Daily Archives: ડિસેમ્બર 10, 2020

હિન્દી ફિલ્મોના શ્રેષ્ઠ દિગ્દર્શક બિમલ રોય

હિન્દી ફિલ્મોના શ્રેષ્ઠ દિગ્દર્શક બિમલ રોય
મહાન અને શ્રેષ્ઠ ફિલ્મ નિર્દેશક બિમલ રોયનો ૧૧૧ મો જન્મ દિન. ૧૨ જુલાઈ, ૧૯૦૯ના રોજ તેમનો જન્મ થયો હતો. પોતાની કલાત્મક, સાહજીક અને સામાજિક રીતે સાર્થક ફિલ્મ દ્વારા તેમણે સિનેમાના માધ્યમનો એટલો સુંદર વિનિયોગ કર્યો કે બિમલદા સહજ રીતે શ્રેષ્ઠ નિર્દેશક રૂપે જોવાવા માંડ્યા. ‘દો બિઘા જમીન’, ‘પરિણીતા’, ‘બિરાજ બહુ’, ‘મધુમતિ’, ‘સુજાતા’ કે ‘બંદિની’ને કોણ ભૂલી શકે? ઇટલીની નીઓ-રીઆલિસ્ટિક ફિલ્મ પ્રકારના નિર્દેશક વિટ્ટોરીઓ દ સિક્કાની ‘બાઈસિકલ થીવ્સ’ (૧૯૪૮)થી પ્રેરિત થઈને બિમલદાએ ‘દો બિઘા જમીન’ જેવી ક્લાસિક ફિલ્મ બનાવી હતી. પોતાની ફિલ્મોના દરેક દ્રશ્યોને બિમલદા કલાત્મક રીતે રજૂ કરતા. તે આબેહુબ લાગતું. ખાસ તો દર્શકોને તે ગમી જતું. પરિણામે બિમલ રોયને તેમની આખી કરિયર દરમિયાન સંખ્યાબંધ એવોર્ડ્સ મળતાં રહ્યાં. જેમાં બે નેશનલ એવોર્ડ્સ અને ૧૧ ફિલ્મફેર એવોર્ડ્સનો સમાવેશ થાય છે. તેમને કેન્સ ફિલ્મ ફેસ્ટીવલનું આંતરરાષ્ટ્રીય પારિતોષિક પણ મળ્યું હતું. તેમની ‘મધુમતિ’ (૧૯૫૮)ને ૯ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં, એ વિક્રમ ૩૭ વર્ષ સુધી અકબંધ રહ્યો હતો.
૧૨ જુલાઈ, ૧૯૦૯ના રોજ આજના બંગલા દેશના ઢાકા જીલ્લાના સાપુર મુકામે તેમનો જન્મ થયો હતો. તેઓ કોલકાતા આવ્યા અને ન્યુ થિયેટર્સના કેમેરામેન રૂપે ફિલ્મ સર્જન તરફ જોડાયા હતા. એ સમયે તેમણે નિર્દેશક પી.સી. બરુઆને કુંદનલાલ સાયગલની ‘દેવદાસ’ (૧૯૩૫) માટે પબ્લીસીટી ફોટોગ્રાફર રૂપે નિર્દેશન સહાય કરી હતી. ચાલીસ અને પચાસના દાયકામાં બિમલદા યુદ્ધ કાળ પછીના સમાંતર સિનેમા આંદોલન સાથે જોડાયા હતા. ન્યુ થિયેટર્સની છેલ્લી મોટી ફિલ્મોમાંની એક એવી ‘અંજાનગઢ’ (૧૯૪૮) તેમણે બનાવી હતી. કોલકાતા આધારિત ફિલ્મોના દિવસો પુરા થઇ રહ્યાં હતાં, હવે બિમલદા ૧૯૫૦માં ટીમ સાથે મુંબઈ આવ્યા. એમની એ ટીમમાં એડિટર હૃષીકેશ મુખર્જી, સિનેલેખક નાબેંદુ ઘોષ, સહાયક નિર્દેશક આસિત સેન, સિનેમેટોગ્રાફર કમલ બોઝ, તો સંગીતકાર સલિલ ચૌધરી સામેલ હતાં. ૧૯૫૨થી બિમલદાએ તેમના કાર્યનો બીજો તબક્કો બોમ્બે ટોકીઝની ‘માં’થી શરૂ કર્યો. તેઓ તેમની રોમાન્ટિક-રીયાલિસ્ટ મેલોડ્રામા શૈલીથી જાણીતા બન્યા. તેમણે મહત્વના સામાજિક મુદ્દાઓ પર ફિલ્મો બનાવી જે મનોરંજક પણ હતી. માનવીય શક્તિઓનો તેમને ઊંડાણપૂર્વકનો અભ્યાસ હતો. તેમનો માન-મોભો હતો, ૧૯૫૯ના પહેલાં મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલની જ્યુરીના બિમલદા સભ્ય હતા.
બિમલ રોયને તેમની જે ફિલ્મો માટે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં, તેમાં ‘દો બિઘા જમીન’ માટે શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ નિર્દેશન, ‘પરિણીતા’ માટે શ્રેષ્ઠ નિર્દેશક, ‘બિરાજ બહુ’ માટે શ્રેષ્ઠ નિર્દેશક, ‘મધુમતિ’ માટે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ નિર્દેશક, ‘સુજાતા’ માટે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ નિર્દેશક, ‘પરખ’ માટે શ્રેષ્ઠ નિર્દેશક, ‘બંદિની’ માટે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ નિર્દેશકનો સમાવેશ થાય છે. તેમને ‘દો બિઘા જમીન’ ‘બિરાજ બહુ’ અને ‘દેવદાસ’ માટે શ્રેષ્ઠ ફિલ્મના નેશનલ સર્ટીફીકેટ મળ્યાં હતાં. ‘મધુમતિ’ માટે શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રપતિ સિલ્વર મેડલ, ‘સુજાતા’ માટે શ્રેષ્ઠ ફિલ્મનું પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.
પોતાની ફિલ્મો માટે બિમલ રોય સામાન્ય રીતે એક ફિલ્મમાં સલિલ ચૌધરી અને પછીની ફિલ્મમાં સચિનદેવ બર્મન એમ બદલ્યા કરતા હતા. એમની ફિલ્મોના ગીતો કર્ણપ્રિય, સુંદર કવિતા સમાન રહેતાં. ટોચના ગાયકો તે ગાતાં.
૮ જાન્યુઆરી, ૧૯૬૬ના રોજ ૫૬ વર્ષની વયે બિમલ રોયનું કેન્સરને કારણે નિધન થયું. તેમને ચાર સંતાનો હતાં. રિંકી ભટ્ટાચાર્ય, યશોધરા રોય, અપરાજીતા સિંહા અને એક માત્ર દીકરો જય રોય. મોટી દીકરી રિંકી બંને પરિવારોની ઈચ્છા વિરુદ્ધ ફિલ્મ નિર્દેશક બાસુ ભટ્ટાચાર્યને પરણી હતી. થોડા વર્ષોમાં એ લગ્ન તૂટયા પણ હતાં. ફિલ્મ તેમનો દીકરાઓ તે અભિનેતા-સીનેલેખક આદિત્ય ભટ્ટાચાર્ય. રિંકીજી હવે બિમલ રોય મેમોરીયલ કમિટીના વડા છે.
બિમલ રોયની અસર લાંબા સમય સુધી ભારતીય અને વિશ્વ સિનેમામાં વર્તાઈ હતી. ભારતમાં તેમની અસર મુખ્ય ધારાની અને સમાંતર ધારાની ફિલ્મો પર હતી. ‘દો બિઘા જમીન’ને કલા અને મનોરંજનના સુંદર મિશ્રણનો પહેલો નમુનો મનાય છે. વિવેચકોએતેને વખાણી તો ટિકિટબારી પર પણ તે સફળ રહી. એ સફળતાને કારણે ભારતીય ફિલ્મોમાં નવી તરાહ ઊભી થઇ. દેશ વિદેશના મોટા ફિલ્મોત્સવોમાં બિમલ રોયની ફિલ્મો દર્શાવાતી રહી. જેમાં યુરોપ અને ઉત્તર અમેરિકાના દેશો/રાજ્યો પણ સામેલ છે. રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલય દ્વારા બિમલદાની ફિલ્મોને ડિજીટલ સ્વરૂપે સંગ્રહવામાં આવી છે. બિમલ રોય મેમોરીયલ ટ્રોફી છેક ૧૯૯૭થી અનુભવી કલાકારોને સન્માન રૂપે અને ભારતીય ફિલ્મોમાં ઉદાત્ત પ્રદાન માટે અપાય છે. તેમની યાદમાં ૨૦૦૭માં ભારતીય ટપાલ વિભાગે ટિકિટ જારી કરી હતી.
બિમલ રોયની ફિલ્મોના જાણીતા ગીતો:
ધરતી કહે પુકાર કે, હરિયાલા સાવન ઢોલ બજાતા આયા – દો બિઘા જમીન, મિતવા લાગી રે યે કૈસી, જિસે તુ કુબુલ કર લે – દેવદાસ, યે મેરા દીવાનાપન હૈ – યહુદી, આજા રે પરદેસી, દિલ તડપ તડપ કે, સુહાના સફર ઔર યે મોસમ, તૂટે હુએ ખ્વાબોં ને – મધુમતી, જલતે હૈ જિસકે લીયે, સુન મેરે બંધુ રે, તુમ જીયો હજારો સાલ – સુજાતા, ઓ સજના બરખા બહાર આઈ – પરખ, મોરા ગોરા અંગ લઇ લે, જોગી જબ સે તું આયા, ઓરે માઝી – બંદિની.
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી. આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત.
Image may contain: 2 people, text that says 'विमल रॉय BIMAL ROY भारत INDIA 500 00'

Leave a comment

Filed under પ્રકીર્ણ