Daily Archives: ડિસેમ્બર 6, 2020

જુબિલી સ્ટાર રાજેન્દ્ર કુમાર

આ.વસંત ઘાસવાળાના હસ્તાક્ષરમાં વહાલના વારસદાર વિશે.
જુબિલી સ્ટાર રાજેન્દ્ર કુમાર
ખુબ સફળ અભિનેતા રાજેન્દ્ર કુમારની ૨૧મી પુણ્યતિથિ. ૧૨ જુલાઈ, ૧૯૯૯ના રોજ ૬૯ વર્ષની વયે મુંબઈમાં તેમનું નિધન થયું હતું. લગભગ ચાર દાયકા સુધી વિસ્તરેલી તેમની ફિલ્મી કારકિર્દીમાં રાજેન્દ્ર કુમારે ૮૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. સાંઠના દાયકામાં તો તેઓ સૌથી સફળ ફિલ્મ અભિનેતા ગણાતા હતા. તેમના દીકરા કુમાર ગૌરવ માટે તેમણે અનેક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. ભારત સરકારે તેમને ૧૯૬૯માં પદ્મશ્રીના ઈલ્કાબથી નવાજ્યા હતા.
૨૦ જુલાઈ, ૧૯૨૯ના રોજ પંજાબના સિયાલકોટમાં પંજાબી હિંદુ પરિવારમાં જન્મેલા રાજેન્દ્ર કુમારના દાદા સફળ મીલીટરી કોન્ટ્રક્ટર હતા, તો તેમના પિતાજી કરાંચીમાં ટેક્સટાઈલના વેપારી હતા. દેશના ભાગલા થતાં તેમના પરિવારે તેમની તમામ જમીન-જાયદાદ છોડીને ભારત આવવું પડ્યું હતું. તેઓ જયારે મુંબઈ આવ્યા ત્યારે રાજેન્દ્ર કુમારે તેમનું નસીબ ફિલ્મોમાં અજમાવવાનું નક્કી કર્યું. તેઓ અભિનેતા બનવા માંગતા નહોતા તેથી તેઓ એચ.એસ. રવૈલના સહાયક નિર્દેશક બન્યા અને પાંચેક વર્ષ કામ કર્યું. ‘પતંગા’, ‘સગાઇ’ કે ‘પોકેટમાર’ જેવી ફિલ્મોના રાજેન્દ્ર કુમાર સહાયક નિર્દેશક હતા. કેદાર શર્માની ‘જોગન’માં દિલીપ કુમાર – નરગિસ સાથે રાજેન્દ્ર કુમારે ભૂમિકા કરી હતી. દેવેન્દ્ર ગોયેલે તે જોઈને રાજેન્દ્ર કુમારને ‘વચન’ (૧૯૫૫)માં મુખ્ય ભૂમિકા આપી હતી. તે માટે રાજેન્દ્રને માત્ર રૂ. ૧૫૦૦ આપવામાં આવ્યા હતા. ફિલ્મ સિલ્વર જુબિલી હીટ થઇ અને રાજેન્દ્ર કુમાર માટે કહેવાયું, ‘એક સિતારાનો જન્મ થઇ ચુક્યો છે’. ‘મધર ઇન્ડિયા’ની સહાયક ભૂમિકામાં પણ તેઓ સફળ થયા. રોમાન્ટિક હીરો રૂપે તેમને પહેલી સફળતા અમિતા સામે ‘ગુંજ ઊઠી શેહનાઈ’માં મળી.
સાંઠના દાયકામાં તેઓ સ્ટાર બન્યા. એકી સમયે તેમની છ થી સાત ફિલ્મો સિલ્વર જુબિલી ઉજવતી હતી અને તેમને ‘જુબિલી કુમાર’નું બિરુદ મળ્યું. તેમની સફળ ફિલ્મોમાં ‘ધૂલ કા ફૂલ’, ‘દિલ એક મંદિર’, ‘મેરે મેહબૂબ’, ‘સંગમ’, ‘આરઝૂ’, ‘સૂરજ’, ‘તલાશ’ કે ‘ગંવાર’ને યાદ કરી શકાય. ‘દિલ એક મંદિર’, ‘આઈ મિલન કી બેલા’ અને ‘આરઝૂ’ના અભિનય માટે રાજેન્દ્ર કુમારને શ્રેષ્ઠ અભિનેતાનું અને ‘સંગમ’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનું ફિલ્મફેર નામાંકન મળ્યું હતું. પણ સિત્તેરના દાયકામાં તેમની ફિલ્મો સફળતાથી દૂર રહેવા માંડી. જોકે નૂતન સાથેની ‘સાજન બિન સુહાગન’ (૧૯૭૮) સફળ રહી હતી. તેમણે અનેક પંજાબી ફિલ્મો પણ કરી હતી.
૧૧ જુલાઈ, ૧૯૬૦ના રોજ જન્મેલા તેમના દીકરા કુમાર ગૌરવને આગળ કરવા માટે રાજેન્દ્ર કુમારે ‘લવ સ્ટોરી’નું નિર્માણ કરી એમાં અભિનય પણ કર્યો. એ ખૂબ સફળ રહી. પછી દીકરા માટે ફિલ્મો બનાવતા રહ્યા. દીકરા કુમારના સાળા સંજય દત્તને પણ સાથે લઇને તેમણે ‘નામ’નું નિર્માણ કર્યું. ફરી ૧૯૯૩માં દીકરા કુમાર ગૌરવ સાથે ‘ફૂલ’ નું નિર્માણ કરી સાથે અભિનય કર્યો. ૧૯૯૫માં ટીવી શ્રેણી ‘અંદાઝ’માં તેમણે અભિનય કર્યો, જે તેમનો અંતીમ અભિનય બની રહ્યો.
રાજેન્દ્ર કુમારે નિર્માતા નિર્દેશક ઓ.પી. રાલ્હનના બેન શુક્લા સાથે લગ્ન કર્યા હતા. તેમને અભિનેતા કુમાર ઉપરાંત બે દીકરીઓ પણ હતી. સુનીલ દત્ત તેમના મિત્ર હતા અને જયારે સુનીલ ચૂંટણી લડતા ત્યારે રાજેન્દ્ર તેમનો પ્રચાર પણ કરતા. જયારે સુનીલ દત્ત તેમના દીકરા સંજય દત્તના કેસમાં ફસાયા હતા અને તેમના ઘરે વારંવાર તપાસ થતી ત્યારે રાજેન્દ્ર સાથે રહેતા અને તપાસ યોગ્ય રીતે થાય તે માટે સુનીલજીને મદદ કરતા. રાજેન્દ્ર કુમાર એક સદગૃહસ્થ અભિનેતા ગણાતા. રાજ કપૂર પણ તેમના ખાસ મિત્ર હતા. રાજેન્દ્રના દીકરાના રાજના દીકરી રીમા સાથે વિવાહ પણ થયા હતા, પણ એ સંબંધ આગળ ન વધ્યા. પછી કુમારે નરગિસ અને સુનીલ દત્તની દીકરી નમ્રતા સાથે લગ્ન કર્યા. રાજેન્દ્ર કુમારે પીએચ.ડી. કર્યું હતું.
રાજેન્દ્ર કુમારને પદ્મશ્રી ઉપરાંત ઓનરરી મેજીસ્ટ્રેટ રૂપે ‘જસ્ટીસ ઓફ પીસ’નો ઈલ્કાબ પણ અપાયો હતો. નહેરુએ રાષ્ટ્રીય સન્માનથી નવાજ્યા હતા. તેઓ અનેક દાન-ધર્મની પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા રહેતા.
અંતે, રાજેન્દ્ર કુમારને કેન્સર થયું હતું. તેમણે કોઈપણ દવા લેવાની ના પાડી અને ૧૨ જુલાઈ, ૧૯૯૯ના રોજ તેમના દીકરા કુમાર ગૌરવના ૩૯માં જન્મ દિનને બીજે દિવસે અને પોતાના ૭૦માં જન્મ દિનના આઠ દિવસ પહેલાં દેહત્યાગ કર્યો હતો.
રાજેન્દ્ર કુમારના જાણીતા ગીતો: યે હવા યે નદી કા કિનારા – ઘર સંસાર, જીવન મે પિયા તેરા સાથ રહે – ગુંજ ઉઠી શેહનાઈ, જો તુમ મુસ્કુરા દો – ધુલ કા ફૂલ, નૈન ચકચૂર છે – મેહંદી રંગ લાગ્યો, તેરી પ્યારી પ્યારી સૂરત કો – સસુરાલ, વફા જિન સે કી – પ્યાર કા સાગર, હુસ્નવાલે તેરા જવાબ નહીં – ઘરાના, તુમ રૂઠી રહો મૈ મનાતા રહું – આસ કા પંછી, મેરે મેહબૂબ તુઝે – મેરે મેહબૂબ, મુજકો અપને ગલે લગા દો – હમરાહી, તુમ્હેં પા કે હમને જહાં પા લિયા હૈ – ગહરા દાગ, યહાં કોઈ નહીં તેરે મેરે સિવા, યાદ ન જાયે – દિલ એક મંદિર, પહલે મિલે થે સપનોં મેં – જિંદગી, યે મેરા પ્રેમપત્ર પઢકર – સંગમ, ઓ સનમ તેરે હો ગયે હમ – આઈ મિલન કી બેલા, છલકે તેરી આંખો સે, એ નરગીસે મસ્તાના – આરઝૂ, બહારો ફૂલ બરસાઓ – સૂરજ, મેરા પ્યાર ભી તું હૈ – સાથી, કૌન હૈ જો સપનોં મે આયા – ઝુક ગયા આસમાન, રીમઝીમ કે ગીત સાવન ગાયે – અંજાના, મેરે મિતવા મેરે મીત રે – ગીત.
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી. આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત.
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under પ્રકીર્ણ