Daily Archives: ડિસેમ્બર 5, 2020

અતિ સફળ અભિનેતા – અક્ષય કુમાર

અતિ સફળ અભિનેતા – અક્ષય કુમાર
અતિ સફળ અભિનેતા અક્ષય કુમારનો જન્મ ૯ સપ્ટેમ્બર, ૧૯૬૭ના રોજ અમૃતસરમાં થયો હતો. રાજીવ હરિ ઓમ ભાટિયા નામે તેઓ જન્મ્યા હતા. તેઓ ભારતમાં જન્મેલા કેનેડિયન એક્ટર ગણાય છે. તેઓ નિર્માતા અને માર્શલ આર્ટીસ્ટ પણ છે અને એકસોથી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.
અક્ષય કુમારને તેમની ફિલ્મ ‘રુસ્તમ’ની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. તેઓ ૧૧ વાર ફિલ્મફેર એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેતા રૂપે નામાંકિત થયા અને ‘અજનબી’માં વિલન રૂપે અને ‘ગરમ મસાલા’માં કોમેડિયન રૂપે વિજેતા પણ બન્યા છે. ૧૯૯૦ના દાયકામાં એક્શન ફિલ્મોથી શરૂઆત કરી ‘ખિલાડી સીરીઝ’ની ફિલ્મો કરીને તેઓ ખુબ લોકપ્રિય બન્યા. એમની એ દાયકાની ‘વક્ત હમારા હૈ’, ‘મોહરા’, ‘એલાન’, ‘સુહાગ’, ‘સપૂત’ કે ‘જાનવર’ પણ લોકપ્રિય બની હતી.
અક્ષય કુમારની ફિલ્મોએ દેશમાં કરેલી આવકને આધારે ૨૦૧૩માં રૂ. ૨૦૦૦ કરોડની અને ૨૦૧૬માં રૂ. ૩૦૦૦ કરોડની ડોમેસ્ટિક નેટ લાઈફટાઈમ આવક મેળવી હતી. આવી સફળતા પામનારા તેઓ હિન્દી ફિલ્મોના પહેલા અભિનેતા છે, એ તેઓ અતિસફળ અભિનેતા હોવાનું પ્રમાણ પણ છે. ‘બોક્સ ઓફિસ ઇન્ડિયા’ નામના સામયિકે યોગ્ય રીતે જ અક્ષય કુમારને ભારતીય સિનેમાના સૌથી સફળ અભિનેતાઓમાંના એક ગણાવ્યા. તેઓ નિશંક હાલની હિન્દી ફિલ્મોના એક અગ્રીમ અભિનેતા છે.
અમૃતસરમાં હરિ ઓમ ભાટિયા રૂપે અક્ષય કુમારનો જન્મ પંજાબી હિંદુ પરિવારમાં અનુરાગ ભાટિયાને ત્યાં થયો હતો. પિતાજી સેનાના અધિકારી હતાં. નાનપણથી જ અક્ષયને સ્પોર્ટ્સમાં ભારે રસ હતો. તેમના પિતાજી પણ કુસ્તીનો આનંદ માણતા. અક્ષયનો ઉછેર દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં થયો હતો. પિતાજીએ સેના છોડી અને યુનિસેફના અધિકારી બન્યા અને પરિવાર મુંબઈ આવીને વસ્યું. તરત તેમના બેન અલકાનો જન્મ થયો ત્યારે તેઓ સેન્ટ્રલ મુંબઈના પંજાબી વિસ્તાર કોળીવાડમાં રહેતા હતા. મુંબઈની ડોન બોસ્કો સ્કૂલમાં તેઓ ભણ્યા અને સાથે જ કરાટે શીખવા માંડ્યા. મુંબઈની ગુરુ નાનક ખાલસા કોલેજમાં તેઓ જોડાયાં હતાં પણ ભણવામાં રસ ન હોવાને કારણે તે છોડી દીધું હતું. તેણે પિતાને માર્શલ આર્ટમાં વધુ ભણાવવાની વિનંતી કરી અને પિતાજીએ બચત કરીને તેમણે થાઈલેન્ડ મોકલ્યા. બેન્કોકમાં માર્શલ આર્ટ ભણીને પાંચ વર્ષ ‘થાઈ બોક્સિંગ’ શીખ્યા.
ભારતમાં ‘ટેકવેન્ડો’માં બ્લેક બેલ્ટ મેળવીને બેન્કોકમાં ‘મુઆય થાઈ’ શીખ્યા ત્યારે અક્ષય રસોઈયા અને વેઈટર રૂપે કામ કરતા હતા. થાઈલેન્ડથી આવીને અક્ષય કોલકાતા જઈ એક ટ્રાવેલિંગ એજન્સીમાં, ઢાકામાં એક હોટેલમાં કામ કર્યું અને દિલ્હીમાં કુંદન જ્વેલરીમાં ઝવેરાત પણ વેચ્યું. ત્યાંથી મુંબઈ પરત થઈને અક્ષયે માર્શલ આર્ટ શીખવવું શરુ કર્યું હતું. જ્યાં તેમના એક વિદ્યાર્થીના મોડેલ કો-ઓર્ડીનેટર પિતાએ અક્ષયને મોડેલ બનવાનું સૂચવ્યું. મોડેલ બનવાના પહેલાં જ બે દિવસમાં અક્ષય સ્કૂલના પગાર જેટલું કમાતા એ દિશામાં જવાનું વિચાર્યું. ૧૮ મહિના સુધી ફોટોગ્રાફર જયેશ શેઠના તેઓ પગાર વિનાના સહાયક રહ્યા ત્યારે તેમનો પહેલો પોર્ટફોલિયો બન્યો હતો. અનેક ફિલ્મોમાં અક્ષય બેકગ્રાઉન્ડ ડાન્સર બન્યા હતાં. એક સવારે તેઓ બેંગ્લોરમાં એડ-શૂટ પર જવા માટે નીકળ્યાં અને વિમાન ચુકી ગયા. પોતાનો પોર્ટફોલિયો લઈને તેઓ ફિલ્મ સ્ટુડીઓમાં ગયા અને તે સાંજે તો તેમણે નિર્માતા પ્રમોદ ચક્રવર્તીની ફિલ્મ ‘દીદાર’ના મુખ્ય કલાકારના કામ માટે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો.
જોકે મુખ્ય ભૂમિકામાં અક્ષય પહેલી વાર રાખી અને શાંતિપ્રિયા સામે ‘સૌગંધ’ (૧૯૯૧)માં દેખાયા. એજ વર્ષે કિશોર વ્યાસ નિર્દેશિત ‘ડાન્સર’ આવી, જેના પણ સારા રીવ્યુ ન આવ્યા. બીજે વર્ષે અબ્બાસ મસ્તાન નિર્દેશિત સસ્પેન્સ થ્રીલર આવી અને અક્ષયે સફળતાનો સ્વાદ ચાખ્યો. રાજ સિપ્પી નિર્દેશિત ‘મિ. બોન્ડ’માં અક્ષય જેમ્સ બોન્ડ બન્યા. એ વર્ષની તેમની છેલ્લી ફિલ્મ ‘દીદાર’ રજુ થઇ, જે પણ નિષ્ફળ ગઈ. હજુ પણ આવતી પાંચેક ફિલ્મો નિષ્ફળ જ રાજી.
પછી સમીર મલકાન નિર્દેશિત હોલીવૂડની ‘ધ હાર્ડ વે’ની હિન્દી આવૃત્તિ ‘મૈ ખિલાડી તું અનાડી’ રૂપે આવી, રાજીવ રાય નિર્દેશિત ‘મોહરા’ આવી, જે વર્ષની સૌથી સફળ ફિલ્મ બની. તેજ વર્ષે યશ ચોપ્રા નિર્મિત રોમાન્સ ફિલ્મ ‘યે દિલ્લગી’ આવી, જેમાં તેઓ કાજોલ સામે હતા. અક્ષયને અહીં ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતાનું પહેલું નામાંકન મળ્યું. તેઓ હવે સફળ અભિનેતા ગણાવા લાગ્યા. ૧૯૯૪માં અક્ષયની ૧૧ ફિલ્મો આવી. બીજે વર્ષે એક્શન થ્રીલર ‘સબસે બડા ખિલાડી’માં તેમણે બેવડી ભૂમિકા કરી સફળતા મેળવી. બીજે વર્ષે તેમની ખિલાડી શ્રેણીની ચોથી ફિલ્મ રેખા અને રવિના ટંડન સાથેની ‘ખિલાડીયોં કા ખિલાડી’ આવી. જે પણ સફળ થઇ. જોકે એના શૂટિંગમાં અક્ષય ઈજા પામ્યા અને અમેરિકા જઈ સારવાર લેવી પડી.
અભિનેતા ઉપરાંત અક્ષય કુમારે સ્ટંટ એક્ટર રૂપે પોતાની ફિલ્મોમાં અનેક ભયજનક દ્રશ્યો પણ ભજવ્યાં છે. એને પરિણામે તેમણે ‘ઇન્ડીયન જેકી ચાન’ રૂપે પણ ઓળખવામાં આવે છે. ૨૦૦૮માં તેમણે ‘ફીયર ફેક્ટર – ખતરો કે ખિલાડી’ શોની યજમાનગીરી કરી હતી. ૨૦૦૯માં તેમણે પોતાની ‘હરિ અઓમ એન્ટરટેઈનમેન્ટ’ નિર્માણ સંસ્થા શરુ કરી હતી અને ૨૦૧૨માં ‘ગ્રેઝીંગ ગોટ (ઘાસ ચરતા બકરા) પિક્ચર્સ’ની સ્થાપના કરી તો ૨૦૧૪માં તેમણે ટીવી રીયાલીટી શો ‘ડેર ટુ ડાન્સ’ સર્જ્યો હતો. વર્લ્ડ કબડ્ડી લીગમાં અક્ષય કુમાર ‘ખાલસા વોરિયર’ ટીમના માલિક છે. ફોર્બ્સ દ્વારા ઓગસ્ટ, ૨૦૧૮માં વિશ્વમાં સૌથી વધુ ફી જેમને ચૂકવાય છે તેવા કલાકારોની યાદીમાં અક્ષય કુમારનું નામ સાતમાં ક્રમે હતું. અક્ષય કુમારનું ફેન ક્લબ ખુબ મોટું છે, જેમાં આબાલ-વૃદ્ધ સૌ સામેલ છે.
અક્ષયને એક્શન ફિલ્મો ઉપરાંત ડ્રામા, રોમાન્સ કે કોમિક ફિલ્મોમાં પણ સફળતા મળી. રોમાન્ટિક ફિલ્મોમાં ‘યે દિલ્લગી’, ‘ધડકન’, ‘અંદાઝ’, ‘નમસ્તે લંડન’, કે નાટકીય કથા વાળી ‘વક્ત: ધ રેસ અગેઈન્સટ ટાઈમ’, કોમિક ફિલ્મો ‘હેરા ફેરી’, ‘ફિર હેરા ફેરી’, ‘મુજસે શાદી કરોગી’, ‘ગરમ મસાલા’, ‘ભાગમભાગ’, ‘ભૂલ ભુલૈયા’ અને ‘સિંગ ઇસ કિંગ’માં જોરદાર સફળતા મળી હતી.
૨૦૦૭માં અક્ષયે એક સાથે ચાર સફળ ફિલ્મો આપી ચકચાર મચાવી હતી. જોકે ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી સફળતા તેમનાથી દૂર રહી પણ ૨૦૧૨ માં ‘હાઉસફુલ ૨’ અને ‘રાઉડી રાઠોડ’ ફિલ્મોની ૧૦૦ કરોડની આવકથી તેઓ ફરી સફળ થયા. તેમની ‘ઓએમજી’, ‘સ્પેશિયલ ૨૬’, ‘હોલી ડે’, ‘ગબ્બર ઇસ બેક’, ‘એરલિફ્ટ’, ‘હાઉસફૂલ ૩’ અને ‘રૂસ્તમ’, ‘ટોઇલેટ – એક પ્રેમકથા’થી તેઓ સફળથી અતિ સફળ તરફ ખસ્યા છે.
૨૦૦૧માં રાજેશ ખન્ના અને ડીમ્પલ કાપડીઆની દીકરી ટ્વિન્કલ ખન્ના સાથે તેમણે લગ્ન કર્યા. કીક્બોક્સિંગ, સ્વીમીંગ, બાસ્કેટ બોલ દ્વારા તેઓ ફીટ રહે છે.
૨૦૦૮માં યુનિવર્સીટી ઓફ વિન્ડસરે અક્ષય કુમારને ‘ઓનરરી ડોક્ટરેટ’ની માનદ ઉપાધી આપી. ત્યાર પછીના વર્ષે તેમને ‘પદ્મશ્રી’ના ઈલ્કાબથી નવાજાયા. એશિયન એવોર્ડસે ૨૦૧૨માં તેમને ‘સિનેમામાં અસાધારણ પ્રાપ્તિ’ બદલ સન્માનિત કર્યા.
અક્ષય કુમાર ધાર્મિક વૃત્તિ ધરાવે છે. શિવ ભક્ત છે. વૈષ્ણો દેવી સહિતના દેશભરના શિવ મંદિરોમાં જતા હોય છે. તેઓ શરાબનું સેવન કરતા નથી. જોકે શરાબની એક જાત માટે તેમણે જાહેરાત કરી હતી, જેની આવકનો અડધો ભાગ તેમણે દાન કર્યો હતો. હાલ તેઓ વધુ દાન પ્રવૃત્તિ કરે છે. સલમાન ખાનના ‘બીઈંગ હ્યુમન ફાઉન્ડેશન’ને તેમણે પચાસ લાખનું દાન કર્યું છે. સતત છ વર્ષ સુધી અક્ષય કુમાર સૌથી વધુ એડવાન્સ ટેક્સપેયર રહીને ૨૦૧૩માં તેઓ હિન્દી ફિલ્મ જગતના સૌથી વધુ એડવાન્સ ટેક્સ પેયર તરીકે ઉભરી આવ્યા છે. તે વર્ષે તેમણે ૧૯ કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ભર્યો હતો.
અક્ષય કુમારના ટોપ ટેન ગીતો: દિલ તો પાગલ હૈ દિલ દીવાના હૈ, જિંદગી ખુબસૂરત હુઈ – વક્ત, વાદા રહા સનમ – ખિલાડી, આવારા અરમાન હૈ – આંખે, ચુરા કે દિલ મેરા – મૈ ખિલાડી તુ અનાડી, મુઝે યાદ સતાયે તેરી – ફિર હેરા ફેરી, મુજસે શાદી કરોગી – શીર્ષક, ગોરે ગોરે મુખડે પે – સુહાગ, હમકો દીવાના કર ગયે – શીર્ષક, લાગી લાગી હૈ – યે દિલ્લગી, ઝોર કા ઝટકા – એક્શન રિપ્લે.
નરેશ કાપડીઆના ‘સપ્ટેમ્બરના સિતારા’ પુસ્તકમાંથી
Image may contain: 1 person, smiling, night and closeup

Leave a comment

Filed under Uncategorized