એ છેલ્લી ભેટ હતી. ૧૯૯૩માં મૃત્યુ પામેલા કમાલને મીના કુમારી સાથે દફનાવાયા.
મીના કુમારીના યાદગાર ગીતો: બચપન કી મોહબ્બત કો (બૈજુ બાવરા), ગોરે ગોરે હાથોં મેં (પરિણીતા), કિતના હસીં હૈ મોસમ (આઝાદ), મેરી જાં મેરી જાં (યહૂદી), દો સિતારોં કા જમી પર હૈ મિલન (કોહિનૂર), અજીબ દાસ્તાં હૈ યે (દિલ અપના ઔર પ્રીત પરાઈ), ન જાઓ સૈયા ચુરા કે બૈયા અને પિયા ઐસો જીયા મેં સમાઈ ગયો રે (સાહિબ બીબી ઔર ગુલામ), રુક જા રાત ઠહર જારે ચંદા અને હમ તેરે પ્યાર મેં સારા આલમ (દિલ એક મંદિર), સંસાર સે ભાગે ફિરતે હો (ચિત્રલેખા), દિલ જો ન કેહ સકા (ભીગી રાત), દુનિયા કરે સવાલ (બહુ બેગમ), તોરા મન દર્પણ કેહલાયે (કાજલ), યુંહી કોઈ મીલ ગયા થા (પાકીઝા).
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકનો અંશ. આભાર શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person, selfie and closeup

1 ટીકા

Filed under પ્રકીર્ણ