Daily Archives: ડિસેમ્બર 26, 2020

સૌથી સફળ સંગીતકાર – લક્ષ્મીકાંત

સૌથી સફળ સંગીતકાર – લક્ષ્મીકાંત
સૌથી વધુ હિન્દી ફિલ્મોમાં સંગીત આપનાર બેલડી લક્ષ્મીકાંત પ્યારેલાલમાંના લક્ષ્મીકાંત શાંતારામ કુડાલકરની પુણ્યતિથિ. ૨૫ મે, ૧૯૯૮ના રોજ ૬૦ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. લક્ષ્મીકાંત પ્યારેલાલની આ સંગીતકાર બેલડીએ ૧૯૬૩થી ૧૯૯૮માં સાથી લક્ષ્મીકાંતજીની કાયમી વિદાય સુધી ૬૩૫ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તમામ મહાન ફિલ્મકારો સાથે તેમણે સફળ સંગીત નિયોજન કર્યું છે. ગત વર્ષે આજ દિવસે પ્યારેલાલજીએ સુરતમાં ‘લાઈવ ઇન કન્સર્ટ’ રજુ કરી હતી.
લક્ષમીકાંત ૩ નવેમ્બર, ૧૯૩૭ના રોજ લક્ષ્મી પૂજનને દિવસે જન્મેલા માટે તેમનું નામ લક્ષ્મીકાંત રખાયું હશે. આ મહાન સંગીતકારનું બચપણ વિલે પાર્લે પૂર્વની ઝુંપડપટ્ટીમાં વીત્યું હતું. બાળપણમાં જ પિતાજીનું નિધન થયું હતું. ગરીબીને કારણે જ તેઓ તેમનું પ્રાથમિક શિક્ષણ પણ મેળવી શક્યા નહોતા. તેમના પિતાના મિત્રએ લક્ષ્મીકાંત અને તેમના મોટા ભાઈને સંગીત શીખવાની સલાહ આપી હતી. તે મુજબ લક્ષ્મીકાંત મેન્ડોલીન વગાડતા શીખ્યા અને મોટા ભાઈ તબલા વગાડતા શીખ્યા. લક્ષ્મીકાંત જાણીતા મેન્ડોલીન વાદક હુસૈન અલી સાથે બે વર્ષ રહ્યા. તેમણે શાસ્ત્રીય વાદ્ય સંગીતના કાર્યક્રમોમાં સંગત કરીને થોડા પૈસા કમાવા માંડ્યા. ચાલીસના દાયકાના પાછલા ભાગમાં લક્ષ્મીકાંતે બાલમુકુન્દ ઇન્દોરકર પાસે મેન્ડોલીનની તાલીમ લીધી. સંગીતકાર હુસ્નલાલ ભગતરામના હુસ્નલાલ પાસે લક્ષ્મીકાંત વાયોલીન વાદન પણ શીખ્યા. ૧૯૪૯ની ધાર્મિક ફિલ્મ ‘ભક્ત પુન્ડલિક’ અને ૧૯૫૦ની ‘આંખેં’માં બાળકલાકાર રૂપે લક્ષ્મીકાંતે અભિનય પણ કર્યો. તો તેમણે થોડી ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
લક્ષ્મીકાંતે માત્ર ૧૦ વર્ષની ઉમરે લતાજીના રેડીઓ ક્લબના કાર્યક્રમમા મેન્ડોલીન વગાડ્યું હતું. લતાજીએ તેમને શાબાશી આપી હતી. મંગેશકર પરિવાર દ્વારા બાળકો માટે ચાલતી ‘સૂરીલ કલા કેન્દ્ર’ મ્યુઝિક એકેડમીમાં લક્ષ્મીકાન્ત અને પ્યારેલાલ બાળપણમાં શીખતા હતાં. તેઓની આર્થીક સ્થિતિ વિશે જાણ્યા બાદ ખુદ લતાજીએ આ બંને કલાકારો માટે નૌશાદ, સચિનદેવ બર્મન અને સી. રામચંદ્રને સિફારીશ કરી હતી.
આ બંને બાળપણના સંગીત ગોઠીયા કલાકો સ્ટુડીઓ રેકોર્ડિંગમાં સાથે ગાળતા હતાં. તેમના ત્યારના સાથીઓમાં શિવકુમાર (સંતુર) અને હરિપ્રસાદ (બાંસુરી) પણ હતાં. ત્યારના મોટા સંગીતકારોના વાદ્યવૃંદમાં વગાડ્યા બાદ ૧૯૫૩થી તેઓ કલ્યાણજી-આનંદજીના સહાયક સંગીતકાર રૂપે દસ વર્ષ સુધી કાર્યરત રહ્યાં. સચિનદેવ અને રાહુલદેવની ફિલ્મોમાં તેઓ મ્યુઝિક એરેન્જર પણ બન્યાં. રાહુલદેવ તેમના મિત્ર રહ્યા. ‘દોસ્તી’ના તમામ ગીતોમાં રાહુલદેવે માઉથઓર્ગન વગાડ્યું છે. લક્ષ્મીકાન્ત પર શંકર જયકિશનની ખુબ અસર હતી. લક્ષ્મીકાંત પ્યારેલાલની ટીમની શરૂઆતની ફિલ્મોમાં એસ.જે. જેવું જ સંગીત રહેતું.
તેઓ તેમના સંગીતવાળી પહેલી જ ફિલ્મ ‘પારસમણી’થી હીટ બન્યાં. લતાજી અને રફી સાહેબે તેમના ઓછા બજેટ છતાં એલ.પી.ને સાથ આપ્યો. લક્ષ્મી-પ્યારેએ હંમેશા ‘એ’ ગ્રેડના ગાયકો સાથે જ કામ કર્યું. લતા, આશા અને રફીએ તેમના સંગીતમાં સૌથી વધુ ગાયું છે. કિશોર કુમારે પણ તેમને ખુબ સહકાર આપ્યો. તેમના સંગીતમાં કિશોરદાએ ૪૦૨ અને રફીએ ૩૬૫ ગીતો ગાયા છે.
શરૂઆતમાં અનેકને મન લક્ષ્મીકાંત પ્યારેલાલ એ એક જ વ્યક્તિનું નામ લાગ્યું હતું. પણ ‘દોસ્તી’ના સંગીત માટે ટોચના શંકર જયકિશન (‘સંગમ’) અને મદન મોહન (વોહ કૌન થી?)ની સામે લક્ષ્મીકાંત પ્યારેલાલને ‘શ્રેષ્ઠ સંગીતકાર’નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો અને આ સંગીતકાર બેલડીની ઓળખ બની. તરત જ ‘લૂટેરા’ આવી, જેમાં કોઈ મોટા કલાકારો નહોતા, બસ એલ.પી.નું સંગીત અને લતાજીના ગીતોને કારણે ફિલ્મ હીટ બની.
લક્ષ્મી-પ્યારેના સંગીતમાં ભારતીય અને પાશ્ચાત્ય સંગીતનો સુમેળ રહેતો. પણ તેમના લોકગીતો અને ઉપશાસ્ત્રીય ગીતો ખુબ લોકપ્રિય રહ્યાં. ‘શાગીર્દ’ અને ‘કર્ઝ’ માં તેમણે રોક-એન-રોલ અને ડિસ્કો સંગીત પણ આપ્યું.
આ મહાન સંગીતકારોની કેટકેટલી ફિલ્મો યાદ કરીએ? દોસ્તી, જીને કી રાહ, મિલન, દો રાસ્તે, બોબી, રોટી કપડા ઔર મકાન, અમર અકબર એન્થોની, એક દુજે કે લીયે, સત્યમ શિવમ સુન્દરમ, સરગમ, કર્ઝ, નામ, નગીના, તેઝાબ, રામ લખન, સૌદાગર, ખલનાયક એમની કેટલીક બ્લોક બસ્ટર સફળતા હતી.
લક્ષ્મીકાંતના સંગીતના ટોપ ટેન ગીતો: ચાહુંગા મૈ તુઝે (દોસ્તી), બડી મસ્તાની હૈ (જીને કી રાહ), સાવન કા મહિના (મિલન), બિંદિયા ચમકેગી (દો રાસ્તે), હમ તુમ એક કમરે મેં (બોબી), હાય હાય યે મજબૂરી (રોટી કપડા ઔર મકાન), હોની કો અનહોની કર દે (અમર અકબર એન્થોની), તેરે મેરે બીચ મેં (એક દુજે કે લીયે), સત્યમ શિવમ સુન્દરમ (શીર્ષક ગીત), પરબત કે ઇસ પાર (સરગમ), મેરી ઉમર કે નૌજવાનો (કર્ઝ), એક દો તીન (તેઝાબ) ચોલી કે પીછે ક્યા હૈ (ખલનાયક) તેમના વર્ષોવર્ષ સતત ગુંજતા રહેલાં.
‘મે માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી સાભાર – શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
प्रतिमेत याचा समावेश असू श्‍ाकतो: २ लोक, जवळून

Leave a comment

Filed under Uncategorized