Daily Archives: નવેમ્બર 15, 2020

પૅન્ડિમોનિઅમ:

પૅન્ડિમોનિઅમ: સાવ અંધાધૂંધી, ધાંધલ, ધમાલ, કોલાહલઅમે તો આજ કોલાહલ વચાળે મૌન થૈ બેઠા,અખંડાનંદ જેવા ધ્યાનનું સગપણ ઘણું કહેશે.સભામાં શાંતિ પ્રસરી ગૈ ચબરખી દાનની મળતા,અલૌકિક સૂર, શબ્દો, અર્થ ને રણઝણ ઘણું કહેશે.– દાન વાઘેલા એક પૅન્ડેમિક શબ્દ છેલ્લાં નવ મહિનાથી આપણો હેવાયો થઈ ગયો છે; એમાં આ એક અવનવો શબ્દ પૅન્ડિમોનિઅમ અમારી ઝપટે ચઢી ગયો. પૅન્ડિમોનિઅમ એવો શબ્દ છે, જેનો પ્રતિષ્ઠિત અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સે ચાલુ વર્ષે બાવન વખત ઉપયોગ કર્યો છે. ભારતની સંસદમાં ધમાલ થાય ત્યારે સામાન્ય રીતે ઇંગ્લિશ અખબારો પૅન્ડિમોનિઅમ શબ્દ ઇસ્તેમાલ કરે છે. ‘ધ હિન્દુ’ અખબારે તાજેતરમાં લખ્યું કે- ‘રાજ્યસભામાં પૅન્ડિમોનિઅમ વચ્ચે કૃષિ ખરડાઓ ધ્વનિ મતથી પસાર થયા’. ગયા અઠવાડિયે અમેરિકાનાં પ્રેસિડન્ટપદનાં બે દાવેદાર ટ્રમ્પ અને બિડેન વચ્ચે ટીવી ડીબેટ થઈ. ટ્રમ્પ બોલ્યા કે ચિકાગોની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે અને એટલે મારું ફરી ચૂંટાઈ આવવું જરૂરી છે. ચિકાગોનાં મેયર લોરી લાઇટફૂટે તરત જ ટ્વીટ કરીને જવાબ આપ્યો કે તમારા જૂઠાં મોઢામાંથી ચિકાગોને તો બાદ જ રાખજો. અને આગળ ટ્વીટયું કે ટ્રમ્પ પૅન્ડિમોનિઅમની સ્થિતિ પેદા કરવા માંગે છે જેથી મતદાતાઓ કન્ફ્યુઝ (ગૂંચવી નાંખવું) અને ફ્રસ્ટ્રેટ (નાસીપાસ) થઈ જાય. શું છે આ પૅન્ડિમોનિઅમ (Pandemonium) ?ગુજરાતી લેક્સિકોન અનુસાર પૅન્ડિમોનિઅમ એટલે ઘોંઘાટ, શોરબકોર (વાળી જગ્યા), સાવ અંધાધૂંધી, ધાંધલ, ધમાલ, કોલાહલ. મૂળ બે ગ્રીક શબ્દો પૅન (Pan) અને ડેમોનિયન (Daemonian). પૅન એટલે બધાં. દરેક. સૌ કોઈ. હવે જાણીતો થઈ ગયેલો શબ્દ ‘પૅન્ડેમિક’ એટલે કે વૈશ્વિક રોગચાળાની સ્થિતિ-માં પણ પહેલો શબ્દ ‘પૅન’ એટલે સૌ કોઈ અથવા તો બધા જ અને ‘ડેમોસ’ એટલે લોકો. બધા જ લોકો રોગનો ભોગ બની જાય એ પૅન્ડેમિક. પણ આપણે આજના શબ્દ ઉપર આવીએ. પૅન એટલે સૌ અને ડીમોનિયમ એટલે દુષ્ટાત્મા. સૌ શૈતાની આત્માઓ. ‘ડીમન’ શબ્દ આપણે જાણીએ છીએ. ડીમન એટલે રાક્ષસ, ભૂત, પિશાચ, દુષ્ટ કે ભારે શક્તિશાળી માણસ. પૅન્ડિમોનિઅમ શબ્દ પહેલી વાર અંગ્રેજ કવિ જ્હોન મિલ્ટન (૧૬૦૮-૧૬૭૪) એનાં મહાકાવ્ય ‘પેરેડાઈઝ લોસ્ટ’માં પ્રયોજ્યો. આમ તો આદમ અને ઈવ અને ઇડન ગાર્ડન અને પેલું પ્રતિબંધિત સફરજનનું ખાવું અને પછી… આપણે જાણીએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે સજા રૂપે બંનેને સ્વર્ગથી પૃથ્વી પર મોકલી દેવાયા. એ ‘પેરેડાઈઝ લોસ્ટ’ (ગુમાઈ ગયેલું સ્વર્ગ) કાવ્યનો મુખ્ય વિષય. પણ આ બાર ભાગમાં વહેંચાયેલું દસ હજારથી પણ વધુ પંક્તિઓનું મહાકાવ્ય શરૂ થાય છે દેવોનાં હાથે દાનવો (શૈતાન)ની હારથી. શૈતાન અને એનાં સાથીદારોને નર્ક લોક અથવા તો પાતાળમાં મોકલી દેવામાં આવે છે. શૈતાન લોકો દ્વારા નર્કમાં એક રાજમહેલ બાંધવામાં આવે છે, જેનું નામ અપાય છે પૅન્ડિમોનિઅમ. જ્યાં શૈતાનો કે દુષ્ટાત્માઓ રહે છે. શૈતાન હવે ભગવાન સામે બદલો લેવા માંગે છે. એ માટે ભગવાનનું નવું સર્જન પૃથ્વી અને એમાં વસતી માણસજાતને ભ્રષ્ટ કરવાનું હવે એનું કામ મિશન છે. એ માટેનું બધું પ્લાનિંગ પૅન્ડિમોનિઅમમાં બેસીને થાય છે. પૅન્ડિમોનિઅમ એવો શૈતાનોનો નિવાસ છે જે માત્ર એક કલાકમાં જ બાંધી લેવાયો હોય છે. આખો સોનાનો બનેલો પૅન્ડિમોનિઅમ જો કે સાઈઝમાં બહુ મોટો નથી. શૈતાન લોકો સાઈઝમાં માણસો કરતાં મોટા હોય છે અને જ્યારે પૅન્ડિમોનિઅમ હોલમાં ભેગા થાય ત્યારે સ્વાભાવિક છે કે ભીડભાડ થઈ જાય અને અફરાતફરીનો માહૌલ સર્જાઈ જાય. અંધાધૂંધી થઈ જાય. જો કે પછી શૈતાન રાજાનો હૂકમ થાય એટલે સૌ શૈતાનો વામન સ્વરૂપ લઈ લે અને હોલમાં શિસ્તનું વાતાવરણ બની જાય. પૅન્ડિમોનિઅમ શબ્દ પછી ઇંગ્લિશ ભાષામાં અઢારમી સદીથી વપરાવા લાગ્યો એવી સ્થિતિ માટે હોહા દેકારા હોય, અવ્યવસ્થા હોય, કાયદો અને શિસ્તનાં ચીંથરા ઊડી ગયા હોય ત્યારે કહેવાય કે આ સ્થિતિ પૅન્ડિમોનિઅમની સ્થિતિ છે. સંસદમાં જ્યારે આપણાં પ્રતિનિધિઓએ ધમાલ કરે અને પૅન્ડિમોનિઅમ શબ્દ અખબારમાં આવે ત્યારે મને શૈતાનનાં નર્કની રાજધાનીનું મુખ્ય મહેલ પૅન્ડિમોનિઅમ યાદ આવે છે. જો કે પૅન્ડિમોનિઅમ શબ્દ સંસદ પૂરતો મર્યાદિત નથી. અંધાધૂંધ હોય એવી કોઈ પણ સ્થિતિ માટે પૅન્ડિમોનિઅમ શબ્દ વપરાતો હોય છે. કોલાહલ એ શૈતાની તાસીર છે. શોરબકોર થતો રહે. કશું ય થાય નહીં. હો હા-માં હા કે ના પણ ખોવાઈ જાય. લેખની શરૂઆતમાં જે પંક્તિ ટાંકી છે એમાં કવિ શ્રી દાન વાઘેલા એક સરસ વાત કહે છે. કહે છે કે મૌન, અખંડઆનંદ અને અલૌકિક સૂર, શબ્દો, અર્થ ને રણઝણ ઘણું કહી દે છે. આ સ્વર્ગની સ્થિતિ છે. સ્વર્ગમાં શાંતિ છે, કોલાહલ નથી. પૅન્ડિમોનિઅમ નર્કની સાથે સંકળાયેલો શબ્દ છે. અથવા રાજકારણ સાથે સંકળાયેલો શબ્દ છે. પણ જે છે તે છે. આપણાં હાથની વાત ન હો તો ભૂલી જવું. વિસ્મૃતિ શાંતિની દ્યોતક હોય છે. શબ્દ શેષ: “પૅન્ડિમોનિઅમની સ્થિતિને સ્વીકારી લો. અહીં છો તો આ અનુપમ ગાંડપણમાંથી ખુશીને શોધી લો, અત્યારે જ.” –અજ્ઞાત

22You, Yamini Vyas, Jasmine Bhatt and 19 others2 CommentsLikeCommentShare

Leave a comment

Filed under Uncategorized