Daily Archives: ડિસેમ્બર 27, 2020

મહાન સંગીતકાર રોશન

Image may contain: 1 personમહાન સંગીતકાર રોશન
મહાન સંગીતકાર રોશન હોત તો તેમનો ૧૦૩મો જન્મ દિવસ ઉજવાત. ૧૪ જુલાઈ, ૧૯૧૭ના રોજ પંજાબના ગુજરાનવાલા મુકામે તેમનો જન્મ. તેમનું મુળ નામ રોશનલાલ નાગરથ. પણ તેઓ તેમના પહેલાં નામ ‘રોશન’થી જ જાણીતા થયા. તેઓ અભિનેતા-દિગ્દર્શક રાકેશ રોશન અને સંગીતકાર રાજેશ રોશનના પિતા અને જાણીતા ફિલ્મ સ્ટાર ઋતિક રોશનના દાદા થાય. ફિલ્મ ‘તાજ મહાલ’ના યાદગાર સંગીત માટે રોશનને ફિલ્મફેરનો શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ મળ્યો હતો.
હાલ પાકિસ્તાનમાં છે એવાં ગુજરાનવાલામાં રોશનનો જન્મ. નાની ઉમરે તેમણે સંગીત શીખવું શરૂ કર્યું અને પછી તેઓ લખનૌની આજની જાણીતી ભાતખંડે મ્યુઝિક ઇન્સ્ટિટયૂટ અને ત્યારની મોરીસ કોલેજ તરીકે ઓળખાતી વિખ્યાત સંસ્થામાં સંગીત ભણ્યા. ત્યારના આચાર્ય પંડિત એસ. એન. રતનજાનકરના તેઓ માનીતા વિદ્યાર્થી હતા. ચાલીસના દાયકાના આરંભમાં ઓલ ઇન્ડિયા રેડીઓ, દિલ્હીના મ્યુઝિક પ્રોડ્યુસર ખ્વાજા ખુરશીદ અનવરે રોશનને એસરાજ નામનું વાજિંત્ર વગાડવા માટે નોકરી આપી હતી.
રોશનલાલ ૧૯૪૮માં મુંબઈ આવ્યા અને સંગીતકાર બનવા માટે કામ શોધ્યું. તેઓ આકાશવાણીવાલા એજ સંગીતકાર ખ્વાજા ખુરશીદ અનવરના ફિલ્મ ‘શિંગાર’ના સહાયક સંગીતકાર બન્યા. સંઘર્ષના દિવસો હતાં, ત્યારે કેદાર શર્માજીએ રોશનને તેમની ફિલ્મ ‘નેકી ઔર બદી’ (૧૯૪૯) માટે સંગીતકાર બનવાનું કામ આપ્યું. એ ફિલ્મ તો નિષ્ફળ ગઈ પણ એ સંબંધે તેમને બીજા વર્ષે ફિલ્મ ‘બાવરે નૈન’ આવી અને રોશનલાલે સફળતા જોઈ.
પચાસના દાયકામાં સંગીતકાર રોશને મોહંમદ રફી, મુકેશ અને તલત મેહમૂદ સાથે કામ કર્યું. ‘મલ્હાર’, ‘શીશમ’ અને ‘અનહોની’ જેવી એ ફિલ્મો હતી. ત્યારે એમણે લતા મંગેશકરે ગયેલી ‘નૌબહાર’ની ‘એરી મૈ તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાને કોઈ’ જેવી ધૂન બનાવી હતી. રોશન હંમેશા વ્યવસાયિક રીતે સફળ નહોતા બન્યા. એમણે ‘ઇન્દીવર’ અને ‘આનંદ બક્ષી’ જેવા ગીતકારોને પહેલી તક આપી હતી. આ બે એવાં ગીતકારો હતાં જેમને ફિલ્મી દુનિયા હંમેશા શોધતી રહી. નિસાર બઝમીની ‘ભલા આદમી’ (૧૯૫૬)માં આનંદ બક્ષીએ ચાર ગીતો લખ્યાં હતાં. જયારે રોશને ‘સીઆઈડી ગર્લ’માં બક્ષીના ગીતો લીધાં. જોકે ‘ભલા આદમી’ પછી ૧૯૫૮માં રજુ થઇ. આનંદ બક્ષી અને રોશને ‘દેવર’માં યાદગાર ગીતો આપ્યાં હતાં. સાંઠનો દાયકો રોશન અને તેમના સંગીત માટે સુવર્ણ દાયકો નીવડ્યો. લોક સંગીતને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને મેળવીને બનેલા તેમના ગીતોએ ધૂમ મચાવી. ‘ન તો કારવાં કી તલાશ હૈ’ કે ‘ઝીંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત’ જેવા ગીતો તેમણે ‘બરસાત કી રાત’માં આપ્યાં. તો ‘અબ ક્યા મિસાલ દુ મૈ તુમ્હારે શબાબ કા’ (આરતી) કે ‘જો વાદા કિયા વો’ (તાજમહાલ) કે ‘નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ’ અને ‘લાગા ચુનરી મેં દાગ’ (દિલ હી તો હૈ)માં કે ‘સંસાર સે ભાગે ફિરતે હો’ (ચિત્રલેખા) કે ‘ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં’ (અનોખી રાત) જેવી યાદગાર રચનાઓ રોશન સાહેબે આપી હતી.
રોશને ‘મમતા’ માટે મજરૂહના ગીતો પર લતાજી ને કંઠે ‘રેહતે થે કભી જિનકે દિલ મેં’ કે ‘રહે ન રહે હમ’ કે ‘છુપા લો યું દિલ મેં પ્યાર’ હેમંત કુમાર –લતા જેવાં યાદગાર ગીતો આપ્યાં. ‘દેવર’ના યાદગાર ગીતો કહેતાં હતાં, ‘આયા હૈ મુઝે ફિર યાદ વો જાલિમ’, કે ‘બહારોં ને મેરા ચમન લૂંટ કર’ કે ‘દુનિયા મૈ ઐસા કહાં સબકા નસીબ હૈ’ જેવાં ગીતો રોશનની કમાલ હતી.
રોશન કવ્વાલીના નિષ્ણાંત ગણાયા. ‘નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ’ કે ‘ન ખંજર ઉઠેગા ના તલવાર તુમસે, યે બાઝૂ મેરે આઝમાયે હુએ હૈ’ જેવી રચનાઓ તેમણે આપી હતી.
જીવનના છેલ્લા વીસ વર્ષો સુધી સંગીતકાર રોશન હૃદય રોગથી સખત પીડાયા હતા. અતે ૧૬ નવેમ્બર, ૧૯૬૭ના રોજ માત્ર ૫૦ વર્ષની ઉમરે રોશન હૃદય રોગના હુમલા સામે હારી ગયા. તેમની પાછળ પત્ની, બે દીકરા અને બે દીકરીઓ મુકીને ચાલી નીકળ્યા. આ તો તેમનું પરિવાર, બાકી તેમના ચાહકોના વિશાળ પરિવારને તેઓ વિલાપ કરતાં મૂકી ગયા.
સંગીતકાર રોશનના જાણીતા ગીતો: બડે અરમાન સે રખા થા બલમ – મલ્હાર, ખયાલો મેં કિસી કે – બાવરે નૈન, જો વાદા કિયા વો નિભાના પડેગા – તાજમહાલ, રહે ન રહે હમ, છુપા લો યું દિલ મે – મમતા, આયા હૈ મુઝે ફિર યાદ વો જાલિમ, બહારોં ને મેરા ચમન લૂંટ કર, દુનિયા મે ઐસા કહાં સબ કા નસીબ હૈ – દેવર, ના તો કારવાં કી તલાશ હૈ, ઝીંદગીભર નહીં ભૂલેગી – બરસાત કી રાત, લાગ ચુનરી મેં દાગ – દિલ હિ તો હૈ, કભી તો મિલેગી કહીં તો મિલેગી – આરતી, દિલ જો ન કેહ સકા – ભીગી રાત, હમ ઇન્તઝાર કરેંગે – બહુ બેગમ, ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં – અનોખી રાત.
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી. આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person

Leave a comment

Filed under પ્રકીર્ણ