Daily Archives: નવેમ્બર 12, 2020

ખુબસુરત અને સફળ અભિનેત્રી સાધના

ખુબસુરત અને સફળ અભિનેત્રી સાધના
ખુબસુરત હેરસ્ટાઈલથી સૌને આકર્ષણ જગાવનાર અભિનેત્રી સાધના જીવતા હોત તો ૭૯ વર્ષના થાત. ૨ સપ્ટેમ્બર, ૧૯૪૧ના દિવસે કરાંચીના સિંધી પરિવારમાં જન્મેલા સાધના શિવદાસાની ની સાંઠના દાયકાના આરંભથી સિત્તેરના દાયકાના અંત સુધી બોલબાલા હતી. તે સમયે તેઓ સૌથી વધુ ફી લેનારા અભિનેત્રીઓમાંના એક હતાં. એ સમયને હિન્દી ફિલ્મોનો સુવર્ણ યુગ મનાય છે. દેશની પહેલી સિંધી ભાષાની ફિલ્મ ‘અબાના’માં કામ કરી તેમની પહેલી હિન્દી ફિલ્મ ‘લવ ઇન સિમલા’થી જ સાધના લોકપ્રિય થયાં હતાં. એમની ફ્રિન્જ હેરકટ એવી લોકપ્રિય થયેલી કે તેનું નામ જ ‘સાધના કટ’ પડેલું.
સાધના તેમની ત્રણ સસ્પેન્સ ફિલ્મોથી ખુબ સફળ થયાં હતાં, ‘વોહ કૌન થી?’, ‘મેરા સાયા’ અને ‘અનિતા’; ત્રણેયના નિર્દેશક રાજ ખોસલા હતા. એને કારણે સાધના ‘મિસ્ટ્રી ગર્લ’ રૂપે પણ ઓળખાતાં હતાં. ‘વોહ કૌન થી?’ અને ‘વક્ત’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર નોમિનેશન મળ્યાં હતાં. સિત્તેરના દાયકામાં કેમેરા સામેથી નિવૃત્ત થતાં પહેલાં સાધનાએ થોડી ફિલ્મોનું સહનિર્માણ અને નિર્દેશન પણ કર્યું હતું.
તેમના પિતાજી શિવદાસાનીની ગમતી અભિનેત્રી-નર્તકી સાધના બોઝ હતાં, તેમના નામ પરથી તેમણે પોતાની દીકરીનું નામ સાધના પાડ્યું હતું. અભિનેત્રી બબીતાના પિતા હરિ શિવદાસાની સાધનાના કાકા થાય. દેશના ભાગલા પછીના તોફાનોથી બચીને સાધનાનું પરિવાર કરાંચીથી મુંબઈ આવી વસ્યું હતું. તેઓ ૮ વર્ષના થયાં ત્યાં સુધી સાધનાને માતાએ ઘરમાં જ ભણાવ્યા હતાં. પછી સાધના મુંબઈના વડાલાની ઓક્ઝીલિયમ કોન્વેન્ટ અને પછી જય હિન્દ કોલેજમાં ભણ્યાં હતાં.
બાળપણથી એમને અભિનેત્રી બનવું હતું. તેમના પિતાએ સાધનાને ફિલ્મોમાં કામ મેળવવા માટે મદદ કરી હતી. ‘શ્રી ૪૨૦’ના ‘મૂડ મૂડ કે ના દેખ’ના ગ્રુપ ડાન્સમાં સાધનાએ ૧૫ વર્ષની વયે નૃત્ય કર્યું હતું. કોલેજમાં તેમને નાટક કરતાં જોઈ નિર્માતાઓને રસ પડ્યો હતો. એ રીતે તેમને દેશની પહેલી સિંધી ફિલ્મ ‘અબાના’ (૧૯૫૮)માં અભિનેત્રી શીલા રામણીની નાની બહેનની ભૂમિકા મળી હતી. સાધનાનો ફોટો ‘સ્ક્રીન’ સાપ્તાહિકમાં પ્રગટ થયેલો તે જોઈને ત્યારના અગ્રિમ ફિલ્મ નિર્માતા શશધર મુખર્જીની નજરમાં સાધના વસ્યા હતાં. સાધના શશધરની એક્ટિંગ સ્કૂલમાં દાખલ થયાં જ્યાં તેમની પહેલી ફિલ્મના સહકલાકાર અને શશધરના દીકરા જોય મુખર્જી પણ તાલીમ લેતા હતા. અગાઉ સહદિગ્દર્શક રૂપે કામ કરતાં આર.કે. નૈય્યરને પહેલી વખત સ્વતંત્ર ફિલ્મ નિર્દેશનની તક મળી અને સાધનાની પહેલી હિન્દી ફિલ્મ ફિલ્માલયની ‘લવ ઇન શિમલા’ (૧૯૬૦) આવી અને હીટ થઇ. નૈય્યરે જ સાધનાની હેરસ્ટાઈલ બ્રિટીશ અભિનેત્રી ઓડ્રી હેપબર્ન જેવી બનાવી હતી જે ‘સાધના કટ’ રૂપે જાણીતી બની. એજ ટીમની બીજી ફિલ્મ ‘એક મુસાફિર એક હસીના’ પણ આવી અને સફળ તે પણ થઇ.
બિમલ રોયે તેમને ‘પરખ’માં લીધાં. દેવ આનંદની ‘હમ દોનો’માં કામ કરીને સાધના સ્ટાર બની ગયાં હતાં. તેના ગીત ‘અભી ના જાઓ છોડકર’ને આજના શાહરુખ ખાન કે સંજય ભણસાલી સૌથી રોમાન્ટિક ગીત ગણે છે. હૃષીકેશ મુખર્જી નિર્દેશિત ‘અસલી નકલી’માં વધુ એકવાર સાધના દેવ આનંદના નાયિકા બન્યાં. સાધનાની રાજેન્દ્ર કુમાર સાથેની એચ.એસ. રવૈલ નિર્દેશિત ટેકનીકલર ફિલ્મ ‘મેરે મેહબૂબ’ અને રામાનંદ સાગર નિર્દેશિત ‘આરઝૂ’ ખુબ સફળ થઇ હતી. તો યશ ચોપરા નિર્દેશિત મલ્ટી સ્ટારર ફિલ્મ ‘વક્ત’માં પણ સાધનાની ખુબસુરતી છલકાતી હતી. સાધનાની શમ્મી કપૂર સાથેની ‘રાજકુમાર’ અને ‘બદતમીઝ’; રાજ કપૂર સાથે ‘દુલ્હા દુલ્હન’ અને સુનીલ દત્ત સાથેની ‘ગબન’ પણ યાદગાર રહી હતી.
સાધનાજી ને થાઈરોઈડના રોગે હેરાન કર્યા. તેમણે તેની બોસ્ટનમાં સારવાર લીધી. ત્યાર બાદ ‘ઇન્તકામ’, ‘એક ફૂલ દો માલી’, ‘આપ આયે બહાર આઈ’, ‘દિલ દૌલત ઔર દુનિયા’ તથા ‘ગીતા મેરા નામ’ જેવી ફિલ્મોમાં તેમણે સફળતા મેળવી. પછી તેઓ એટલા માટે નિવૃત્ત થયાં કે તેમણે મુખ્ય નાયિકા સિવાયની ભૂમિકા કરવી નહોતી.
સાધનાએ તેમની પહેલી હિન્દી ફિલ્મ ‘લવ ઇન સિમલા’ના નિર્દેશક આર.કે. નૈયર સાથે ૧૯૬૬માં લગ્ન કર્યા. એ ફિલ્મના સેટ પર જ તેમનો પ્રેમ પાંગર્યો હતો, પણ તેઓ લગ્ન માટે નાના હોવાના કારણે પરિવારે વિરોધ કર્યો હતો. પાંચેક વર્ષના પ્રેમ બાદ તેમણે લગ્ન કર્યા હતાં. પાછળથી પતિ સાથે સાધનાએ ફિલ્મ નિર્માણ ગૃહ શરૂ કર્યું. ડીમ્પલને લઇને ‘પતિ પરમેશ્વર’ બનાવી. ત્રીસ વર્ષના લગ્નજીવન બાદ નૈયર સાહેબનું ૧૯૯૫માં નિધન થયું. આ દંપતીને કોઈ સંતાન નહોતું. હાઈપર થાઈરોઈડને કારણે સાધનાની આંખો નબળી થઇ હતી. નિવૃત્તિ પછી તેઓ ફોટો પાડવાની સંમતિ નહોતા આપતા. તેઓ સાન્તાક્રુઝમાં આશા ભોસલેની બિલ્ડીંગના ફ્લેટમાં રહેતાં હતાં. ૨૫ ડીસેમ્બર, ૨૦૧૫ના રોજ સાધનાનું નિધન થયું, પારિવારિક મિત્રના જણાવવા મુજબ તેમને કેન્સર થયું હતું, જેની જાહેરાત નહોતી કરાઈ.
સાધનાના યાદગાર ગીતો: અભી ના જાઓ છોડ કર (હમદોનો), ઓ સજના બરખા બહાર આઈ (પરખ), તેરા મેરા પ્યાર અમર, તુઝે જીવન કી ડોર સે બાંધ લિયા હૈ (અસલી નકલી), બેદર્દી બાલમા તુજકો, અજી રૂઠ કર અબ (આરઝૂ), તું જહાં જહાં ચલેગા, નૈનો મેં બદરા છાયે, ઝૂમકા ગીરા રે (મેરા સાયા), નૈના બરસે, લગ જા ગલે (વો કૌન થી?), કૈસે રહું ચૂપ (ઇન્તકામ), આજા આઈ બહાર દિલ હૈ, તુમને કિસી કી જાન કો, તુમને પુકારા ઔર હમ ચાલે આયે, દિલરુબા દિલ પે તુ (રાજકુમાર).
‘સપ્ટેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી સાભાર – આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized

મધુબન મે રાધિકા વાળા રાધિકા કુમકુમે આખરી વિદાય લીધી

મધુબન મે રાધિકા વાળા રાધિકા કુમકુમે આખરી વિદાય લીધી
વીતેલા વર્ષના અભિનેત્રી કુમકુમ નથી રહ્યાં. ૨૮ જુલાઈ, ૨૦૨૦ના રોજ તેમનું ૮૬ વર્ષની વયે નિધન થયું છે.
૨૨ એપ્રિલ, ૧૯૩૪ના રોજ બિહારના શેખપુરાના હુસૈનાબાદમાં ઝેબુન્નીસા રૂપે તેમનો જન્મ થયો હતો. તેમના પિતાજી હુસૈનાબાદના નવાબ હતા. એમનું પરિવાર ખુબ માનવંત હતું. ગઈ સદીના પચાસ અને સાંઠના દાયકામાં મુખ્ય અને ચરિત્ર ભૂમિકાઓમાં કુમકુમજી એ ૧૧૫ જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમને આપણે ‘મિ. એક્સ ઇન બોમ્બે’ (૧૯૬૪)ના નાયિકા રૂપે કે મેહબૂબ સાહેબની ‘મધર ઇન્ડિયા’ કે ‘સન ઓફ ઇન્ડિયા’ જેવી ફિલ્મોના સહાયક અભિનેત્રી રૂપે યાદ કરી શકીએ. તેમની અન્ય યાદગાર ભૂમિકાઓ કોહિનૂર, ઉજાલા, નયા દૌર, શ્રીમાન ફંટૂશ, એક સપેરા એક લૂટેરા, ગંગા કી લહરે, રાજા ઔર રંક, આંખેં, લલકાર, ગીત કે એક કુંવારા એક કુંવારી જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. તેમણે અનેક મોટા કલાકારો સાથે કામ કર્યું હતું, તો કિશોર કુમાર સાથે પડદા પર તેમની જોડી જામતી હતી.
કુમકુમ જી એ ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, પહેલી જ ભોજપુરી ફિલ્મ ‘ગંગા મૈયા તોહે પિયારી ચઢિયબો’ના તેઓ મુખ્ય અભિનેત્રી હતાં.
ફિલ્મોમાં કુમકુમ ગુરુ દત્તની શોધ હતાં. ગુરુ તેમની ફિલ્મ ‘આર પાર’ (૧૯૫૪)નું શીર્ષક ગીત ‘કભી આર કભી પાર’ પહેલાં તો તેમના મિત્ર અભિનેતા જગદીપ પર ચિત્રિત કરનાર હતા, પણ પછી તેમણે તેને કોઈ નાયિકા પર ફિલ્માવવાનું વિચાર્યું. તે સમયે એવા એક જ ગીત માટે અભિનય કરવાનો રીવાજ નહોતો. આજે તેને ‘આઇટમ નંબર’ તરીકે ઓળખાય છે. અંતે, ગુરુએ એ ગીત કુમકુમ પર ચિત્રિત કર્યું અને તે હીટ થયું. ગુરુની ક્લાસિક ફિલ્મ ‘પ્યાસા’ની એક નાની ભૂમિકામાં પણ કુમકુમ દેખાયાં હતાં. ગુરુ નિર્દેશિત ‘સીઆઈડી’ના યાદગાર ગીત ‘યે હૈ બમ્બઈ મેરી જાન’ ના છેલ્લાં અંતરમાં કુમકુમ ‘મુંબઈની સંસ્કૃતિનો બચાવ’ કરતાં વિક્ટોરિયા – ઘોડાગાડીમાં જ્હોની વોકર સાથે દેખાતાં હતાં.
૧૯૫૬ની ‘મેમ સાબ’માં કુમકુમ શમ્મી કપૂર સામે હતાં તો ૧૯૫૯ની કે.એ. અબ્બાસની પ્રયોગાત્મક ફિલ્મ ‘ચાર દિલ ચાર રાહે’માં રાજ કપૂર અને શમ્મી કપૂર બંને હતાં. એ ફિલ્મમાં શમ્મી કપૂર જ્હોની બ્રીગેન્ઝા બનેલા તો કુમકુમ સ્ટેલા ડીસોઝા રૂપે તેમની જોડી બનાવતાં હતાં.
કુમકુમ વિખ્યાત કલાગુરુ પંડિત શંભુ મહારાજ પાસે કથક નૃત્ય શીખ્યા હતાં. જે આપણે ‘કોહિનૂર’ના ‘મધુબન મે રાધિકા નાચે રે’ રૂપે વારંવાર જોયું છે, એ રાધિકા રૂપે કુમકુમ અમર થઈ ગયાં છે. એજ ફિલ્મમાં નૌશાદ સાહેબે આશા ભોંસલે પાસે ‘હાય જાદૂગર કાતીલ, હાઝીર હૈ મેરા દિલ’ ગીત ગવડાવ્યું હતું, જે પણ કુમકુમ જી પર ચિત્રિત થયું હતું.
કુમકુમ અને કિશોર કુમારની કેમેસ્ટ્રી સ્ક્રીન પર ‘ગંગા કી લહરે’, ‘શ્રીમાન ફંટૂશ’, ‘શરારત’, ‘હાય મેરા દિલ’ કે ‘મિ. એક્સ ઇન બોમ્બે’ જેવી ફિલ્મોમાં જામી હતી. તેમના ‘ખુબસુરત હસીના’ (મિ. એક્સ ઇન બોમ્બે), ‘ઇજાઝત હો તો’ (હાય મેરા દિલ), સુલતાના સુલતાના (શ્રીમાન ફંટૂશ), કે ‘મચલતી હુઈ’ (ગંગા કી લહરે) માં કુમકુમ – કિશોર કુમાર ત્યારે પણ લોકપ્રિય હતાં અને આજે પણ યાદ કરાય છે.
કુમકુમ જી રામાનંદ સાગરની પણ પસંદગીના અભિનેત્રી હતાં. તેઓ ‘આંખે’માં ધર્મેન્દ્રના બહેન રૂપે, ‘ગીત’ની નાની ભૂમિકામાં હતાં, પણ ‘લલકાર’માં તો રાજેન્દ્ર કુમાર – માલા સિંહાની સમાંતરે કુમકુમની જોડી ધર્મેન્દ્ર સાથે બની હતી. એજ સાગરની ‘જલતે બદન’ (૧૯૭૩)માં કુમકુમની જોડી કિરણ કુમાર સાથે બનતી હતી. તો ‘ધમકી’ (૧૯૭૩)માં કુમકુમ વિનોદ ખન્ના સાથે ‘ચાંદ ક્યા હૈ રૂપ કા દર્પણ’ ગાતાં ખુબ લોકપ્રિય થયાં હતાં. તો સફળ નિર્દેશક પ્રકાશ મેહરાની બ્લોક બસ્ટર ફિલ્મ ‘’એક કુંવારા એક કુંવારી’માં કુમકુમની જોડી પ્રાણ સાહેબ સાથે હતી.
કુમકુમ જી એ સિત્તેરના દાયકાના આરંભમાં સજ્જાદ અકબર ખાન સાથે લગ્ન કર્યાં અને એ લગ્નની પૂર્વ શરત હતી કે તેઓ ફિલ્મોમાં કામ નહીં કરે. જે વચન કુમકુમે જીવનભર પાળ્યું.
જ્હોની વોકરના દીકરા અભિનેતા નાસીર ખાન અને જગદીપના દીકરા નવેદ જાફરીએ ટ્વીટર દ્વારા તેમના કુમકુમ આંટીના નિધનના સમાચાર વહેતા મુક્યા છે. તેઓ તેમના પરિવાર જન, અદભુત અભિનેત્રી – નર્તકી અને સારા ઇન્સાન હોવાની ખુશ્બૂ સાથે જન્નતનશીન થયાં છે.
આપણે કુમકુમજી ની કાયમી વિદાય ટાણે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ.
જુલાઈના સિતારા / નરેશ કાપડીઆ
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under પ્રકીર્ણ