Daily Archives: નવેમ્બર 16, 2020

નૂતન વર્ષાભિનંદન+ હાસ્ય કલાકાર મહેમૂદ

Inline image


નવા તરંગ સાથે નવા સબંધ અને નવા વર્ષ ની શરૂઆત.

વીતેલા વરસના સુખ-દુ:ખ ભૂલીને નવા વરસને ઉમળકાથી વધાવીએ, સર્વશક્તિમાન પરમાત્માની સર્વદર્શી આંખ સદા સર્વદા મારી સંભાળ રાખી રહી છે ને મારા ઉપર સતત અમીવર્ષા કરી રહી છે. એનો પરમ શક્તિશાળી હાથ – જે બ્રહ્માંડના કોઈ પણ ખૂણે પહોઁચીને ગમે તે કાર્ય સાવ સરળતાથી કરી શકે છે તે – મારી પાસે છે, ઉપર છે, નીચે છે, આસપાસ છે. એ સતત મારૂં રક્ષણ કરે છે. પછી ચિઁતાની શી જરૂર?
હું સાવ નચિઁત છું, સુરક્ષિત છું, પ્રભુની શક્તિથી પ્રેરાયેલો છું.હે પ્રભુ! જે ઘટનાઓ બનવાની છે તે સહન કરવાની શક્તિ આપો. દુઃખોમાં અડગ રહીએ, ગુસ્સો આવે ત્યારે શાંત રહીએ અને ભાગ્યના ભયંકર પલટા સાથે આસમાની-સુલતાની થઈ જાય ત્યારે છેક મૃત્યુના દ્વાર સુધી પણ પરસ્પરને વફાદાર અને પ્રેમભર્યા રહીએ એવો અનુગ્રહ કરો.
આ નવું વર્ષ આપને તથા આપના કુટુંબીજનોને સુખ, સફળતા, આરોગ્ય,આનંદ તેમ જ શારીરિક માનસિક અને આર્થિક રીતે સમૃદ્ધિ સભર બને એવી અમારી હાર્દિક શુભ કામનાઓ વ્યક્ત કરું છું. નવા સંકલ્પ કરીએ અને જીવનમાં પ્રગતિના પંથે આગળ વધીએ.’આ નવું વર્ષ આપને તથા આપના કુટુંબીજનોને સુખ, સફળતા, આરોગ્ય,આનંદ તેમ જ શારીરિક માનસિક અને આર્થિક રીતે સમૃદ્ધિ સભર બને એવી અમારી હાર્દિક શુભ કામનાઓ વ્યક્ત કરું છું.

સૌથી સફળ હાસ્ય કલાકાર મહેમૂદ

દેશના સૌથી લોકપ્રિય હાસ્ય કલાકારોમાંના એક એવા મેહમૂદની ૧૬મી પુણ્યતિથિ. ૨૩ જુલાઈ, ૨૦૦૪ના રોજ મેહમૂદ અલીનું અમેરિકાના પેન્સીલવેનિયાના ડનમોરમાં નિધન થયું હતું. મેહમૂદ હાસ્ય અભિનેતા ઉપરાંત ગાયક, નિર્માતા અને નિર્દેશક પણ હતા.
પોતાની ચાર દાયકાની કરિયરમાં મેહમૂદ સાહેબે ૩૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મેહમૂદને ૨૫ વાર ફિલ્મફેર એવોર્ડના નોમિનેશન મળ્યાં હતાં, એમાંથી ૧૯ વાર તો ‘શ્રેષ્ઠ હાસ્ય કલાકાર’ના હતાં. ૧૯૫૪થી શરુ થયેલાં ફિલ્મફેર એવોર્ડ્સમાં ‘હાસ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનય’નો એવોર્ડ છેક ૧૯૬૭માં શરુ થયો હતો. તે પહેલાં તેમને ‘શ્રેષ્ઠ સહાયક અદાકાર’ માટે છ વાર નામાંકન મળ્યું હતું.
મેહમૂદને હંમેશા જે ફિલ્મો માટે યાદ કરાશે તેમાં રજુઆતના ક્રમમાં દિલ તેરા દીવાના (શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ), સાંજ ઔર સવેરા, જોહર મેહમૂદ ઇન ગોવા, ભૂત બંગલા, પ્યાર કિયે જા, ગુમનામ, પડોસન, આંખે, સાધુ ઔર શૈતાન, વારિસ, હમજોલી, મસ્તાના, મૈ સુંદર હું, બોમ્બે ટુ ગોવા, કુંવારા બાપને યાદ કરી શકાય.
તે ઉપરાંત રજુઆતના ક્રમમાં છોટી બહન, છોટે નવાબ, રાખી, ઘર બસા કે દેખો, ભરોસા, ગૃહસ્થી, ઝીંદગી, જીદ્દી, બેટી બેટે, શબનમ, લવ ઇન ટોકિયો, પતિ પત્ની, મેહરબાન, પથ્થર કે સનમ, નીલકમલ, ઈજ્જત કે દો ફૂલમાં પણ તેઓ યાદગાર હતા.
૨૯ સપ્ટેમ્બર, ૧૯૩૨ના રોજ મુંબઈમાં મેહમૂદનો જન્મ થયો હતો. એમના પિતા મુમતાઝ અલી ફિલ્મ અને રંગમંચના અભિનેતા / નૃત્યકાર હતાં, જેમણે ચાળીસ અને પચાસના દાયકામાં ખુબ લોકપ્રિયતા મેળવી હતી. મેહમૂદને એક મોટી બહેન અને છ નાના ભાઈઓ હતાં. તેમના બહેન મીનું મૂમતાઝ હિન્દી ફિલ્મોના સફળ નર્તકી અને ચરિત્ર અભિનેત્રી હતાં. તેમના નાના ભાઈ અનવર અલી પણ અભિનેતા ને ‘ખુદ્દાર’ તથા ‘કાશ’ જેવી ફિલ્મોના નિર્માતા હતાં.
બાળ કલાકાર રૂપે મેહમૂદે ‘કિસ્મત’ જેવી મોટી ફિલ્મમાં અભિનય કર્યો હતો. તેમણે ખુબ નાનામોટા કામ કર્યાં હતાં, જેમાં ઈંડા વેચવાથી માંડીને નિર્દેશક પી. એલ. સંતોષીના ડ્રાઈવર તરીકેનું કામ પણ સામેલ છે. એમના દીકરા રાજકુમાર સંતોષીએ પાછળથી ‘અંદાઝ અપના અપના’ (૧૯૯૪) જેવી ફિલ્મોમાં મેહમૂદને ભૂમિકા પણ આપી હતી. મેહમૂદ સાહેબના ઘણાં ગીતો મન્ના ડે એ ગાયા હતાં તો મહાન મોહમ્મદ રફી અને કિશોર કુમારે પણ મેહમૂદ માટે યાદગાર ગીતો ગાયા હતાં.
કહે છે કે મેહમૂદે પચાસના દાયકાના આરંભે અભિનેત્રી મીના કુમારીના બહેન મધુને ટેબલ ટેનિસ રમતાં શીખવ્યું હતું. લગ્ન કરીને મસૂદ નામના દીકરાના જન્મ બાદ સારું જીવન જીવવા માટે ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકા કરવા માંડી હતી. ‘સીઆઈડી’ (૧૯૫૬)માં પહેલીવાર ખુની રૂપે મેહમૂદએ અભિનયની તક મળી હતી. એમણે એવું અનેક નાની, ધ્યાન પર ન આવે તેવી ભૂમિકાઓ કરી હતી. જેમકે ‘દો બીઘા જમીન’ કે ‘પ્યાસા’માં તેઓ સિંગદાણા વેચતા ફેરિયા બન્યા હતા.
પછી તો તેમને મુખ્ય ભૂમિકા પણ મળી હતી, પણ હાસ્ય અદાકાર રૂપે તેમને જબ્બર સફળતા મળી હતી. હૈદ્રાબાદી ઉર્દૂ શૈલીમાં તેમના સંવાદો વાળી કેટલીક હાસ્ય ભૂમિકાઓમાં તેઓ ખુબ સફળ થયા હતા. દર્શકોને પેટ પકડીને કેમ હસાવવા તે મેહમૂદ બરાબર જાણતા હતા. ફિલ્મોના નાયકના મિત્ર, જે નાયકને મુશ્કેલ સ્થિતિમાં તળપદી રીતે મદદરૂપ થાય એવી અનેક ભૂમિકાઓ મેહમૂદે કરી હતી. તેમણે શુભા ખોટે સાથે સફળ જોડી બનાવી હતી. તે ઉપરાંત સહ-હાસ્ય અભિનેતા આઈ. એસ. જૌહર અને અરુણા ઈરાની સાથે પણ મેહમૂદ સફળ રહ્યા હતા.
હાસ્યકલાકાર રૂપે દર્શકોનો સૌથી વધુ પ્રેમ અને માન મેળવનારા કલાકારોમાં મેહમૂદ સાહેબ અવ્વલ આવે. તેઓ એવા હાસ્ય અભીનાતા હતાં જેમની સાથે ઘણાં મુખ્ય અભિનેતાઓ ફિલ્મો કરવાની ના પાડતાં હતાં. એનું કારણ એ હતું કે ફિલ્મના ઘણાં દ્રશ્યોમાં મેહામૂદને નાયક કરતાં પણ વધુ લોકપ્રિયતા મળતી હતી. મેહમૂદને કેટલીક મહાન હસ્તીઓને તક આપવા માટે પણ યાદ કરવા જોઈએ. કમર્શિયલ ફિલ્મોમાં ‘બોમ્બે ટુ ગોવા’માં મેહમૂદે અમિતાભ બચ્ચનને હીરો બનાવીને સફળ બ્રેક આપ્યો હતો. પોતાની ‘છોટે નવાબ’ (૧૯૬૧) માં તેમણે રાહુલ દેવ બર્મનને પહેલીવાર સ્વતંત્ર સંગીતકાર રૂપે બ્રેક આપ્યો હતો, તો પોતાની ‘કુંવારા બાપ’ (૧૯૭૪)માં તેમણે સંગીતકાર રાજેશ રોશનને પહેલી તક આપી હતી.
સિત્તેરના દાયકાના અંતે મેહમૂદની લોકપ્રિયતા ઘટવા માંડી હતી. તેમની પીઢ શૈલી, ક્યારેક ઓવર એક્ટિંગ કે જાડું હાસ્ય નીપજાવવાના પ્રયાસ તેને માટે જવાબદાર હતાં. તે ઉપરાંત હાસ્ય અભિનેતાઓની એક નવી પેઢી જગદીપ, અસરાની, પેઇન્ટલ, દેવેન વર્મા અને કદર ખાન રૂપે ઉભરી ચુકી હતી. ૧૯૮૯ – ૧૯૯૯ દરમિયાન મેહમૂદે થોડી ફિલ્મો બનાવવાના પ્રયાસ કર્યાં, જેમાંની થોડી વચ્ચેથી અટકી ગઈ અથવા નિષ્ફળ રહી. ‘અંદાઝ અપના અપના’ તેમની છેલ્લી જાણીતી ફિલ્મ બની રહી.
મેહામૂદના એક દીકરા લકી અલી (મકસૂદ અલી) જાણીતા ગાયક અને સંગીતકાર છે, જેમણે થોડી ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે.
અનેક વર્ષો સુધી નાદુરસ્ત રહેલા મેહમૂદ હૃદય રોગની સારવાર માટે અમેરિકાના પેન્સીલવેનિયામાં ડનમોર મુકામે ૨૩ જુલાઈ, ૨૦૦૪ના રોજ મેહમૂદ ઊંઘી ગયા અને ફરી કદી ઉઠ્યા જ નહીં. એ કોઈ હાસ્ય અભિનય નહીં પણ તેમની આખરી એક્ઝીટ હતી. એમના પ્રસંશકોએ મુંબઈના બાંદ્રાના મેહબૂબ સ્ટુડીઓમાં તેમની શોકસભા યોજી હતી. ૨૦૧૩માં ભારતીય ફિલ્મોની શતાબ્દીની ઉજવણી નિમિત્તે ભારતીય ટપાલ વિભાગે મેહમૂદની યાદગાર ભૂમિકાઓ દર્શાવતી પાંચ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
અભિનેતા મેહમૂદે હિન્દી ફિલ્મોમાં ‘હાસ્ય ગીતો’ની આખી શૃંખલા રચી છે: થોડાં યાદગાર ગીતો:
એક ચતુર નાર, આઓ સાંવરિયા – પડોસન, હમ કાલે હૈ તો ક્યા હુઆ – ગુમનામ, સબસે બડા રૂપૈયા – શીર્ષક, મુત્થુ કુલ્લિકા વારી કલ્લા – દો ફૂલ, ઓ મેરી મૈના – પ્યાર કિયે જા, સજ રહી ગલી મેરી માં – કુંવારા બાપ, મૈ તેરે પ્યાર મેં, પ્યાર કી આગ મેં – જીદ્દી, આઓ ટ્વિસ્ટ કરે, ભૂત બંગલા, ભાઈ બત્તુર ભાઈ બત્તુર – ભૂત બંગલા, જાના તુમ્હારે પ્યાર મેં – સસુરાલ, જોડી હમારે જમેગા કૈસે જાની – ઔલાદ, હટો કાહે કો જુઠી બનો બતિયાં – મંઝીલ, તુજકો રખે રામ – આંખે, યે કૈસા આયા જમાના – હમજોલી, મામા ઓ મામા – પરવરીશ, મારા ગયા બ્રહ્મચારી – ચિત્રલેખા, મહબૂબા મહબૂબા બના લો મુઝે દુલ્હા – સાધૂ ઔર શૈતાન, હમ દો દીવાને દિલ કે – જૌહર મેહમૂદ ઇન ગોવા, મેરી પત્ની મુઝે સતાતી હૈ – પતિ પત્ની.
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકનો અંશ. આભાર શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 2 people, text

13 ટિપ્પણીઓ

Filed under પ્રકીર્ણ