Daily Archives: નવેમ્બર 3, 2020

પોલેમિસિસ્ટ: સંવાદ નહીં પણ વિવાદ સર્જતો કવિ કે લેખક /પરેશ વ્યાસ

પોલેમિસિસ્ટ: સંવાદ નહીં પણ વિવાદ સર્જતો કવિ કે લેખક
नए किरदार आते जा रहे हैं
मगर नाटक पुराना चल रहा है -राहत इंदौरी
રાહત ઈંદોરીનું નિધન થયું. મુશાયરાનાં શાયર હતા તેઓ. મુશાયરો લૂંટી લેતા. શેરોશાયરી પેશ કરવાનો એમનો અંદાજ નિરાળો હતો. ગુલઝાર સાહેબે કહ્યું કે વોહ જગાકો ખાલી કરકે ચલે ગયે. ઇટ્સ નોટ અ બિગ લોસ. ઇટ્સ ટોટલ લોસ. મોટી ખોટ પડી એવું નહીં પણ અસીમ ખોટ પડી. સંપૂર્ણ ખોટ પડી. કોઈ વિખ્યાત કવિનું નિધન થાય એટલે સોશિયલ મીડિયા ઉપર વર્ચ્યુયલ શ્રદ્ધાંજલિ આપવામાં સૌ શામેલ થાય. ફૂલ નહીં ને ફૂલની પાંખડી. પણ અહીં તો ફૂલની પાંદડી સાથે કાંટા ય અર્પણ કરતો એક વર્ગ જોવા મળ્યો. તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીજીનાં ઘૂંટણની શસ્ત્રક્રિયા ઉપર એમનો શાયરાના વ્યંગ બેતૂકો છે અથવા તો ગોધરા અગ્નિકાંડ ઉપર એમની બયાની કે જે મડદાને ય દાટે છે તે જીવતાને શી રીતે જલાવે, એવા વિવાદાસ્પદ શેર ટાંકીને કે એના પઠનનાં વિડીયો અપલોડ કરીને મરહૂમ શાયર ઉપર પસ્તાળ પાડવામાં કાંઇ બાકી રાખ્યું નહીં. કોણ સાચા છે? કોના ખોટા છે?- અમે એ વિષે કશું કહેવાના નથી. અમે પેલા રાજાની ચોથી બોબડી રાણી જેવા છીએ. આપણે તો બોઈએ પણ નઈં ને ચાઈએ પણ નઈં! પણ હા, લખીએ તો ખરાં જ. એક એવા શબ્દ વિષે જે આ સ્થિતિને બયાન કરે. આજનો શબ્દ છે પોલેમિસિસ્ટ ( Polemicist).
ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘પોલેમિક’ એટલે વિવાદાસ્પદ, વાદગ્રસ્ત, તકરારી વિવાદ, સામસામે દલીલ કરનાર વ્યક્તિ, વિવાદી કે વાદ કરનારું માણસ. એવું કોણ છે? સોશિયલ મીડિયા પર મંડી પડેલા ભક્તો અને બિનભક્તોને પોલેમિક કહી ન શકાય. કારણ કે પોલેમિક શબ્દ સામાન્ય રીતે એવા મોટા ગજાનાં કવિ કે લેખક માટે વપરાય છે, જે વિવાદાસ્પદ લખે છે કે બોલે છે. શેરીગલી કે સોશિયલ મીડિયામાં મંડી પડેલા સૌ કોઈ નાદાન ભક્તો કે એમની ભક્તિનો વિરોધ કરતાં નાદાન બિનભકતો(વિરક્તો?!) માટે આ શબ્દ ઉપયુક્ત નથી. અહીં વિવાદનાં કરનારનું દાના(ડહાપણભર્યા) હોવું અનિવાર્ય શરત છે.
પોલેમિક મૂળ ગ્રીક શબ્દ છે. પોલેમસ એટલે યુદ્ધ. પોલેમિકોસ એટલે યુદ્ધ જેવી સ્થિતિ, વિરોધી કે વેરી સામે પડ્યો હોય એવી સ્થિતિ. જ્યારે કોઈ બુદ્ધિજીવી વ્યક્તિ કોઈ એક વિવાદાસ્પદ વિષય ઉપર પોતાનું સ્ટેન્ડ નક્કી કરી લેય કે ભઈ, આ જ સાચું. અને પછી એની તરફેણમાં અને જે એનો વિરોધ કરે એની વિરુદ્ધમાં, લખે કે બોલે એ લખાણ કે બોલાણ(!)ને પોલેમિક્સ કહેવાય. અને એવું બોલનાર કે લખનાર પોલેમિસિસ્ટ કહેવાય.
વિવાદ માત્ર બે જ જગ્યાએ થતો હોય છે એક ધર્મમાં અને બીજો રાજકારણમાં. બાકી બધા વિવાદોનાં સમાધાન હોય છે પણ આ બે ક્ષેત્રમાં વિવાદને ચગાવવાનું ફરમાન હોય છે. કારણ કે વિવાદથી જ તો રાજકારણ અને ધર્મનાં બાશિંદાઓની રોજીરોટી ચાલે છે! રાજકારણીઓ અને ધર્મકારણીઓ એવું માને છે કે ‘તું ખોટો અને હું સાચો’ એવો ભાવ મનમાં હોય તો જ એ ક્ષેત્રમાં આગળ જવાય. બાકી આસનિયાં પાથરતા રહી જવાય. સાંપ્રત સ્થિતિ એ છે કે જે સર્વ ધર્મ સમભાવ કે સર્વ રાજકીય પક્ષ સમભાવમાં માને છે, એની કોઈ પ્રગતિ થતી નથી. માટે રસ્તાની કોઈ પણ એક સાઈડ પકડીને ચાલવું, રસ્તાની વચ્ચોવચ્ચ ચાલો તો કોઈ ખટારો કચડી નાંખે! હેં ને?
જ્યારે કોઈ કવિ ધર્મકારણ કે રાજકારણનાં રવાડે ચઢી જાય અને પ્રેમ, લાગણી, પત્ર, મદિરા, વરસાદ, ઝરણું, નદી, દરિયો, પહાડ, મેઘધનુષ, ચંદ્ર, તારા, સૂર્ય, પતંગિયા, દીવો, જંગલ જેવા એસ્ટાબ્લીશ્ડ વિષયોને બાજુમાં રાખીને રાજકારણ અને ધર્મકારણ વિષે વિવાદી લખે કે બોલે ત્યારે એ પોલેમિસિસ્ટ કહેવાય. ના, પોલેમિસિસ્ટ હોવું કોઈ લેખક કે કવિ માટે ખરાબ નથી. જોનાથન સ્વિફ્ટ, લીયો ટોલ્સ્ટોય, કાલ માર્ક્સ, જ્યોર્જ ઓરવેલ, જ્યોર્જ બર્નાડ શૉ, ટી. એસ. ઇલિઅટ વગરે પણ પોલેમિસિસ્ટ હતા. વિરોધ એ લોકશાહીનું અવિભાજ્ય અંગ છે. લોકશાહીમાં પોલેમિસિસ્ટનું હોવું જરૂરી છે. ઉંદરોની વસ્તીમાં કોઈ બહાદૂર ઉંદર બિલાડીનાં ગળે ઘંટ બાંધવાની ફિરાકમાં હોય, એ જરૂરી છે. બસ એટલી કાળજી લેવી કે એ ઘંટનો રણકાર તર્કબદ્ધ હોય. છંદબદ્ધ કરીને કોઈ એલફેલ કે બકવાસ લખે કે બોલે એ પોલેમિસિસ્ટ ન કહેવાય. હેં ને?
શબ્દ શેષ:
“જ્યારે રીઝન (વિવેકબુદ્ધિ) અને અનરીઝન (વિવેકહીનતા) એકમેકનાં સંપર્કમાં આવે ત્યારે તણખો ઝરે અને ઝાટકો લાગે. આને પોલેમિક્સ કહેવાય.” –જર્મન કવિ ફિલોસોફર ફ્રેડ્રિરિક શ્કેલગેલ
No photo description available.

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ