+અલબેલા માસ્ટર ભગવાન

અલબેલા અભિનેતા માસ્ટર ભગવાન
હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા ભગવાન દાદાનો જન્મ ૧ ઓગસ્ટ, ૧૯૧૩ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ લાંબો સમય અભિનેતા રહ્યા અને ફિલ્મો નિર્દેશિત પણ કરી. તેઓ તેમની ૧૯૫૧ની ફિલ્મ ‘અલબેલા’થી સૌથી વધુ યાદ રહેશે.
ભગવાન અભાજી પાલવ નામે તેઓ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ૧૯૧૩માં જન્મ્યા હતા. પિતા ટેકસટાઇલ મિલના કારીગર હતા. ભગવાને પણ મજુર રૂપે કામ કર્યું, ત્યારે તેમણે ફિલ્મોના સપના જોયા હતાં. થોડી મૂંગી ફિલ્મોમાં કામ કરવાનું મળ્યું ત્યારથી જાણે સ્ટુડીઓ જ તેમના ઘર બન્યાં. તેઓ ફિલ્મ બનાવવાની કળા શીખ્યા અને ઓછામાં ઓછા ખર્ચે ફિલ્મો બનાવતા. તેઓ અભિનય ઉપરાંત બધું જ કરતા, કલાકારોના ડ્રેસ પણ ડીઝાઈન કરતા અને તેમના ખાવાની પણ જાતે વ્યવસ્થા કરતા તેઓ માત્ર રૂ. ૬૫,૦૦૦ માં આખી ફિલ્મ બનાવતા. તેમનો અખાડાનો શોખ તેમને મૂંગી ફિલ્મોમાં કામ આપવી ગયો. ‘ક્રિમીનલ’ નામની ફિલ્મમાં તેમને પહેલી તક મળી હતી.
સહદિગ્દર્શક રૂપે તેમણે ૧૯૩૮માં પવાર સાથે ‘બહાદુર કિસન’ ફિલ્મ કરી. ત્યારથી ૧૯૪૯ સુધી તેઓ શ્રેણીબંધ લો બજેટ ફિલ્મો કરતા રહ્યા. જેના મુખ્ય વિષય સ્ટંટ અને એક્શન ફિલ્મો રહેતા. એ ફિલ્મો મજુર વર્ગનું મનોરંજન કરતી. તેઓ આમ આદમીની ભૂમિકામાં વધુ જોવા મળતા. એ સમયની તેમની નોંધપાત્ર ફિલ્મ ૧૯૪૧ની ‘વન મોહિની’ હતી જેમાં એમ.કે. રાધા અને શ્રીલંકાની અભિનેત્રી થાવામનીદેવી અભિનય કરતા હતાં.
૧૯૪૨માં શૂટિંગ દરમિયાન એક કમનસીબ ઘટના બની હતી. એક દ્રશ્યમાં ભગવાન દાદાએ અભિનેત્રી લલિતા પવારને તમાચો મારવાનો હતો. દાદાએ ભૂલથી એવો જોરદાર તમાચો માર્યો કે લલિતા પવારની ડાબી આંખની નસ ફાટી ગઈ અને તેમનો અડધો ચેહરો લકવાગ્રસ્ત થઇ ગયો હતો. ત્રણ વર્ષની સારવાર બાદ લલિતાજીની ડાબી આંખ તો ક્ષતિગ્રસ્ત જ રહી. પછી તેમણે એવી આંખથી જીવનભર અભિનય કરવો પડ્યો.
૧૯૪૨માં ભગવાન દાદા નિર્માતા બન્યાં અને જાગૃતિ પિક્ચર્સના નેજા હેઠળ ફિલ્મો બનાવી. ૧૯૪૭માં તો તેઓ ચેમ્બુરમાં જાગૃતિ સ્ટુડીઓના માલિક હતા. રાજ કપૂરની સલાહથી ૧૯૫૧માં ભગવાન દાદાએ ‘અલબેલા’ બનાવી હતી. જેમાં ભગવાન સાથે ગીતા બાલી હતાં અને સી. રામચંદ્રના ગીતોએ ધૂમ મચાવી. ‘અલબેલા’ને કદી કોઈએ ન ધારી હોય તેવી સફળતા મળી હતી. તેના ‘શોલા જો ભડકે’ કે ‘ભોલી સુરત દિલ કે ખોટે’ ગીતો આજે પણ લોકપ્રિય છે. એ સમયે તેઓ કેટલું કમાયા હશે તેની કલ્પના એ રીતે થઇ શકે કે તેમનો દરિયા કિનારે ૨૫ રૂમનો બંગલો અને રોજની એક કાર વાપરી શકાય તે હિસાબે સાત કાર તેમની પાસે હતી.
‘અલબેલા’ બાદ માસ્ટર ભગવાને ગીતા બાલી અને સી. રામચંદ્ર સાથે ૧૯૫૩માં ‘ઝમેલા’માં ‘અલબેલા’ની સફળતા દોહરાવવાનો પ્રયાસ કર્યો, પણ તે બની શક્યું નહીં. ત્યાર બાદ ‘લા-બેલા’ બનાવીને ફરી પ્રયાસ કર્યો પણ તે પણ નિષ્ફળ ગયો. પછી ફિલ્મો સતત નિષ્ફળ જતા તેમણે અભિનયને બદલે માત્ર નિર્માણ-નિર્દેશન કરી જોયું પણ નિષ્ફળતા જ મળી. બંગલો અને કાર વેચાઈ ગયાં.
હવે ભગવાન દાદા જે મળે તે ભૂમિકા ભજવવા માટે મજબુર બન્યા હતા. પણ ‘ઝનક ઝનક પાયલ બાજે’ અને ‘ચોરી ચોરી’ સિવાય તેમની કોઈ ભૂમિકા નોંધપાત્ર રહી નહીં. તેઓ મંચ પર પોતાના ‘અલબેલા’ના નૃત્યો કરતા પણ જોવાયા. તેમની એ નૃત્ય શૈલીને અમિતાભ બચ્ચાને અપનાવી અને ન ધરેલી સફળતા અમિતાભ મેળવતા રહ્યા.
દુનિયા અને ફિલ્મ ઉદ્યોગમાં બનતું આવે છે તેમ ભગવાન દાદાની સફળતાના લગભગ તમામ સાથીઓ તેમને છોડીને જતા રહ્યાં. હવે દાદા મુંબઈની ચાલીમાં રહેતા હતા. તેઓ ઘણીવાર એકસ્ટ્રા કલાકાર રૂપે દેખાતા હતા. જોકે સી. રામચંદ્ર, ઓમ પ્રકાશ કે ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ ભગવાન દાદાને ચાલીમાં પણ મળવા જતાં.
૨૦૦૨ની ચોથી ફેબ્રુઆરીએ તેમના દાદરના ઘરમાં જ હૃદય રોગના ભારે હુમલામાં ભગવાન દાદા ૮૮ વર્ષની વયે આ જગત છોડી ગયા.
ભગવાન દાદાના આ ચડતી-પડતી ભર્યા જીવન આધારિત એક મરાઠી ફિલ્મ ‘એક અલબેલા’ બની જેમાં ભગવાન રૂપે મંગેશ દેસાઈ અને ગીતા બાલી રૂપે વિદ્યા બાલને અભિનય કર્યો છે.
ભગવાન દાદાની ફિલ્મ ‘અલબેલા’માં ‘શોલા જો ભડકે’, ‘શામ ઢલે ખિડકી તલે’, ‘ભોલી સુરત દિલ કે ખોટે’, ‘દીવાના પરવાના’, ‘ધીરે સે આજા રે અખિયન મેં’, ‘દીવાના આ ગયા’, ‘તેરી યાદને મારા’ (ગાયકો: લતાજી અને ચિતલકર), તે ઉપરાંત લતાજીના ‘બલમાં નાદાન હૈ’, ‘દેવતા માના ઔર પૂજા’, અને ચિતલકરે ગયેલા સોલો ‘કિસ્મત કી હવા કભી નરમ કભી ગરમ’ અને ‘હસીનો સે મોહબ્બત કા બુરા અંજામ’ મળી કુલ ૧૨ ગીતો હતાં. જેના ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ અને સંગીતકાર ચિતલકર યાને સી. રામચંદ્ર હતા.
‘ઓગસ્ટના સિતારા: નરેશ કાપડીઆ’ – પુસ્તકમાંથી – આભાર શુભ સાહિત્ય
 
 
Image may contain: 1 person, standing, tree and outdoor

Leave a comment

Filed under પ્રકીર્ણ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.