Daily Archives: ડિસેમ્બર 25, 2020

બરફના ફૂલ+ તનુજાની યાદ

બરફના ફૂલ

હિમના હળવા ખરતા ફૂલ…
એ   શ્વેત    સુંવાળા    ચમકે
તરૂવર  આધારે  જઈ અટકે
એના  પળપળ  અશ્રૂ ટપકે
હિમના  હળવા  ખરતા ફૂલ

નીરવ   નિર્મળ   ઉરે  ઉસૂલ
નહીં   રંગે    રંગીલી   ઝૂલ
વળગે  ના  વ્હાલપની  ધૂલ
હિમના હળવા   ખરતા ફૂલ

ગુનગુન ગુંજે ના કોઈ ભમરો
નીરખે   નહિ રે  કામણગારો
નહીં   રે  કરમાવાનો   વારો
હિમના  હળવા  ખરતા  ફૂલ

એને  વીંજણો   ઢોળી  જાવ
એમાં    ફોરમ   ફૂંકી    જાવ
એમાં   ચેતન    રેડી    જાવ
વિસ્મિત  ઠરી  ગયેલા  ફૂલ

વેણું    વસંતની     વાગી  રે
પર્ણે    ઉત્સુકતા     જાગી  રે
ડાળી   ડાળી   હવે   હસી  રે
પુલકિત સ્મિત  વેરતા  ફૂલ!

————  સરયૂ પરીખ

અભિનેત્રી તનુજાની યાદ
હિન્દી ફિલ્મોના અભિનેત્રી તનુજા મુખર્જી ૭૭ વર્ષના થયાં. ૨૩ સપ્ટેમ્બર, ૧૯૪૩ના રોજ મુંબઈમાં તેમનો જન્મ. જન્મે તેઓ તનુજા સમર્થ, યાને અભિનેત્રી શોભના અને ફિલ્મકાર કુમારસેન સમર્થના દીકરી અને અભિનેત્રી નૂતનના નાના બહેન. તેઓ ૧૯૭૩માં સોમુ મુખર્જીને પરણ્યા અને તનુજા મુખર્જી બન્યાં. તેમને કાજોલ અને તનીષા નામે બે અભિનેત્રી દીકરીઓ છે.
તનુજા જે ફિલ્મોના તેમના અભિનય માટે યાદ કરાશે તેમાં ‘મેમદીદી’ (૧૯૬૧), ચાંદ ઔર સુરજ’, ‘બહારે ફિર ભી આયેગી’, ‘જ્વેલ થીફ’, ‘નઈ રોશની’, ‘જીને કી રાહ’, ‘હાથી મેરે સાથી’, ‘અનુભવ’, ‘મેરે જીવન સાથી’ કે ‘દો ચોર’ યાદ કરી શકાય. સાંઠ અને સિત્તેરના દાયકામાં તનુજાની જોડી સંજીવ કુમાર, રાજેશ ખન્ના અને ધર્મેન્દ્ર સાથે બની હતી.
ફિલ્મકાર કુમારસેન સમર્થને ત્યાં મરાઠી પરિવારમાં અભિનેત્રી શોભના સમર્થને ત્યાં તનુજાનો જન્મ થયો હતો. તેમને નૂતન સહિતના ત્રણ બહેનો અને એક ભાઈ હતાં. તેમના દાદી રત્તન બાઈ અને માસી નલીની જયવંત પણ અભિનેત્રી હતાં. તનુજા બાળકી હતાં ત્યારે જ તેમના મા-બાપ સમજીને છૂટા પડ્યાં હતાં. ત્યારે શોભના અભિનેતા મોતીલાલની નજીક હતાં. શોભનાએ તેમની દીકરીઓ નૂતન અને તનુજાને પહેલીવાર પડદે લાવવા માટેની ફિલ્મ ‘હમારી બેટી’નું નિર્માણ કર્યું હતું. તેમના અન્ય બેન ચતુરા કલાકાર હતાં પણ બીજા બેન રેશમા અને ભાઈ જયદીપ કલાકાર નહોતાં. તેમની અભિનેત્રી દીકરી કાજોલે અભિનેતા અજય દેવગણ સાથે લગ્ન કર્યા. તનુજાના પતિ શોમુનું ૬૪ વર્ષની વયે ૨૦૦૮માં હૃદય રોગથી નિધન થયું. શોમુના ભાઈઓ જોય મુખર્જી, દેબ મુખર્જી અને રામ મુખર્જી પણ ફિલ્મો સાથે સંકળાયા હતાં.
તનુજાએ તેમની મોટી બેન નૂતન સાથે ‘હમારી બેટી’ (૧૯૫૦)થી અભિનય યાત્રા શરુ કરી હતી. ત્યારે તેઓ બેબી તનુજા હતાં. મોટા થઈને તનુજા ‘છબીલી’ (૧૯૬૦)માં અભિનેત્રી બની આવ્યાં. ‘છબીલી’નું નિર્દેશન માતા શોભનાએ કર્યું હતું અને નૂતન તેમાં નાયિકા હતાં. પણ તનુજા ખરેખર નાયિકા બન્યાં ‘હમારી યાદ આયેગી’ (૧૯૬૧)થી, જેના નિર્દેશક કેદાર શર્માએ આ પહેલાં રાજ કપૂર, મધુબાલા કે ગીતા બાલી જેવાં કલાકારો આપ્યાં હતાં. તનુજાની નોંધપાત્ર ફિલ્મ ‘બહારેં ફિર ભી આયેગી’ હતી. જે ગુરુ દત્તની ટીમની છેલ્લી ફિલ્મ હતી. તેનું ‘વો હસ કે મિલે હમ સે, હમ પ્યાર સમાજ બૈઠે’ ગીત બન્યું, ત્યારે ગુરુ દત્ત જીવતા હતા. ગુરુ દત્ત તનુજાના અભિનયને ‘ટોન ડાઉન’ કરવા માટે મથ્યા હતા. એ સાહજીક અને ત્વરિત પ્રક્રિયા સમો અભિનય સંયમિત હતો, જેના ખુબ વખાણ થયાં હતાં. ‘જ્વેલ થીફ’માં તનુજાની મહત્વની સહાયક ભૂમિકા હતી. પછીની તેમની મોટી ફિલ્મ ‘જીને કી રાહ’ હતી. જે ખુબ સફળ રહી. તેજ વર્ષે તનુજાના શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ ‘પૈસા યા પ્યાર’ માટે મળ્યો.
રાજેશ ખન્ના સાથે તેમણે ‘હાથી મેરે સાથી’ અને ‘મેરે જીવન સાથી’માં કામ કર્યું તો કિશોર કુમાર સાથે ‘દૂર ક રાહી’માં. તરત આવી ‘દો ચોર’, ‘એક બાર મુસ્કુરા દો’, ‘કામ ચોર’, ‘યારાના’, ‘ખુદ્દાર’ અને ‘માસૂમ’. તો ‘પવિત્ર પાપી’, ‘ભુત બંગલા’ કે ‘અનુભવ’ જેવી ફિલ્મોમાં પણ તેઓ દેખાયાં. સાથે જ મરાઠી ફિલ્મો ‘ઝાકોલ’, ‘ઉનડ મૈના’ અને ‘પિતૃરૂમ’માં પણ તેમણે કામ કર્યું. સાઠના દાયકાની મધ્યે તનુજાએ બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું. ‘દેવા નેયા’માં તો તેઓ ઉત્તમ કુમાર સાથે હતાં. તેજ રીતે સૌમિત્ર ચેટરજી સાથે ‘તીન ભુવનેર પારેય’માં આવ્યાં. પછી તનુજા ફિલ્મોમાંથી નિવૃત્ત થયાં પણ તેમનું લગ્ન જીવન પુરું થયાં બાદ તેઓ ફરી આવ્યાં અને સહાયક અભિનેત્રી રૂપે દેખાયાં. અમિતાભ બચ્ચન ‘પ્યાર કી કહાની’ના હીરો હતાં, તો તેઓ ‘ખુદ્દાર’માં તનુજાને ભાભી કહેતા હતા. રાજ કપૂરની ‘પ્રેમ રોગ’માં પણ તેમણે સહાયક ભૂમિકા કરી હતી. પછી ‘સાથીયા’ (૨૦૦૨), ‘રૂલ્સ’ કે ‘ખાકી’માં પણ દેખાયાં. ઝી ટીવીની ફેમિલી ડાન્સ શ્રેણી ‘રોક એન્ડ રોલ ફેમિલી’માં તનુજા અભિનેત્રી દીકરી કાજોલ અને અજય દેવગણ સાથે જજ બન્યાં હતાં. ૨૦૧૩માં નીતીશ ભારદ્વાજની મરાઠી ફિલ્મ ‘પિતૃરૂમ’માં માથું મુંડાવીને તનુજા વિધવા રૂપે પણ દેખાયાં. ૨૦૧૪માં તનુજાને ફિલ્મફેર દ્વારા લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો હતો.
તનુજાના યાદગાર ગીતો: કભી તન્હાઈયો મેં ભી – હમારી યાદ આયેગી, બાગ મેં કલી મહેકી – ચાંદ ઔર સુરજ, દેખતી હી રહો આજ, આજ કી રાત બડી શોખ બડી નટખટ હૈ – નઈ ઉમર કી નઈ ફસલ, ઓ મેરે પ્યાર આજા – ભૂત બંગલા, આપ કે હસીન રુખ પે આજ, વો હસ કે મિલે હમ સે – બહારે ફિર ભી આયેગી, રાત અકેલી હૈ – જ્વેલ થીફ, આ મેરે હમજોલી આ, આપ મુઝે અચ્છે લગને લગે – જીને કી રાહ, દિલબર જાની, સુન જા એ ઠંડી હવા – હાથી મેરે સાથી, બેકરાર દિલ તું ગાયે જા – દૂર કા રાહી, કોઈ ચુપકે સે આકે, મુઝે જાં ન કહો મેરી જાન, મેરા દિલ જો મેરા હોતા – અનુભવ, ઓ મેરે દિલ કે ચૈન, દીવાના કર કે છોડોગી, કાલી પલક તેરી ગોરી, ચાહે રહો દૂર ચાહે રહો પાસ – દો ચોર.
સપ્ટેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized