Diwali Festival Of Lights… ગબ્બર સિંઘ

Diwali Festival Of Lights...
Diwali Festival Of Lights…

Let the lights of Diwali illuminate your life with joy, prosperity and happiness.

શુદ્ધ દુષણ ગબ્બર સિંઘ યાને અમજદ ખાન

ગબ્બર સિંઘના પાત્રથી સદા યાદગાર બની ગયેલા અમજદ ખાનની ૨૮મી પુણ્યતિથિ. ૨૭ જુલાઈ, ૧૯૯૨ના રોજ મુંબઈમાં માત્ર ૫૧ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. વીસેક વર્ષની અભિનય કારકિર્દીમાં અમજદે ૧૩૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને વિલનની ભૂમિકાઓમાં ખુબ લોકપ્રિયતા મળી, જેમાં ‘શોલે’ (૧૯૭૫)ની ડાકૂ ગબ્બર સિંઘની ભૂમિકા શિરમોર હતી. ‘મુકદ્દર કા સિકંદર’ની દિલવર પણ આવી એક યાદગાર ભૂમિકા હતી.
પશ્તુન જાતિના અભિનેતા જયંતના પરિવારમાં અમજદનો જન્મ આજના પાકિસ્તાનના પેશાવરમાં ૧૨ નવેમ્બર, ૧૯૪૦ના રોજ થયો હતો. તેમના ભાઈઓ ઈમ્તીઆઝ ખાન અને ઈનાયત ખાન પણ અભિનેતા છે. અમજદે મુંબઈના બાન્દ્રાની સેન્ટ એન્ડ્રુઝ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું હતું. આર.ડી. નેશનલ કોલેજમાં તેઓ વિદ્યાર્થી મંડળના જનરલ સેક્રેટરી હતા. કેમેરા સામે આવતા પહેલાં અમજદ રંગમંચના અભિનેતા હતા. ‘નાઝનીન’ (૧૯૫૧) ફિલ્મમાં તેમણે ૧૧ વર્ષની ઉમરે પહેલીવાર અભિનય કર્યો હતો. પછી ૧૭ વર્ષની ઉમરે ‘અબ દિલ્લી દૂર નહીં’માં અને થોડી ફિલ્મોમાં પિતાજી જયંત સાથે તેમણે અભિનય કર્યો હતો. સાંઠના દાયકાના અંતે કે. આસીફ સાહેબની ‘લવ એન્ડ ગોડ’ માટે તેમણે સહાયક નિર્દેશન કર્યું હતું. એક વયસ્કની ભૂમિકામાં અમજદ ‘હિન્દુસ્તાન કી કસમ’ (૧૯૭૩)માં પહેલીવાર દેખાયા હતા. ‘શોલે’ના લેખકોમાંના સલીમ ખાને અમજદને ગબ્બર સિંઘની ભૂમિકા ઓફર કરી હતી. તે ભૂમિકાની તૈયારી રૂપે અમજદે જયા ભાદુડીના પિતાજી તરુણકુમાર ભાદુરીએ ચંબલના ડાકૂઓ વિશે લખેલું પુસ્તક ‘અભિશપ્ત ચંબલ’ વાંચ્યું હતું. ‘શોલે’ની સફળતા સાથે અમજદ સ્ટાર બન્યા. તેમના એ પાત્રને સમીક્ષકો ભારતીય સિનેમાના ‘શુદ્ધ દુષણ’ રૂપે નવાજે છે. એ પાત્રના સંવાદો અને તે બોલવાની શૈલીની અનેકાનેક નકલ થતી રહી છે. ‘શોલે’માં અમજદ સાથે ધર્મેન્દ્ર, અમિતાભ, સંજીવ કુમાર, હેમા માલિની અને જયા ભાદુડી પણ હતાં. પણ અમજદ ગબ્બર રૂપે ખુબ જામ્યા હતા. તેમના ‘જો ડર ગયા, સમજો મર ગયા’ કે ‘તેરા ક્યા હોગા કાલિયા?’ કે ‘તો ગોલી ખા’ કે ‘કબ હૈ હોલી, કબ?’ જેવા સંવાદો આજે પણ યાદ કરાય છે. તેઓ બાદમાં બ્રિટાનીયા ગ્લુકોઝ બિસ્કીટની જાહેરાતમાં પણ એ પાત્રમાં દેખાયા અને કહેતા, ‘ગબ્બર કી અસલી પસંદ’. જાણીતી પ્રોડક્ટ વેચવા માટે વિલનના પાત્રનો ઉપયોગ નવો હતો.
‘શોલે’ની સફળતા બાદ અમજદ ખાને સિત્તેર અને એંશીના દાયકાઓમાં અને નેવુંના દાયકાના આરંભ સુધી નકારાત્મક ભૂમિકાઓ કરી. અમિતાભની સામે વિલનની ભૂમિકામાં અજીતને પાછળ પાડીને અમજદ આગળ વધી ગયા હતા. ‘ઇનકાર’ની તેમની ભૂમિકા પણ ડરાવે તેવી હતી. જે ફિલ્મોમાં અમજદની ખલનાયકીની નોંધ લેવી પડે તેવી ‘દેશ પરદેશ’, ‘નાસ્તિક’, ‘સત્તે પે સત્તા’, ‘દાદા’, ‘ચંબલ કી કસમ’, ‘ગંગા કી સૌગંધ’, ‘હમ કિસીસે કમ નહીં’ કે ‘નસીબ’ને યાદ કરી શકાય. તેમને કેટલીક અલગ પ્રકારની ભૂમિકા પણ મળી. મુન્શી પ્રેમચંદની નવલકથા પરથી સત્યજીત રાયે બનાવેલી ‘શતરંજ કે ખિલાડી’માં અમજદ અવધના રાજા વાજીદઅલી શાહની ભૂમિકામાં હતા. એમાં તો તેમણે એક ગીત પણ ગાયેલું. તો અમજદે કેટલીક હકારાત્મક ભૂમિકાઓ પણ કરી. જેમાં ‘યારાના’માં તેઓ અમિતાભના મિત્ર અને ‘લાવારિસ’માં પિતા બન્યા હતા. કલાત્મક ફિલ્મ ‘ઉત્સવ’ માં અમજદ ‘કામસૂત્ર’ના લેખક વાત્સયાયન બન્યા હતા. ૧૯૮૮માં તેઓ મર્ચન્ટ-આઇવરીની અંગ્રેજી ફિલ્મ ‘ધ પરફેક્ટ મર્ડર’માં અન્ડરવર્લ્ડ ડોન બન્યા હતા. તો કેટલીક ફિલ્મોમાં તેમણે કરેલી હાસ્ય ભૂમિકાઓ પણ યાદગાર બની, જેમાં ‘કુરબાની’, ‘લવ સ્ટોરી’ કે ‘ચમેલી કી શાદી’ યાદ કરી શકાય. તેમણે સફળ ફિલ્મ ‘ચોર પોલીસ’નું અને નિષ્ફળ ફિલ્મ ‘અમીર આદમી, ગરીબ આદમી’નું નિર્દેશન કર્યું હતું. અમજદ એક્ટર્સ ગીલ્ડના પ્રમુખ બન્યા હતા. ફિલ્મ જગતમાં તેમનું માન હતું. અભિનેતાઓ, નિર્માતા કે નિર્દેશકો સાથેના વિવાદમાં તેઓ લવાદ રૂપે સ્વીકાર્ય રહેતા.
અમજદે શેહલા ખાન સાથે ૧૯૭૨માં લગ્ન કર્યા હતા અને તેમનો દીકરો શાદાબ ખાન પણ થોડી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યો છે. તેમની એક દીકરી અહલામ ખાન જાણીતા રંગમંચ અભિનેતા ઝફર કરાંચીવાલાને પરણી છે, બીજો દીકરો સીમાબ ખાન છે.
૧૯૭૬માં મુંબઈ-ગોવા હાઈ-વે પર અમજદનો ભીષણ માર્ગ અકસ્માત થયો હતો, જેને કારણે તેમના પાંસળા તૂટયા હતા અને ફેફસાંમાં કાણા પડ્યા હતાં. તેઓ અમિતાભ સાથેની ફિલ્મ ‘ધ ગ્રેટ ગેમ્બલર’ના શૂટિંગ માટે જઈ રહ્યા હતા. તેઓ ગંભીર ઈજાને કારણે કોમામાં સરકી ગયા હતા, જોકે સદનસીબે વહેલા સારા પણ થયા હતા. એ દરમિયાનની દવાઓને કારણે તેમનું વજન ખુબ વધી ગયું હતું, જેને કારણે વધુ મુશ્કેલી નડી હતી. એને કારણે તેમને થયેલી હૃદયની બીમારીમાં માત્ર ૫૧ વર્ષની વયે ૧૯૯૨માં અમજદનું નિધન થયું હતું. તે પહેલાં તેમણે પુરી કરેલી અનેક ફિલ્મો તેમના નિધન બાદ ૧૯૯૬સુધી રજૂ થઇ હતી.
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકનો અંશ. આભાર શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.