Daily Archives: ડિસેમ્બર 22, 2020

પ્રતિભાશાળી ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

પ્રતિભાશાળી ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
ગીતકાર અને સિને લેખક રાજેન્દ્ર કૃષ્ણને આ જગતમાંથી વિદાય લીધાને ૩૩ વર્ષ થયાં. ૨૩ સપ્ટેમ્બર, ૧૯૮૭ના રોજ ૬૮ વર્ષની ઉમરે તેમનું નિધન થયું હતું. હાલના પાકિસ્તાનમાં ગુજરાત જીલ્લાના જલાલપુર જત્તન ગામે દુગ્ગલ પરિવારમાં તેમનો જન્મ ૬ જૂન, ૧૯૧૯ના રોજ થયો હતો. તેઓ કમાલના ગીતકાર હતા. તેઓ ખુબ આસાનીથી ફિલ્મની પરિસ્થતિ મુજબ ગઝલ, નઝમ, ગીતો લખી શકતા, જેમાં એક તરફ સાહિત્યનું તત્વ પણ રહેતું તો છેક બીજી તરફ તેઓ હાસ્યનું હુલ્લડ પણ સર્જી શકતા હતા. તે ઉપરાંત રાજેન્દ્ર ખુબ સારા સંવાદ લેખક પણ પુરવાર થયા હતા.
આઠમા ધોરણમાં હતા ત્યારથી જ તેઓ કવિકર્મ કરતા. દિલ્હી-પંજાબના અખબારો ત્યારે ઉભરતા કવિઓ માટે ‘કાવ્ય લેખન સ્પર્ધા’ કરતાં, સ્કૂલના દિવસોમાં જ તેમાં નિયમિત ભાગ લઇને રાજેન્દ્રએ કવિતા લેખન સુધાર્યું હતું. સિમલાની નગરપાલિકામાં તેઓ થોડો સમય ક્લાર્ક હતા. ત્યાં જ તેમણે ઉર્દૂ કવિતાનો ઊંડો અભ્યાસ કર્યો. ફીરાક ગોરખપુરી અને એહસાન ડેનિશથી હતા પ્રભાવિત હતા, તો હિન્દી કવિ પંત અને નિરાલા પણ તેમના મોડેલ હતાં.
૧૯૪૦માં રાજેન્દ્ર મુંબઈ આવ્યા અને સિને લેખક બન્યા. ‘જનતા’ (૧૯૪૭)માં તેમણે પહેલી પટકથા લખી તો મોતીલાલ-સુરૈયાની ‘આજ કી રાત’ (૧૯૪૭)થી તેઓ ગીતકાર બન્યા. ૧૯૪૮ની ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની હત્યા થઇ ત્યારે રાતોરાત તેમણે ‘સુનો સુનો એ દુનિયાવાલો બાપુ કી યે અમર કહાની’ ગીત લખ્યું, જેને હુસ્નલાલ ભગતરામના સંગીત પર મોહંમદ રફીએ ગાયું, જે રેડીઓ દ્વારા દેશના તમામ ગાંધીભક્તોના હૈયામાં વસી ગયું. કવિ રાતોરાત વિખ્યાત થઇ ગયા. પછી તેમની કાવ્ય-યાત્રા ચાલી નીકળી. છેક ‘આગ કા દરિયા’ (૧૯૯૦)ના ગીતો સુધી તેઓ લખતા રહ્યા.
તેમની રચનાઓને લગભગ તમામ દિગ્ગજ સંગીતકારોએ સ્વરબદ્ધ કરી, જેમાં તેમનો સૌથી વધુ લાભ સી. રામચન્દ્રએ લીધો. તે ઉપરાંત તેમની ગઝલોને મદન મોહને યાદગાર બનાવી. રાહુલ દેવ બર્મન માટે તેમણે હાસ્ય અને તોફાની મૂડના ગીતો પણ લખ્યાં. હેમંત કુમાર, સલિલ ચૌધરી કે લક્ષ્મીકાંત પ્યારેલાલે તેમના ગીતોને યાદગાર બનાવ્યા.
ગીતકાર તરીકે રાજેન્દ્ કૃષ્ણએ જે ફિલ્મોમાં યાદગાર ગીતો લખ્યાં, તેમાં ભગવાન દાદાની હીટ ફિલ્મ અલબેલા, લડકી, આરામ, અનારકલી, નાગિન, આઝાદ, ભાઈ ભાઈ, દેખ કબીર રોયા, આશા, અદાલત, નઝરાના, મનમૌજી, યે રાસ્તે હૈ પ્યાર કે, ઘર બસા કે દેખો, ભરોસા, શરાબી, આઓ પ્યાર કરે, જહાં આરા, ખાનદાન, નઈ રોશની, તુમસે અચ્છા કૌન હૈ, ગોપી, રેશમા ઔર શેરા, મન મંદિર, રખવાલા, કહાની કિસ્મત કી, બ્લેક મેઈલને યાદ કરી શકાય.
સંવાદ લેખક તરીકે રાજેન્દ્ કૃષ્ણએ જે ફિલ્મોમાં યાદગાર સંવાદો લખ્યાં, તેમાં બડી બહન, પહલી ઝલક, બરખા, પતંગ, છાયા, શાદી, પ્રેમપત્ર, બ્લફ માસ્ટર, પૂજા કે ફૂલ તો ખરી જ પણ પ્યાર કિયે જા, સાધુ ઔર શૈતાન, પડોસન (ત્રણે ગઝબની કોમેડી), તે ઉપરાંત ગૌરી, વારિસ, સચ્ચાઈ, એક શ્રીમાન એક શ્રીમતિ, ડોલી, જવાબ, ગોપી, શેહઝાદા, માલિક, બોમ્બે ટુ ગોવા (કોમેડી), બનારસી બાબુ, નયા દિન નઈ રાત, પોંગા પંડિત. ધરમ અધિકારીને યાદ કરી શકાય.
રાજેન્દ્ર કૃષણના યાદગાર ગીતો: ભોલી સૂરત દિલ કે ખોટે (અલબેલા), યે ઝીંદગી ઉસી કી હૈ (અનારકલી), ઝીંદગી કે દેનેવાલે (નાગિન), કિતના હસી હૈ મોસમ (આઝાદ), અય દિલ મુઝે બતા દે (ભાઈ ભાઈ), કૌન આયા મેરે મન કે દ્વારે (દેખ કબીરા રોયા), જાના થા હમ સે દૂર (અદાલત), મુઝે લે ચલો (શરાબી), તુમ્હી મેરે મંદિર (ખાનદાન – ફિલ્મફેર એવોર્ડ), સુખ કે સબ સાથી (ગોપી), તું ચંદા મૈ ચાંદની (રેશમા ઔર શેરા).
‘સપ્ટેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકમાંથી
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized