Daily Archives: નવેમ્બર 6, 2020

મોહમ્મદ રફીની પુણ્યતિથિ

મોહમ્મદ રફીની પુણ્યતિથિ
તેમના શંકર જયકિશન સાથેના અણમોલ રતનની યાદ
ભારતના મહાન ગાયક મોહંમદ રફી સાહેબની ૪૦મી પુણ્યતિથિ પ્રસંગે ૩૧ જુલાઈએ દેશ-વિદેશમાં રફી પ્રેમીઓ વિવિધ કાર્યક્રમો દ્વારા એમને યાદ કરે છે. આપણે જાણીએ છીએ કે રફી સાહેબ હિન્દી સિને સંગીતનું ઘરેણું હતા, તેમનામાં જબરજસ્ત વૈવિધ્ય હતું. તમામ પ્રકારના તેમના ગીતો અનેક ભાષાઓમાં સાંભળવા મળે છે. તેઓ છ ફિલ્મફેર એવોર્ડ અને બે નેશનલ એવોર્ડના વિજેતા હતા. સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા હતા. રફી સાહેબે સાડા સાત હજાર ગીતો ગાયા હતાં.
૨૪ ડીસેમ્બર ૧૯૨૪ના રોજ પંજાબના કોટલા સુલતાન સિઘ મુકામે તેમનો જન્મ થયો હતો. આજે રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે આપણે તેમની સૌથી સફળ સંગીતકાર શંકર જયકિશન સાથેની ગાયક-સંગીતકાર રૂપે સર્જેલી જુગલબંધીને યાદ કરીશું. શંકર જયકિશને રાજ કપૂરની ફિલ્મ ‘બરસાત’થી સંગીતકાર બેલડી રૂપે શરૂઆત કરી હતી. તેમાં રાજ કપૂર માટે ‘મૈ ઝીંદગી મેં હરદમ રોતા હી રહા હું’ માટે રફી સાહેબના કંઠનો પહેલીવાર ઉપયોગ કર્યો હતો. ત્યારથી શરૂ થયેલી આ ગાયક-સંગીતકારની જુગલબંધીને પરિણામે આપણને ૩૪૧ ગીતો મળ્યાં, જેમાંથી ૨૧૬ ગીતો સોલો હતાં. જે દર્શાવે છે કે આ સંગીતકારોએ રફીનો સોલો ગાવા માટે વધુ ઉપયોગ કર્યો હતો. એમાંના મોટાભાગના ગીતો ખૂબ લોકપ્રિય થયાં હતાં. આપણી ફિલ્મોના સૌથી વધુ યુગલ ગીતો રફી અને લતા મંગેશકરે ગાયા છે, તેમાંના પણ કેટલાંક યાદગાર ગીતો આ સંગીતકારોએ બનાવ્યાં છે.
શંકર જયકિશને શરૂઆતના વર્ષોમાં મુખ્ય રૂપે રાજ કપૂરની ફિલ્મો માટે સંગીત આપ્યું, જેમાં મુકેશજીના કંઠનો વધુ ઉપયોગ થયો હતો, છતાં રફીના આટલા ગીતો તેમની સફળતાની ગવાહી છે. શમ્મી કપૂર અને રાજેન્દ્ર કુમારની ફિલ્મોના ગીતોમાં તેમણે રફીના અવાજનો ભરપુર ઉપયોગ કર્યો અને ખૂબ સફળતા મેળવી હતી. વળી એ ગીતો એ ફિલ્મોની સફળતા માટે પણ મદદરૂપ બની હતી.
રફી સાહેબને મળેલાં છ ફિલ્મફેર એવોર્ડ્સમાંથી ત્રણ તો તેમને શંકર જયકિશનની ધૂનો પર મળ્યાં હતાં. જેમાં ‘તેરી પ્યારી પ્યારી સુરત કો – સસુરાલ’, ‘બહારો ફૂલ બરસાઓ – સુરજ’ અને ‘દિલ કે ઝરોખો મેં તુજકો બિઠા કર – બ્રહ્મચારી’ નો સમાવેશ થાય છે. તો ‘યાહૂ, ચાહે કોઈ મુઝે જંગલી કહે’ જેવા ગીત દ્વારા દ્રુત લય અને ફાસ્ટ ઓરકેસ્ટ્રાના ગીતોનો દૌર પણ તેમણે જ શરુ કર્યો હતો. ‘શરારત’માં શંકર જયકિશને રફીના કંઠનો ઉપયોગ અભિનેતા કિશોર કુમાર માટે ‘અજબ હૈ દાસ્તાં તેરી એ ઝીંદગી’ માટે કર્યો હતો.
શાસ્ત્રીય સંગીત આધારિત ગીતોવાળી ૧૯૫૬ની રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મ ‘બસંત બહાર’માં રફીએ ‘બડી દેર ભઈ’ અને ‘દુનિયા ન ભાયે મુઝે’ ગાયા હતાં. ૧૯૬૧ની ‘જંગલી’માં રફી ‘એહસાન તેરા હોગા મુજ પર’, ‘ઐય યયી યા, સુકુ સુકુ’ ‘દિન સારા ગુઝારા તોરે અંગના’ કે ‘ચાહે કોઈ મુઝે જંગલી કહે’ ગાયા હતાં. જોકે તે ગીતમાં ‘યાહૂ’ની બુમનો કંઠ પ્રયાગ રાજે આપ્યો હતો. રફીનું ગાયેલું ‘એહસાન તેરા હોગા’ તે વર્ષનું બિનાકા ગીતમાલાનું પહેલાં ક્રમનું ગીત બન્યું હતું. ૧૯૬૧માં જ દેવ આનંદ અને આશા પારેખ અભિનીત ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’માં ‘તેરી જુલ્ફો સે જુદાઈ તો નહીં માંગી થી’ જેવી ગઝલ, ‘જીયા ઓ જીયા કુછ બોલ દો’ જેવું શીર્ષક ગીત, ‘યે આંખે ઉફ યું મ્મા’ કે ‘સૌ સાલ પહલે મુઝે તુમસે પ્યાર થા’ જેવા યાદગાર યુગલ ગીતો રફીએ લતાજી સાથે ગાયાં હતાં. શ્રેષ્ઠ સંગીતના ફિલ્મફેર એવોર્ડ વિજેતા ૧૯૬૨ની ફિલ્મ ‘પ્રોફેસર’માં રફી ‘અય ગુલબદન’, ‘ખુલી પલક મેં જુઠા ગુસ્સા’, ‘આવાઝ દે કે હમે તુમ બુલાઓ’ અને ‘મૈ ચલી મૈ ચલી, પીછે પીછે જહાં’ ગાતા હતાં. ૧૯૬૨ની શમ્મી કપૂર-માલા સિંહા અભિનીત ‘દિલ તેરા દીવાના’ માં શીર્ષક ગીત ઉપરાંત ‘મુઝે કિતના પ્યાર હૈ તુમ સે’ કે ‘નજર બચા કે ચલે ગયે હો’ જેવા મશહુર ગીતો આ કલાકારોએ આપ્યાં હતાં. ૧૯૬૩માં ‘દિલ એક મંદિર’ના ગીતોએ ખૂબ ચાહના મેળવી હતી. રફી તેમાં ‘યાદ ન જાયે’ અને ‘તુમ સબ કો છોડ કર આ જાઓ’ તથા ફિલ્મના ક્લાઈમેક્સમાં સુમન કલ્યાણપુર સાથે ‘દિલ એક મંદિર હૈ’ ગાતા હતા.
૧૯૬૬ની ‘લવ ઇન ટોકિયો’ના શીર્ષક ગીત ઉપરાંત ‘ઓ મેરે સાહેખુબાન’, ‘આજા રે આ જરા આ’ જેવા ગીતોએ ધૂમ મચાવી હતી. તેજ વર્ષે રાજેન્દ્ર કુમાર – વૈજયંતિમાલા અભિનીત ‘સુરજ’માં આ સંગીતકાર-ગાયકે વધુ એક જોરદાર સફળતા મેળવી હતી. તેમનું ‘બહારો ફૂલ બરસાઓ’ ગીત તે વર્ષના બિનાકા ગીતમાલાનું પ્રથમ ક્રમનું વિજેતા ગીત હતું, જેને માટે રફી સાહેબને શ્રેષ્ઠ ગાયકનો અને હસરત જયપુરીને શ્રેષ્ઠ ગીતકારના ફિલ્મફેર એવોર્ડ મળ્યાં હતાં. તે ઉપરાંત રફીએ ‘ચેહરે પે ગીરી જુલ્ફે’ જેવું સોલો અને ‘કૈસે સમજાઉં બડી નાસમજ હો’ જેવું રાગ ભૈરવી આધારિત યુગલ ગીત લતાજી સાથે અને ‘ઇતના હૈ તુમસે પ્યાર મુઝે’ જેવું મીઠ્ઠું ગીત સુમન કલ્યાણપુર સાથે ગાયું હતું. આ બધાં જ ગીતો લોકપ્રિય થયાં હતાં. શંકર જયકિશનને આ ફિલ્મના સંગીત માટે શ્રેષ્ઠ સંગીતકારનો વધુ એક ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. એ ફિલ્મે ત્યારે સાડા ચાર કરોડની આવક મેળવી હતી, એ રકમને નિષ્ણાતો આજે પચાસ કરોડથી વધુ માને છે.
બીજે વર્ષે ૧૯૬૭માં એસ.જે. – રફીએ ‘સુરજ’ની સફળતાને ‘બ્રહ્મચારી’ દ્વારા ફરી દોહરાવી હતી. રફી તેમાં શમ્મી કપૂર માટે ‘દિલ કે ઝરોખો મેં તુજકો બિઠા કર’, ‘મૈ ગાઉં તુમ સો જાઓ’, ‘ચક્કે મેં ચક્કા’, ‘મોહબ્બત કે ખુદા’ અને ‘તું બેમિસાલ હૈ’ જેવા પાંચ સોલો અને ‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર’ જેવું યુગલ ગીત સુમન કલ્યાણપુર સાથે ગાતા હતા. અહીં પણ રફીને ‘દિલ કે ઝરોખો મેં’ ગાવા માટે શ્રેષ્ઠ ગાયક, શંકર-જયકિશનને શ્રેષ્ઠ સંગીતકાર અને શૈલેન્દ્રને ‘મૈ ગાઉં તુમ સો જાઓ’ લખવા માટે શ્રેષ્ઠ ગીતકારના ફિલ્મફેર એવોર્ડ મળ્યાં હતાં.
૧૯૬૭ના એજ વર્ષમાં શમ્મી કપૂર અભિનીત ‘એન ઇવનિંગ ઇન પેરીસ’ માં પણ એસ.જે.-રફીના જોડાણે વધુ એક સફળતા મેળવી હતી. રફી આ ફિલ્મમાં ‘અજી ઐસા મોકા ફિર કહાં મિલેગા’, ‘અકેલે અકેલે કહાં જા રહે હો’, ‘દીવાને કા નામ તો પૂછો’, ‘આસમાન સે આયા ફરિશ્તા’, ‘હોગા તુમ સે કલ ભી સામના’ કે ‘મેરા દિલ હૈ મેરા’ જેવા સોલો ગીતો અને આશાજી સાથે ‘રાત કે હમસફર’ જેવું યાદગાર યુગલ ગીત ગાયું હતું.
૧૯૬૯ની ધર્મેન્દ્ર-શર્મિલા ટાગોર અભિનીત ‘યકીન’માં રફી ત્રણ સોલો ગાતા હતા. ‘ગર તુમ ભૂલા ન દોગે’, ‘યકીન કર લો મુઝે મોહબ્બત હૈ તુમ સે’ અને ‘બહારો કી બારાત આ ગઈ’. તો ૧૯૬૯માં શમ્મી કપૂર-વૈજયંતિમાલાની ‘પ્રિન્સ’માં રફી સાહેબે ‘બદન પે સિતારે લપેટે હુએ’, ‘નજર મેં બીજલી’, ‘મદહોશ હવા મતવાલી ફીઝા’, ‘મુકાબલા હમ સે ના કરો’ ગાઈને સફળતા મેળવી હતી.
આમ આ સંગીતકાર-ગાયકની ટીમે સતત સફળતા મેળવી હતી. જે લગભગ અઢી દાયકા સુધી જારી રહી હતી.
જુલાઈના સિતારા – નરેશ કાપડીઆ પુસ્તકનો અંશ
Image may contain: 3 people

Leave a comment

Filed under Uncategorized