Daily Archives: નવેમ્બર 4, 2020

પ્રતિભાબળે ટોચ પર પહોચેલાં મુમતાઝ

પ્રતિભાબળે ટોચ પર પહોચેલાં મુમતાઝ
‘સ્ટંટ ક્વીન’ થી સંવેદનશીલ અભિનેત્રીની સફર
સ્ટંટ ફિલ્મોથી ટોચના સ્ટાર બનેલા મુમતાઝનો ૭૩મો જન્મ દિન. ૩૧ જુલાઈ, ૧૯૪૭ના રોજ મુંબઈમાં તેમનો જન્મ થયો હતો. તેઓ રૂપસુંદરી બન્યાં હતાં. સાંઠ અને સિત્તેરના દાયકાના સ્ટાર હતાં. જેમણે રાજેશ ખન્ના સાથે વધુ ફિલ્મો કરી હતી, તેવા મુમતાઝ દેવ આનંદ અને દિલીપ કુમાર જેવા ટોચના કલાકારોના નાયિકા બન્યાં હતાં. ‘ખિલૌના’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ૧૯૫૨થી ૧૯૭૮ સુધી તેઓ ફિલ્મી પડદે ચમકતાં રહ્યાં હતાં.
૩૧ જુલાઈ, ૧૯૪૭ ના રોજ મુંબઈમાં જન્મેલાં મુમતાઝ સુકામેવાના દુકાનદાર અબ્દુલ સલીમ અસ્કરી અને ઈરાનથી આવેલાં માતા શાદી હબીબ આગાના દીકરી છે. બેબી મુમતાઝના જન્મ બાદ એક જ વર્ષમાં મા-બાપે છૂટાછેડા લીધાં હતાં. તેમના નાના બેન અભિનેત્રી મલ્લિકા દારા સિંઘના ભાઈ અને અભિનેતા-પહેલવાન રંધાવાને પરણ્યા છે.
છેક ૧૯૫૮માં બેબી મુમતાઝે ‘સોને કી ચીડિયા’માં અભિનય કર્યો હતો. એક કિશોરી રૂપે તેઓ સાંઠના દાયકાના આરંભની ફિલ્મો ‘વલ્લાહ ક્યા બાત હૈ’, ‘સ્ત્રી’ કે ‘સેહરા’માં દેખાય છે. વયસ્ક થયાં બાદ તેમની નોંધનીય ભૂમિકા ‘ગેહરા દાગ’માં નાયકની બહેનની હતી. તેમને ‘મુઝે જીને દો’ જેવી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ મળતી હતી. પછી ૧૬ જેટલી એક્શન ફિલ્મોમાં મુમતાઝ નાયિકા બન્યાં. જેમાં ‘ફૌલાદ’, ‘વીર ભીમસેન’, ‘ટારઝન કમ્સ ટુ દિલ્હી’, ‘રુસ્તમ-એ-હિંદ’, ‘રાકા’ કે ‘ડાકુ મંગલસિંઘ’ને યાદ કરી શકાય. આ ફિલ્મો ફ્રી સ્ટાઈલ પહેલવાન દારા સિંઘ સાથેની હતી. જેમાં ફિલ્મ દીઠ દારા સિંઘને ૪.૫ લાખ અને મુમતાઝને ૨.૫ લાખ રૂપિયા મળતાં હતાં. હવે મુમતાઝ પર સ્ટંટ ફિલ્મોની નાયિકાનું લેબલ લાગ્યું હતું.
જોકે રાજ ખોસલાની ખૂબ સફળ ‘દો રસ્તે’ (૧૯૬૯)થી મુમતાઝ સ્ટાર બની ગયાં. એ ફિલ્મમાં પણ મુમતાઝની ભૂમિકા તો નાની જ હતી, પણ ખોસલાએ તેમના પર ચાર ગીતો ફિલ્માવ્યાં હતાં. એજ વર્ષે રાજેશ ખન્ના-મુમતાઝની ‘બંધન’ પણ આવી, જેનું શૂટિંગ સુરત પાસે પલસાણામાં થયું હતું. આ બંને ફિલ્મોએ જોરદાર સફળતા મેળવી અને મુમતાઝ સ્ટાર બની ગયાં. પછી તેમણે ‘ટાંગેવાલા’માં રાજેન્દ્ર કુમારમાં કામ કર્યું. ‘સચ્ચા જુઠા’ માટે શશી કપૂર પસંદ થયેલા, પણ તેમણે તેમાં મુમતાઝ સાથે કામ કરવાની એટલા માટે ના પડી હતી કે મુમતાઝ સ્ટંટ ફિલ્મોના કલાકાર હતાં. પછી એજ શશી કપૂરની ઈચ્છા હતી કે ‘ચોર મચાયે શોર’ (૧૯૭૩)માં મુમતાઝ તેમના નાયિકા હોય. મુમતાઝે ધર્મેન્દ્ર સાથે ‘લોફર’ અને ‘ઝીલ કે ઉસ પાર’ કરી. વિજય આનંદ નિર્દેશિત દેવ આનંદ – મુમતાઝની ‘તેરે મેરે સપને’ એક કવિતા સમાન ફિલ્મ હતી, જે વિખ્યાત નવલકથા ‘ધ સિટાડેલ’ આધારિત હતી.
સંજીવ કુમાર સામે ‘ખિલૌના’ની સંવેદનશીલ ભૂમિકામાં મુમતાઝને શ્રેષ્ઠ અભીનેત્રોનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો ત્યારે મુમતાઝે કહ્યું હતું કે ‘મને આનંદ છે કે પ્રેક્ષકોએ મને સંવેદનશીલ ભૂમિકામાં સ્વીકારી.’ ફિરોઝ ખાન સાથે તેમણે ‘મેલા’ અને ‘અપરાધ’ અને ‘નાગિન’ કરી.
રાજેશ ખન્ના અને મુમતાઝે તો દસ ફિલ્મો કરી. જેમાં સુપર હીટ ફિલ્મો ‘દો રાસ્તે’, ‘બંધન’, ‘સચ્ચા જુઠા’, ‘દુશ્મન’, ‘અપના દેશ’, ‘રોટી’, ‘આપ કી કસમ’, ‘પ્રેમ કહાની’ નો સમાવેશ થાય છે. આ ફિલ્મોના ગીતોએ ધૂમ મચાવી હતી, જે આજે પણ જાણીતાં છે. આ જોડીની ‘આઈના’ (૧૯૭૭) તેમની અને મુમતાઝની પણ આખરી ફિલ્મ બની રહી.
એમની અનેક ફિલ્મોના હીરો દારા સિંઘ મુમતાઝને ‘સ્ટંટ ક્વિન’ કહેતા. મુમતાઝને શમ્મી કપૂર ચાહતા હતા. તેઓ મુમતાઝને પરણવા માંગતા હતા પણ લગ્ન પછી મુમતાઝે ફિલ્મો ન કરવી એવી તેમની શરત હતી. પરિણામે ફિલ્મ કરિયર માટે મુમતાઝે એ સંબંધ જતો કર્યો હતો. ધર્મેન્દ્ર પણ મુમતાઝના પ્રેમમાં હોવાની અફવા હતી.
૧૯૭૪માં મુમતાઝે ઉદ્યોગપતિ મયુર માધવાણી સાથે લગ્ન કર્યા. ૧૯૭૭ની ‘આઈના’ બાદ મુમતાઝે પરિવાર પર ધ્યાન આપવા માટે ફિલ્મો છોડી દીધી. અભિનેતા ફિરોઝ ખાન મુમતાઝના વેવાઈ અને ફરદીન ખાન જમાઈ થાય છે. હાલ ૭૦ વર્ષથી મોટી ઉમરના મુમતાઝ પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયાં છે.
‘જુલાઈના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકના અંશ. આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized