Daily Archives: ડિસેમ્બર 1, 2020

કિત્તા વિરુદ્ધ સત્તા /પરેશ વ્યાસ

Image may contain: text and outdoorકિત્તા વિરુદ્ધ સત્તા
કિત્તો એટલે પહોળા જાડા કાપની કલમ. કલમની તાકાત તલવારથી ય વધારે હોય છે. કલમથી કાર્ટૂન દોરવામાં આવે છે. કાર્ટૂન એટલે ઠઠ્ઠાચિત્ર અથવા તો વ્યંગચિત્ર. કાર્ટૂન દોરે એ કાર્ટૂનિસ્ટ. કાર્ટૂનિસ્ટ માટે ત્રણ વિષય ઉપર પ્રભુત્વ હોવું જરૂરી છે. એક તો કલાત્મક કૌશલ્ય, બીજો અતિશયોક્તિ અલંકાર અને ત્રીજો ધારદાર વ્યંગ. કાર્ટૂનિસ્ટ સરકારને સવાલ પૂછે છે. સરકારનું ધ્યાન દોરે છે. ભ્રષ્ટાચાર, રાજકીય બાંધછોડ, હિંસાનાં બનાવ કે પછી અન્ય સામાજિક દૂષણો કાર્ટૂનનાં વિષય હોઇ શકે. એ નિશ્ચિંત છે કે સવાલ સરકાર સામે હોય છે. રમૂજ અને વ્યંગ કાર્ટૂનનું અભિન્ન અંગ છે. બાળાસાહેબ ઠાકરે કાર્ટૂનિસ્ટ હતા. ૧૯૬૭માં ઈંદિરા ગાંધીએ કોંગ્રેસની શાસનધૂરા સંભાળી ત્યારે નવ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. તે
સમયે આ કાર્ટૂન બાળાસાહેબે દોર્યું હતું. પણ ત્યારે સત્તા સંભાળનારાઓમાં સહનશક્તિ હતી. આજે નથી. આજે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી વિરુદ્ધ કાર્ટૂન ફોરવર્ડ કરવા બદલ નૌસેનાનાં એક નિવૃત્ત અધિકારીને શારીરિક ઇજાઓ પહોચાડવામાં આવે છે. રાજકારણમાં હવે ટીકાને સહેવાની શક્તિ નથી. વિરોધનું ફીડલું વાળી દેવું. પછી બાકી બધાને ડર લાગે કે આપણે ક્યાંક બોલ્યા તો આપણી ય પીટાઈ થશે. આવું જ ધર્મમાં પણ છે. લાગણી દૂભાઈ જવાની વાતો હિંસક હૂમલો કરાવે છે. ઇંગ્લિશ શબ્દ ‘ટોલરન્સ’નો અર્થ આપણે સહનશક્તિ એવો કરીએ છીએ. ચલાવી લેવું. નભાવી લેવું. તમને ન ગમે કે તમે એની સાથે સહમત ન હો તે છતાં કોઈ વિચાર કે કોઈ પગલાં કે પછી કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુને ચાલવી લેવી અથવા થવા દેવી અથવા સ્વીકારી લેવી. વાજબી, વાસ્તવિક અને સહિષ્ણુ સ્વીકાર એવા લોકોનો જે તમારી વિચારસરણી, તમારા ધર્મ, જાતિ કે ત્વચાનાં રંગથી અલગ છે. આખરે આપણે બધાએ સાથે રહેવાનું છે. ઘરમાં, શેરીમાં, ગામ કે શહેરમાં, પ્રાંત કે રાજ્યમાં તો સ્વીકાર જરૂરી બને છે.
સ્વીકારમાં ય એક હદ હોવી જોઈએ. અહીં સુધી ઠીક. પછી સામનો કરવો. પણ સામનો કરવા માટે અખબાર છે. સોશિયલ મીડિયા સામે સોશિયલ મીડિયા ઇસ્તેમાલ કરી શકાય. પણ હિંસા? હિંસા સર્વત્ર ત્યાજ્ય છે. હવે જેને શારીરિક ઈજા થાય છે એને તો તકલીફ થાય જ. પણ જે ડર સમાજમાં પેસી જાય છે અથવા બેસી જાય, એ ઠીક નથી. એક વાર એક ધનાઢ્ય મહિલા એનાં હૃષ્ટપુષ્ટ બાળકને સ્કૂલમાં દાખલ કરવા ગયા ત્યારે શિક્ષકને કહ્યું કે મારો છોકરો જો કોઈ તોફાન કરે તો બાજુવાળાને જોરથી લાફો મારજો એટલે એ ડરી જશે. યસ, પ્રજા હવે ડરીને ચૂપ રહે છે. માત્ર શિવસેનાની વાત નથી. કોઈ પણ રાજકીય પક્ષ હવે લોકોને ડારો દઈને પોતાનો કક્કો ખરો કરાવે છે. બોલે તેનું આવી બને. આપણે શું કરવું?
ચૂપ રહેવું. ન બોલવામાં નવ ગુણ. આપણે ગધેડા તો નથી કે જીદ કરીએ કે ‘ના, હું તો ગાઈશ!’ રાજકારણી કે ધર્મકારણી ભલે એમનાં બોર વેચવા માટે બોલે. આપણે મૂંગા મરવું. આમ પણ આપણે હંસી મજાક કરી શકીએ એમ નથી. હંસી મજાકને સહન કરી શકીએ એમ નથી. કોવિડ-૧૯એ આપણી કમર તોડી નાંખી છે. બસ બે જ વસ્તુઓ છે. એક ઉકાળો છે અને બીજો લોહીઉકાળો છે. આર્થિક સ્થિતિ બેહાલ છે. કામધંધો નથી. માનસિક સ્થિતિ તંગ છે. અને સૌથી ખરાબ એ છે કે આ બધુ ક્યારે બરાબર થઈ જશે?-એ કોઈને ખબર નથી. દરેકનો ગુસ્સો એટલે જ તો નાક ઉપર બેઠો હોય છે. માટે આપણે કોઈ રાજકીય કે ધાર્મિક વિવાદમાં ન પડવું. ચલાવી લેવું. નભાવી લેવું. ફ્રેંચ ફિલોસોફર વોલ્તેર એવું કહેતા કે “નભાવી લેવું એ માનવજાતિનાં ઉદભવની નીપજ છે. આપણે ભૂલ ભરેલાં છીએ, દોષયુક્ત છીએ. આવો, આપણે એકબીજાની બાલિશતાને એક બીજાની મૂર્ખાઈને માફ કરતાં રહીએ. કુદરતનો એ પ્રથમ નિયમ છે.” બીજો નિયમ શું છે? એ તો પૂછો કંગનાબેનને… હેં ને?
No photo description available.

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ