Daily Archives: ડિસેમ્બર 20, 2020

રોમાન્ટિક સ્ટાર ઋષિ કપૂરની આખરી વિદાય

રોમાન્ટિક સ્ટાર ઋષિ કપૂરની આખરી વિદાય
રોમાન્ટિક સ્ટાર ઋષિ કપૂરે આખરી વિદાય લીધી છે. અંતે બોન મેરો કેન્સરે આ કલાકારને આપણી પાસેથી છીનવી લીધા છે. ૨૦૧૮થી તેઓ આ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. એની સારવાર માટે તેઓ એક વર્ષથી વધુ સમય ન્યુ યોર્ક રહ્યા હતાં અને ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ તેઓ સારા થઈને ભારત પરત થયા હતા.
તેમના મોટા ભાઈ રણધીર કપૂરના જણાવવા મુજબ બુધવાર, ૨૯ એપ્રિલની સવારે શ્વાસની તકલીફને કારણે ઋષિને મુંબઈની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કમનસીબે, ગુરુવાર, ૩૦ એપ્રિલની સવારે ઋષિ કપૂરનું નિધન થયું હતું, તેઓ ૬૭ વર્ષના હતા.
કપૂર પરિવારના રાજકુમાર સમા ઋષિ કપૂરનો જન્મ ૪ સપ્ટેમ્બર, ૧૯૫૨ના રોજ થયો હતો. પંજાબી પરિવારમાં માતા કૃષ્ણા કપૂર અને પિતા રાજ કપૂરને ત્યાં મુંબઈના ચેમ્બુરમાં ઋષિનો જન્મ થયો હતો. ઋષિ કપૂર હિન્દી ફિલ્મોના પીઢ કલાકાર – અભિનેતા, નિર્માતા, નિર્દેશક રૂપે ચાર દાયકાથી વધુ સમય માટે સક્રિય હતા.
કિશોરાવસ્થામાં પિતા રાજ કપૂરના કિશોર અવતાર રૂપે ‘મેરા નામ જોકર’ (૧૯૭૦) ફિલ્મમાં અભિનય કરીને પહેલા જ પ્રયત્ને ઋષીએ બાળ કલાકાર રૂપે નેશનલ એવોર્ડ મેળવ્યો હતો. હીરો રૂપે તેમની પહેલી ફિલ્મ ‘બોબી’ (૧૯૭૩) આવી અને તેમને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ત્યારથી શરૂ થયેલી તેમની અભિનય યાત્રાના પરિપાક રૂપે તેમને ‘ફિલ્મફેર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ’ (૨૦૦૮) મળ્યો ત્યાં સુધી લંબાઈ.
૧૯૭૩થી ૨૦૦૦ સુધીના સમયગાળામાં ઋષીએ ૯૨ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા કરી છે, જેમાંથી ૪૧ ફિલ્મો મલ્ટી સ્ટાર ફિલ્મો હતી. તેઓ સોલો હીરો તરીકે જેમાં દેખાયા તેવી ૫૧ ફિલ્મોમાંથી માત્ર ૧૧ જ ફિલ્મો સફળ થઇ હતી. ‘દો દુની ચાર’ના તેમના અભિનય માટે ઋષિને ૨૦૧૧માં ફિલ્મફેર ક્રિટીક્સ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર મળ્યો હતો. તો ‘કપૂર એન્ડ સન્સ’ની તેમની ભૂમિકા માટે ઋષિને ૨૦૧૭માં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ૧૯૭૩થી ૧૯૮૧ દરમિયાન તેમની સાથી કલાકાર રૂપે ભાવિ પત્ની નીતુ સિંઘ સાથે તેમણે બાર ફિલ્મો કરી હતી.
તેઓ રાજ કપૂરના રણધીર પછીના બીજા દીકરા, રાજીવ તેમનાથી નાના ભાઈ. ત્રણે ભાઈઓ સાથે મુંબઈની કેમ્પિયન સ્કૂલમાં અને અજમેરની માયો કોલેજમાં ભણ્યાં. પિતાજીની સાથે અભિનય દ્વારા ફિલ્મોમાં આવ્યા અને સફળ થયા.
૧૯૭૩થી ૨૦૦૦ સુધી તેમણે ૫૧ ફિલ્મો સોલો હીરો રૂપે કરી તેમાંથી જે ૧૧ ફિલ્મોને સફળતા મળી તેમાં ‘બોબી’, ‘લૈલા મજનું’, ‘રફૂચક્કર’, ‘સરગમ’, ‘કર્ઝ’, ‘પ્રેમરોગ’, ‘નગીના’, ‘હનીમૂન’, ‘ચાંદની’, ‘હીના’ અને ‘બોલ રાધા બોલ’ને યાદ કરી શકાય. તેની સામે તેમણે જે ૪૧ મલ્ટી હીરો ફિલ્મોમાં અભિનય કર્યો હતો તેમાંથી ૨૫ ફિલ્મો સફળ થઇ હતી. તેમાંય માત્ર ૧૩ ફિલ્મો એવી હતી જેમાં બે હીરો હોય અને ઋષિ કપૂરની મહત્વની ભૂમિકા હોય. એવી ફિલ્મોમાં ‘ખેલ ખેલ મેં’, ‘કભી કભી’, ‘હમ કિસીસે કમ નહીં’, ‘બદલતે રિશ્તે’, ‘આપ કે દીવાને’ અને ‘સાગર’ યાદ કરી શકાય. ૧૯૮૯ પછી ‘અજુબા’, ‘ચાંદની’, ‘દીવાના’ (૧૯૯૨), ‘દામિની – લાઈટનિંગ’ (૧૯૯૩), ‘ગુરુદેવ’ (૧૯૯૪), ‘ડર’ (૧૯૯૬) અને ‘કારોબાર’ (૨૦૦૦) આવી. એવું જોવા મળ્યું કે ઋષિ કપૂરે સિત્તેરના દાયકાના અંતે, તથા એંશી અને નેવુંના દાયકામાં સતત એવી ફિલ્મોમાં ભૂમિકા કરી જેમાં તેમના સાથી કલાકારો તેમના પર છવાઈ ગયાં. આ વાતનો એવી ફિલ્મો પરથી ખ્યાલ આવશે, જેમાં ‘નસીબ’, ‘કાતીલો કે કાતિલ’, ‘કુલી’, ‘દુનિયા’, ‘સિતમગર’, ‘ઝમાના’, ‘ઘર પરિવાર’ કે ‘અમર અકબર એન્થની’ યાદ કરી શકાય.
૧૯૯૯માં ઋષિએ ‘આ અબ લૌટ ચલે’નું નિર્દેશન કર્યું, જેમાં રાજેશ ખન્ના, ઐશ્વર્યા રાય અને અક્ષય ખન્ના મુખ્ય ભૂમિકાઓમાં હતાં. રોમાન્ટિક હીરો રૂપે તેઓ છેલ્લીવાર ‘કારોબાર: ધ બીઝનેસ ઓફ લવ’ (૨૦૦૦)માં દેખાયા.
ઋષીએ પિતા રાજ કપૂરના નિર્દેશનમાં ‘હીના’માં અભિનય કર્યો, જે અંતે મોટા ભાઈ રણધીર કપૂરના નિર્દેશનમાં પૂરી થઇ હતી. તો ત્રણે ભાઈઓએ રણધીર, ઋષિ અને રાજીવ દ્વારા નિર્મિત અને નાના ભાઈ રાજીવ કપૂર દ્વારા નિર્દેશિત ‘પ્રેમ ગ્રંથ’માં પણ અભિનય કર્યો હતો.
૨૧મી સદી આવી અને ઋષિ કપૂર સહાયક ભૂમિકાઓ તરફ સરકી ગયા. ‘યે હૈ જલવા’, ‘હમ તુમ’, ‘ફના’, ‘નમસ્તે લંડન’, ‘લવ આજ કલ’ કે ‘પતિયાલા હાઉસ’ આવી ફિલ્મો હતી. પછી બ્રિટીશ ફિલ્મો ‘ડોન્ટ સ્ટોપ ડ્રીમીંગ’ (૨૦૦૭) અને ‘સામ્બાર સાલસા’ (૨૦૦૮)માં તેમણે કામ કર્યું. વર્ષો પછી તેઓ નીતુ સિંઘ સાથે ‘દો દૂની ચાર’ (૨૦૧૦)માં ફરી દેખાયા.
‘ચિન્ટુ જી’ નામની ફિલ્મમાં ઋષિ કપૂરે પોતાનું જ પાત્ર ભજવ્યું. ૨૦૧૨માં તેઓ નકારાત્મક ભૂમિકામાં ‘અગ્નિપથ’માં આવ્યા તો મલ્ટી સ્ટાર ‘હાઉસફૂલ ૨’માં દેખાયા, જેમાં તેઓ ભાઈ રણધીર કપૂર સાથે પચ્ચીસેક વર્ષ પહેલાંની ‘ખજાના’ પછી ફરી દેખાયા. યશ ચોપરાની ‘જબ તક હૈ જાન’માં તેમણે પત્ની નીતુ સાથે કેમિયો ભૂમિકા કરી.
તેમની ઉમેશ શુક્લ નિર્દેશિત ‘૧૦૨ નોટ આઉટ’ આવી, જે સૌમ્ય જોશીના એજ નામના ગુજરાતી નાટક પર આધારિત હતી. આ ફિલ્મમાં ઋષિ ૨૭ વર્ષો બાદ અમિતાભ બચ્ચન સાથે તેમના દીકરાની ભૂમિકામાં ફરી દેખાયા.
૨૦૧૯માં તેમની વધુ બે ફિલ્મો રજુ થઈ. સમીપ કાંગ નિર્દેશિત કોમેડી-ડ્રામા ‘જુઠા કહીં કા’ અને જીતુ જોસેફ લિખિત-નિર્દેશિત મિસ્ટ્રી થ્રીલર ‘ધ બોડી’માં તેઓ ઈમરાન હાસમી સાથે હતા. ૧૩ ડીસેમ્બર, ૨૦૧૯ના રોજ રજુ થયેલી એ ફિલ્મ ઋષિની આખરી ફિલ્મ બની રહી. તેમના મૃત્યુ સમયે હિતેશ ભાટિયા નિર્દેશિત ‘શર્માજી નમકીન’ બની રહી હતી, જેમાં તેઓ જુહી ચાવલા સાથે કામ કરનાર હતા.
ઋષિ કપૂરની યાદગાર ફિલ્મો તરીકે આપણે મેરા નામ જોકર, બોબી, ઝહરીલા ઇન્સાન, રફુચકકર, ખેલ ખેલ મેં, લૈલા મજનું, કભી કભી, હમ કિસીસે કમ નહીં, દુસરા આદમી, અમર અકબર એન્થોની, સરગમ, કર્ઝ, નસીબ, પ્રેમરોગ, સાગર, નગીના, એક ચાદર મૈલી સી, ચાંદની, હીના, દામિની, કારોબાર, યે હૈ જલવા, ફના, નમસ્તે લંડન, દિલ્હી ૬, લવ આજ કલ, પતિયાલા હાઉસ, અગ્નિપથ, હાઉસફુલ ૨ ને યાદ કરી શકીએ. ૨૦૦૦ના વર્ષ પછી ઋષિ કપૂર સહાયક ભૂમિકામાં દેખાયા. ‘ચીન્ટુજી’ નામની ફિલ્મમાં તેમણે પોતાની જાતને જ ભૂમિકા રૂપે રજૂ કરી.
પડદા પર પંદર વાર પોતાની નાયિકા બનેલા નીતુ સિંઘ સાથે ઋષિ કપૂરે ૨૨ જાન્યુઆરી, ૧૯૮૦ના રોજ લગ્ન કર્યા હતાં. તેમને બે સંતાનો છે; અભિનેતા રણબીર કપૂર (૧૯૮૨) અને ડીઝાઈનર રિદ્ધિમા કપૂર સાહાની (૧૯૮૦). કરિશ્મા અને કરીનાના તેઓ કાકા થાય.
પોતાનું જીવન ચરિત્ર તેમણે મીના ઐય્યર સાથે લખ્યું, જેનું શીર્ષક છે: ‘ખુલ્લમ ખુલ્લા: ઋષિ કપૂર અનસેન્સર્ડ’. ૧૫ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ હાર્પર કોલીન્સ દ્વારા તેનું પ્રકાશન થયું છે. સોશિયલ મીડિયા પર તેમની અનેક કોમેન્ટસ દ્વારા ઋષિ કપૂર વિવાદમાં ઘેરાઈ જતા. ૨ એપ્રિલ, ૨૦૨૦ પછી તેમણે કોઈ ટ્વિટ કર્યું નહોતું.
૩૦ એપ્રિલની સાંજે મુંબઈના ચંદનવાડી સ્મશાન ગૃહમાં પત્ની નીતૂ સિંઘ અને દીકરા રણબીર કપૂર સહીત અનેક સ્ટાર્સની હાજરી છતાં, કોરોના કાળ હોવાથી વધુમાં વધુ વીસ વ્યક્તિઓની હાજરીમાં ચિન્ટુમાંથી રોમાન્ટિક સ્ટાર બનેલા ઋષિ કપૂરનો દેહ પંચમહાભૂતમાં ભળી ગયો હતો.
ઋષિ કપૂરના ટોપ ટેન ગીતો: તીતર કે દો આગે તીતર (મેરા નામ જોકર), મૈ શાયર તો નહીં (બોબી), દર્દ એ દિલ (કર્ઝ), તેરે ચેહરે સે (કભી કભી), ઓ હંસની (ઝહરીલા ઇન્સાન), પાયલિયા (દીવાના),ચેહરા હૈ યા ફૂલ ખીલા (સાગર), ભૌરે ને ખિલાયા ફૂલ (પ્રેમ ગ્રંથ), ખુલ્લમ ખુલ્લા પ્યાર (ખેલ ખેલ મેં), ડફલીવાલે (સરગમ), પરદા હૈ પરદા, શિરડીવાલે સાઈ બાબા (અમર અકબર એન્થની).
प्रतिमेत याचा समावेश असू श्‍ाकतो: 1 व्‍यक्ती

Leave a comment

Filed under Uncategorized