Daily Archives: નવેમ્બર 9, 2020

મન ભરીને ખાવ./ પરેશ વ્યાસ

“સવાયા ગુજરાતી” તરીકે જાણીતા ગુજરાતી સાહિત્યકાર ફાધર વાલેસ ના દુઃખદ અવસાનથી દુઃખ થયુ.
ગુજરાતી સાહિત્યને તેમણે અનેક પુસ્તકો અને લેખો દ્વારા સમૃદ્ધ કર્યું હતું, ઊગતી પેઢી માટે તેમને સતત ચિંતા અને લાગણી રહેતી. તેમનાં લખાણોમાં એક પ્રકારની વિશિષ્ટ આત્મીયતા અને સરળતા રહેવાથી એ ખપ પૂરતું ગુજરાતી જાણતા કોન્વેન્ટિયા વિદ્યાર્થીઓ પણ ફાધર વાલેસને વાંચતા થઇ ગયા હતા.
ગણિત શિક્ષક તરીકેની કારકિર્દી પૂરી કર્યા બાદ ફાધર વાલેસ મેડ્રિડ શહેરમાં વસવા ગયા. જો કે ગુજરાતી ભાષામાં લખવાનું તેમણે સતત ચાલુ રાખ્યું હતું. ભારતમાં અને લેટિન અમેરિકામાં પોતાને થયેલા અનુભવોના સંભારણાં તેમણે અંગ્રેજીમાં લખ્યાં. ત્યારબાદ અંગ્રેજી અને સ્પેનિશ ભાષાનાં પુસ્તકોનો સરળ અનુવાદ કરતા થયા. ગુજરાતી ભાષામાં તેમનાં સત્તરેક પુસ્તકો પ્રગટ થયાં જેમાંનાં કેટલાંક તો બેસ્ટ સેલર બની રહ્યા
Image may contain: 1 person, closeup, text that says 'AINEK Awards for outstanding iterary achievements'
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ બક્ષે.
મન ભરીને ખાવ.
આપણે શું ખાઈએ છીએ એ તો અગત્યનું છે જ. પણ એ પણ એટલું જ અગત્યનું છે કે આપણે કેવી રીતે ખાઈએ છીએ. પૂર્વજો કહી ગયા છે કે ચાવી ચાવીને ખાવ. એટલે એમ કે ભગવાને બત્રીસ દાંત આપ્યા છે તો એક કોળિયો ૩૨ વખત ચાવવો જોઇએ. પણ આપણી પાસે એવો સમય જ ક્યાં છે? હવે બધું જ ઓનલાઈન છે. એટલે એમ કે આપણે મોબાઈલ ફોન/લેપટોપ/કમ્પ્યુટરનાં સ્ક્રીન ઉપર વધારે રહીએ છીએ. કંઈ કેટલી ચિંતા આપણી ચોગરદમ છે. રોજેરોજ કોવિડનો કાળો કેર ઘેરી વળે છે. પહેલા તો એવા લોકો સંક્રમિત થતા હતા અથવા તો મરી જતા હતા કે જેને આપણે અંગત રીતે ઓળખતા નહોતા. હવે આપણી જાણમાં હોય એવા લોકો, આપણા મિત્રો, આપણા સહકર્મીઓ, આપણા સગા અને વ્હાલા પૈકી એકાદ-બે જરૂર ટપકી ગયા છે. આપણો ડર ફરીથી રમણે ચડયો છે. હવે આવા વિચાર આવતા હોય, આવા સમાચાર આવતા હોય અને ત્યારે એવું પણ બને કે આપણને ભૂખ ન લાગી હોય તો પણ મનને બીજે વાળવા માટે આપણે ખાવા તરફ વળીએ. એટલે એમ કે ભૂખ નથી લાગી અને તો ય ખાવાનું ખાઈએ છીએ. જરૂરી નથી તોય ખાઈએ છીએ. ખાઈએ શું, આપણે તો ખાણું ગળી જઈએ છીએ. ચાવવાનું પછી કોઈ પ્રયોજન રહેતું નથી. ખાવાનો સ્વાદ આપણે માણતા નથી. બસ જાણે ફરજના ભાગ રૂપે ખાઈએ છીએ. પેટ ભરાય છે, કદાચ વધારે પડતું ભરાય છે પણ મન કોઇ અલગ જ દુનિયામાં હોય છે. આજે કેવી રીતે ખાવું?- એની વાત કરીએ.
૧. સ્વયંપાકી હોવું એ ખૂબ મોટી વાત છે. જેવું બને તેવું પણ જો જાતે બનાવ્યું હોય તો એ સારું જ લાગે. જો બનાવતા ન આવડતું હોય તો જે રસોઇ બનાવે છે, એને મદદરૂપ થઈ શકીએ તો સારું. તમને ચોક્કસ ખબર પડે જે પેટમાં ગયું છે એ પોષણયુક્ત છે અને શરીરની ઇમ્યુનિટી વધારશે.
૨. ઘણા લોકો સોફા પર બેઠા બેઠા કે પથારીમાં આડા પડીને ટીવી જોતા-જોતા ખાતા હોય હોય છે. જો આપણે પલાંઠી વાળીને બેસીએ અથવા તો ટેબલ ખુરશી ઉપર વ્યવસ્થિત રીતે બેસીને ખાઈએ તો ખાવાનું ખાવાના ફાયદા અનેક છે.
૩. ધીમે ધીમે ખાઈએ એટલે એમ કે મનને ખબર પડે કે કેટલું ભોજન હોજરીમાં ઠલવાયું. અકરાંતિયાની પેઠે ખાતા હોઈએ તો દિમાગને ખબર પડે તે પહેલા જ જરૂરિયાત કરતા વધારે ભોજન હોજરીમાં ઠલવાઇ ગયું હોય છે અને પછી આપણે દુઃખી થઈએ છીએ કે સાલું વધારે ખવાઈ ગયું.
૪. ખાતી વખતે પાણી ન પીવું, એવું આપણને સામાન્ય રીતે વડીલો કહેતા. પણ મને લાગે છે કે એકાદ બે ઘુંટડા પાણી પી લઈએ તો વાંધો નથી. બે કોળિયા વચ્ચે દાંતને વિરામ મળી જાય તો એ સારી વાત છે.
૫. ભૂખ લાગી હોય ત્યારે ખાવું. એટલે એમ કે ભૂખ ન લાગી હોય તો ન જ ખાવું. પણ આપણને તો ખાવાનું નીરખીને અથવા એની સોડમથી તપભંગ થઈને ખાઈ લઈએ છીએ. અથવા તો કોઈ પારકી કે પોતીકી ચિંતામાં ને ચિંતામાં વધારે ઝાપટી લઈએ છીએ.
૬. તંદુરસ્તી સભર ખાવાનું ખાઈએ પછી આપણને એનો ગર્વ હોવો જોઈએ. રાત્રે સૂતી વખતે એવું ચોક્કસ વિચારો કે આજે આપણે જે ખાધું એ સારું હતું અને આપણે આપણી ખાવાની પસંદગીથી સંતુષ્ટ છીએ.
૭. આપણું ભોજન માત્ર આપણી સ્વાદેન્દ્રિય કે ઘ્રાણેન્દ્રિય પૂરતું જ મર્યાદિત નથી આપણી બીજી ત્રણ જ્ઞાનેન્દ્રિયો એટલે કે જોવું સાંભળવું કે સ્પર્શવું પણ એટલું જ અગત્યની છે. એટલે જે પીરસાયું છે એ દેખાવમાં સારું હોવું જોઈએ. વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હોવું જોઈએ. એમાં થોડા રંગ અલગ અલગ ગોઠવાયેલા હોય તો વધારે સારું. ભોજન સાથે થોડું હળવું સંગીત હોય તો પણ ભોજનનો આનંદ અનેકગણો થઈ જતો હોય છે.
મન ભરીને ભોજન માટે એક ઝેન જ્ઞાન એ છે કે ખાવાં ટાણે ખાવું. બીજે ડફોરિયા મારવાની મનાઈ છે. ઈતિ શ્રી મન કી ખાનપાન વાર્તા સંપન્ન!
Image may contain: 1 person, food

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ