Daily Archives: ડિસેમ્બર 4, 2020

સફળતાનું બીજું નામ પ્રકાશ મેહરા

સફળતાનું બીજું નામ પ્રકાશ મેહરા
કહે છે કે ફિલ્મોની સફળતા માટે કોઈ મંત્ર હોતો નથી. પણ પ્રકાશ મેહરા એવાં નિર્માતા-નિર્દેશક હતા કે જેમણે વારંવાર સફળતા મેળવી હતી. પ્રકાશ મેહરા હોત તો તેમનો ૮૧મો જન્મ દિન ઉજવતે. ૧૩ જુલાઈ, ૧૯૩૯ના રોજ ઉત્તર પ્રદેશના બિજનોરમાં તેમનો જન્મ. તેમને ‘મસાલા’ ફિલ્મોના જનક માનવામાં આવે છે. મહાનાયક અમિતાભ બચ્ચન સાથે તેમણે જે રીતે સફળતા મેળવી તે યાદગાર બની રહી. એમાંથી અનેક બ્લોક બસ્ટર અને ક્લાસિક ફિલ્મો બની. તેને કારણે મેહરાને તેમના સમયના ‘ગોલ્ડન ડિરેક્ટર’ માનવામાં આવતા હતા.
બિજનોર જેવાં નાના નગરમાં જન્મેલા પ્રકાશ મેહરાનું ઘણું ખરું બાળપણ દિલ્હીના ચાંદની ચોકની ફતેહપુરી, ગાંધી ગલીમાં પસાર થયું હતું, જ્યાં તેઓ આન્ટીના ઘરે રહેતા હતા. તેમણે પચાસના દાયકાના ઉત્તરાર્ધમાં નિર્માણ નિયામક તરીકે કાર્ય શરૂ કર્યું હતું. ૧૯૬૮માં તેમણે શશી કપૂરને તેમની ડબલરોલ વાળી ફિલ્મ ‘હસીના માન જાયેગી’માં પહેલીવાર નિર્દેશિત કર્યા હતા. અમિતાભ બચ્ચનની પહેલાં દૌરની સફળતાનો આરંભ અને અંત બંને પ્રકાશ મેહરાથી આવ્યા. ૧૯૭૩માં તેમણે અમિતાભ બચ્ચનની ‘ઝંજીર’નું નિર્માણ-નિર્દેશન કર્યું હતું. એની સફળતાથી શરૂ થયેલો એ સંબંધ વધુ સાત ફિલ્મો સુધી લંબાયો હતો તેમાંય છ તો ખુબ સફળ ફિલ્મો બની રહી. જેમાં ‘ખૂન પસીના’, ‘હેરા ફેરી’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘લાવારીસ’, ‘નમક હલાલ’, ‘શરાબી’ જેવી ખુબ સફળ ફિલ્મો આવી અને ‘જાદુગર’ જેવી ફેન્ટસી ફિલ્મ પણ આવી. ખરેખર તો ‘ઝંજીર’થી અમિતાભની લીડ એક્ટર રૂપે કરિયર શરૂ થઇ હતી. ત્યારથી બે દાયકા સુધી તેમનો અને પ્રકાશજીનો સફળતાનો સીલસીલો વિસ્તર્યો હતો. તેમણે કરેલી આઠમી ફિલ્મ ‘જાદુગર’ ટિકિટ બારી પર નિષ્ફળ ગઈ અને એ બચ્ચનની દંતકથા સમાન કારકિર્દીના પહેલાં ભાગનો પણ અંત હતો.
પ્રકાશ મેહરાએ ૧૯૯૧માં અનિલ કપૂરને ‘જિંદગી એક જુઆ’માં નિર્દેશિત કર્યા જેને વ્યવસાયિક સફળતા મળી નહોતી. તો ૧૯૯૬માં પ્રકાશજીએ રાજ કુમારના દીકરા પુરુ રાજકુમારનો અભિનેતા તરીકે પહેલો પરિચય આપતી ‘બાળ બ્રહ્મચારી’ નિર્દેશિત કરી, તે પણ અસફળ રહી હતી. એ પ્રકાશજી એ નિર્દેશિત કરેલી છેલ્લી ફિલ્મ બની રહી. તેમણે મિથુન ચક્રવર્તીને લઇને ‘દલાલ’ ફિલ્મનું નિર્માણ કરી આંશિક સફળતા મેળવી હતી.
પ્રકાશ મેહરા નિર્દેશિત ફિલ્મોમાં ‘હસીના માન જાયેગી’, ‘મેલા’, ‘સમાધી’, ‘આનબાન’, ‘ઝંજીર’, ‘એક કુંવારી એક કુંવારા’, ‘હાથ કી સફાઈ’, ‘ખલીફા’, હેરાફેરી’, ‘આખરી ડાકુ’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘જ્વાલામુખી’, ‘દેશદ્રોહી’, ‘લાવારીસ’, ‘નમક હલાલ’, ‘શરાબી’, ‘મુકદ્દર કા ફૈસલા’, ‘મોહબ્બત કે દુશ્મન’, ‘જાદુગર’, ‘ઝીંદગી એક જુઆ’, ‘ઝખ્મી’, ‘ઝુલ્મ’ અને ‘બાલ બ્રહ્મચારી’નો સમાવેશ થાય છે, જયારે ‘ખૂન પસીના’ અને ‘દલાલ’નું તેમણે નિર્દેશન કર્યું હતું. ‘લાવારીસ’ના ખુબ જાણીતા ગીત ‘અપની તો જૈસે તૈસે’ ગીતના ગીતકાર ખુદ પ્રકાશ મેહરા છે.
પ્રકાશ મેહરાને દિગ્દર્શકોના સંઘ ઇન્ડિયન મોશન પિક્ચર ડિરેક્ટર્સ એસોસિએશન દ્વારા ૨૦૦૬માં લાઈફ ટાઈમ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. તેજ રીતે નિર્માતાઓના સંઘ ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર એસોસિએશન દ્વારા પણ ૨૦૦૮માં લાઈફ ટાઈમ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. મેહરા મુંબઈના એવાં પહેલાં નિર્દેશકોમાંના એક હતા જેમણે હોલીવૂડમાં પણ સાહસ કર્યું હતું. એંશીના દાયકાના અંત ભાગે તેમણે ‘ધ ગોડ કનેક્શન’ ફ્રેન્ક યાંડોલીનો સાથે બનાવી હતી. જેમાં હોલીવૂડના અન્ય અભિનેતાઓ સાથે ચાર્લ્સ બ્રોન્સન પણ હતા. શરૂઆતમાં આ પ્રોજેક્ટ પર ખુબ પૈસા રોકાયા હતા પણ તે પાર પડ્યો નહોતો.
પ્રકાશ મેહરાને ત્રણ સંતાનો; સુમિત, અમિત અને પુનીત. તેમાંથી સુમિત મેહરાનું ૨૦૧૫માં નિધન થયું છે. ૧૭ મે, ૨૦૦૯ના રોજ ૬૯ વર્ષની વયે ન્યુમોનિયા અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે પ્રકાશ મેહરાનું નિધન થયું હતું.
પ્રકાશ મેહરાના યાદગાર ગીતો: બેખુદી મે સનમ, ચલે થે સાથ મિલકર (હસીના માન જાયેગી), ઋત હૈ મિલન કી સાથી મોરે આરે (મેલા), બંગલે કે પીછે (સમાધી), દીવાને હૈ દીવાને કો ન ઘર ચાહિયે, યારી હૈ ઈમાન મેરા (ઝંજીર), પીનેવાલે કો પીને કા, વાદા કર લે સાજના (હાથ કી સફાઈ), રોતે હુએ આતે હૈ સબ, ઓ સાથી રે, પ્યાર ઝીંદગી હૈ, દિલ તો હૈ દિલ, સલામ એ ઈશ્ક મેરી જાન (મુકદ્દર કા સિકંદર), મેરે અંગને મે તુમ્હારા ક્યા કામ હૈ, કબ કે બિછડે હુએ, કાહે પૈસે પે ઇતના, અપની તો જૈસે તૈસે (લાવારીસ), જવાની જાનેમન, રાત બાકી બાત બાકી, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી થી (નમક હલાલ), જહાં ચાર યાર મીલ જાયે, દેદે પ્યાર દે, ઇન્તેહા હો ગઈ ઇન્તેજાર કી, મંઝીલે અપની જગહ હૈ (શરાબી).
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી. આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત.
Image may contain: 2 people, eyeglasses and closeup

Leave a comment

Filed under Uncategorized