પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં હરીન્દ્ર દવે
તમે જ કહેલું કે માધવ ક્યાંય નથી મધુવનમાં.
ગુજરાતના વહાલા કવિ, નવલકથાકાર, નિબંધકાર હરીન્દ્ર જયંતીલા દવેનો જન્મ ૧૯ સપ્ટેમ્બર, ૧૯૩૦ના રોજ કચ્છના ખંભરા ગામમાં થયો હતો. મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ. થયા. વ્યવસાયે તેઓ પત્રકાર રહ્યા. તેઓ ૧૯૫૧-૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિકના તંત્રી, ૧૯૬૨-૬૮ સુધી ‘સમર્પણ’ ના સંપાદક, ૧૯૬૮-૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી રહ્યા હતા. ૧૯૭૮માં હરીન્દ્ર દવેને સાહિત્ય અકાદમી, દિલ્હીનો ઍવોર્ડ અને ૧૯૮૨ ના રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાયા હતા. તે ઉપરાંત તેમને મધ્ય પ્રદેશ સરકારનો કબીર એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદનું સન્માન અને પત્રકારત્વ માટે ગોએન્કા એવોર્ડ્સ પણ મળ્યાં હતાં. તેમણે ૫૦થી વધુ પુસ્તકો લખ્યાં છે.
૧૯૪૭માં તેમણે જયલક્ષ્મી જી સાથે લગ્ન કર્યાં હતા. તેઓના ત્રણ દીકરાઓ રોહિતભાઈ, પ્રકાશભાઈ અને દીપકભાઈ. તેઓ મુખ્યત્વે, ગીતકાર અને ગઝલકાર રૂપે ખુબ લોકપ્રિય થયા. પ્રણય-મસ્તી અને વેદના, ખુમારીનાં સંવેદનોથી રસાયેલી એમની ગઝલો છંદ-લય અને ભાવભાષાની સંવાદિતાથી સફાઈદાર રહેતી. ‘આસવ’ (૧૯૬૧) અને ‘સમય’ (૧૯૭૨) એમના ગઝલ સંચયો છે. એમનું ઉત્તમ કવિત્વ રાધા અને કૃષ્ણ વિષયક ગીતોમાં તથા પ્રેમવિરહના ભાવસંવેદનને અભિવ્યક્ત કરતાં અન્ય ગીતોમાં રહેલું છે. ‘ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં’ કે ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં..’ જેવાં ગીતો લોકપ્રિય એટલાં જ કાવ્યત્વપૂર્ણ છે. એમનાં ગીતોમાં લયહલક અને ભાવમાધુર્ય છે. ‘મૌન’ (૧૯૬૬)માં બહુધા ઉત્તમ ગીતો સંચિત છે. સુરેશ દલાલે ‘હયાતી’ (૧૯૭૭) નામે કરેલા સંપાદનમાં હરીન્દ્ર દવેની બીજી નોંધપાત્ર રચનાઓ ગ્રંથસ્થ થઈ છે. એમણે છાંદસ કાવ્યો પણ લખ્યાં છે. ‘અર્પણ’ (૧૯૭૨)માં એમની મુક્તક કવિતા ગ્રંથસ્થ થયેલી છે. અછાંદસ અને લયબદ્ધ કવિતા પણ એમણે રચી છે. સાંપ્રત જીવનની એકલતા કે વ્યથાને અને વિષાદ કે વિરૂપતાને વાચા આપતી એમની દીર્ઘ રચનાઓ ‘સૂર્યોપનિષદ’ (૧૯૭૫)માં સંગૃહીત છે. એમણે પ્રયોગશીલતા કે આધુનિકતાની પરવા વિના પોતાના મનમાં આવ્યું તેને પોતાની કળાની ભૂમિકાએ અભિવ્યક્તિ આપી છે. અન્યોના સહયોગમાં ‘નજરું લાગી’ જેવાં અને કવિતનાં અન્ય સંપાદનો પણ એમણે કર્યાં છે.
એમની પહેલી નવલકથા ‘અગનપંખી’ (૧૯૬૨) છે. પણ એમને આધુનિક નવલકથાકારોની પંગતમાં બેસાડનાર પ્રયોગશીલ અને વિશિષ્ટ નવલકથા ‘પળનાં પ્રતિબિંબ’ (૧૯૬૬) છે. વિદ્વદભોગ્ય આ કૃતિમાં પ્રણય અને તજજન્ય વેદનાનાં વ્યંજનાપૂર્ણ ચિત્રણો છે અને એમાં એકાધિક પાત્રયુગ્મોને મૂકીને લેખકે સંરચનાનો વિશિષ્ટ પ્રયોગ સિદ્ધ કર્યો છે. ૧૯૬૮માં પ્રગટ થયેલી ‘અનાગત’ નલકથાનું કાઠું લઘુનવલનું છે. પ્રણય ને વેદનાસભર એકલતાને જીવતાં-જીરવતાં બે પાત્રોની આ કથામાં અન્ય પાત્રોની જીવનચેતના પણ સરસ નિરૂપણ પામી છે. કૃતિના રચનાવિધાન અને ભાષા કવિ હરીન્દ્રનો નોખો પરિચય કરાવી રહે છે. એમની અત્યંત સફળ કૃતિ ‘માધવ ક્યાંય નથી’ (૧૯૭૦) છે. અહીં નારદની કૃષ્ણશોધ વર્ણવાઈ છે, જે હકીકતમાં આપણા યુગના પ્રત્યેક માનવીની કૃષ્ણશોધ બની રહે છે. પુરાકલ્પનો આવો સરળ રીતે થયેલો છતાં ધ્વનિમય ઉપયોગ ધ્યાન ખેંચે છે.
એમની નવલકથાઓમાં મહદંશે વર્તમાન યુગનાં સ્ત્રી-પુરુષોની સંવેદનજન્ય સમસ્યાઓ આકારિત થઈ છે. એમની કેટલીક નવલોમાં વર્તમાન જીવનની સમસ્યાઓ પણ પછીથી વર્ણવાઈ છે. આ પ્રકારની કૃતિઓ ‘સુખ નામનો પ્રદેશ’ (૧૯૭૬) થી પ્રારંભાઈ છે. ‘સંગ-અસંગ’ (૧૯૭૯)માં સાધુસંતોના આંતરજીવનના પ્રશ્નોનાં ચારુ આલેખનો મળે છે; ‘લોહીનો રંગ લાલ’ (૧૯૮૧) સમસ્યાને કથીને અટકી જાય છે; ‘ગાંધીની કાવડ’ (૧૯૮૪)માં સાંપ્રત રાજકારણ ઉપર કટાક્ષ છે. આમ, એમની કૃતિઓમાં વિષય અને નિરૂપણનું વૈવિધ્ય છે. એ કશા ચોકઠામાં બદ્ધ રહેનારા લેખકોમાંના નથી. જીવનની વાસ્તવિકતાને નવલકથામાં કળાત્મક અભિવ્યક્તિ આપવામાં એમને ઠીકઠીક સફળતા મળી છે.
‘યુગે યુગે’ (૧૯૬૯) એમનું દીર્ઘ નાટક છે. ‘કવિ અને કવિતા’ (૧૯૭૧) કવિતાના આસ્વાદનું પુસ્તક છે. ‘ગાલિબ’ (૧૯૬૯), ‘દયારોમ’ (૧૯૬૫), ‘મુશાયરાની કથા’ (૧૯૫૯), ‘સ્વામી નારાયણ સંપ્રદાય’ (૧૯૭૦) જેવી પુસ્તિકાઓ પરિચયાત્મક છે. ‘ઉમાશંકર જોશી’ (૧૯૮૬) ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનું એમનું પુસ્તક છે.
‘કૃષ્ણ અને માનવ સંબંધો’ (૧૯૮૨) માં એમણે કૃષ્ણસંબંધે માનવીય ચિંતન પેશ કર્યું છે. અહીં એમની દ્રષ્ટિમાં દર્શન અને વિચારોમાં વિસ્તૃત સમજણ દેખાય છે. ‘નીરવ-સંવાદ’ (૧૯૮૦)માં એમના ચિંતનલેખો છે. ‘વેરાતું સ્વપ્ન ઘુંટાતુ સત્ય’ (૧૯૮૧)માં વર્તમાનપત્રી લેખોનો સંચય છે. ‘શબ્દ ભીતર સુધી’ (૧૯૮૭) નિબંધસંગ્રહ છે. ‘મધુવન’ (૧૯૬૨) એમનું ગઝલ-સંપાદન છે.
‘પિંજરનું પંખી’, ‘ધરતીનાં છોરું’, ‘ચરણ રુકે ત્યાં’, ‘વાદળ વરસ્યાં નહિ’- આ ચાર અનુવાદો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઉતારેલી નવલકથાઓ રૂપે છે. અંગ્રેજીમાંથી એમણે કાવ્યાનુવાદો પણ કર્યા છે.
૨૯ માર્ચ, ૧૯૯૫ના રોજ તેમનું નિધન થયું ત્યારે તો ૬૫ વર્ષના હતા.
(શ્રી મણિલાલ પટેલ, ગુજરાતી સાહિત્ય પરિષદના લેખને આધારે.)
Image may contain: 1 person, eyeglasses and closeup

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.