Daily Archives: ડિસેમ્બર 29, 2020

સંગીતકાર – પ્યારેલાલ

સૌથી સફળ સંગીતકાર – પ્યારેલાલ

સૌથી વધુ હિન્દી ફિલ્મોમાં સંગીત આપનાર બેલડી લક્ષ્મીકાંત પ્યારેલાલ માંના પ્યારેલાલજી આજે ૮૦ વર્ષના થયા. ૩ સપ્ટેમ્બર, ૧૯૪૦ના રોજ મુંબઈમાં જન્મેલા આ સંગીતકારે ૧૯૬૩થી ૧૯૯૮માં સાથી લક્ષ્મીકાંતજીની કાયમી વિદાય સુધી ૭૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. રાજ કપૂર, દેવ આનંદ, બી. આર. ચોપ્રા, શક્તિ સામંત, મનમોહન દેસાઈ, યશ ચોપ્રા, બોની કપૂર, રાજ ખોસલા, સુભાષ ઘાઈ, એલ. વી. પ્રસાદ કે મનોજ કુમાર સહિતના તમામ મહાન ફિલ્મકારો સાથે તેમણે સફળ સંગીત નિયોજન કર્યું છે.
પ્યારેલાલ જાણીતા ટ્રમ્પેટ પ્લેયર પંડિત રામપ્રસાદ શર્મા (બાબાજી) ના દીકરા છે, જેમની પાસે દીકરાને પ્રાથમિક તાલીમ મળી છે. પ્યારેલાલ ૮ વર્ષની ઉમરથી રોજ દસેક કલાક વાયોલીન વાદન કરતા. તેમના વાયોલીન શિક્ષક એન્થોની ગોન્સાલ્વિસની સ્મૃતિમાં જ ‘માય નેમ ઇસ એન્થોની’ ગીત બનાવ્યું હતું. બાર વર્ષની ઉમરથી તો આર્થિક તંગીને કારણે પ્યારેલાલે રણજીત સ્ટુડીઓ જેવાં સ્ટુડીઓઝમાં વાયોલીન વાદન શરૂ કરવું પડ્યું હતું. પ્યારેલાલના સગા ભાઈ ગોરખ શર્માએ લક્ષ્મી-પ્યારેના અનેક ગીતોમાં ગિટાર વાદન કર્યું છે.
તેમના સાથી લક્ષ્મીકાંતે માત્ર ૧૦ વર્ષની ઉમરે લતાજીના રેડીઓ ક્લબના કાર્યક્રમમા મેન્ડોલીન વગાડ્યું હતું. લતાજીએ તેમને શાબાશી આપી હતી. મંગેશકર પરિવાર દ્વારા બાળકો માટે ચાલતી ‘સૂરીલ કલા કેન્દ્ર’ મ્યુઝિક એકેડમીમાં લક્ષ્મીકાન્ત અને પ્યારેલાલ બાળપણમાં શીખતાં હતાં. તેઓની આર્થીક સ્થિતિ વિશે જાણ્યા બાદ ખુદ લતાજીએ આ બંને કલાકારો માટે નૌશાદ, સચિનદેવ બર્મન અને સી. રામચંદ્રને સિફારીશ કરી હતી.
સરખી આર્થિક સ્થિતિ અને હમઉમ્ર હોવાને કારણે આ બંને બહુ સારા મિત્રો બની રહ્યાં હતાં. તેઓ એક-બીજાને સંગીતનું કામ અપાવતા અને તક મળે ત્યારે સાથે પણ વગાડતાં. બાળપણના આ સંગીત ગોઠીયા કલાકો સ્ટુડીઓ રેકોર્ડિંગમાં સાથે ગાળતા હતાં. તેમના ત્યારના સાથીઓમાં શિવકુમાર (સંતુર) અને હરિપ્રસાદ (બાંસુરી) પણ હતાં.
હાલની એક મુલાકાતમાં પ્યારેલાલે અન્નુ કપૂરને જણાવ્યું હતું કે તેઓ વેસ્ટર્ન સ્ટાઈલનું ખૂબ સારું વાયોલીન વાદન પહેલેથી કરતા હતા. એક સમયે તેઓ વિયેનાની સિમ્ફની ઓરકેસ્ટ્રાના વાયોલીન વાદક રૂપે જોડાવાના પણ હતા, ત્યારે લક્ષ્મીકાંતે તેમને તેવું ન કરીને પોતાની સાથે રોકી રાખ્યા બાદ તેમની ગઝબની સંગીત યાત્રા શરુ થઇ હતી. તેમને મળતાં મહેનતાણાથી તેઓને સંતોષ નહોતો થતો. એક વાર તો તેમણે મુંબઈ છોડીને ચેન્નાઈમાં સંગીત વાદન પણ કરી જોયું, છતાં ત્યાં પણ એવી જ હાલત હોવાથી તેઓ મુંબઈ પરત થયાં. પ્યારેલાલ બોમ્બે ચેમ્બર ઓરકેસ્ટ્રા અને પારનજ્યોતિ એકેડમીમાં જઈને પોતાનું વાયોલીન વાદન સુધારતા. ત્યાના તેમના સાથીઓમાં ગુડી સિરવાઈ, કુમી વાડિયા, મેહલી મહેતા અને તેમના તેજસ્વી દીકરા ઝુબીન મહેતા હતાં.
ત્યારના ઓ. પી. નૈય્યર અને શંકર જયકિશન સિવાયના લગભગ તમામ મોટા સંગીતકારોના વાદ્યવૃંદમાં આ બંને સંગીતકારોએ વગાડ્યું છે. લક્ષ્મીકાંતે તો પચાસના દાયકામાં શંકર જયકિશનના ગીતોમાં મેન્ડોલીન વાદન કર્યું છે. ૧૯૫૩માં તેઓ કલ્યાણજી-આનંદજીના સહાયક સંગીતકાર રૂપે દસ વર્ષ સુધી કાર્યરત રહ્યાં. સચિનદેવની ‘ઝીદ્દી’ અને રાહુલદેવની પહેલી ફિલ્મ ‘છોટે નવાબ’માં તેમણે મ્યુઝિક એરેન્જ કર્યું હતું. રાહુલદેવ તેમના મિત્ર રહ્યા. ‘દોસ્તી’ના બે ગીતોમાં રાહુલદેવે માઉથઓર્ગન વગાડ્યું છે. રાહુલદેવના સંગીતવાળી ફિલ્મ ‘તેરી કસમ’ (૧૯૮૨)માં ‘દિલ કી બાત’ ગીતમાં લક્ષ્મીકાંત પડદા પર સંગીતકાર રૂપે દેખાયા પણ હતા. લક્ષ્મીકાન્ત પર શંકર જયકિશનની ખુબ અસર હતી. લક્ષ્મી-પ્યારે (એલ.પી.)ની શરૂઆતની ફિલ્મોમાં એસ.જે. જેવું જ સંગીત રહેતું. એકવાર તો શંકરે પોતાનું સંગીત લક્ષ્મી-પ્યારે જેવું ન લાગે માટે પોતાનું ઓરકેસ્ટ્રા વર્ક બદલ્યું હોવાનું પણ કહેવાય છે.
એલ.પી. ને મળેલી પહેલી ફિલ્મ બની જ નહીં. જોકે તેમની રજુ થયેલી પહેલી જ ફિલ્મ બાબુભાઈ મિસ્ત્રીની ‘પારસમણી’થી તેઓ હીટ બન્યાં. લતાજી અને રફી સાહેબે તેમના ઓછા બજેટ છતાં એલ.પી.ને સાથ આપ્યો. લક્ષ્મી-પ્યારેએ હંમેશા ‘એ’ ગ્રેડના ગાયકો સાથે જ કામ કર્યું. લતા, આશા અને રફીએ તેમના સંગીતમાં સૌથી વધુ ગાયું છે. કિશોર કુમારે પણ તેમને ખુબ સહકાર આપ્યો. તેમના સંગીતમાં કિશોરદાએ ૪૦૨ અને રફીએ ૩૮૮ ગીતો ગાયા છે. તેમની શરૂઆતની ફિલ્મોમાં ‘દોસ્તી’ (૧૯૬૪)માં અજાણ્યા સુધીર-સુશીલ જેવા કલાકારો હતાં છતાં એલ.પી.ના સંગીતને કારણે ફિલ્મ હીટ થઇ હતી. તે વર્ષે શંકર જયકિશનની ‘સંગમ’ અને મદન મોહનની ‘વોહ કૌન થી?’ સામે એલ.પી.ને શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
લક્ષ્મી-પ્યારેના સંગીતમાં ભારતીય અને પાશ્ચાત્ય સંગીતનો સુમેળ રહેતો. પણ તેમના લોકગીતો અને ઉપશાસ્ત્રીય ગીતો ખુબ લોકપ્રિય રહ્યાં. ‘શાગીર્દ’ અને ‘કર્ઝ’ માં તેમણે રોક-એન-રોલ અને ડિસ્કો સંગીત પણ આપ્યું.
આ સંગીતકારોનો મહત્વનો સુમેળ ગીતકાર આનંદ બક્ષી સાથે રહ્યો. હિન્દી ફિલ્મ ઇતિહાસના ઘણાં લોકપ્રિય ગીતો આ સુમેળ દ્વારા બન્યાં. આ ગીતકાર-સંગીતકારની ટીમે અઢીસોથી વધુ ફિલ્મોના ગીતોના સર્જન કર્યા છે. સૌથી વધુ ફિલ્મોમાં સંગીત આપનારા લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતવાળી ફિલ્મોમાંથી સૌથી વધુ ફિલ્મોના ગીતો આનંદ બક્ષીએ લખ્યાં છે. એલ.પી.ના ‘દોસ્તી’ પછીના તમામ એવોર્ડ વિજેતા ગીતોના ગીતકાર આનંદ બક્ષી જ છે. તો સુપર સ્ટાર રાજેશ ખન્નાના અભિનયવાળી ૨૬ ફિલ્મોના સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ રહ્યાં છે.
આ મહાન સંગીતકારોની કેટકેટલી ફિલ્મો યાદ કરીએ? દોસ્તી, જીને કી રાહ, મિલન, દો રાસ્તે, બોબી, રોટી કપડા ઔર મકાન, અમર અકબર એન્થોની, એક દુજે કે લીયે, સત્યમ શિવમ સુન્દરમ, સરગમ, કર્ઝ, નામ, નગીના, તેઝાબ, રામ લખન, સૌદાગર, ખલનાયક એમની કેટલીક બ્લોક બસ્ટર સફળતા હતી.
પ્યારેલાલના સંગીતના ટોપ ટેન ગીતો: ચાહુંગા મૈ તુઝે (દોસ્તી), બડી મસ્તાની હૈ (જીને કી રાહ), સાવન કા મહિના (મિલન), બિંદિયા ચમકેગી (દો રાસ્તે), હમ તુમ એક કમરે મેં (બોબી), હાય હાય યે મજબૂરી (રોટી કપડા ઔર મકાન), હોની કો અનહોની કર દે (અમર અકબર એન્થોની), તેરે મેરે બીચ મેં (એક દુજે કે લીયે), સત્યમ શિવમ સુન્દરમ (શીર્ષક ગીત), પરબત કે ઇસ પાર (સરગમ), મેરી ઉમર કે નૌજવાનો (કર્ઝ), એક દો તીન (તેઝાબ) કે ચોલી કે પીછે ક્યા હૈ (ખલનાયક) તેમના વર્ષોમાં સતત ગુંજતા રહેલાં.
‘સપ્ટેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકના અંશ – આભાર: શુભમ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized