Daily Archives: ડિસેમ્બર 31, 2020

સ્વ-નિર્ણિત માર્ગે પ્રયાણ કરવાં ઉદ્યુક્ત…

  શંકાદૃષ્ટિ  –  શંકામુક્તિ

અન્ય પર શંકા તે સેવે છે જે પોતાની જાત પર શંકાશીલ છે, જેનું આત્મવિશ્વાસનું ભાથું ખૂટ્યું છે.

જો તું શાણો અને વિચારુ હોય, તો અન્ય પરત્વે શંકાશિલ બનતા પહેલાં વિચાર કે ‘તું પોતે ક્યાં છે?’ વિચાર, કે શંકા એ તારી જનેતા તો નથી બની બેઠી ને! આત્મશ્રદ્ધાનું તારું બળ ઓસરી તો નથી રહ્યું ને! સાચે જ જો એમ હશે તો તારું ભાવિ અંધકારમય છે, કારણ દરેક જનેતા પોતાના ફરજંદને પોતાના જેવો જ થવાની આકાંક્ષા ઈચ્છા-અનિચ્છાએ સેવ્યા કરતી હોય છે, અને આવી જનેતાઓનો પુરુષાર્થ પણ પોતાની મનમોજી ઉરાકાંક્ષાની પૂર્તિ અર્થે જ હોય છે.

જો તારે ઊંચે ઊઠવું હોય, તારી જાતને, તારાં ‘સ્વ’ને, ન્યાય આપવો હોય, તો સર્વ શંકાથી પર થઈ તારા અંતરનાં પડળ ધોવાની શરૂઆત કરી દે; કારણ કે જો એમ ન બનશે તો એ શંકા ખુદ તારી જનેતા બની બેસશે. ના, શંકાને તારી જનેતા બનાવીશ મા. વિચાર, અને અંદર ઊતર. જો, કે તું ક્યાં છે? જો તું જ્યાં છે તેનાથી તને સંતોષ હોય તો તો પ્રશ્ન જ નથી. પણ યાદ રાખ, સંતોષ પ્રગતિનો બાધક છે; પ્રગતિને થંભાવી દે છે. પ્રગતિનું પ્રથમ સોપાન છે અસંતોષ. અને જો તને અસંતોષ હોય, તું જ્યાં છે ત્યાંથી આગળ વધવાની તમન્ના હોય, તો બેસી રહેવાથી ચાલે એમ નથી. તું ઊઠ અને પુરુષાર્થી બન; અધ્યાત્મ-ગામી  બન.

સાચો પુરુષાર્થ છે અધ્યાત્મમાર્ગે પ્રયાણ, અધ્યાત્મ પ્રતિનું ઉડાન, માર્ગે આવતા અંતરાયોને નગણ્ય કરી, જે ધ્યેયને વર્યાં છીએ તે ‘ધ્યેય’ પ્રતિનું અણનમ ઉડાન. જો સાચી દૃષ્ટિ હશે, દિલની તમન્ના હશે, યોગ્ય દિશાનો પુરુષાર્થ હશે, તો નિર્બળતા પોબારા ભણશે, માર્ગ ખૂલતો જશે, અને નિયતિ સાથ આપશે. રખે ભૂલતોઃ શક્તિ આપનાર સદાય હાજર જ છે. તું ક્યારે આવે તેની કાગડોળે રાહ જોતો ઊભો છે તારો એ સાચો પ્રિયતમ. એ તો હાજર જ છે તને આવકારી આલિંગવા. પણ એ ત્યારે જ બને જ્યારે તને તું જ્યાં છે ત્યાંથી આગળ વધવાની સાચા દિલની તમન્ના હોય. જેણે પંખીને ઊડવા પાંખો આપી,  જન્મતાની સાથે જીવન નિભાવવા માતૃ-સ્તનમાં દૂધ મૂક્યું, જેણે માનવને ઉપર ઊઠવા હાથ-પગ અને મન-બુદ્ધિ આપ્યાં, તે એને એકલો અને અટૂલો મૂકી દે એવી કોઈ સંભાવના નથી. સાચી દૃષ્ટિ, અંતરની ઈચ્છા અને એને પહોંચી  વળવાની તમન્ના હશે, તો મંઝીલ ગમે તેટલી દૂર કાં ન હોય, આજે નહીં તો કાલે, આ જન્મે નહીં તો બીજા જન્મમાં ત્યાં પહોંચાશે જ. કરેલું કોઈ કાર્ય મિથ્યા જતું નથી. પૂર્ણ શ્રદ્ધાથી તારું ઉડાન લે અને જો, કે તું એકલો ક્યારેય ન હતો, હશે પણ નહીં.

વિચાર કે તારે જવું છે ક્યાં? પ્રથમ તારું ધ્યેય નક્કી કર. પૈસા કમાવવા છે? તો તે અને તે જ દિશામાં આગળ વધ. પૈસો મળશે જ. પણ યાદ રાખ કે પૈસો આજ છે અને કાલે નથી. જો કાલે હશે તો પણ અંતે તો છોડવાનો જ છે. જવાનું તો એકલા જ છે. બધું જ, હા, આજનું આ ક્ષણભંગુર જીવન પણ, જવાનું છે. અને આ સુખ-દુઃખના ફેરા? આપણું જે ચરમ લક્ષ્ય છે તેને ન પામીએ ત્યાં  સુધી એ પણ ચાલ્યા જ કરવાના છે.  તો પછી જેને પામવાનું છે, જે પામ્યા વિના છૂટકો જ નથી, જે સર્વતઃ અંતિમ છે, જે આ જિંદગીનું ચરમ લક્ષ્ય છે, તેને જ આપણું અંતિમ ધ્યેય કાં ન બનાવીએ? એ પુણ્ય માર્ગે જ પ્રસ્થાન શા માટે ન કરીએ? તો એ રાહ કયો અને કેવો? એ રાહ  છે અધ્યાત્મનો, ઈશ્વરના દ્વાર પર પહોંચવાનો. જાણીતી ઉક્તિ છેઃ “શ્રી હરિનાં દ્વારમાં ઘડી વાર નર ઊભો રહે,ચાર વેદ તેણે ગ્રહ્યા; ભક્ત જ્ઞાનેશ્વર કહે.” તો એ પ્રતિ પ્રયાણ કરીએ. એ ન થશે ત્યાં સુધી આ જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ નથી. બહુ વિચાર્યું, ખૂબ મથ્યાં, થાકીને વાજ આવી ગયાં. હવે શું કરવાનું? … છોડ બધું. બહુ થયું. માર્ગ એક જ છે, સીધો અને સોંસરો; સાંકડો પણ ટૂંકો.

કેમ? શાની વિમાસણમાં પડ્યો? તને શંકા પડે છે? અરે છોડ એ શંકા. એક વાર તારી જાત, તારું ‘સ્વ’, એને સોંપીને જો તો ખરો! જો, કે શું થાય છે. ધરી દે તારી જાત ‘એને’, તારા રામને, તારા મનમોહનને, પછી ‘એ’ છે અને ‘એની’ ચાલ છે. તારે તો માત્ર સાક્ષી જ બની રહેવાનું છે ને! જો વિશ્વાસ હશે, સાચી  શ્રદ્ધા હશે, તો એ ક્યારે ય તને છેહ દેય એવી કોઈ સંભાવના નથી. ખોબો તારે ધરવાનો છે, ભાથું એનું. પચાવવાનું તારે. ભાથું જો ‘એ’ ન આપે તો ‘એ’ ‘એ’ નહીં. એકવાર પ્રયત્ન કરીને પારખું કરી જો – ‘તારું’ અને ‘તેનું’ – તમારા બન્નેનું .એક વાર અધ્યાત્મમાં પ્રવેશ તો કર. તે વિના પારખું પણ ક્યાં થવાનું છે? કર પ્રવેશ અને જો કે અધ્યાત્મનું તેજ કેવું અને શું છે. તને એ કેટલું આપે છે. બધું છોડી એ પ્રકાશ પ્રતિ પ્રયાણ કર. કહ્યું છેઃ “અધ્યાત્મ તે છે જે  પુરુષાર્થથી પ્રેરાઈ, અધિકારથી  ઊઠી, પ્રકાશ  પ્રતિ ગમન કરવા પ્રેરે.”

સાચા-ખોટાનો, સારા-નરસાનો ભેદ સમજી, “સાચું માટે સારું” એ      .      સ્વીકારી , એ સ્વીકૃત દિશા પ્રતિનું પ્રયાણ તે પુરુષાર્થ .

             તું ઊઠ અને પુરુષાર્થી  બન.

પહેલાં અંતર-અંધકારને હઠાવ;

પછી બધે પ્રકાશ જ પ્રકાશ છે.

પ્રકાશ તે પામે છે, જે અંધકાર સામે  ઝઝૂમે  છે.

ચાલો, એ આંતર-અંધકાર સામે ઝઝૂમી એ દિવ્ય પ્રકાશ પ્રતિ પ્રયાણ કરીશું?

તૃપ્તિ અને  તલસાટ

કોઈ પણ માનવના જીવનમાં છેવટે કોઈ પણ વસ્તુની જરૂરત હોય, કોઈ પણ વસ્તુની એને અધૂરપ લાગ્યા કરતી હોય, તો તે છે ભાવ ઝરતાં અને ઝીલતાં કોક ઊર્મિઘેલાં હૈયાની – કોક એવાં હૈયાની જેમાં એ પોતાની જાતને નિઃશંક અને નિર્ભિક પણે ડબોળી દઈ શકે. જેનાં જીવનમાં આ છે તેણે  જીવનપીયૂષને પીછાણ્યું છે. જેના જીવનમાં આ નથી એવો કોક અભાગો જો કાળે-બળે કરી જીવનસાગરનો પંથી બની એ જીવનને જાણવાની ખેવના ધરી વિચરતો હોય, તો એના ઉત્તપ્ત હૈયાના તલસાટ અને તરવરાટને બળે આગળ વધતા એ રાહીએ જીવનને જીરવીને એના અમીને ઘોળી ઘોળીને પીધું છે, એના પાનની ઘેલી તૃષાના તરવરાટથી જીવનને ધબકતું રાખ્યું છે.

જો પહેલાના જીવનમાં અસીમ સંતોષ છે, તો બીજાના જીવનમાં એ સંતોષ-શોધનમાં રેડેલ નિઃસીમ પુરુષાર્થ છે. જો પહેલાએ જીવન-સાફલ્યનો સાક્ષાત્કાર કર્યો છે, તો બીજાએ એ સાફ્લ્ય-પીપાસામાં પોતાની જાતને હોમી એ જલનમાં જ જીવન જોયું છે. પહેલાને માટે અનુભવતૃપ્તિ જો જીવન બની ગયું છે, તો બીજાને માટે એનો તૃપ્તિતલસાટ જીવનને ધબક્તું રાખી રહ્યો  છે. ઉભયે પોતપોતાને ક્ષેત્રે વિવિધ માર્ગે જીવન જોયું છે. ફરક જો કોઈ હોય તો તે માત્ર આ છેઃ પહેલાએ જીવન માણ્યું છે, બીજાએ તે જાણ્યું છે. માણ્યાનું વિસ્મરણ અને જાણ્યાનો અસંતોષ જે માણી શકે છે, તેને માટે આ જીવન ધન્ય છે. આ ધન્યતા-ઝંખના આપણી સદૈવ  હજો. એથી વિશેષ હું શું પ્રાર્થું?

હું તો જીવનને સદા આ રીતે જ માપતો આવ્યો છું.  એમાં હું કેટલો સાચો-ખોટો છું તેનું પારખું કરવાનું હજી બન્યું નથી; પરંતુ આ સત્યો મારા સ્વાનુભવની તારવણી છે, મારી પૂંજી છે, મારી તસવીર છે. મારા કરતાં અન્યના અનુભવો વિભિન્ન હોઈ શકે છે, અને આથી મારે માટે જે સત્ય, તે અન્યને માટે એટલું પ્રબળ સત્ય ન પણ નીવડે. છતાં માનવ માત્રની ઊર્મિમાં, તેના આંતર-સંવેદનોમાં મૂળભૂત તત્વ તો સમાન ભાવે જ પડ્યું છે. તેમાં જે પ્રમાણભેદ દેખાય છે, તે તો જીવાત્માને કારણે હોઈ વ્યક્તિલક્ષી છે. એ આધારે મેં જે કાંઈ જોયું, જાણ્યું કે માણ્યું છે  તે મારા જ સંજોગોમાં રહેલ હરકોઈ આત્મા – જો એ આત્મા જાત અને જગત પ્રત્યે સજાગ હોય તો – વધતે ઓછે અંશે અનુભવી શકે છે.

કોક દિ

કેટલાંક હૈયાની ભાવભીનાશ જ એવી છોય છે કે જે કોઇ પણ હૈયાને આમોદિત કરવા પૂરતી થઈ પડે છે. એવાં હૈયાં સ્વયં દુઃખી થઇને પણ જેને તેમણે પોતાનું માન્યું છે તેને સુખી કરવાનું સામર્થ્ય ધરાવે છે. આવી કોક લતા જે વૃક્ષને આલિંગતી ઉપર ઊઠે છે તે લતા, અને એની શૃંગાર-રસિકતાથી આમોદી શીળી  છાંવ પીરસતા વૃક્ષ – ઉભયને ધન્યછે. એના ભાવ-સુમનની તો વાત જ શી કરવી?

ચાલોવિચારીએ

“સત્ય જ જ્ઞાન છે; સત્ય જ પરમ સુખ છે; સત્ય જ પરમેશ્વર છે,” એમ કહેવા માત્રથી નથી બોલનારને, કે નથી એ સાંભળનારને સત્યનું જ્ઞાન થવાનું, અને નથી એમને પરમસુખ કે પરમેશ્વરનો   .           કોઈ યુક્ત અણસાર  આવવાનો.

બોલવું કે ઉપદેશક વલણ સેવવું એ એક વસ્તુ છે. તેનો ભાવ દિલમાં ગ્રહી, એ ભાવથી અંતરને ભીંજી, તેનું પ્રામાણિક પણે પાલન પૂજન કરવું એ બીજી જ વસ્તુ છે. ‘સત્ય’ની અંદર રહેલ સત્વનો જેને આછો પણ ખયાલ આવ્યો છે તે સત્યવ્રતધારી બનવા અથાગ પ્રયત્ન કરવાનો જ. અને આવો એ સત્ય પંથનો પથિક, સત્યનું ઊંડી સમજ સાથે પાલન કરનાર કોઈ પણ આત્મા, એની ખોજમાં ઊતરી, પોતાના ‘સ્વ’માં ડૂબી, કાળે કરી મૌની જ બની જવાનો.

ના, સત્યની બાંગ પુકાર્યા કરવાથી કશું જ સિદ્ધ થવાનું નથી. જે સત્ય સમજાયા છતાં અમલી બન્યું નથી તે સત્ય વાસ્તવમાં સમજાયું જ નથી. અને કોઈ પણ વસ્તુની સાચી સમજ અનુભૂતિ વિના આવવી શક્ય નથી. જીવન જે ક્ષણે સ્વાનુભૂતિથી સમૃદ્ધ બન્યું હશે તે જ ક્ષણે,  જે તે માનવના અંતઃસ્તર પરના સદી પુરાણા ઘાડાં અંધારપડળ ઓસરી જઈ, કોઈ પ્રખર તેજ-દીપ્તિથી દેદિપ્યમાન થઈ, આત્મ-જાગૃતિથી ઉત્થિત એ જીવને કોક અનુપમ તેજધારાથી પ્રજ્વલિત કરી, એને નવસ્ફુરણાથી ભરી  દેશે. આમ થશે ત્યારે અંતરમાં છુપાએલ ‘સત્ય’ સ્વયં ચેતના બની પ્રજ્વળી ઊઠી એના ‘સ્વ’ને અને એના સંપર્કમાં આવતા હરકોઇને એની તેજદીપ્તિથી આંજશે. અને ત્યારે જ “सत्यम्    परम्  धीमहि” એનો જીવનમંત્ર બનશે. આ જ્યાં સુધી નથી બન્યું ત્યાં સુધી સત્યના બાહ્ય સંભાષણોનું પોથીપાંડિત્ય આપણા અંતઃસ્તરના એ અંધારપટને વિદારવાને બદલે એને વધુ અને વધુ ઘાટું બનાવતું જશે. આથી જ તો જેમને સત્યની પ્રતીતિ થઈ નથી, સત્યનો જેને આંતર-અણસાર થયો નથી, સત્યતત્વ પ્રતિ જેણે   આંતર જાગૃતિનો ઝંકાર અનુભવ્યો નથી, એવા આત્માએ પરોપદેશની મોહજાળથી મુક્ત થઈ શાંત બેસવું, એ એના પોતાના જ હિતમાં છે. જેમ સદીઓથી અભરાઈ પર ધૂળ ખાતો જ્ઞાનગ્રંથ પોતાનામાં ગમે તેટલું સત્ય ઠાંસી ઠાંસીને ભર્યું હોવા છતાં એ સત્યથી સદાય વંચિત છે, તે જ પ્રમાણે  જેને સત્ય તત્વની પ્રતીતિ થઈ નથી તેવો હરકોઇ માનવી સત્ય પોતાનામાં ભારોભાર ભર્યું હોવા છતાં કોરો ને કોરો જ છે.

સત્યને સમજવા માટે સત્યમાં સ્થિર થવાની આવશ્યકતા છે. આ ત્યારે જ બને જ્યારે માનવ પોતે ‘સત્ય’માં સદાય સ્થિત છે એ સત્યનો સ્વાનુભવ કરે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ ‘मत्स्थानि सर्व भूतानि’ કહે છે; તેમ આપણે ‘ઈશ્વર મારામાં કે હું ઈશ્વરમાં રહેલ છું’ એમ સમજ પૂર્વક, સાચા દિલથી કહી શકીશું? જો નહીં, તો શા માટે નહિ? કારણ આ સત્યની અનુભૂતિ તો આપણાં મન-બુદ્ધિને ઈશ્વરમાં સ્થિર કરીને જ કરી શકાય. આમ ન બને ત્યાં સુધી આપણે માટે તો ભગવાનનું ‘न च मत्स्थानि भूतानि’  કથન જ સાચું. એ તો સાચું જ છે કે આપણે ઈશ્વરમાં રહેલાં હોવા છતાં નથી રહ્યાં જેવાં જ બની રહીએ છીએ. અને આવાં આપણે સત્યની ગમે તેટલી ડિંગ મારવા  છતાં સામાના અંતરમાં સત્યની એક ઝાંય, એના હૃદય-સાગરમાં સત્યની એક નાનકડી લહરી સુદ્ધાં જગવવા અસમર્થ છીએ. તાત્પર્ય કે ‘સત્ય’નો ઉપદેશ દેવાનો અધિકાર તેને છે જેને સત્યની પ્રતીતિ થઈ ચૂકી છે.

જ્યાં સુધી જ્ઞાન અનુભવસિદ્ધ ન બન્યું હોય, જ્ઞાન પર ચઢેલ અવિદ્યાનાં જડ આવરણો અનુભવને તાપે તપી, ઓગળી, એના પર આંતર સ્વાનુભૂતિનો ઓપ ન ચઢ્યો હોય, ત્યાં સુધી એ જ્ઞાન જડત્વના ભારથી લદાએલું, રજ-તમને પ્રકૃતિઢાંકણે ઢંકાએલું હોઈ, એ સામાનાં અંતઃકરણમાં પોતાનું પ્રતિબિંબ અંકિત ન કરી શકે; ત્યાં સુધી એ જ્ઞાન સામાનાં હૈયામાં કોઈ પ્રકારના સક્રિય, લાગણી પ્રેર્યા ભાવો ન જન્માવી શકે. કારણ, આવું જ્ઞાન કેવળ બુદ્ધિપ્રધાન (purely intellectual) હોઈ સાવ કોરું છે. એમાં જ્ઞાન આપનાર વ્યક્તિનો સ્વાનુભવ-નિચોડ રેડાયો નથી. એ માત્ર ઔપચારિક  અને ઉપદેશાત્મક વલણ હોઈ એમાં આત્મપુરુષાર્થનું સાચું અને સહજ બળ રેડાયું નથી. એ કેવળ શબ્દાડંબર છે. એમાં ‘परोपदेशे पाण्डित्यम्’ નો જીવતો દંભ છે. ક્ષુદ્ર વાણીવિલાસ દ્વારા અપાતું પોકળ પાંડિત્ય સામાનાં અંતઃકરણમાં ભાવના કે પ્રેરણા ક્યારેય જન્માવી શકે નહીં. જો ક્વચિત જન્માવે, તો પણ એ કેવળ ક્ષણભંગુર હશે. વાણીમાં સાચું સામર્થ્ય, સામાના ઉરસાગરને હિલોળે ચઢાવી, એનાં અંતરપટમાં સમાએલ ભાવ-મૌક્તિકને ક્રિયાસ્તર પર લાવી છતું કરવાનું બળ, ત્યારે જ આવે જ્યારે એ વાણી સાચા દિલની ભાવતીવ્રતાથી   રંગાએલ હોય. પરંતુ દિલની આવી ભાવતીવ્રતા માત્ર જડ ગ્રંથ વાંચી, તેને કંટસ્થ કરવાથી આવે ખરી? જ્ઞાનગ્રંથમાં સમાએલ જ્ઞાનનિધિ જ્યાં સુધી એના પર વિવિધ મોહક રંગો રચતી સ્વરલહરીઓની મોહજાળથી મુક્ત બની, એની બહુરંગી બાહ્ય સપાટીની મનચોર ભભકને વીંધતા અનુભવઘટ વડે ઉલેચાયો નથી, ત્યાં સુધી એમાંથી અમૃત- પ્રાપ્તિની કોઈ સંભાવના નથી. જ્યાં સુધી એમાં રહેલ જ્ઞાનવારિનું સ્વાનુભવ-વલોણે મથન થયું નથી, ત્યાં સુધી નથી એ પોતાને, પોથી-પાંડિત્યની બાહ્ય ભભકથી અંજાએલ વાચક-ગણને, એના ઉપદેશકને, કે નથી એ કોઈ અન્યને સાચા અર્થમાં ખપ આવવાનો. આથી જ જ્ઞાનગ્રંથની ઉપરછલ્લી ભભક સામાના અંતરંગને સ્પર્શ્યા વિના, એનાં જીવનતત્વને, એના સંવિતને ખેંચ્યા વિના જ એમ ને  એમ વિરમી જાય છે.

કારણ? કારણ એ જ્ઞાનનો મહાગ્રંથ કોઈ પણ સ્થળે જો હોય, તો તે છે આપણાં હૃદયનાં ઊંડાણમાં. આપણા ઉરસાગરમાં જ્યારે આંતરજુવાળ પ્રકટે, જ્યારે એમાં ખાળ્યો ન ખળાય એવો જાગૃતિઝંકાર જાગે, ત્યારે અને ત્યારે જ એમાંથી પ્રકાશ રૂપી મૌક્તિક બહાર આવવાનું.   દેવ-દાનવોએ કરેલ ‘સમુદ્રમંથન’ તે આપણાં આ જ આંતરવારીનું મથન, જેમાં આપણામાં રહેલ દૈવી ભાવો અને દાનવ રુપી દુર્ભાવોનું એકધારું મથન કરી, એમાંથી અમૃતરુપી મૌક્તિક પીરસતાં દેવવૃક્ષ ‘પારિજાત’ની સંભૂતિનું નિદર્શન કરાયું છે. બહારથી લીધેલ, કે પુસ્તકમાંથી પ્રાપ્ત કરેલ જ્ઞાન એ મોતીપ્રાપ્તિની આશાએ દરિયાનાં ઊંડાણ માપ્યા વિના, કિનારાથી લાધેલ એક ખાલી છીપલા સમાન છે. એમાં નથી મોતીની ચમક, કે નથી એમાં આંતર-ઉત્થાનની મહેક. ના, આંતર-જુવાળ વિના ભાવનું પ્રાકટ્ય આકાશ-કુસુમવત છે. અને આથી જેણે આવો આંતર જુવાળ જાણ્યો છે, માણ્યો છે, તે સ્વયં પ્રેરણામૂર્તિ હોઈ તેને ક્ષુદ્ર વાણિવિલાસની આવશ્યકતા નથી. શુદ્ધ દર્પણ જ પ્રકાશનું શુભ્ર પ્રતિબિંબ ફેંકી શકે. અને શુભ્ર દર્પણ તે જ કે જે હરકોઈ પ્રકારની વક્રતાથી મુક્ત હોય. જ્યાં સુધી આપણું મનદર્પણ આંતર-બાહ્ય શુભ્રતાથી સુસજ્જ ન હોય, ત્યાં સુધી જ એ બાહ્ય ભભકની જાળમાં લપેટાવાનું. પરિશુદ્ધ મનને, શુદ્ધ અંતઃકરણને, બાહ્ય જગત કેટલું ખેંચી શકે? એ તો પોતાની આંતરસૃષ્ટિમાં જ રાચવાનું. એવા મન-અંતઃકરણમાંથી પડતું હરકોઈ પ્રતિબિંબ એની આંતરશુભ્રતા લઈને જ આવવાનું. એ બાહ્ય પ્રકૃતિને, બાહ્ય સૌ કાંઇને, પોતાની નિત નવી ચમકથી સજવાનું. એવું શુભ્ર, શુચિ પ્રતિબિંબ પડતું હોય તો જ તેને ઝીલનારનું અંતઃકરણ, જો એ પોતે એ શુદ્ધિને ઝીલવા સમર્થ હોય તો, એની કોમળ, શીતળ અસરથી શુદ્ધ બનવાનું. શ્યામ, ખરબચડી સપાટી પાસેથી જેમ પ્રકાશ-પરાવર્તનની આશા ન રાખી શકાય, તે જ પ્રમાણે અશુદ્ધ, આડંબરપ્રિય કૂટ મનમાંથી ઉદભવતા વાણી-વ્યભિચારથી જ્ઞાન-પ્રાપ્તિની કે આંતરશુદ્ધિની આશા ન રાખી શકાય.

જે સ્વયં શુદ્ધ નથી તે પરને સુધારવાનો ઝંડો લઈને નીકળી પડે, તો હીન પ્રસંશા અને કીર્તિનો ભૂખ્યો એ આત્મા અન્યને કાંઈ આપવાનું તો ઠીક, પરંતુ ખુદ પોતે જ પાથરેલી પોતાની કીર્તિજાળમાં વિંટાતો જઈ, પોતાનાં કૂડા હૈયાનું સ્વયં પ્રદર્શન કરી, કાળે કરી જનગણ માટે હાંસીનું પાત્ર જ બનવાનો. પછી ભલે એ બાહ્ય પ્રસંશાનો ભોગ બની રહ્યો હોય. જેને કેવળ સામાજિક પ્રસંશાની જ ખેવના છે, અને એ તુચ્છતાને સંતોષવાને અર્થે જ જે પોતાની દિનચર્યા ગોઠવે છે, તે પોતાના બાહ્ય પાંડિત્યની ભ્રમજાળમાં અટવાતો રહી હરિના માર્ગથી લાખો જોજન દૂર છે. “પ્રથમ પરમેશ્વર, પછી સંસાર અને પછી પોતે” એમ મુખેથી બોલવું એ એક વસ્તુ છે; જ્યારે એ પ્રમાણે અંતરને ભાવપ્રેરિત કરી તે ભાવને પોતાના દૈનિક વર્તન અને વાણિમાં પ્રત્યક્ષ કરવો એ બીજી જ વસ્તુ છે.    એ માર્ગ પોતાની ક્ષણિક જિંદગીની પરવા ન કરતા, સાચા માટે પ્રાણ ન્યોચ્છાવર કરવા તૈયાર મરજીવાનો છે. ભક્તકવિ પ્રીતમે સાચું જ કહ્યું છેઃ

“હરિનો મારગ છે  શૂરાનો, નહિ કાયરનું કામ જોને,

પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને…

પ્રેમપંથ પાવકની જ્વાળા ભાળી પાછા ભાગે જોને,

માંહી પડ્યાં તે મહા સુખ માણે, દેખનહારા દાઝે જોને..

સિન્ધુ મધ્યે મોતી લેવા માંહી પડ્યા મરજીવા  જોને,

મરણ આગમે તે ભરે મુઠ્ઠી દિલની દુગ્ધા વામે જોને,

તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે  જોને”.

પ્રશ્ન એ છે કે આપણે જે આવી મોટી મોટી વાતોની  ડિંગ મારી કહેવાતા ‘મોટાઓ’ રૂપી માન અને નામના ખાટવા મથી મહાન ગણાવા દોડાદોડી કરીએ છીએ, ધર્મનો ધ્વજ માથે ચઢાવી, સ્વેચ્છાએ સ્વયં સ્વીકારેલું ગુરુપદ પૂરવાર કરવા હરણફાળ ભરીએ છીએ, એવા આપણામાં ગ્રંથચોરી અને બુદ્ધિવિલાસને બાદ કરી, આ લૂલીમાંથી ઝરતા મહદ વિચારો અને ભાવનાઓ જનતામાં વહેતા મૂકવાની પાત્રતા છે ખરી?

જે સ્તર પર આપણે ઊભા છીએ તેમાં હીન સંતોષ ન માનતાં, એનાથી ઉપર ઊઠ્યા વિના એ યોગ્યતા ન આવે. જેને સાચે જ ઉપર ઊઠવું છે, બાહ્યની ભભકથી જેને સંતોષ નથી, તેને માટે પોતાની જાતને ચકાસી, પોતાની અંદર ઊતરી, આંતરવલોણે ચઢી, સાચા અને શુભ્ર મૌક્તિક મેળવ્યા વિના છૂટકો નથી. આત્મપુરુષાર્થ વિના એને માટે અન્ય કોઈ ચારો નથી.

પરમેશ્વર તરફ વળતા પહેલાં પોતાની જાતને, પોતાના ‘સ્વ’ને, પોતાના ‘અહમ્’ને, આ પ્રશ્ન પૂછી, પ્રામાણિક પણે આત્મપરીક્ષા- (Self – introspection)  કરી જાતને સંભાળી લેવાની પ્રથમ જરૂર છે. જો આપણે આપણા જીવનમાં આપણા પોતાના પ્રત્યે આટલી પ્રામાણિકતા ન સેવી શકીશું, તો જાતને છોડી જગત તરફ, અને જગતને છોડી જગતપિતા પ્રતિ વળવાની આપણી મોટી મોટી વાતો કેવળ અર્થહીન, ક્ષુલ્લક અને આડંબરી બની, આપણો પોતાનો જ વિધ્વંસ નોતરી, આપણી હાંસી કરાવશે, અને અંતે આપણે આપણાં પણ ન રહીશું. ના, એ ન ચાલશે. ચાલો, આપણે વિચારીને વિચારપૂર્ણ જીવન જીવીએ.

યોગેશ્વર શ્રીકૃષ્ણનું બાળપણ

યોગની આપણને એક સ્વાભાવિક ભડક છે, કારણ આપણે એમ માની લીધું છે કે યોગ એ માત્ર મહાપુરુષો માટે જ છે, અને આપણા જેવાં સામાન્ય માનવોના રોજબરોજના જીવનમાં એનું સ્થાન નથી.પરંતુ યોગ જીવનથી પર નથી; અને આથી આપણે માટે એ અશક્ય નથી. બીજું, સંસારના હરેક ધર્મગ્રંથો એક ગૂઢ અને ગુહ્ય ભાષામાં જ લખાએલા છે અને એ યોગ્ય જ છે, જરૂરી પણ છે. આપણી આધ્યાત્મિક પિપાસા ખીલી ન હોય, અને આપણને આધ્યાત્મનું ભાથું સીધેસીધું પીરસી દેવામાં આવે, તો અશક્ય અને બિમાર દર્દીને પરાણે આપેલ અન્નની માફક એ અરોચક બની અંતે અપચો જ કરે. એથી ઊલટું, જેની આધ્યાત્મિક ભૂખ સાચે જ ઊઘડી છે, તે એને મળેલ એ અન્નને ચાવી ચાવી, એનું તત્વ કાઢી, એને પચવતો જવાનો અને એના આત્માની શક્તિ, ધર્મગ્રંથમાં સમાએલ ગૂઢ અધ્યાત્મરસને સાચા અર્થમાં સમજી, એનું અમૃતપાન કરતો એ એના આંતરજીવનને સમૃદ્ધ  કરવાનો.

આપણે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને સમજવા જઈએ તે પહેલાં એક અગત્યની વસ્તુ બરાબર સમજી લેવાની છે, અને તે એ કે આપણાં સર્વ શાત્રો લખાયાં છે આપણા જેવા જ, કિન્તુ મહા-માનવોના જીવન-નિચોડ રૂપે, કેવળ આપણા પોતાના જ ઉત્થાન અને ઉદ્ધાર માટે. પરંતુ એ સંદિગ્ધ ભાષામાં લખાએલાં છે, જેથી એમાં રહેલ  સિદ્ધાન્તોનો દૂરુપયોગ ન થાય, અને વાર્તા રૂપે એ જળવાઈ રહે. આથી એ વાર્તા અને પુરાણ રૂપે સંગ્રહાએલ બાહ્ય દેખાતી વાતોનું હાર્દ સમજવા, એનું તથ્ય સમજવા, આપણે એની સપાટીએ ન રહેતાં એની અંદર રહેલ એના પ્રાણને, એના તત્વને, સમજવા કોશિશ કરવી રહી. શું શ્રીકૃષ્ણની બાલ-કહાનીઓ, શું મા ભગવતી ઉમા, ઉમાપતિ મહાદેવ, કે શું ગરવા ગણેશજીની ગીત ગાથાઓ – સૌ કાંઈ એક અદભૂત રહસ્યથી ભરપૂર છે. એ સૌને સમજવું એટલે આપણા આ જીવનને સમજવું. એને અમલી બનાવવું એટલે આપણાં આ જીવનને સૌષ્ઠવપૂર્ણ કરી સુરભિત કરવું. કારણ કે એ સૌ વાસ્તવમાં આપણાં જીવનને સંબોધે છે. કોઈ પણ કથાનકની પ્રસ્તુતીનું મૂળ  ધ્યેય આપણા આ જીવનનો ઉત્કર્ષ છે. તો ચાલો આપણે એ સમજી  આત્મોત્થાનની દિશામાં આગળ વધવા કોશિશ કરીએ.

શું ભગવાન શ્રીકૃષ્ણનાં બાળજીવનની કહાનીઓ, કે શું એમણે પ્રબોધેલ ગીતાગ્રંથની જ્ઞાનવાતો – એ સૌનાં અંતરંગમાં અધ્યાત્મરસનો એક ગુહ્ય, ગૂઢ અને ગહન પ્રવાહ અનરાધાર વહી  રહ્યો છે. જે કોઈ વ્યક્તિ વસ્તુનાં અંતરંગમાં ડોકિયું કરવા ઝંખે છે તેવા પુરુષાર્થીને આપણાં શસ્ત્રોમાં સંગ્રહિત આવાં ગુપ્ત તત્વનું રહસ્ય જાણવાની અધ્યાત્મશક્તિ આપોઆપ સાંપડવાની છે. વસ્તુને એની ઉપલક બાહ્ય દૃષ્ટિએ ન તપાસતા, એના અંતરંગમાં ડોકિયું કરી, એમાંથી જીવનમાં ઉતારવા જેવું કાંઈક સંગ્રહી લઈ આપણા આ ક્ષણભંગુર જીવનને ઓપ આપી, એને યોગનાં શુદ્ધ અને સાચા સ્વરૂપથી શણગારી, આપણે આધ્યાત્મિક સમૃદ્ધિના ચાહક બનીએ તો કેવું!

ભગવાન શ્રીકૃષ્ણ આપણે માટે એક પરમ પૂજ્ય વિભૂતિ છે એટુલું જ નહીં, પરંતુ સૃષ્ટિસર્જક પણ છે; અને આથી એમણે જે કાંઈ કર્યું તે કરવું આપણે માટે અશક્ય છે. આમ છતાં, એમણે જે કાંઈ કર્યું કે કહ્યું, તેનું તથ્ય સમજવા થોડું આપણી અંદર ઊતરી વિચારીએ, તો એમનાં કાર્ય અને કથનનો જે સંદિગ્ધ સંદેશ છે તેનો, જેને આપણે અશક્ય માની લીધું છે તેની સાથે, એટલે કે ખુદ આપણી અંદર રહેલ હરકોઈ સંભાવનાની સાથે, પૂરેપૂરો મેળ ખાય છે; કારણ એમના જીવન દ્વારા જે કાંઈ આલેખાયું છે તે વાસ્તવમાં આપણે માટે જ, આપણા પોતાનાં આંતર-ઉત્થાન માટે જ પ્રબોધિત કરાયું છે. એમણે એમની બાલ્યાવસ્થાથી માંડી એમનાં સમગ્ર જીવનમાં યોગને એવી રીતે આત્મસાત કરી લીધો છે કે જો આપણે પૂરતો વિચાર કરીએ, એમની બાલ કહાનીઓમાં ઊંડા ઊતરીએ, તો આપણને લાગ્યા વિના ન રહેશે કે એમણે એમના જીવન-દૃષ્ટાન્ત દ્વારા જે કાંઈ પ્રસ્તુત કર્યું, તે કેવળ કોઈ મહાપુરુષો માટે જ નથી; હરકોઈને એ વધતે ઓછે અંશે લાગુ પડે છે. કારણ કે આ સંસારમાં રહેતાં હર કોઈ જીવ માટે એ પ્રબોધિત કરાયું હોઈ સૌ કોઈ માટે એ શક્ય છે. જરૂર છે આપણી જીવનદૃષ્ટિ બદલવાની, આપણી આંતરદૃષ્ટિ ખોલી, આપણી વર્તમાન જીવન-પદ્ધતિને, યુક્ત માર્ગે શૃંગારવાની. યોગેશ્વર શ્રીકૃષ્ણના જીવનમાં આપણે આગળ  ડોકિયું કરીએ તે પહેલાં યોગ એટલે શું અને કૃષ્ણ એટલે કોણ તેનો સર્વ પ્રથમ વિચાર કરી લઈએ.

આપણામાંના ઘણાં જાણે છે કે ‘યોગ’ શબ્દ મૂળ સંસ્કૃત ‘યુજ’ ધાતુમાંથી જન્મ્યો છે. ‘યુજ’ એટલે યોજવું, સંયોગ કરવો, મિલન કરવું. માનવ જે મૂળભૂત રીતે  આત્મા છે તેનું પરમાત્મા, પરબ્રહ્મ સાથે મિલન કરવાનો માર્ગ તે યોગ. આમ યોગ એટલે આ જીવનના હરકોઈ પાસાને યુક્ત રીતે અને વિવેક પૂર્વક જીવનની આ ઘટમાળમાં બંધબેસતા કરી, આપણાં હરકોઈ કાર્યને ઈશ્વર પ્રીત્યર્થે કરી, આપણા આત્માનો પરમાત્મા સાથે સંયોગ કરવો. યોગ અને જીવન આમ એકબીજાથી અલગ નથી. આથી સાચા અર્થમાં જીવન એટલે ‘હું’, ‘તું’ અને ‘તે’ નો સંપૂર્ણ સહયોગ. આમ સૌમાં – પ્રાણીમાત્રમાં, અરે જીવન સમસ્તમાં  – સમતાનો ભાવ, અને એને અનુરૂપ આચરણ તે જ યોગ.આથી જ શ્રીકૃણે ‘ समत्वम् योगमुच्यते’  કહ્યું. પણ સમતા ચિત્તવૃત્તિના નિરોધ વિના ન આવે. ભગવાન  પતંજલિએ યોગની વ્યાખ્યા કરી: ‘योगश्चित्तवृत्ति निरोधः’. ચિત્તવૃત્તિના નિરોધથી, વિવેકયુક્ત સંયમથી, માનવ જ્યારે પોતાના મનની સ્વભાવ-સહજ ચંચળતાને વિદારે, ત્યારે તે યોગી બને. યોગી બનવા જંગલમાં ન જવું પડે; કે ન પલાંઠી વાળી આસનબદ્ધ થવું પડે. જંગલમાં જઈ આસનબદ્ધ થઈને પણ લગામ વિનાના મનને ખૂબ ખૂબ ચળવળ ઊપડતી હોય છે. એના કરતાં સંસારમાં સુસજ્જ રહી, સંસારથી રંગાયા વિના ઈશ્વરપરાયણ થઈ રહેવું વધુ શ્રેયસ્કર છે. ચંચળતા જઈ જ્યારે સમતા આવે, જ્યારે માનવ આત્મપુરુષાર્થમાં રત રહી પોતાની વૃત્તિને બહેકતી અટકાવે, અને આમ સંસારમાં સંસારના રહીને, સંસારની તૃષ્ણાઓથી લેપાયા વિના આત્મસંયમ દ્વારા કર્મ કરતા કરતા જે પોતાની જાતને અંતિમ ધ્યેય પ્રતિ નિશ્ચલ રાખે, તે યોગી. આથી જ શ્રીમદ્ ભગવદ્ગીતાએ ‘योगः कर्मषु कौशलम् ‘  કહ્યું.

માનવનો સંસાર સાથેનો જે પુરાતન સંબંધ છે તે માનવ ચાર રીતે, ચાર માર્ગે જાળવી રહ્યો છે. તે છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારમાં જ માનવનો સર્વ પુરુષાર્થ સમાપ્ત થાય છે. આ ચાર પુરુષાર્થ પર આધિપત્ય મેળવે તે છે પૂર્ણ યોગસ્થિત યોગી. ના, પલાંઠી વાળી ધ્યાનમાં બેસી જવાથી યોગી ન બની શકાય. ધ્યાન એ કોઈ ક્ષણિક વસ્તુ નથી. ધ્યાન એટલે લક્ષ્ય પ્રતિ સાવધાનતા ભર્યું જાગૃતિ-સાતત્ય. એ જાગૃતિ-સાતત્ય વિના ધ્યાનના પરિપાક અર્થે જે કોઈ ક્રિયાઓ ભૌતિક સ્તર પર થાય છે તે ઈચ્છિત પરિણામ ન લાવે. એને માટે સતત પુરુષાર્થ અત્યંત આવશ્યક છે. પુરુષાર્થ પર આધિપત્ય મેળવવા એ ચારેનો વિવેકયુક્ત રીતે યોગ સાધવો જોઈએ, એ ચારનું સર્વાંગ સંપૂર્ણ સમત્વ સાધવું જોઈએ, એમાં ખોવાઈ ન જતાં એને આપણે આપણાં બનાવવા જોઇએ. કોઈ પણ વસ્તુ આપણી ક્યારે કહેવાય? જ્યારે તેના પર આપણું વર્ચસ્વ હોય, સંપૂર્ણ આધિપત્ય હોય. તો પ્રશ્ન એ છે કે આ ધર્મ પર, અર્થ, કામ અને મોક્ષ પર, આપણું વર્ચસ્વ છે શું? કે પછી આપણે એ ચારેના દાસ છીએ? જ્યાં સુધી કોઈ પણ વસ્તુની આપણે કીમત આંકીએ છીએ, એને મહત્વ આપીએ છીએ, ત્યાં સુધી એ વસ્તુનું વર્ચસ્વ આપણી ઉપર રહેવાનું. અને જ્યાં સુધી કોઈનું  પણ આપણા પર વર્ચસ્વ હોય, આધિપત્ય હોય, ત્યાંસુધી આપણે એના દાસ છીએ; અને આથી મુક્તિ આપણાથી સો સો જોજન દૂર છે. બીજી બાજુ, એ સૌને આપણી ઉન્નતિનું સાધનમાત્ર સમજી આપણે એને આપણા કહ્યામાં રાખીએ, આપણા કાબુમાં રાખીએ, એનાથી આપણે રજ માત્ર પણ આકર્ષાઈએ નહીં, ત્યારે આપણો પુરુષાર્થ સિદ્ધ થયો કહેવાય. ધન-દોલત મેળવવામાં, કામાસક્ત બની મનની સમતુલા ગુમાવવામાં, ધર્મની સંકીર્ણ વાડમાં ફસાઈ રહેવામાં કે મોક્ષની લાલચમાં અટવાઈ જવામાં કયો પુરુષાર્થ? કેમકે તો તો આપણે એ સૌના ગુલામ બન્યા! અને ગુલામ વ્યક્તિ જીવનનું કોઈ પણ સ્વાતંત્ર્ય  કે સાચી જીવનમુક્તિ અનુભવી શકે ખરો?  પણ ભગવાન શ્રીકૃષ્ણ, જીવનમુક્ત હતા; મહાન યોગી હતા; ના, યોગી નહીં, યોગેશ્વર હતા. કોઈ પણ યોગી સ્વપુરુષાર્થ વિના આગળ વધતો નથી, ઉપર ઊઠતો નથી. પરંતુ જે સ્વયં યોગના ઈશ્વર છે, તેને વળી ઉપર ઊઠવાનું શું? પુરુષાર્થ એ જ તો એમનું જીવન છે.અને આથી જ એમણે ગીતામાં ઠેર ઠેર સ્વકર્મ અને પુરુષાર્થને પ્રાધાન્ય આપ્યું છે. ઉપનિષદે  પણ ‘उत्तिष्ठत, जागृत,  प्राप्य वरान्निबोधत’ સંબોધી આ જ સંદેશ વહેતો કર્યો છે. અને શ્રીકૃષ્ણ આટલું કહી અટકી નથી ગયા. એમણે ખુદ પોતાના જ જીવન-દૃષ્ટાંતથી આ ઉક્તિને સિદ્ધ કરી, આપણા સૌના જીવનમાં એની મૂળભૂત આવશ્યકતા સિદ્ધ કરી છે. તો પ્રશ્ન છે: “એ કયી રીતે?” ચાલો, આપણે એમનાં જીવન પ્રતિ દૃષ્ટિ નાખી એ તપાસીએ. કારણ આખરે તો આપણે કોણ છીએ તે આપણાં પ્રત્યક્ષ જીવનથી, જીવનમાં સાધેલ પુરુષાર્થયુક્ત કાર્યોથી, આપણી અંતરતમ ભાવનાઓથી સિદ્ધ થવાનું છે.

શ્રીકૃષ્ણને આપણે યોગેશ્વર કહ્યા. યાને યોગીઓના યોગી તે કૃષ્ણ. એમને ‘કૃષ્ણ’ કેમ કહ્યા? કાળા છે માટે? ના, એ શ્યામ હતા, ઘનશ્યામ હતા. વાદળ જેવા, આસમાન જેવા રૂપાળાં. અને આસમાન તો અત્યંત વિશાળ છે. એનો તો કોઈ અંત જ નથી. હા, એઓ વિશાળ હતા, અનંત હતા, અનંત છે માટે આજે પણ છે અને અનંત કાળ સુધી હશે. અને જે  નિત્ય છે, શાશ્વત છે, તે કાલાબાધિત છે. એમણે કાળીનાગને  નાથ્યો છે, કાળને નાથ્યો છે. કાળ જ, સમય જ, સૌ કાંઈ કરાવે છે, સૌ કાંઈ સમયથી બાધિત છે. પરંતુ જેણે ખુદ સમયને નાથ્યો છે, સમયથી બાધિત સુખ-દુઃખ, કામ-ક્રોધ, લોભ-મોહ, સ્વાર્થપરાયણતા, વગેરે રૂપી પ્રત્યેક વિષઝર રાગાનુરાગ જેના સંપૂર્ણ કાબૂમાં છે, તે એ વિષલ કાળીનાગનો નાથનાર સમગ્ર અસ્તિત્વનો પિતા છે. એ જ સૌ કાંઈનો કર્તા, ભર્તા  અને હર્તા છે. માટે એમને ‘કૃષ્ણ’ રૂપે સંબોધ્યા. હવે સહેજ વધુ ઊંડા ઊતરીએ.  સંસ્કૃતમાં ‘કૃ’ એટલે કરવું, અને ‘શ્ન’ એટલે સંહરવું.  કરેલાનો જે સંહાર કરે છે, કરેલાથી જે લેપાતો નથી, તે કૃષ્ણ. ‘પોતાનું’ કહેવાતું સર્વ કાંઈ છોડીને, સાચા દિલથી જે પોતાને શરણે આવ્યો છે, તેનાં કર્મબંધનોને જે લિપ્ત કરે છે, ઉપરાંત કર્મ-મન-વચનથી કરાએલ ખુદ પોતાનાં કર્મોથી જે અલિપ્ત છે, કર્મોનાં બંધનથી જે પૂર્ણતયા નિર્લિપ્ત  છે, કર્મ કરતો હોવા છતાં જે કાંઈ જ કરતો નથી, તે છે કૃષ્ણ. અને આવો વિરલ પુરુષ જ યોગેશ્વર. આવા એ યોગેશ્વરની બાલ્યાવસ્થા સૌ પ્રથમ જોઈએ.

બાલકૃષ્ણે શા શા કાર્યો કર્યાં? એમની બાળલીલા શરુ થાય  છે માશી પૂતનાના વધથી. પછી કનૈયાના દર્શન થાય છે માખણચોર તરીકે. ત્યાર બાદ આવે છે અઘાસૂર, કંસ, જરાસંઘનો ધ્વંસ અને કાળિનાગને નાથવાની ક્રિયા. બાદ ગોપીઓનાં વસ્ત્રહરણ, અને છેવટે રાસલીલાનો સૂત્રધાર એવો ગોવર્ધનધારી, મુરલીધર, કુંજવિહારી બાળગોપાળ આપણી સમક્ષ ખડો થાય છે. અને આ સૌને આપણે ગોપાલકૃષ્ણની લીલા કહીએ છીએ.

હા, એ સૌ લીલા છે જ. પણ ‘લીલા’ એટલે શું? જે પૂર્વ અંદેશ આપ્યા વિના સાહજિક પણે થતું જણાય, અને છતાં એમાં કાંઈક ગર્ભિત તારતમ્ય, એક ગુપ્ત રહસ્ય, છુપાએલ હોય, તે છે લીલા-     Play of God. ‘લીલા’ તે કે જેમાં જે કાંઈ દૃષ્ટ છે તેના કરતાં કાંઈ જૂદું જ, કાંઈક ગુહ્ય એવાં અદૃષ્ટનો ભાવ છે.  A ‘Play is that which seemingly looks a ‘play’, but when inwardly illumined, comes out to be something highly substantial.આથી જ એમના સૌ કાર્યોને લીલા કહી, એ ક્રિયાઓમાં રહેલ ગુહ્ય એવાં અદૃષ્ટને સમજાવવાનો, ગીતાનો અને હરકોઈ  શાસ્ત્રોનો સંદેશ છે. કૃષ્ણ હજી બાલક છે, અને આથી એમણે એમની જીવનસાધનાની શરુઆત જ કરી છે, એમાં હજી પહેલું પગરણ જ ભર્યું છે. અને આવા શ્રીકૃષ્ણ બાળપણથી જ યોગી.

પાતંજલ યોગસૂત્રમાં ભગવાન પતંજલિએ યોગને આંઠ ભાગમાં વહેંચી દીધો છે. એમાં પ્રથમ બે ભાગો, બાળયોગી – યોગના માર્ગમાં પ્રથમ પગરણ ભરનાર – માટે અત્યંત આવશ્યક ગણ્યા છે, તે છે યમ અને નિયમ, જેનાથી યોગની શરૂઆત થાય છે, થવી જોઈએ. શ્રીકૃષ્ણના બાલ્યજીવનના પ્રસંગો આ નિયમોનાં પાલન તરફ અણસાર કરે છે કે કેમ તે આપણે જોઈએ. યમ પાંચ છે – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગ્રહ. નિયમ પણ પાંચ ગણાવ્યા છે – શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન. હવે બાલકૃષ્ણમાં ઉપર્યુક્ત લક્ષણો હતાં કે કેમ તે તપાસીએ.

સૌ પ્રથમ કૃષ્ણ એટલે ‘માખણચોર’. તો ચોરી કરનાર કૃષ્ણમાં અસ્તેયનો – ચોરી ન કરવાનો – ગુણ હતો ખરો? ચોરી કરનાર ચોર નહીં તો બીજું શું? અહિંસા એટલે કોઈને મારવું નહિ, કોઈના પણ જીવને દુઃખ ન દેવું. તો પૂતના, કંસ, જરાસંઘ, અઘાસૂરને મારી નાખનાર અહિંસક શી રીતે? સ્નાન કરતી ગોપીઓનાં વસ્ત્રહરણ કરી એમને બહાર નીકળવાનું કહેનાર, અને સ્ત્રીઓ સાથે રાસ રમવામાં રચ્યોપચ્યો રહેનાર કોઇ પણ બ્રહ્મચારી  હોવાનો દાવો કરી શકે? મોટા મોટા મહેલોનો અધિપતિ કોઈ પણ રાજા અસંગ્રહી હોવાનું બિરદ ધરાવી શકે? અને આવું બધું કરનારને કોઈ પણ સત્યનું આચરણ કરનાર કહેશે? છેવટે, જેનામાં આ પાંચ ગુણો જણાતા નથી, એટલું જ નહીં પણ જે એનો છડેચોક ભંગ કરી રહ્યો છે, તે ઉપર જણાવેલ પાંચ ‘યમો’નું પાલન કરનાર બની શકે ખરો? અને જો ન બની શકે તો એને યોગી તો ઠીક, મહાયોગીને  પણ ઉડાવી, ‘યોગેશ્વર’નું બિરુદ આપવું યોગ્ય ગણાય ખરું? બાહ્ય દૃષ્ટિએ વિચારતા – અને શ્રીકૃષ્ણના ટીકાકારોએ એમને હમેશા બાહ્ય દૃષ્ટિથી જ માપવાની જ કોશિશ કરી છે – અરે જેઓ એમને પોતાના બનાવવાનું, કે એમના પોતાના હોવાનું ગૌરવ ધરાવે છે તેમાંના કેટલાંક પણ એમને સાચી દૃષ્ટિએ ભાગ્યે જ સમજ્યા હશે. – આ બધું જોતાં, કહો કે ન કહો તો પણ, કૃષ્ણમાં યોગની આ પ્રથમ આવશ્યકતા પણ જણાતી નથી. એમ છતાં આવા એ કૃષ્ણ યોગેશ્વર તરીકે પુજાય છે, આપણે સૌ પૂજીએ છીએ. આ શી રીતે? કે પછી એના પૂજનાર બુદ્ધિહીન છે?

ભારતની ‘Home-Rule’ ચળવળની પ્રણેતા સિસ્ટર નિવેદિતાએ કહ્યું

છે, “Men judge by the fallacious testimony of senses, whereas gods judge by heart.” મતલબ કે માનવ ભલે બાહ્ય સ્તર પર વ્યક્તિનું મૂલ્યાંકન કરે, ભગવાન તો વ્યક્તિનું અંતરંગ જ જોશે. તાત્પર્ય કે વસ્તુનું મૂલ્ય માણસનાં બાહ્ય આચરણથી ન માપી શકાય. લક્ષ્યની અંદર રહેલ ગુહ્ય આપણે ન તપાસીએ, અને એને બાહ્ય દૃટિએ જ માપીએ તો આપણે વસ્તુનું સાચું તથ્ય કદી પણ ન પામી વ્યક્તિને અન્યાય કરીએ;  અને  આમ  આંતર-સત્યથી વેગળાં આપણે  સાવ ભૂલા-ભટકેલાં જ ગણાઈએ. વસ્તુનું અંતરંગ જ જોવું જોઈએ. એ કરીએ તો જ આપણું મૂલ્યાંકન સાચું પડે. ચાલો, આપણે સહેજ અંદર ઊતરી વિચારીએ, અને ભગવાન શ્રીકૃષ્ણના બાલ્યાવસ્થાના પ્રસંગો જેને ‘લીલા’ કહી છે તેનું અંતરંગ તપાસીએ.

જુઓ, કૃષ્ણના કૌતુકનું પ્રથમ દર્શન આપણને થાય છે ત્યારે કે જ્યારે માશી પૂતના બાલગોપાલને સ્તનપાન કરાવી એનો પ્રાણ હરવા કોશિશ કરે છે. મા બાળકને માટે સર્વસ્વ છે. મા આપણને જીવન પ્રદાન કરે છે. હવે સ્હેજ ઊંડા ઊતરી વિચારીએ. કારણ આપણે આપણી સમક્ષ જે કાંઈ કથાનકના રૂપમાં પ્રસ્તુત કરાયું છે તેનો મર્મ સમજવાનો છે, તેનો નિચોડ કાઢવાનો છે.  ધર્મ કે અધ્યાત્મની વાતો આપણને મૂળ વસ્તુનું મર્મ સમજાવવા માટે હોય છે, અને આથી એમાં જે બાહ્ય વાઘા પહેરાવેલા હોય છે તેને સમજ પૂર્વક અળગા કરી એમાં છુપાએલ  તત્વને પામવાની જરૂર છે.

તો પ્રશ્ન છે : એક નિર્દોષ બાળકના પ્રાણ લેવા આવનાર આ ‘પૂતના’ નામની ‘માશી’ કોણ? મા-શી એટલે માના જેવી; પરંતુ મા નહીં. મા આપણને જીવન બક્ષે. આ તો  બાહ્ય પ્રેમ બતાવી જીવન હરવા આવી છે !  હવે  આપણી સાચી મા કોણ?  કોણ આપણને જીવન આપે છે?  આપણને આ ભૌતિક જીવનમાં લાવનાર છે આત્મા. માટે આપણી માતા છે અપણો આત્મા.પરંતુ ‘મા-શી’ એ મા નથી, આત્મા નથી; છતાં ‘મા’ના જેવી  છે. તો આપણામાં એવું ક્યું તત્વ છે જે ‘મા’ નથી, ‘આત્મા’ નથી; પણ આત્મા જેવું છે? એ છે જેને આપણે ‘હું’ કહી સંબોધીએ છીએ તે, યાને આપણામાં જન્મથી રહેલ ‘જીવાત્મા’, જે આપણામાં અહમ ઉપજાવે છે. ‘અહમ્’ની આ ભાવના આપણને આપણામાં રહેલ  પુરુષ તત્વથી દૂર રાખે છે, તો એ સાથે જ એ તત્વનું ભાન પણ કરાવે છે, આ શરીર, મન, ઈન્દ્રિયો દ્વારા  દ્વારા નહીં; પરંતુ આપણી અંદર ઊંડા ઊતરીને.

થોડું વિચારીએ.પાયાનાં ત્રણ સત્યો છેઃ પરમાત્મા, આપણો આત્મા અને આ જીવાત્મા, યાને આપણું ‘હું-પણું’, આપણું ‘અહમ્’. વાસ્તવમાં પરમાત્મા ‘અંશી’ અને આપણે એનો ‘અંશ’. અંશ અને અંશીમાં મૂળ ફરક એ કે અંશી – પરમાત્મા – સાગર છે, જ્યારે એનો અંશ – આત્મા, યાને વ્યક્તિગત રૂપે આપણે સૌ – એ સાગરમાંથી માટીની કુલડીમાં સંગ્રહેલ જળ છીએ, જે જળમાં  સાગરનું મૂળભૂત તત્વ, પ્રમાણ-ભેદ બાદ કરતાં, સમાન રૂપે રહેલું છે. જેમ દૂધ અને દૂધનું ટીપું. ગુણ સરખા; પરંતુ દૂધમાંથી દૂધપાક કે માવો થાય, ટીપામાંથી ન થાય; ભલે ટીપું વાસ્તવમાં દૂધ જ છે. આમ ઈશ્વર સર્વશક્તિશાળી છે; જીવમાં એવી શક્તિ નથી. છતાં જીવ જો પોતાનું ‘હું-પણું’- પોતાનું ‘અહમ્’- છોડે તો એનું સાચું ‘આત્મસ્વરૂપ’ બહાર આવે, અને  એ ઈશ્વરમાં ભળી ઈશ્વર્-રૂપ બની શકે; જેમ કૂલડીનું જળ સાગરમાં જતાં જ સાગર બની રહે. એને સાગર બનતું  જો કોઈ અટકાવતું હોય તો તે છે પેલું માટીનું ખોળિયું – આપણું આ પંચતત્વનું દેહ-પીંજર, – જેની માયાજાળ પોતાના જ સ્વ-ઉત્કર્ષને અવરોધી, જે પોતાનો છે,  જેમાંથી એ ઉદભવ્યો છે, એવા પરમાત્મા સાથેનાં મિલનને અવરોધે છે.

હવે જુઓ. કૌંસે મોકલેલ રાક્ષસી પૂતના તે ‘બકાસૂર’ની – બક+ અસૂર- ની બહેન. ‘બક’ એટલે બગલો, અને ‘બક’ એટલે ઢોંગ, ખોટો બાહ્ય દેખાવ પણ. માટે તો આપણે બગધ્યાન, યાને બગલાના ધ્યાન જેવું, એવો શબ્દપ્રયોગ કરીએ છીએ. મન માછલીમાં – સ્વાર્થમાં, લાલચોમાં, ભૌક્તિક ભોગોમાં,- પણ દેખાવ શાંત, સ્થિર હોવાનો. આ પ્રકારનો ખોટો દેખાવ, આપણું સાચું સ્વરૂપ,– એટલે  કે વાસ્તવમાં આપણે જે ‘આત્મા’ છીએ તે સત્ય,– છુપાવે છે.  મૂળભૂત રીતે આપણે સૌ પવિત્ર અને પરિશુદ્ધ છીએ; પરંતુ ભ્રમમાં પડી આ ક્ષણભંગુર દેહને ‘આ હું છું’ માની માયાજાળમાં ફસાઈએ છીએ. અને આમ આપણે જ આપણને આપણાં શુદ્ધ અને સાચા સ્વરૂપથી દૂર રાખીએ છીએ.

    અસૂર એટલે રાક્ષસ. સૂર એટલે દેવ. જે દેવ નથી તે અ+સૂર, માટે રાક્ષસ. આપણામાં રહેલ દેવવૃત્તિ દબાય એટલે રાક્ષસી વૃત્તિ બહાર આવે. પોતે જે નથી તે છે, એવો  ખોટો દેખાવ કરી દુષ્ટ કાર્ય  કરનાર તે બકાસૂર, અને તેની બહેન તે પૂતના.  પૂતના – પૂ એટલે પવિત્ર. પૂ+તના એટલે પવિત્ર તન વાળી. પૂતના મૂળભૂત રીતે પવિત્ર છે; પરંતુ બકાસૂરના, કહ્યામાં રહી, એનાં આધિપત્ય હેઠળ કાર્ય કરતી હોવાથી એણે ‘પોતાપણું’ ગુમાવ્યું છે, અને એ રાક્ષસવૃત્તિની ભોગ બની છે. શું કંસ, શું બકાસૂર કે શું પૂતના! સૌ કાંઈ, આપણે કે જે મૂળભૂત રીતે શુદ્ધ છીએ તેથી અલગ, આપણામાં ઘર કરી રહેલ દુર્વૃત્તિનાં પ્રતીક છીએ. એતો સાચું જ ને કે  આપણે સૌ પણ આત્માને વિસારી, આપણાં ‘અહમ’ને પોષતા જીવાત્માનો ભોગ બની, એને અનુસરી આપણું સાચું સ્વરૂપ ભૂલ્યાં છીએ?

અહીં જે કાંઈ પ્રસ્તુત કરાયું છે તે કેવળ અલંકારિક છે. આપણે તો એમાં છૂપેલ ‘તત્વ’  પકડવાનું છે. જુઓ, પૂતના શ્રીકૃષ્ણ પાસે ગઈ છે માતા બનીને, એને સ્તનપાન કરાવવા. કૃષ્ણ એટલે શુદ્ધાતિશુદ્ધ નિત્ય નિર્મળ પાવિત્ર્ય. જે સ્વયં જીવંત પાવિત્ર્ય છે તે પવિત્રતા સિવાય અન્ય કશાને અપનાવે? ક્યારે ય નહીં. પરંતુ જે મા બનીને આવી છે તેને ઠુકરાવે તો ભગવાન ભગવાન નહિ. એની પાસે જનાર પાપીમાં પાપી પણ એના સ્પર્શ માત્રથી તરી જાય.  સ્વયં ભગવાને જ ગીતામાં કહ્યું છેઃ ‘अपि चेत्सुदुराचारो भजते  मामनन्यभाक् … शश्वच्छान्तिं निगच्छति.’ (૯-૩૦/૩૧) ‘જો કદાચ કોઈ મોટો દુરાચારી પણ મને અનન્ય ભાવે ભજે તો તે  શાશ્વત શાંતિ પામે.’

માતાના શરીરનું સત્વ છે એનું દૂધ, જે એને માતૃભાવ આપે છે. એ ઈન્દ્રિય-પ્રધાન શરીરનું ક્ષીર – દૂધ, રસ, – ચૂસી લઈ એને શોષી લેવું એટલે શારીરિક અહમ, જેનું પૂતના પ્રતીક છે, તે ‘અહમ્’ ને પી જવું. શારીરિક અહમને ગળી જવું. આમ કૃષ્ણ માશી પૂતનાનું ક્ષીરપાન કરી, એના- પૂતનાના – તનમાં રહેલ અહમ્-રસને પી જઈ, એના પોતાના ‘અહમ્’ને સર્વ પ્રથમ દૂર કરે છે. આમ માશી પૂતનાનો નાશ એટલે પોતાનામાં ઘર કરીને રહેલ ‘હું-પણા’નો નાશ. પોતાના સાચા ‘સ્વ’નું પ્રાકટ્ય.   અને કૃષ્ણ તો કાંઈ કરતા જ નથી, એ તો કશાથી લેપાતા જ નથી, પોતે ‘કૃષ્ણ’ છે માટે. વળી આ તો બાલગોપાલ છે. હર કોઈ બાળક અહંકાર રહિત જ હોય છે.  અને  જે સ્વયં અહંકાર વિનાનો હોય તે જ અન્યને ‘હું’કારથી મુક્ત કરી શકે. આથી જેણે પોતે નિરહંકારી રહી, એ નકારાત્મક ‘અહમ- ભાવ’નો સંહાર કર્યો છે તે યોગી નથી તો શું છે? માશી પૂતના,  જે ‘અહમ્’ની જ બીજી આવૃત્તિ છે તેનો, નાશ કરનાર બાલકૃષ્ણ એ દ્વારા જણાવે છે કે યોગી થવા ઝંખનારે સર્વ પ્રથમ પોતાના ‘શરીરભાવ’ને, ‘અહમ્’ને દૂર કરવું રહ્યું. ‘અહમ્’નો ભાવ ન શમે ત્યાં સુધી યોગી ન થવાય. એ ‘અહમ્’ના નાશ સાથે જ ખોટા બાહ્યદેખાવનો,  એના સગા ભાઈ સમા બાહ્યાડંબર રૂપી બકાસૂરનો, સંહાર નોતરાય છે. યોગી બનવાનું  એક અગત્યનું સોપાન અહીં પૂરું થાય છે.

ત્યાર બાદ આપણી સમક્ષ ખડો થાય છે કાનુડો “માખણચોર” ‘ચોર’ એટલા માટે કે ગોપીઓની ગેરહરીમાં માખણ ચોરવાનું આ કાર્ય થાય છે. હવે માખણ આપણને ક્યારે મળે ? ખૂબ સુંદર રૂપક  છે, જૂઓ.ચોક્ખું દૂધ ખાટું થઈ એનું દહીં થાય. એ દહીંને માટીની મટકીમાં નાખી એમાં ગરમ અને ઠંડું પાણી ઊમેરતાં જઈ એને વલોવવાનો સખત શ્રમ કરી જરૂરી મથન કરવામાં આવે, તો જ એ બગડેલ દૂધમાંથી એમાં ગુપ્ત રીતે ગર્ભિત રહેલ માખણ, – નવનીત,- દૂધનું સર્વ સત્વ – આપણને હાથ લાગે. આપણા આ જીવનને વિચારકોએ ક્ષીરસાગરની, દૂધના સાગરની, ઉપમા આપી છે. આપણાં આ જીવનનું દૂધ,  સંસારનું દૂધ બગડી ગયું છે. સંસાર ઝેરીલો બની ગયો છે.અને આ બધું જાણવા, અનુભવવા છતાં આપણી આ જીવન-સરિતમાં વહેતા દૂધને વલોવીને એમાં છુપાએલાં માખણને આસ્વાદવાનું આપણને સૂઝતું નથી. ઈન્દ્રિયોનાં બાહ્ય સ્તર પરનાં માની લીધેલાં એ ક્ષણજીવી સુખોમાંથી ઉપર ઊઠી આપણી જીવનદોર કે જેમાં ઘણો ઘણો બગાડ છે, કાંઈ કેટલાએ દોષો છે, તે પકડી એમાંથી મુક્ત થવાનું અપણને સૂઝતું નથી. પોતાને માટે પૂરતું મંથન કરી, મનને વલોવી વલોવીને એ બગાડ દૂર કરી, અંદરથી એનું જે તારતમ્ય છે, જે નવનીત છે, તેને હાંસલ કરી, ઈશ્વરે દીધેલ આ અમૂલખ જીવનને સમૃદ્ધ કરવું, એ છે કાનૂડાની માખણ-ચોરી. માટીની મટકી તે આપણું આ શરીર, દૂધનું દહીં તે મૂળભૂત રીતે શુદ્ધ, પરંતુ આપણાં કર્તવ્યદોષથી બગડેલ આ જીવન, એ દૂધને વલોવનાર ગોપીઓ તે આપણી આ ઈન્દ્રિયો. સંસ્કૃતમાં ‘गो’ શબ્દના ઘણા અર્થ થાય છે. ‘गो’ એટલે ગાય, પૃથ્વી, વાણી, આકાશ અને ઈન્દ્રિય. ગોપીઓ એટલે આપણી ઈન્દ્રિયો.  ઈન્દ્રિયોનું અધિપતિ તે મન – આથી મનની વૃત્તિ તે ગોપી. યાને આપણી ઈન્દ્રિયો અને મન દ્વારા કરાતાં કાર્યોની સારાસારતાનું ઊંડું ચિંતન કરી જીવનોત્કર્ષ માટે આવશ્યક સ્વ-પુરુષાર્થ કરી જીવનને ઉપર ઉઠાવવું, એ છે નવનીતની પ્રાપ્તિ, આપણાં આ જીવનનું લક્ષ્ય.

જીવનનાં સુખ-દુઃખ, આશા-નિરાશા, તડકા-છાયા વગેરે સામાન્યતઃ અનિવાર્ય દ્વંદ્વો આપણી આ ભૌતિક હસ્તિના શિતોષ્ણ અનુભવો છે. એની તાવણીમાં તવાઈને આપણું આ પાર્થિવ જીવન સમૃદ્ધ બને ત્યારે, કે જ્યારે શિતોષ્ણ જળધારા રૂપી આ સુખ-દુખો સ્વેચ્છાએ અને સમજ પૂર્વક સહન કરતા જઈ જીવનનું મથન કરી, ‘સાચું માટે સારું’ એ હકીકતને જીવનમાં ઉતારી એને વલોણે આપણાં જીવનને સમૃદ્ધ કરીએ. મન અને એની ક્રિયાઓ વલોવાઈ વલોવાઈ શાંત થઈ શમી જાય ત્યારે જ  અંદરનાં પડળ  ખૂલી આપણામાં આંતરદૃષ્ટિ ખીલે. જ્યાં સુધી માનવ પર મનનું વર્ચસ્વ છે ત્યાં સુધી જીવનનું આ નવનીત ન મેળવાય. આથી જ મનોવૃત્તિ રૂપી ગોપીઓની ગેરહાજરી આવશ્યક છે. ઈન્દ્રિયો ન હોય, શાંત થઈ ગઈ હોય, ત્યારે જ આપણાં આ ગુહ્ય જીવનમાં ગુપ્ત રીતે રહેલું તત્વ,- માખણ, નવનીત- હાથ આવે. ના, આ જીવનને તાવી તાવીને એ તત્વ હાંસલ કરી જીવનને ઉપર ઉઠાવવાનું ઉદબોધન ભગવાન શ્રીકૃષ્ણ એમની આ માખણચોરીનાં ગુહ્ય કાર્ય દ્વારા કરે છે. આવી એ ‘ગોપીઓ’ની ગેરહાજરીમાં આસ્વાદેલ જીવન-નવનીતને ‘બાળકૃષ્ણની માખણચોરી’નું સુંદર રૂપક અપાયું છે. તાત્પર્ય કે કૃષ્ણ ચોર નહીં, પણ જેમણે જીવનનાં સારતત્વને જાણ્યું છે, માણ્યું છે, એવા યોગી હતા. મતલબ કે આપણે આપણી મનોવૃત્તિને વલોણે ચઢાવી, એને શાંત કરી, સાચા અર્થમાં યોગી બનવાનું છે. ભગવાન શ્રીકૃષ્ણની ‘માખણચોરી’ આપણને ‘યોગ વિના જીવનસિદ્ધિ નથી જ ‘ એ જણાવી, યોગનાં પ્રથમ પગરણોનું દર્શન કરાવે છે.

આટલું સમજ્યા બાદ બાલકૃષ્ણે કરેલ અઘાસૂર અને જરાસંઘનો વધ સમજવો મુશ્કેલ નથી.  અઘ+અસૂર મળી અઘાસૂર શબ્દ બન્યો. ‘અઘ’ એટલે પાપ. ‘અસૂર’ એટલે રાક્ષસ. આમ પાપકર્મો, દુષ્કૃત્યો, જે દ્વારા આપણને પોતાને કે અન્ય કોઈને નુકસાન થાય, દુઃખ થાય, એવું કોઈ પણ દુષ્કૃત્ય, તે પાપ.  સૂક્ષ્મ રીતે વિચારતાં જે કરવા આપણું દિલ ના પાડે, છતાં આપણે કરીએ, જે કૃત્ય દ્વારા આપણું અંતસ્તત્વ હણાય, તે પાપ. એવાં કર્મોના કરનારને રાક્ષસની ઉપમા આપી છે. ખરાબ અને અયુક્ત કર્મો કરી અન્યને દુઃખ પહોંચાડે તે રાક્ષસ નહિ તો બીજું શું? જેણે પોતાના જીવનમાંથી દુષ્કૃત્યો કરવાની હરકોઈ રાક્ષસી વૃત્તિનો પોતાના આંતરવિકાસના બાલ્યકાલમાં જ નાશ કર્યો છે તેવો યોગી તે અઘાસૂરનો વધ કરનાર આપણો બાલકૃષ્ણ.

આ જ પ્રમાણે ‘જરા’ એટલે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થાનો સંગ થતાં માનવ નિર્વિર્યતા, હતાશા, અધૂરાપણું વગેરે અફસોસોનો ભોગ બને છે. આવાં એ વાર્ધ્યક્ય પર વિજય મેળવનાર ચિર યૌવન પ્રાપ્ત કરે છે. જેને આપણે ‘મૃત્યુ’ કહી એના પર આંસુ સારીએ છીએ, તે મૃત્યુ પર એણે વિજય પ્રાપ્ત કર્યો છે.  શ્રીકૃષ્ણ ‘જરાસંઘ’ને હણી, વાર્ધક્યને હણી, અજરામર બની ગયા. જીવન તરી જવાની આ સંભાવના ત્યારે સિદ્ધ થાય જ્યારે માનવી પોતાની અહમ-ભાવના રૂપી  માશી પૂતના-નો વધ કરી, જીવનના સારતત્વ જેવી દૈવી વૃત્તિને ક્રંદતા દુષ્કર્મો -કંસ-અઘાસૂર વગેરેને- સંહારી, ગોકુળ – ‘ગો’ એટલે ઈંદ્રિયો અને ‘કુળ’ એટલે સમૂહ, યાને ઇંદ્રિયોનાં  કુળના અધિપતિ રૂપ મનને કૃષ્ણમાં – આત્મામાં – ઘેલું બનાવે. ટૂંકમાં, આત્મતત્વ પ્રતિ જે વળ્યો નથી તેને માટે ‘જરા’ અને ‘અહમ્’ નો વધ કરી, એટલે કે એ સૌ પર વિજય મેળવી અમરત્વનું  ચિરંતન પાન શક્ય નથી.

બાલગોપાલ શ્રીકૃષ્ણ વિષે આટલું જાણ્યા પછી હવે આપણે ગોપીઓ સાથેની એમની રાસલીલા પ્રતિ વળીએ. ‘गो’ શબ્દનો અર્થ ઇંદ્રિય કરો, પૃથ્વી કરો કે આકાશ કરો, તત્વ રૂપે આ સૌ આપણામાં રહેલું છે. એટલું સ્પષ્ટ છે કે આ માટીના પીંડમાં રહેલ ઈન્દ્રિયો અને તેના પાલક અધિપતિ મન સાથે, કે પછી આ વિશ્વના એક અગત્યનાં અંગ રૂપે અહીં જન્મ્યા બાદ વિશ્વના ભૌતિક આકર્ષણો સાથે, રાસ રમ્યા વિના-બાહ્યાનંદ માણ્યા વિના- કેવળ પોતાના ‘સ્વ’ માં સૂક્ષ્મ રીતે ડૂબી રહી, આ દુનિયામાંથી કાયમી વિદાય લેનાર  ગણ્યા  ગાઠ્યાં માનવો જ નજરે પડે છે. જો સંસારસાગર સાચે જ તરવો હોય તો ‘ગોપાલ’ – એટલે કે ઈન્દ્રિયો, મન અને આ સમગ્ર ભૌતિક જગતને પાલનાર – બન્યા વિના, યાને એ સૌના  અધિપતિ બન્યા વિના, એને પૂર્ણ પણે પોતાના અંકુશમાં લીધા વિના, શક્ય નથી. યોગી બન્યા વિના ઈન્દ્રિયો, મન અને ભૌતિકતાની ભભકમાંથી મુક્ત ન થઈ શકાય. આમ ‘ગોપાલ’ એટલે ગાયોને પાળનાર ગોવાળિયો નહીં,પરંતુ જે મન-ઈન્દ્રિયોની આ ચૂડમાંથી મુક્ત થઈ ગયો છે એવો એ યોગવીર કાનુડો. આમ સ્પષ્ટ છે કે બાલયોગી શ્રીકૃષ્ણે આ ઈન્દ્રિય-પ્રધાન જીવન સાથે એક અદભૂત રાસ રચ્યો, પૃથ્વી પરના હરકોઈ ભૌતિક તત્વને એક ખેલ માત્ર ગણી એના ખેંચાણની અવહેલના કરી. આમ ભૌતિકતા અને મનેન્દ્રિયોના વિષયોની નશ્વરતાને યથાર્થ ભાવે સમજી ‘કાળીનાગ’ – કાળ એટલે સમય – યાને સમય રૂપે સતત ફૂંફાડા મારી પોતાની ચૂડમાં લેતી આ વિશ્વની ઝેરીલી જ્વાળાઓને પોતાના અંકુશમાં લીધી.

અહીં જ્યારે ‘કાળીનાગ’ની – ‘શેષનાગ’ની – વાત નીકળી છે ત્યારે આપણા હાથ ગ્રહેલ મુદ્દાનું સહેજ ઊંડું વિશ્લેષણ અસ્થાને ન ગણાશે. તો ‘શેષ’ શબ્દને સહેજ ઊંડાણથી સમજીએ. શેષ એટલે જે બાકી રહે તે. આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે જે સર્વ કાંઈ વ્યક્તરૂપે બહાર આવ્યું તે સૌ શબ્દબ્રહ્મના ‘एकोऽहम् बहुस्याम्’ ના શબ્દવિસ્ફોટ રૂપે વિસ્ફુરિત થયું. Bible પણ ”First there was ‘Word’. … God said, ‘Let there be Light and there was Light.” શબ્દો દ્વારા એની પૂર્તિ કરે છે. આમ વિશ્વરૂપે જે કાંઈ સ્ફુટ થયું તે બ્રહ્મની સર્જનશક્તિના એક નાનકડાં અંશ રૂપે બહાર આવ્યું. આમ જેમાંથી આ ‘વિશ્વાંશ’ સ્ફુટ થયો તે તો એ ‘અંશી’ એટલે પરબ્રહ્મ પર્તમાત્માનો એક ટચુકડો ભાગ છે. પરમાત્મા પાસે તો અપરિમિત શક્તિ ભરી પડી છે. એ જે કાંઈ શેષ રહ્યું તે ‘ઉચ્છિષ્ટ’ Residual – (શેષસિધ્ધાંત-Remainder-principle) કે જેમાં અનેકાનેક વિશ્વોના નવસર્જનની સર્વ સંભાવના સમયનાં પરિજ્ઞાનમાં ભારોભાર છૂપી પડી છે તે ‘ઉચ્છિષ્ટ’ એવા સહસ્રફણાધારી ‘શેષનાગ’ને પોતાનું શયન બનાવી, ભાવિ નવજાગૃતિ પ્રેરિત અનેકાનેક સર્જન પર પોતાનો સર્વ અધિકાર પ્રસ્થાપિત કરતી ભાવિ સંભાવનાઓના એંધાણ દ્વારા સમય પર પોતાનો સર્વાધિકાર દર્શાવતું શ્રીકૃષ્ણાવતાર રૂપી ભગવાન વિષ્ણુનું શયન, તે છે શેષનાગને નાથવાનું એમનું બાલકાર્ય.

બ્રહ્મસ્વરૂપ શ્રીકૃષ્ણને ‘કારણાર્ણવશાયી’ પણ કહ્યા છે. અર્ણવ એટલે સમુદ્ર. વિશ્વોત્પત્તિના કારણરૂપ સમુદ્ર પર જેનું શયન છે તે કારણાર્ણવશાયી વિષ્ણુ, શ્રીકૃષ્ણના અવતાર. સૃષ્ટિનિયન્તાનું એ શયન, જ્યાં સુધી આ સૃષ્ટિ એના સર્જનના મૂળ કારણ, જેમાંથી એ ઊપજી છે તેમાં, લય ન પામે ત્યાં સુધી, કાલાબાધિત રૂપે શેષ રહી આ વિષ્વની ઝેરીલી કાળશૃંખલાને નાથતા, સમયાધિપતિ શ્રીવિષ્ણુ ભગવાનનું એ શેષશયન અખંડિત રૂપે ચાલુ રહેશે. જ્યાં સુધી કારણ લુપ્ત ન થાય, કાળ એના મૂળ કારણમાં સમાઈ જઈ એ સાથે એકરૂપ ન બની જાય, ત્યાં સુધી સર્જનનો અંત ન આવે. આપણે પણ જ્યાં સુધી આપણે જ્યાંથી, જે તત્વમાંથી, ઊપન્યાં તે તત્વમાં એકરૂપ થઈ એમાં ભળી ન જઈએ, ઈશ્વરરૂપ ન થઈ જઈએ, ત્યાં સુધી આપણા આ જીવનનો અંત ન આવે. આ જન્મનો જે પરમ અને અંતિમ હેતુ છે, જેને કારણે આપણે આ પૃથી પર આવ્યાં છીએ તે હેતુ સિધ્ધ ન થાય, આપણાં સર્વ કર્મોનો લય ન થાય, ત્યાં સુધી, યાને આપણા આ જન્મનો મૂળ હેતુ પાર પડે પછી જ આપણે માટે પુનર્જન્મોની સંભાવના અદૃષ્ય થાય. આમ આપણો મૂળ હેતુ,  આપણાં આ ક્ષણભંગુર  જણાતા  જીવનમાંથી ચિરંતન મુક્તિ સિધ્ધ ન થાય ત્યાં સુધી આપણે માટે એ શેષશાયી ભગવાન વિષ્ણુનું એ શેષશયન ચાલુ. ત્યાં સુધી એના, સૃષ્ટિના સર્જન-વિસર્જનના, ભગવાન શ્રીકૃષ્ણ અધિષ્ઠાતા. ત્યાં સુધી શેષનાગના, આ સમયરૂપી વિષનાગના, એ ઝેરી ફૂંફાડા પણ ચાલુ.. ત્યાં સુધી આપણે માટે એ ‘શેષશાયી-સર્વાત્મા’ સમય પરની પોતાની અધિકૃતિ જાળવી રાખે. એક વાર આપણે આ સમય-બાધિત ભવસાગર પાર ઊતરી ગયાં પછી બંધન શું અને મુક્તિ શું? પછી તો સર્વ કાંઈ એકાકાર. જ્યાં ખુદ જાણનાર જ ન રહ્યો પછી જાણવાનું શું?

આમ ઈશ્વરી તત્વથી માનવીને સતત વિમુખ રાખતી સદાય વિષ ઝરતી ઈન્દ્રિયોને નાથી, એના વિષઝર ફૂંફાડાઓને શાન્ત કરી, સમગ્ર વિશ્વનું સંવર્ધન કરનાર વિષ્ણુ સ્વરૂપે એ ભાવિ સમય રૂપી કાળી નાગને પોતાની શૈયા બનાવી, એ શેષશૈયા રૂપી સમયને નાથ્યો. આ પ્રમાણે કાળથી પર એવા યોગાધિરાજ કૃષ્ણનું કાળીનાગને નાથી સમય રૂપી શેષનાગનું શયન આપણને જીવનનું ઉચ્ચતમ તત્વ સમજાવી જાય છે. એ તત્વ સમજી, એને આપણાં આ જીવનમાં વણી, આપણને મળેલ આ અમૂલ્ય જીવનને વેડફી ન દેતાં એને ઉપર ઉઠાવવાનું ભગવાન શ્રીકૃષ્ણ આપણને  આહવાન આપે છે. સંસારની હરકોઈ નાશવંત વસ્તુને એક મહાન યોગીની નજરથી નિહાળી, એ સર્વ વસ્તુથી જળકમળવત રહેવા વિશ્વનો એ શ્રેષ્ટ યોગવીર આપણને ઉદ્બોધે છે. આથી ભગવાન શ્રીકૃષ્ણનો ગોપીઓ સાથેનો રાસ, જાગતિક દર્શનમાં દેખાતી રાસલીલાની ભૌતિક ઉપભોગની કોઈ નાચ-ગાનની વસ્તુ પ્રતિ ન લઈ જતાં, આપણાં આ પંચતત્વનાં ખોળિયામાં રહેલ કૃષ્ણ રૂપી આત્માએ ગોપી રૂપી ઈન્દ્રિયોનો સંયમ આ સંસારમાં રહીને શી રીતે રાખવો તેનું સ્પષ્ટ દર્શન કરાવે છે. એ જ પ્રમાણે, સરિતસ્નાન કરતી ગોપીઓનાં વસ્ત્ર હરણ કરનાર કૃષ્ણનું એ કૃત્ય બાહ્ય દૃષ્ટિએ અપવિત્ર, અથવા  છેલ છબીલા ગોપાળની  ગમ્મત  રૂપે  લેવાયું  છે. વાસ્તવમાં એ દૃશ્ય તો છે – શૃંગારનાં વસ્ત્રો – યાને  ગોપી રૂપી ઈન્દ્રિયોની રંજન સામગ્રી, jeજેને દૂર કરી, પોતાનું એવું સૌ કાંઈ છોડી, સંસારના કોઈ પણ રંજાડ વિહોણા મોકળાં મને, અને મુક્ત ભાવુક અંતઃકરણે પોતાના સર્વસ્વનું પ્રણિધાન કરી, ઈશ્વર-સન્મુખ બની, દેખાડવાનાં દેહવસ્ત્ર નહિ, પરંતુ શ્રીકૃષ્ણે આપેલ મન, ઈન્દ્રિયોનું પાવિત્ર્ય જાળવી એ શુભ્ર      આંતરવસ્ત્રથી આપણી જાતને શણગારવાનું આપણને આવાહન. સરિતસ્નાન કરતી ગોપીઓનાં વસ્ત્ર-હરણ દ્વારા સર્વ કાંઈ ત્યજીને પોતાની જાત ઈશ્વરને સોંપવાનો અનુરોધ છે. ભગવાન કૃષ્ણ કહે છે કે બધું છોડી,તમે તમારા મૂળ રૂપે – ‘નગ્ન સ્વરૂપે’  – એટલે કે બાહ્ય બધી જ વળગણો છોડી,- મારી પાસે આવો. હું એવા તમારી રાહ જોઈને જ ઊભો છું.આમ ગોપીઓ સાથેનો રાસ અને ગોપીઓનાં ચીરહરણ,- અને ચીર એટલે રેશમી વસ્ત્રો નહિ, પરંતુ બાહ્ય શૃંગાર જે ઈન્દ્રિયોનો વિષય છે, જે આપણી મનોવૃત્તિનાં બાહ્ય ચંચલ અડપલાં છે, , જેને કારણે શ્રીકૃષ્ણ પ્રતિનો આપણો ભક્તિભાવ ઢંકાએલો રહે છે,તેનું હરણ કરી, તેને દૂર કરી ઈશ્વરાભિમુખ બનવાનું ઉદ્બોધાયું છે

આમ પૂતના અને રાક્ષસોના પ્રાણ હરનાર કૃષ્ણ હિંસાવાદી ન હતા. માખણચોર કનૈયો ચોર ન હતો, ગોકૂળની ગોપીઓ સાથે રાસ રમતો કાનુડો ભોગી ન હતો. દ્વારિકાધીશ કૃષ્ણ કોઈ સંગ્રહખોર રાજાધિરાજ નહીં, પરંતુ જેણે જીવનનું સાચું દામ, સાચું રહસ્ય પિછાન્યું છે એવા આ અનેક દ્વાર વાળી ‘દેહરૂપી દ્વારિકા નગરી’ના અધિપતિ એ કૃષ્ણ આપણ સૌમાં રહેલ આત્મતત્વ છે. રાક્ષસો એ આપણા સૌમાં ઘર કરી રહેલ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ,માયા, મત્સર, અભિમાન, ઈર્ષ્યા, અસૂયા રૂપી દુશ્મનો છે, જેનો વધ કરી, યોગેશ્વર શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ગીતા દ્વારા ચીંધેલ કર્મ, જ્ઞાન, ધ્યાન, ભક્તિ કે શાસ્ત્રોમાં ચીંધેલ કોઈ પણ યોગ દ્વારા આપણા સૂક્ષ્મ પ્રાણને જાગ્રત કરી, એ દ્વારા પ્રાપ્ત થતાં અંતર-આનંદના ‘રાસ’થી આપણાં મન, ઈંદ્રિયોને શુદ્ધાતિશુદ્ધ કરી, આંતરમુખ થઈ, આત્મ-જાગૃતિ દ્વારા આપણી અંદર વસેલ ‘રામ’ને જગવી, જીવનમુક્ત થવાનો અનુરોધ કરાયો છે.

‘રાસ’ માટે બીજું એક અનોખું અને સૂક્ષ્મ દર્શન છે, જે ઉપર દર્શાવેલ દૃષ્ટિબિંદુ કરતા વધુ સુસંગત છે. પરંતુ એને સમજવું કાંઈક કઠિન છે. આમ છતાં જેઓએ પૂરતી સાધના કરી છે, જેઓ પોતાની અંદર થોડાં પણ ઊતરેલાં છે તેમને એ સમજાશે, એ સ્વીકારી એનો પણ આંશિક ઘટસ્ફોટ અત્રે કરવો ઉચિત સમજું છું. એમાં  છે ‘પ્રાણ’ની જાગૃતિની વાત. અને આ પ્રાણ તે આપણે શ્વાસમાં લઈએ તે  પ્રાણવાયુ નહીં, પરંતુ આપણી નાડીઓમાં સંચરતા સૂક્ષ્મ પ્રાણ (Vital Life Energy, Subtle Vital Energy- Currents in our Body) ની જાગૃતિ, જે દીર્ઘ કાળની સાધના દ્વારા શક્ય બને છે. જેનું શરીર અને મન યોગિક ક્રિયાઓ દ્વારા પરિશુદ્ધ થઈ ગયું હોય, તેમના સુપ્ત પ્રાણ, પૂરતા પુરુષાર્થ બાદ, જાગૃત થઈ જાય છે. એક વાર આપણા શરીરમાં આ પ્રાણ – ચેતનાના સૂક્ષ્મ પ્રવાહો – જાગૃત થઈ જાય, પછી સમગ્ર શરીરમાં એક અદભૂત ક્રિયા શરૂ થાય છે, જેનું વર્ણન શબ્દોમાં કરવું શક્ય નથી, કારણ એ કેવળ સ્વાનુભૂતિનો વિષય છે. આખા શરીરમાં, પગથી માથા સુધી,  એક અત્યંત વેગીલો અને આહ્લાદક ઝંકાર શરુ થાય છે જે દિન રાત ચાલે છે. ખાસ કરીને સવારે ઊઠીએ ત્યારે, ધ્યાનમાં, અને કોઈ કારણે અડધી રાતે જાગૃત થઈ જઈએ તો તે સમયે પણ , એ પ્રવાહ એવો તો જલદ બની વહેતો હોય છે, સમગ્ર શરીરમાં (from top to toe) એક એવું નર્તન શરુ થાય છે, આપણા અંતઃકરણને એક એવા તો અભૂતપૂર્વ આનંદથી ભરી દે છે કે જે શબ્દાતીત છે.

અહીં મને ભક્ત કવિ તુલસીદાસની પેલી જાણીતી ઉક્તિ યાદ આવે છે. તુલસીદાસે ‘ભજ મન રામચરણ સુખદાયી’ ભજનમાં કહ્યું છેઃ “જિન ચરનનસે નિકસી સુરસરિ શંકર જટા સમાઈ; …”. સહેજ વિચારવા જેવું છે. શંકર તો ક્યારના, પરાપૂર્વના થઈ ગયા. દશરથપુત્ર રામ તો એમની પછી થયા. તો રામના ચરણમાંથી નીકળેલ સુરસરી – ગંગા – શંકરની જટામાં શી રીતે ગઈ? આપણાં શાસ્ત્રોનો, આપણા સંતોનો જે વારસો છે તે અદભૂત છે, માપ્યો મપાય એમ નથી. શાસ્ત્રોએ અને સંતોની વાણીએ જીવનનું મૂળભૂત તત્વ શબ્દો અને બાહ્ય રૂપે લોકભોગ્ય બનેલ વર્તાઓમાં અદભૂત રીતે ગૂંથી   આપણી સંસ્કૃતીને ન કળી શકાય એવું સૌષ્ઠવ બક્ષ્યું કર્યું છે જેનો જોટો જગતમાં મળે એમ નથી. ચાલો, આપણે જરા ઊંડા ઊતરી આ બાહ્ય રીતે વિચિત્ર લાગતી ઉક્તિને જરા ઊંડાણથી વિચારી એમાં સંગ્રહાએલ તત્વને પામવા કોશિશ કરીએ.

એક વાત સ્પષ્ટ છે. આપણાં શાસ્ત્રો જે કાંઈ કહે છે તે સૌ ખુદ આપણે માટે લખાયું હોઈ આપણને, ચિંતનપ્રિય એવી સમગ્ર માનવજાતને, સ્પર્શે છે. કહ્યું છે, ગંગામાં સ્નાન કરવાથી આપણાં સર્વ પાપ નષ્ટ પામે છે. ગંગાનદીનું પાણી ખૂબ ખૂબ શુધ્ધ છે એ વૈજ્ઞાનિક રીતે પૂરવાર થએલ વસ્તુ છે. અને જે કાંઈ પોતે શુધ્ધ છે તે જ શુધ્ધ કરવાની શક્તિ ધરાવી શકે. હા, એ પાણીથી શરીર અવશ્ય શુધ્ધ થાય; પરંતુ એનાથી મનનાં પાપ ધોવાય એ વાત સુસંગત નથી. એ રીતે જો પાપ ધોવાતાં હોય, તો પાપ કરતા રહો, પછી ગંગામાં ન્હાહ્યાં કરો, અને એ રીતે કરેલ પાપો ધોતા રહો; જે સામાન્યતઃ ઘણાં ઘણાં લોકો કરે છે. પણ જેણે વિચારીને વિચારપૂર્ણ જીવન જીવવું છે તે આ ઉપરછલ્લી વાત ક્યારે ય ન સ્વીકારશે. એ એમાં ઊંડે ઊતરશે. તો હવે આગળ વધીએ. સુર એટલે દેવ. સુરસરિ એટલે દેવનદી. દેવ આપણને જીવનદાન આપે. આપણામાં જિવતદાન આપનાર તત્વ કયું છે જે આપણાં આ શરીરમાં, અરે વિશ્વની રગેરગમાં નિત્ય વહેતું રહે છે? જે આપણને સદા ય શુધ્ધ રાખે છે? જેના વિના આપણી, આ સમગ્ર વિશ્વની, હસ્તી શક્ય નથી? એવું એ એક જ તત્વ છે, અને તે છે વિશ્વનાં ચરાચરમાં નિત્ય નિવસતી ‘પ્રાણશક્તિ’.

માતાના ઉદરમાં ગર્ભાધાન થાય તેની સાથે જ એ સૂક્ષ્મ પ્રાણતત્વ પ્રવેશે છે. બાળકને એ તત્વ પોષે છે.બાળક જન્મે, મોટું થાય અને આ જગતમાંથી વિદા લે, તેની સાથે જ એ સૂક્ષ્મ પ્રાણ વિદા થાય, અને શરીરનું આ ખોખું ભસ્મીભૂત થઈ જાય, કે માટીમાં મળી જાય. આમ એ પ્રાણતત્વ આપણા આ જીવનને ધબકતું રાખે; પરંતુ એને આપણે સ્વ-પુરુષાર્થ વડે જાગૃત ન કરીએ તો અત્યંત સૂક્ષ્મ રૂપે કાર્ય કરતી એ જીવનશક્તિનો આપણને જીવંત રૂપે સીધો પરિચય ન થાય. અને આપણામાં રહેલ એ પ્રાણને જાગૃત ન કરીએ ત્યાં સુધી આધ્યાત્મિક માર્ગે આપણો ઉત્કર્ષ પણ મર્યાદિત જ રહે. વિવેકયુક્ત રીતે કરેલ સત્કર્મ, નિરાડંબરી સત્વશુધ્ધ અંતઃજ્ઞાન, ભાવપ્રચૂર શ્રધ્ધાભક્તિ, તેમ જ દ્રવિત ભાવે પ્રભુને સમર્પિત કરાએલ સ્વાર્થહીન આંતરપ્રાર્થના દ્વારા થએલ આત્મસમર્પણ, – આ અને આવાં યોગિક કર્મો દ્વારા પ્રાણજાગૃતિ અવશ્ય સંભવિત બને છે. અને એ જ્યારે થાય છે ત્યારે આપણું આ જીવનપુષ્પ અદભૂત રીતે ખીલી ઊઠે છે, આપણને આપણાં અંતઃસ્તત્વનો પ્રત્યક્ષ પરિચય થાય છે, આપણી રગેરગમાં જીવંત બનેલ એ પ્રાણ આપણાં આ ક્ષુલ્લક જેવા બની રહેલ જીવનમાં એક અનેરો રંગ પૂરી એને નવપલ્લવિત કરે છે. એની રગેરગમાં એક અભૂતપૂર્વ નર્તન ભરી દે છે. પ્રાણની એ જાગૃતિથી આપણા પગના અંગૂઠાથી માંડી શિર સુધી એક અનવગણ્ય પ્રવાહ ફરી વળે છે જે પ્રવાહ અત્યંત પવિત્ર અને આપણી સમગ્ર હસ્તીને આંતરશુધ્ધિથી પરિપ્લાવિત કરી આ જીવનને ધન્ય બનાવી રહે છે.

દિનરાત ચાલતું  સૂક્ષ્મ પ્રાણનું એ નર્તન એક અદભૂત અને ક્યારે ય ન  ભુલાય એવો રાસ છે,  જે સાધકને આંતરતત્વ પ્રતિ ખેંચી રાખે છે.  એનો આનંદ પણ અનેરો છે. જાગતિક મોજ મઝાથી મળતો, કે પ્રિયતમ અને પ્રિયતમાના મિલનમાંથી મળતો દુન્યવી આનંદ એની તોલે ન આવે. એ એક અભૂતપૂર્વ અંતઃસ્ફૂરણા છે જેનાથી આપણું શરીર મન જ  નહીં, આપણી સમગ્ર હસ્તી પુલકિત થઈ નાચી ઊઠે છે. એ શબ્દાતીતને કૃષ્ણ અને ‘ગોપીઓનો રાસ’ કહી શાંત રહેલા જ સારા. આપણને એ એવું તો ખેંચી રાખે છે કે કોક કારણે જો એ શાંત થઈ જાય – અને સંસારની ક્ષુલ્લક વાતોમાં નિમગ્ન હોઈએ ત્યારે એનો ઝંકાર અવશ્ય શાંત પડે છે;- ત્યારે ‘આપણે આપણું એવું કાંઈ ગુમાવ્યું છે’ એવો એક આંતર-ભાવ અનુભવીએ છીએ. આમ એ જાગૃત થએલ પ્રાણ ઝંકાર અને એની સ્મૃતિ એની યાદ વડે આપણા મન અને અંતઃકરણની વૃત્તિઓને આંતરમુખી, ઈશ્વરાભિમુખ બનાવી રાખે  છે, અંતરને અધ્યાત્મગામી બનાવતું એ ઉત્થિત પ્રાણનર્તન છે ગોપ-ગોપીઓનો રાસ. એ નર્તન, એ રાસ છે પ્રેમઘેલાં ‘ગોપ-ગોપીઓ’ની -એ નર્તનમાં ડૂબેલ સાધકની- રગેરગમાં નવપ્રાણ પૂરતી એક અદભૂત. અને અવિસ્મૃત અનુભૂતિ. સાધક એકવાર આ અનુભવે પછી દુન્વયી ક્ષુલ્લકતામાં એની રુચિ નથી રહેતી. એ એનાથી કાંઈ કેટલાંએ જોજન ઉપર ઊઠી ગયો હોય છે. એનું અહમ લુપ્ત થઈ જાય છે.

‘અહમ’ને કારણે જ્યારે  આપણને આપણી ક્ષતિઓ, આપણી મર્યાદાઓ ન દેખાય ત્યારે આપણે આપણું પોતાપણું ગુમાવી આંતરતત્વથી વિમુખ થઈએ છીએ. પૂતના કહો, કંસ કહો કે કોઈ પણ ઉપનામ આપો; એમનામાં દેખાતી અનેક દુર્વૃત્તિઓ આપણામાં પણ છે. એ આપણી જ દુર્વૃત્તિઓનું પ્રતીક છે.   મૂળભૂત રીતે પવિત્ર એવાં આપણે જે કાંઈ અયોગ્ય છે, તજવા જેવું છે, તેનો જાણ્યે અજાણ્યે શિકાર બની, આપણાં આ કીમતી જીવનને વેડફીએ છીએ, અયુક્ત માર્ગે લઈ જઈએ છીએ. એવે સમયે આપણામાં ‘કંસ’ અને ‘પૂતના’ કાર્યારત બન્યાં એમ કહેવું અતિશયોક્તિ ભર્યું નથી. એ રાક્ષસી દુર્વુત્તિઓનો ત્યાગ કરી, સર્વસ્વીકૃત એવી  માની લીધેલ ભૌતિક ભભકોના શિકાર ન બનતાં, આપણા બગડતાં દૂધમાં ગુપ્ત રૂપે રહેલ  અર્કનું પોતાને અને અન્યને પાન કરાવીએ, સામુહિક હાની નોતરવાને બદલે  એને વલોવી વલોવીને, પૂરતું મથન કરતાં, યોગ્ય દિશાનું ચિંતન કરી, સ્વ- ઉત્કર્ષનો માર્ગ અખત્યાર કરીએ એ જરૂરી છે. આપણી એ સ્વ-જાગૃતિ છે- ભગવાનને (‘भग’ એટલે પવિત્ર ) માર્ગે આપણું પ્રયાણ. એટલા માટે જ મહાપુરુષોએ ‘उत्तिष्ठत, जागृत,  प्राप्य वरान्निबोधत’  નો ઉપદેશ આપ્યો છે.

આપણા સૌમાં બાળક રૂપે સર્વેન્દ્રિયોનો વિજ્ઞાતા ‘ગોવિંદ’- જે કૃષ્ણની સર્વજ્ઞતાનું સૂચક છે એ ‘ગોવિંદ’- છુપાએલ છે. આમ આપણે જ વિવિધ રૂપે એ બાલકૃષ્ણ છીએ. પરંતુ અરેરે! આપણને એ ગર્ભિત સત્યનું ભાન નથી; અને હોય તો એ પ્રતિ આંખમિચામણાં કરીએ છીએ.          એક વાર આપણે જીવનના આ મર્મને સમજી લઈએ તો બાકીની વસ્તુઓ સમજવી સરળ રહેશે. એક વાત સ્પષ્ટ છેઃ આપણે જે પરમ તત્વમાંથી ઊપન્યાં છીએ, જે પરમ તત્વના અપણે અંશ છીએ, તે તત્વમાં ભળી તેની સાથે એકરૂપ થઈ જવું એ છે આપણાં આ ક્ષણિક જણાતા જીવનનું ધ્યેય. તેને, આપણું જે આ ‘પોતાપણું’ છે તેને, અવગણી આપણાં ‘પરમતત્વને’, ઈશ્વર સાથેના આપણાં નિર્મિત મિલનને, ન પામીએ, ત્યાં સુધી જન્મ-મરણના આ ફેરાઓમાંથી મુક્ત થવું શક્ય નથી.

જુઓઃ ‘गोकुळ’ એટલે  ઈંદ્રિયોનું  કૂળ. ‘गोविंद’ એટલે જે સમગ્ર ઈંદ્રિયોનાં કાર્યને, એનાં તત્વને, પૂર્ણરૂપે જાણે છે, અને આથી જેને એણે સંપૂર્ણપણે પોતાના વશમાં કરી છે, આવી જે ઈંદ્રિયો એના આધિપત્ય હેઠળ રહી કાર્યારત બને છે, તેનો જ્ઞાતા, ગીતાનો ‘ક્ષેત્રજ્ઞ’, તે ‘गोविंद’. ઈંદ્રિયો નકામી અને ફેંકી દેવાની વસ્તુ નથી. એને સુયોગ્ય માર્ગે વાળી આપણાં સ્વ-ઉત્થાનમાં પલોટવાની છે. એમ જો બને તો એનું વર્ધન થાય. એ પ્રકારની  શુદ્ધ બનેલ ઈંદ્રિયોને જે ધારણ કરે છે,  એના પર જેનો સંપૂર્ણ કાબૂ છે, તે છે ‘ગોવર્ધન-ધારી’ કૃષ્ણ. એવો એ કૃષ્ણ અહીં અટકી જતો નથી. એના, શ્રીકૃષ્ણના પ્રેમભાવમાં ડૂબી જેનું વર્ધન થયું છે, જે વિશુદ્ધ બની છે, એવી ઇંદ્રિયોને, એટલેકે કનૈયાના નિત સહવાસમાં રહેતાં ગોપ-ગોપીઓને પૂનિત માર્ગે વાળી, ઈન્દ્રિયોના રાજા ઈન્દ્રે મોકલેલ અંતરાયોને નગણ્ય કરી ,   એમનું સર્વદેશીય ઉત્થાન કરીને એમને એ રક્ષણ આપે છે.  યાને આપણામાં ઈન્દ્રિયોનું જે વર્ચસ્વ છે તેને દૂર કરી, આપણામાં રહેલ જે કૃષ્ણ રૂપી ચેતના છે તેને જગાડી, આપણને અધ્યાત્મપાન કરાવી, સાચું રક્ષણ આપે છે. આમ, ગોપ-ગોપીઓને – આપણી ઈન્દ્રિય-પ્રચુરતાને – યોગ્ય માર્ગે વાળી, આપણા સાચા ‘સ્વ’ને યોગ્ય મરોડ આપી, વૃંદાવનનાં ગોપ-ગોપીઓનો, એટલે કે આપણા સૌનો ઉદ્ધાર કરે છે.

અને આ ‘વૃંદાવન’ એટલે અનેકાનેક સારા-બૂરા વિચારો, ભાવો, લાગણીઓના સમૂહ ઋપી વન, એટલે કે જેનો પાર ન પમાય એવું અનેકાનેક ગલીકૂંચીમાંથી આપણને સદા ય અટવાવતું-ઘુમાવતું એવું આ મગજ, આપણું આ મન, તે છે ‘વૃંદાવનની કૂંજગલી’ જેના દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ અનેકાનેક લીલાઓ સર્જે છે. આવા આ મગજની આંતર-રચના બિલકુલ કૂંજગલી જેવી નથી શું? અને એમાં ઘર કરી રહેતાં આપણાં આ મનનું કાર્ય પણ એવું જ ગૂંચવણ ભર્યું છે ને! એવાં એ વૃંદાવનમાં ઈન્દ્રિયો રૂપી ગોપગોપીઓ સાથે જે વિહાર કરે તે ‘વૃંદાવન-વિહારી’ બાલગોપાલ કનૈયો. એવો ‘એ’ વૃંદાવનમાં રમતો રહી આપણને સદા ય શીખ આપી રહ્યો છે કે જેને આપણે સૌ ‘મારું’-‘મારું’ કહીએ છીએ તે, ‘મારું’ હોવાને કારણે મારાથી,જે મારામાં વસેલો છે તેનાથી,કંઈક અલાયદું છે, જૂદું છે, અને આથી વાસ્તવમાં એ ‘હું’ તે આપણું આ શરીર નથી. એ ‘હું’ આ શરીરથી જૂદો છે. આમ એ શરીરને અને સૌ કાંઈને જાણનાર અને એની જાણ કરાવનાર આપણું જે અંતસ્તત્વ છે તે ‘હું’, યાને આપણો ‘આત્મા’, ખુદ ‘ગોવિંદ’, એટલે કે આપણે પોતે.

એવો એ ‘ગોવિંદ’ આપણામાં અધ્યાત્મનું જે સાચું તેજ છે, જે પૂર્વસંચિત જ્ઞાન રૂપે આપણામાં રહેલું છે, તે તત્વને નીચોવી નીચોવી કાર્યારત બનાવી, એ સાચા  આંતર-જ્ઞાનને આધારે એનો દોહનાર બની, ઉપનિષદના ‘सर्वोपनिषदो गावो, दोग्धा गोपालनंदनः’ ઉદ્ગારનું સત્ય આપણને પીરસે છે. યોગ્ય દિશાનો પુરુષાર્થ આપણે કરવાનો છે અને એ કર્યા પછી આપણી જીવનનૌકાનું સૂકાન એને સોંપવાનું છે.

અહીં પ્રશ્ન એ ઊઠે છે કે સૌમાં કાનુડાની રાધાનું સ્થાન ક્યાં? એ વિચારીએ તે પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે સદૈવ સંકળાએલી ‘રાધા’ કોણ, આ રાધા એ કયું તત્વ છે, તે સમજવું જરૂરી છે. સંસ્કૃતમાં ‘रा’ એટલે પ્રકાશ, અને ‘धा’ એટલે ધારણ કરનાર. પ્રકાશ ધારણ કરનાર તે ‘રાધા’. આ પ્રકાશ તે બાહ્ય પ્રકાશ નહિ, પરંતુ  ‘અંતઃપ્રકાશ’. આ અંતઃપ્રકાશ શું છે? પ્રકાશ જીવન આપે એટલું જ નહીં; એ સ્વયં જીવનતત્વ છે. આપણા આ જીવનનું કોઈ અંતઃતત્વ હોય, તો તે છે પ્રેમ,  એ પ્રેમ કે જે જે આ જીવનને પ્રકાશિત કરે છે, જેના વિના આ જીવન અંધાર છે તે પ્રેમ; યાને કોઈ પણ પ્રકારના મિશ્રણ વિનાનો શુદ્ધાતિશુદ્ધ પ્રેમ. પ્રેમ વિના સૌ કાંઈ અંધકારમય છે. અંદરનો એ ‘પ્રેમ’ ત્યારે ખીલે જ્યારે આપણામાં ‘ભક્તિ’ પ્રવેશે. અને ‘ભક્તિ’
આંતરપ્રેમ વિના પરિપ્લાવિત ન થાય. પ્રેમ અને ભક્તિ બન્ને પારસ્પરિક છે. એક વિના બીજું નથી. ભક્તકવિ તુલસીદાસે આથી જ  ગાયું , ‘બિનુ ભક્તિ ભવસિંધુ ન તરહિ’. ભક્તિ એ યોગની ચરમ સીમા છે. યોગી સાધક પ્રગતિ કરતો કરતો અંતઃસ્ફુરણ દ્વારા પ્રાપ્ત થતાં આંતરજ્ઞાન પ્રતિ વળે ત્યારે ભક્તિનું પ્રથમ પુષ્પ ખીલતું નજરે પડે. જ્યારે સાધક મન-બુદ્ધિને અતિક્રમી, ‘Transcend’ થઈ, એ ક્ષેત્રની ઉપર ઊઠે છે, ત્યારે એનું અંતરંગ ખીલી ઊઠે છે. એમાંથી જ્યારે એ બહાર આવે છે ત્યારે, અંતર-બાહ્ય હરકોઈ રીતે એ પરિપ્લાવિત અને પુલકિત થઈ નાચી ઊઠે છે. જ્યારે સાધક આ કક્ષાએ પહોંચે છે ત્યારે એનામાં શુદ્ધ પ્રેમથી તરબોળ  શુદ્ધાતિશુદ્ધ ભક્તિ પરિપ્લાવિત થાય છે, અને એને સર્વત્ર પ્રકાશ જ પ્રકાશની અનુભૂતિ થાય છે. પોતે જાણે સર્વ કાંઈ પ્રાપ્ત કરી લીધું હોય એવો એક આત્મસંતોષ એ અનુભવી રહે છે. આ જ્ઞાન, ભક્તિ અને પ્રેમ-પ્રકાશની જીવંત પ્રતિમા તે ‘રાધા’. આમ ‘રાધા’ એ સ્વયં પૂર્ણ પ્રકાશરુપ ‘પ્રેમ’ છે.    પ્રેમાભક્તિથી દીપ્ત એવું ભગવાન શ્રીકૃષ્ણનું જ એ પ્રેમપાસું છે જે એમનાથી ક્યારે ય અળગું થતું નથી. આમ રાધા એ કૃષ્ણની જ એક બાજુ છે, એમનું એક પાસું છે. એમનાથી અલગ  એવી એ કોઈ સ્વતંત્ર હસ્તી નથી. જેમ મા ભગવતી ઉમા, અને ઉમાપતિ ભગવાન શિવ, બન્ને એકબીજાના ભાગ જ છે, જેમને આપણાં શાસ્ત્રે ‘અર્ધનારીશ્વર’ રૂપે પૂજ્યા છે, તે જ પ્રમાણે રાધા એ શ્રીકૃષ્ણની પ્રેમરૂપ ભક્તિપ્રભા છે. આથી જ ભક્ત નારદે ભક્તિને ‘ सा त्वस्मिन् परम प्रेमरूपा’- ‘ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યેનો સર્વોત્કૃષ્ટ પ્રેમ’ કહી, એને  ‘अमृतस्वरूपा’ કહી નવાજી છે.

આપણે ભક્તિ તત્વ પર આવ્યા છીએ, અને ભક્તિ આપણાં આ જીવનનું ચરમ લક્ષ્ય છે, તો એને આપણે સહેજ વિસ્તારથી જોઈએ. ભક્ત કવિ નારદ ભક્તિપ્રચુર હતા. એમણે એ વિષે જે કાંઈ કહ્યું છે તે અંતિમ જ હોવાનું. તો ‘નારદ ભક્તિ સૂત્ર’ એ વિષે શું કહે છે તે જરા જોઈએ. જે સાધકે ભક્તિ રૂપી અમૃતનું પાન કર્યું છે તે કેવો હોય છે, તે વર્ણવતા નારદ કહે છેઃ ‘यल्लब्ध्वा पूमान् सिद्धो भवति, अमृतो भवति, तृप्तो भवति’. અહીં ‘सिद्ध’ એટલે જેને પાતંજલ મુનિએ અષ્ટસિદ્ધિ કહી છે તે નહીં,પરંતુ ઈચ્છિત ધ્યેયપ્રાપ્તિ. આ સૌ પ્રાપ્ત કર્યા બાદ બીજું મેળવવાનું શું રહે છે? સાચો સંતોષ વાસના મટે, કોઈ પણ વસ્તુની ઈચ્છા મટે, પછી જ આવે; કારણ કે વાસના નિર્મૂળ થાય પછી જ આંતરતત્વ જાગે. અને અંતસ્તત્વ જાગી સાધક ઈશ્વરમય બને પછી એને મેળવવાનું શું બાકી રહે? પછી તો ગીતા કહે છે તેમ “यं लब्ध्वा चापरम् लाभम् मन्यते नाधिकं  ततः” યાને એ પછી એને કોઈ પણ પ્રકારની પ્રાપ્તિની ઝંખના રહેતી નથી. પછી તો ભક્ત “मत्तो भवति, स्तब्धो भवति, आत्मारामो भवति,” યાને એ ભક્ત એક  અનુપમ મસ્તીમાં આવી, સ્તબ્ધ થઈ, ‘આત્મ’માં રમમાણ થઈ જાય છે. એને સર્વ કાંઈ પ્રભુમય લાગે છે.

પરંતુ આવી ભક્તિ નિરોધ વિના ન જન્મે. કહ્યું છે, Desirelessness promotes devotion. નારદ કહે છે, ‘सा तु कर्म-ज्ञान-योगेभ्योऽपि अधिकतरा’ – આવી ભક્તિ કર્મ, જ્ઞાન કે યોગ કરતાં પણ વિશેષ છે. કારણ પછી તો એને સર્વકાંઈ ઈશ્વ્રરમય લાગે છે. આવી ભક્તિ પ્રાપ્ત શી રીતે થાય? ભક્ત નારદ કહે છે તેમ, વિષયનો ત્યાગ કરીને, ભજનમાં અખંડિત રીતે ગુલતાન રહીને, ભગવાનના ગુણનું શ્રવણ-કિર્તન કરતાં રહી, અને આ સૌ સાથે ઈશ્વરની પરમ કૃપા પ્રાપ્ત કરીને પ્રભુમય બનીએ, ત્યારે આપણામાં આવી ભક્તિ પ્લરિપ્લાવિત થાય. અને છેવટે નારદના જ શબ્દોમાં કહીશું : “तदेव साध्यतां, तदेव साध्यताम्” – ચાલો,  આપણે સૌ પ્રભુ પાસે લઈ જતું એ ભક્તિ- પાવિત્ર્ય પ્રાપ્ત કરીએ, એની જ પ્રાપ્તિમાં રત બની જઈએ.

જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે. રાધા એ કૃષ્ણનો પ્રાણ છે. કૃષ્ણ વિનાની રાધા સૂની સૂની છે. જ્યાં એ નથી ત્યાં કૃષ્ણપણ નથી. યાને કે જ્યાં સુધી આપણામાં રહેલ પ્રેમતત્વ ભક્તિ-રૂપી શૃંગારથી દીપ્ત ન બને, ત્યાં સુધી શ્રીકૃષ્ણ પ્રતિની આપણી આંતર-મજલ ખૂબ ખૂબ લાંબી છે. આપણે સ્વયં એ ‘પ્રેમાભક્તિ’ આપણાં તત્વ રૂપે ન ખીલવીએ, આપણે સ્વયં એ ‘પ્રેમસ્વરૂપા રાધા’ ન બનીએ, ત્યાં સુધી આપણાં અંતરમાં છુપાએલ કૃષ્ણને ખોળવા શક્ય નથી. આપણાં શાસ્ત્રો આપણને પુકારી પુકારીને કહે છે, “છોડ બધું, અને રાધાની જેમ પ્રેમભક્તિમાં ચૂર-ચૂર થઈ, એ વડે તરબોળ થઈ, કૃષ્ણમય બન, પછી સમગ્ર સૃષ્ટિ તારી છે.” ભગવાન શ્રીકૃષ્ણ ગીતા દ્વારા ઠેર ઠેર પ્રબોધે છેઃ “भक्त्या माम् अभिजानाति”, ભક્તિ વડે મને જાણી શકાય છે. “न मे भक्तः प्रणश्यति” મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી, “भक्तिमान्मे प्रियोनरः” જે ભક્તિમાન છે તે મને પ્રિય છે. પરંતુ એને  માટે  આપણી ભીતર રહેલ ભગવાનમાં, એટલે કે આપણને આપણા ‘પોતાનામાં’, ”સ્વ”માં,પૂર્ણ શ્રદ્ધા હોવી જરૂરી છે.

સાચું જ્ઞાન શ્રદ્ધા વિના ન આવે. “श्रद्धावान् लभते ज्ञानम्” છે ગીતાનો ઉદ્ગાર. અને આપણે આટલું ન કરીએ, જાતને ભૂલી આપણી અંદરના ‘શ્યામસુંદર’ને ન જગાડીએ, ત્યાં સુધી આ જન્મ-મરણના ફેરામાંથી મુક્તિની કોઈ સંભાવના નથી. જ્યાં સુધી આપણે સંપૂર્ણપણે ‘એનાં’ ન બનીએ, આંતર-આરજૂથી જાગી ઊઠેલ ‘અર્જુન’ ન બનીએ, ત્યાં સુધી શ્રીકૃષ્ણે અર્જુનને આપેલ ‘करिष्ये वचनं तव’ નો કોલ   સંભળાવાની શક્યતા નહિવત છે. આપણું અંતરંગ કૃષ્ણના એ ગુંજારથી ગુંજી ન ઊઠે ત્યાં સુધી ગીતાનું વાચન, પારાયણ બાહ્ય દૃષ્ટિએ યત્કિંચિત સંતોષ ભલે આપે; પરંતુ ગીતા આપણી ન બને. ગીતાને આપણે સ્વ-પુરુષાર્થ દ્વારા પચાવી, આપણી અંદર, આપણા કર્મોમાં, ઉતારવાની છે. એના થકી આપણે આપણું આ જીવન પુષ્ટ કરવાનું છે. એ થાય પછી મેળવવાનું શું બાકી રહે? એ થાય એટલે આપણે જીવન જીવી ગયાં; ત્યારે આપણામાં વસેલ પ્રેમસ્વરૂપા રાધાને આપણા અંતરને આંગણે પામી રાધાકૃષ્ણના એ દિવ્ય રાસનાં આપણે સહભાગી બન્યા હશું. બહુ સૂતાં અને ક્વચિત કાંઈક    જાગ્યાં પણ. પરંતુ જાગૃતિ-સાતત્યથી આપણે અનેક જોજન દૂર રહ્યાં. હવે જો જાગ્યા જ છીએ તો પાછા સૂવાની વાત શાને? સ્વામી વિવેકાનંદનો ‘Awake, arise and stop not till the ‘Goal’ is reached.’ નો બુલંદ નારો જીવનમાં વણી, એને આત્મસાત કરી, એના અમર ગુંજનમાં ગીતઘેલાં બની, ચાલો, આ અણમોલ જીવન દ્વારા આ ભવસાગરને તરવા કમર કસીએ. મંઝિલ દૂર નથી. લાંબા સમયથી ઘર કરી ગએલ અંધકારને હઠાવી, એની   ઉપર ઊઠીને આપણી એ મજલ શરુ કરીએ. શ્રીમદ્ ભગવદ્ગીતાની દીવાદાંડી આપણને આહવાન આપી રહી છે. એના પ્રકાશપૂંજમાં સ્નાન કરતા કરતા ચાલો, આપણી જીવન-નૌકાને નિર્ણિત માર્ગે આગળ ધપાવીએ. ‘સ્વાધ્યાય’નો માર્ગ, ‘સ્વ’ ના- આપણાં અંતરંગના – અધ્યયનનો માર્ગ,  અખત્યાર કર્યા વિના અન્ય માર્ગ આપણી પાસે નથી. તો ચાલો, આપણે આપણને પોતાને સમજીએ.

વિરમતા પહેલાં એક સ્પષ્ટતા કરવી અત્યંત આવશ્યક છે. ઉપર જે કાંઈ વિષ્લેષણ કરવામાં આવ્યું છે તે મૂળ વસ્તુની આંતરસમજ માટે થયું છે. કેટલાંક લોકો આપણા શાસ્ત્રોનાં આંતરિક તથ્યોને સમજ્યા નથી; જેને પરિણામે જેમને આપણે ભગવાન રૂપે સ્વીકારી જેમની પૂજા અર્ચના કરીએ છીએ તેની હાંસી ઉડાવે એ સ્વાભાવિક છે. જે વ્યક્તિ મૂળ વસ્તુનો મર્મ સમજે છે તેને માટે પ્રેમ અને ભક્તિનો માર્ગ સહજ, સરળ અને તીવ્ર બનવો જોઈએ. જો આવું વિષ્લેષણ, મૂળ વસ્તુના તથ્યની સમજ, પ્રેમ-ભક્તિના માર્ગમાં આડે આવે તો આપણે મૂળ પગથીયું જ ચૂક્યાં ગણાઈએ. આપણે ભગવાનને ભજીએ છીએ જે આપણા આત્મોત્કર્ષ માટે અત્યંત આવશ્યક છે. જે જ્ઞાન આપણને ભક્તિથી વિમુખ કરે તે જ્ઞાન જ્ઞાન નથી. આથી ભગવાન માટે ભગવાન પ્રતિનો, ઈશ્વર પ્રતિનો જે પ્રેમભાવ છે, ચિરંતન કાળથી જે આંતરભાવ આપણાં મૂળભૂત તત્વ રૂપે રહેલો છે છે, તેમાં અંતરાય ન આવે, અને એ ભાવ તીવ્ર બની આપણી આંતર-પ્રતિભાને દિવ્યતા પ્રતિ ઉન્મુખ કરે એ અતીવ આવશ્યક છે. પાછળ હઠવાની તો વાત જ નથી. પ્રેમાભક્તિને આપણે આપણામાં, તેમ જ આપણી આંતર-તીવ્રતા દ્વારા શક્ય બને તો આપણા સંસર્ગમાં આવતાં અન્ય સૌમાં, પરિપ્લાવિત કરવાની છે, પાંગરવા દેવાની છે. એને મૂરઝાવી દેવાની  નથી . માટે ઉપરોક્ત કથનને વસ્તુનું તથ્ય સમજવા પૂરતું મર્યાદિત રાખી, આપણી સ્વ-ઉન્નતિને માર્ગે આગળ વધતાં જઈએ એ જરૂરી છે. આપણામાં પ્રેમાભક્તિ વિકસતી રહે એ અર્થે જ આપણાં ઋષિ-મુનિઓએ એને સંદિગ્ધ રીતે અનેક વાર્તાઓમાં ગૂંથી, રાધાકૃષ્ણના રાસસાતત્ય દ્વારા રજૂ કરી છે, જેથી એમાં જળવાઈ રહેલ તત્વ નાશ ન પામે,  અને આપણો માર્ગ સરળ અને સ્વછ રહે.

એ રાહ સીધો ભલે છે, પણ સાંકડો પણ છે. ક્યાંક આસપાસ ફંટાઈ ન જવાય એની સાવધાની રાખ્યા વિના ચાલે એમ નથી; કારણ ભૌતિક આકર્ષણો, બિન જરૂરી ખેંચાણો ઘણાં છે. કહ્યું છે, “Straight is the gate and narrow the  way that leadeth unto the path of Inner Glory .”  તો ચાલો; આપણું અંતિમ ધ્યેય હાંસલ કરવાનો નિર્ણય લઈ આગે કદમ બઢાવવા કમર કસીએ. તથાસ્તુ .                                                                                                                                                                                              .                                                                              

 

પવિત્ર જીવનને પગથારે

અનેકાનેક પ્રવૃત્તિઓ વચ્ચે ધબકતું આ જીવન આખરે છે શું? આપણે પૈસા અને કીર્તિ પાછળ પડીએ, વિવિધ મોહજાળમાં ફસાઈએ, બાહ્ય આકર્ષણોમાં લપેટાતા જઈએ, અને સાથે સાથે મંદિર, મસ્જિદ કે ગિરિજાઘરોમાં જઈ આ જીવન ઝંઝટમાંથી આપણા છુટકારા માટે ઈશ્વર આગળ આપણું શિર પણ નમાવીએ. રોજ જ આપણે પ્રાર્થના કરીએ, અને એ પત્યાં પછી વળી પાછી આપણી એ રોજિંદી દિનચર્યા આટોપવામાં ગુંથાઈ જઈ, જેવા ને તેવા થઈ રહીએ. આ બધું શું છે? આપણે જે કાંઈ કરીએ છીએ તે બધું બરાબર છે કે પછી આપણે સૌ કોક ભુલાવામાં પડી  આ જીવન વમળમાં અટવાઈ રહ્યાં છીએ? આ સૌનો કોક વાર શાંતિથી વિચાર કરી,  જીવનનું તારતમ્ય કાઢવા આપણે ક્યારેય પ્રવૃત્તિશીલ બન્યાં છીએ? આ દુર્લભ જીવનને સાચા દૃષ્ટિકોણથી સમજવા કોશિશ કરી છે આપણે ક્યારેય? જો ન કરી હોય તો ચાલો, થોડું એ દિશામાં વિચારી,  સક્રિય બની, કોઈ નિર્ણિત દિશામાં આગેકૂચ કરી, જીવનનું સાચું ભાથું એકત્રિત કરવા પ્રવૃત્ત થઈએ. જો જીવનોન્નતિની ઝંખના થોડી પણ જાગી હોય તો આ જીવનને સમજ્યા વિના ચાલે એમ નથી. તો જીવનને પ્રથમ સમજીએ.

આ જીવન આખરે છે શું? કદી સારું, કદી માઠું. કદી સાચું, કદી ખોટું, આજે સુખ, વળી પાછું દુઃખ! આ બધાં દ્વંદ્વોનો કોઈ આરો જ નહીં? વળી આપણે કાંઈ સારું કરીએ, સાચું કરીએ તેનો આનંદ, અને કદાચને કાંઈ ખોટું, વણછાજતું કરીએ કે થઈ જાય, તો તેનો રંજ પણ ક્ષણે ક્ષણે સતાવે? સાચા-સારાનું સુખ અને અયુક્તનો ઉદ્વેગ! – આ સૌ આવે છે ક્યાંથી? એનો અણસાર આપે છે કોણ? કોણ છે એ જે આપણામાં છૂપો છૂપો આ સૌનો મૂક સાક્ષી બની, દિનરાત આપણી રખવાળી કરી રહ્યો છે? એક જ પગલું ખોટું ભરીએ કે એનો અણસાર આપવા એ ઊભો છે જ સમજો. કયું છે આ તત્વ જે આપણને સતત ખેંચી રહ્યું છે?

એક વસ્તુ સ્પષ્ટ છેઃ આ જીવન એક દ્વંદ્વ છે. હર ક્ષણે એની બે બાજુ છે. જો ‘હું’ છે તો ‘તું’ છે, સર્વ કાંઈ છે. જો ‘હું’ નથી તો કાંઈ જ નથી. તો જેને કારણે આ ‘હું’ છે તે શું છે? કોણ છે એ, અને ક્યાં છૂપ્યો છે? ‘એ’ની શોધ તે ‘હું’ની શોધ. આમ સૌ કાંઈનું મૂળ એવો જે ‘એ’, તે ન મળે ત્યાં સુધી સૌ કાંઈ વ્યર્થ. હા, આ જીવન પણ પણ વ્યર્થ. એને સમજ્યા, એને પામ્યાં એટલે સૌ કાંઈ પામ્યાં, આ જીવન તરી ગયાં. એને ન પામ્યાં, ન સમજ્યાં તો કાંઈ જ ન પામ્યાં. આ સંસાર પણ નકામો અને સંસારનાં વલખાં પણ નકામાં. તો આપણી પ્રાર્થના પણ પ્રલાપ અને મંદિર-મસ્જિદના આપણા ફેરા પણ ફોગટ. તમે કહેશો કે ‘શું, મંદિર-મસ્જિદ પણ નકામાં?’. મંદિરની મૂર્તિ હોય, કાબા હોય કે ક્રોસ હોય – જ્યાં સુધી એ બાહ્ય મૂરતને આપણી આંતર-સૂરતા સાથે એકાકાર ન કરીએ ત્યાં સુધી એ સૌ બાહ્ય અને આથી આપણાથી વિમુખ – વિખૂટું જ રહેવાનું. આપણે મંદિરે જઈએ ત્યારે આપણી મનોદશા કેવી હોય છે? ત્યારે આપણે આપણી વળગણોને વેગળી મૂકી કાંઈક આંતરમુખ બન્યાં હોઈએ છીએ, બાહ્ય સર્વ કાંઈ છોડી આપણે થોડાં ભાવસભર બન્યાં હોઈએ છીએ. ત્યારે આપણાં દિલમાં પવિત્રતાનું એક સ્રોત વહેતું હોય છે. પરંતુ એ સૌ ક્ષણજીવી હોઈ જેવાં આપણે એ મંદિર કે મસ્જિદની બહાર પગ મૂકીએ છીએ કે તરત જ આપણું મૂળ પોત પ્રકાશી ઊઠે છે. હા, આપણું ધર્મસ્થાનમાં જવું ક્ષણજીવી જ હોય છે. અને આપણે ફરીને જેવાં ને તેવાં જ બની રહીએ છીએ. વાસ્તવમાં આપણું આ મંદિરમાં જવું એક બાહ્ય વિધિ જ બની રહે છે. હા, એ એક બાહ્યાચાર માત્ર છે. અને એમાંથી આપણે મુક્ત થવાનું છે. બાહ્યનું બહાર છોડી આપણે આંતરમુખતાનું સાતત્ય કેળવવાનું છે. એ થાય ત્યારે, અને ત્યારે જ આપણે આપણાં ‘સ્વ’ને, આપણી અંદર રહી આપણી સતત વાટ નિહાળતા એ ‘પરમતત્વ’ને, પામી શકીશું. આપણું સાચું મંદિર છે આપણું આ અંતઃકરણ. એને વિશુદ્ધ અને પવિત્ર રાખી આપણી આ જીવન-નૌકાને પાર ઉતારવાની છે. એ બનશે ત્યારે એમાં વિલસતું આપણું આ જીવન અને આ સમગ્ર વિશ્વ એક સદાય જ્વલંત એવું એક જીવંત મંદિર બની રહેશે. પછી આપણૅ આપણા આરાધ્યદેવની પરિશોધમાં બહાર ભટકવાનું ન રહેશે.

અહીં એક વસ્તુ સ્પષ્ટ કરવી જરૂરી છે. હું મંદિર-મસ્જિદ કે ધર્મસ્થાનોનો વિરોધી નથી. એમને સ્થાને એ સૌ બરાબર જ છે. પરંતુ એ સૌ આપણને માર્ગદર્શન પૂરું પાડી આપણને આપણાં મનમંદિરમાં, આપણાં અંતરંગમાં જે તત્વ મૂર્ત બની આપણી પ્રતિક્ષા કરી રહ્યું છે તે પ્રતિ જાગૃત બની આપણને આંતરમુખ થઈ રહેવા પ્રબોધી રહ્યું છે. મંદિરમાં જઈ નમન કરતાં આપણને એ ઉદબોધી રહ્યું છે કે “તું જેમ મને સ્મરી રહ્યો છે તેમ ‘હું’ કે જે તારામાં રહી તારો બનીને  બેઠો છું તેની ‘મારો’ બની અર્ચના કર. ત્યારે અને ત્યારે જ તારું મને પૂજવું સાર્થક થશે. જેઓ મને પામ્યાં છે તેઓએ તારી દીવાદાંડી બની તું મારા પ્રતિ જાગૃત રહી અંતરમુખ બની રહે એ હિસાબે મને અહીં મંદિર-મસ્જિદમાં એક પ્રતીક રૂપે સ્થાપ્યો છે. હું જેમ અહીં છું તેમ તારામાં પણ છું જ ને!”

મતલબ કે સર્વ પ્રથમ આપણે આપણી અંદર વળવાનું છે. ભગવાનનો પૂજક ભગવાન જેવો બનવો જોઈએ. સંસ્કૃતમાં ‘ભગ’ એટલે પવિત્ર; ‘વાન’ એટલે શરીર, અંગ. જેનું સર્વાંગ, જેની હસ્તી, સંપૂર્ણ પણે પવિત્ર છે તે ભગવાન. ઈશ્વર પાસે ઈશ્વર જેવાં થઈને જ  જવાય. આથી સર્વ પ્રથમ આપણે તન-મનને ઉજ્જ્વળ – પવિત્ર – કરવાં રહ્યાં. આંતર-બાહ્ય શુદ્ધિ વિના ભગવાનની પ્રાપ્તિ ન થાય. આપણે જ્યારે મંદિરે જઈએ છીએ ત્યારે નાહી-ધોઈને જઈએ છીએ. શા માટે? ન્હાવું એ આંતર-બાહ્ય શુદ્ધિનું પ્રતીક છે. મતલબ કે ભગવાન પાસે જવું હોય, યાને ભગવાનને પામવા હોય તો અંતર-બાહ્ય શુદ્ધિ આવશ્યક છે, પવિત્રતા આવશ્યક છે. સાચી પવિત્રતા છે મન અને બુદ્ધિની. એ છે ભગવાનની અર્ચનાના આપણાં દેવદીધાં સાધનો. સાધનશુદ્ધિ વિના સાધ્યશુદ્ધિ ક્યાંથી? તો તનમન-બુદ્ધિને ઉજ્જ્વળ રાખવાં રહ્યાં.

તો પ્રશ્ન છેઃ તન-મન શી રીતે ઉજ્જ્વળ થાય? જુઓ, બુદ્ધિ આપણામાં રહેલ નિર્ણાયક તત્વ છે. મને બુદ્ધિના નિર્ણયને સાંભળવો રહ્યો. આમ મન બુદ્ધિની હેઠળ છે; છતાં મનને પોતાનું સ્વાતંત્ર્ય છે. એ બુદ્ધિનું સેવક નથી; પોતાની રીતે કાર્ય કરવામાંથી બુદ્ધિ એને વારતી નથી. પરિણામે મનનાં કાર્યથી એ કાર્યનો કરનાર લેપાય છે, જે વ્યક્તિના સંસ્કાર બની એનાં કારણ શરીરના ભાગ રૂપે એનું હવે પછીનું ભાવિ નિર્માણ કરે છે. અને આમ આ જીવનની ઘટમાળ ચાલ્યા કરે છે. સારા અને સાચાનું ફળ શુભ, ખોટા અને ખરાબનું ફળ માઠું. કાર્ય થયું એટલે એનું ફળ તો ભોગવવાનું જ.  કરેલ કોઈ પણ કાર્ય વિફળ જતું નથી. અને એ કાર્યનું કરનાર આ મન છે.

એક દૃષ્ટાંત લઈએ. કોકના બાગનું એક સુંદર ગુલાબ મને ગમી ગયું, અને એ તોડવા મેં ડગલું ભર્યું. મારી બુદ્ધિએ મને વારતાં જણાવ્યુંઃ “એ બાગ તારો નથી; એ ફુલ તોડવાનો તને અધિકાર નથી.” આમ બુદ્ધિએ એનો નિર્ણય જણાવ્યો. એનું કાર્ય પતી ગયું અને એ હઠી ગઈ. છતાં, માનો કે મેં એ ફુલ તોડ્યું. કાર્ય મારા હાથે કર્યું; કરાવનાર છે મારું મન. આથી હું એ કાર્યથી લેપાયો. મારાં અંતઃકરણે એની નોંધ લીધી અને મારું એ કાર્ય, કોકનું પચાવી પાડી પોતાનું બનાવવાનું સ્તેય, મારા જીવાત્માનો એક ભાગ બની ગયો.  આ આપણા કરેલાં કર્મનો એક અફર સિદ્ધાંત છે, જેને નિર્મૂળ કરવો એ આપણા હાથની વાત નથી અને છે. ‘છે’ એટલા માટે કે જો આપણે કરેલ એ પુષ્પચોરી આપણે સ્વયં એ બાગના માલિક સમક્ષ જઈ કબૂલીએ, અને એ કબુલાત તથા  એને આવશ્યક  ક્ષમાયાચના બાદ જો એ માલિક આપણને કાંઈ શિક્ષા ફરમાવે તો તે હસતે અંતરે સ્વીકારી, નમ્ર બની, એવું કાર્ય ફરીને ન કરવા અર્થે મનોમન  પ્રતિજ્ઞાબદ્ધ થઈએ. ત્યારે અને ત્યારે જ આપણે એના ઋણમાંથી મુક્ત થઈએ; ત્યારે જ આપણે ઈશ્વરની કૃપાના અધિકારી બનીએ. આ છે સાચા દિલનો પશ્ચાતાપ. એના વિના ભગવાન આગળ શિશ નમાવી, ‘ઓ પ્રભુ, મને માફ કરજે; મારી ભૂલ થઈ ગઈ’ એમ મોઢેમોઢ કહેવાથી ક્ષમા આપવા ભગવાન પરવારતો નથી. એ આપણાં અંતરના ઊંડાણમાં બેઠો બેઠો આપણી હરકોઈ ક્રિયાવિધિથી સંપૂર્ણ પણે વાકેફ છે, અને એની કૂખમાં નિરંતર રહેલ પેલા ‘ચિત્રગુપ્તના ચોપડા’માં જે નોંધાયું છે તેને નિર્મૂળ કરવાને અન્ય કોઈ સમર્થ નથી; કારણ એ ‘ચોપડા’માં જે ‘ગુપ્ત ચિત્ર’ અંકાયું છે, જે સૂક્ષ્મ સ્તર પર રહેલ ‘Ākāshik Record’ છે, તે કરેલ કર્મની ફળશ્રુતિ વિના ક્યારેય લુપ્ત થવાનું નથી. અહીં આ ફુલના સામાન્ય દૃષ્ટાંતથી આપણે આપણા મનઃકર્મને સમજવાની કોશિશ કરી. હવે આપણા વિષય પ્રતિ વળીએ.

આપણે મનના કાર્યનો વિચાર કરતાં હતાં, અંતર પાવિત્ર્યની વાત કરતાં હતાં. આપણાં તન-મનઉજ્જ્વળ શી રીતે થાય? જ્યારે આપણા અંતરમાં પાવિત્ર્ય પ્રકટે ત્યારે. એ ત્યારે જ બને જ્યારે આપણે તન, મન, વચનથી શુદ્ધ બનીએ. પવિત્રતાનું સ્થાન આપણું અંતઃકરણ છે, જે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્તનું બનેલું છે. એ અંતઃકરણને અજવાળતી આપણી અંતશ્ચેતના ચિત્તને પ્રદિપ્ત કરે, જે આપણાં ‘અહમ્’ને ઉદ્દિપ્ત કરે. એ ‘અહમ’ ના સતત સંપર્કમાં રહેલ બુદ્ધિ દ્વારા મન એ ઝીલે. આમ મૂળ ચેતનામાંથી ઉદભવેલ હરકોઈ સંદેશ અંતઃકરણના આ ચાર સ્તર પરથી પ્રકાશની ગતિથી પસાર થાય. આ જ્યારે જ્યારે બને ત્યારે મનને મળતા એ સંદેશમાં-આદેશમાં, વિવિધ સ્તરનાં આવરણને કારણે ઘણું પરિવર્તન થઈ ગયું હોય છે. હવે, મનને તો પોતાનું સ્વાતંત્ર્ય છે. હરેક વ્યક્તિનાં મન-બુદ્ધિ પોતપોતાનાં અંગત અહંભાવથી રંગાએલ હોઈ દરેકનાં કાર્યોમાં વિવિધતા પ્રગટ થતી રહે છે. આ સૌ ત્યારે અટકે જ્યારે વ્યક્તિ બાહ્ય આવરણોની આકર્ષક પણ ઝેરીલી ચૂડમાં ન રંગાતા, અંતરના આદેશને તત્વતઃ યથાવત ઝીલવા કટિબદ્ધ બને. અંતરમાં તો પરમાત્માનો નિરંતર વાસ છે, અને પરમાત્મતત્વ તો સદાસર્વદા પરિશુદ્ધ જ છે. આથી  એનામાંથી જે કાંઈ સીધું (directly) નિષ્પન્ન થાય તે તો શુદ્ધાતિશુદ્ધ જ હોવાનું. પાવિત્ર્યને નિર્ગળ ઝીલનાર પવિત્ર જ હોવાનો. માટે જ તો સંતો પવિત્રતાની જીવંત મૂર્તિ છે, જેમાં પરમાત્માનો નિરંતર વાસ છે. આથી જ તો સંતોનું હૃદય પારસમણી જેવું હોઈ એના સંપર્કમાં આવતા હરકોઈને એ સુવર્ણ જેવાશુદ્ધબનાવેછે. આમ પવિત્રતા આપણાં અંતઃકરણમાંવસેલી છે,

જેનાથી આપણે આપણાં મન-હૃદયને રંગવાનું છે. એ પવિત્રતામાંગે  છે આપણી નિર્વિચ્છિન્ન જાગૃતિ. આપણું મન કાંઈ કેટલીય સદીઓનાં આવરણોથી ચંચલ, પ્રમાદી, ઠગારું બની ગયું છે. એને યોગ્ય માર્ગે વાળી નિર્મળ બનાવવાની જવાબદારી આપણી છે. શુભ્ર ચિંતન દ્વારા પરિણમેલ શુભ કાર્યો દ્વારા જ એ વિશુદ્ધ બની શકે. ખોટી અને જીવનનો સર્વતોમુખી ધ્વંસ નોતરતી હીન મોહજાળથી દૂર રહી, એને શુદ્ધાતિશુદ્ધ અંતર-ઝૂલણે ઝૂલતું કરી, અધ્યાત્મનાં મીઠાં-મધુરાં હાલરડાંથી પોષી, એનામાં નવજાગૃતિનાં વિમળ ઝંકારથી એક નવલું ગાન પૂરી, ચાલો આપણે ઊર્ધ્વ અને સુમંગલ માર્ગે પ્રયાણ કરવા પુરુષાર્થી બનીએ. વિચારપૂર્ણ વિશુદ્ધ જીવન જ આજના આ દુસ્તર કાળમાં આપણો એકમાત્ર સહારો છે. સમયની સામે ફાળ ભરવાની છે, પણ એ અશક્ય નથી જ નથી. સત્ય અને સદાચારની નૌકા હાથ ગ્રહી, ત્યાગનાં મજબૂત હલેસાં વડે એને હંકારી, શ્રદ્ધાના સુકાન સાથે જ્ઞાન, કર્મ અને ભક્તિના સઢમાં પ્રેમનો પવન ભરી, આત્મ-પુરુષાર્થને બળે ચાલો આપણે આગેકદમ બઢાવીએ. બહુ મોડું થઈ ગયું છે; કિન્તુ સમયનો સહારો છે જ. જરૂર છે આત્મવિશ્વાસની, હૈયા-ધરપતથી આગેકદમ બઢાવવાની. વિચાર-પુરુષાર્થનાં સખ્ય દ્વારા વિચાર, વાણી અને વર્તનની સ્વ-ઉપાર્જિત સમૃદ્ધિથી આ જીવનને સમૃદ્ધ બનાવી આત્મશુદ્ધિ કરી, એનાં સુભગ  સમન્વયથી આત્મબળને પોષી, માર્ગે આવતી મુશ્કેલીઓને હસતે મુખે પડકારી, એ મંગલ માર્ગના પ્રયાણ અર્થે કમર કસીએ. અંતિમ વિજય તેનો છે જે દૃઢતા અને વિશ્વાસથી સજ્જ થઈ અણનમ ડગ ભરે. ઊઠો, ચાલો, કદમ બઢાવો. સ્વામી વિવેકાનંદે કહ્યું છેઃ ” Awake, arise and stop not till the ‘Goal’ is reached.”

મુશ્કેલીઓ જ જીવનને ઘડે છે. સિત્તેરેક વર્ષો પહેલાં ‘સ્ફુલિંગ’ નામનું એક ફરફરિયું, જેમાં દુકાનદારે મનેસેવ-મમરા બાંધીને આપ્યા હતા, તેના ‘મૃત્યુશૈયા પરથી’ નામના શિર્ષકમાં લખ્યું હતુંઃ ‘ઈશ્વરે મોકલેલ હરેક આપત્તિને હું આશિર્વાદ રૂપ સમજું છું. હું હસું છું, તમે હસતાં રહેજો.’ આવું આત્મબળ એ કોક ચોક્કસ પ્રકારની વિચાધારામાંથી જ કેળવાય. તો જ ઈશ્વર પરની શ્રદ્ધા વધે. આપણું આ જીવન જ્યારે પ્રાર્થના બને ત્યારે જ સાચી પ્રાર્થના અંતરમાંથી પ્રગટે. અને આમ પ્રગટેલ પ્રાર્થના આ જીવનનું બળ બની રહે. દીલ ઈશ્વરી પ્રકાશ ઝીલવા તૈયાર અને તત્પર ન બન્યું હોય, એને અન્ય લૌકિક એષણાઓની, બાહ્ય પ્રલોભનોની તમા હોય, ત્યાં સુધી ઈશ્વર એને પ્રકાશિત ન કરશે; કારણ બાહ્ય ભ્રમજાળમાં ફસાએલ કોક આત્માને જો પ્રભુ એના દિવ્ય પ્રકાશથી આલોકિત કરે, તો એ પ્રભુ અન્યાયી ઠરે, નિર્દયી ઠરે. પાપીને ઉગારે તો એના ભક્ત પ્રતિ એ નિષ્ઠુર બન્યો જ ગણાય. ઈશ્વરના દરબારમાં સત્ય, પ્રેમ, ન્યાય, દયા અને નિર્ભેળ આનંદની ઝાકઝમાળ છે. એથી અન્ય સૌ કાંઈ ત્યાં ઝાંખું પડે છે. અને આથી જ આપણે સૌએ સત્ય, પ્રેમ, ન્યાય, દયા અને આનંદની પરિશોધમાં જ સાચી તૃપ્તિ ઝંખવાની છે. આપણે સાચી દિશાનો, સાચા દિલનો પ્રયાસ કરીએ, આત્મપુરુષાર્થ દ્વારા સૌ કાંઈ કરી છૂટીએ, અને એ સૌ કરવા છતાં જ્યારે આપણા હાથ હેઠા પડે, હારી-હારી જઈએ, ત્યારે પ્રભુને પુકારીએ; અને ત્યારે એ આપણો હશે જ. આપણાં વિચાર, વાણી અને વર્તનમાં આપણા અંતરનો ભાવ ન રેડાય, આપણો પુરુષાર્થ પાંગળો રહે, ત્યાં સુધી ઈશ્વરકૃપા ઝંખવી એ અધ્યાત્મ-સ્તર પર ગૂન્હો છે. પહેલાં આ જીવનને પવિત્રતાને પગથારે પર પલાણો, અને પછી જુઓ, કે આ વિશ્વ અને વિશ્વનિયંતા બન્ને તમારાં છે. અસ્તુ.

આપણે સૌ ‘મુક્તિ’ ઝંખીએ છીએ. મુક્તિ એ આપણો ચિરંતન એવો પ્રાકૃતિક સ્વભાવ છે,  વારસો છે; કારણ આપણે સૌ એક  એવાં ‘પરમતત્વ’માંથી ઊપન્યાં છીએ જે સંપૂર્ણતયા મુક્ત છે, જેને કોઈ કહેતાં કોઈ પણ બંધન નથી, જે સદા-સર્વદા અનંત છે. જે તત્વે આપણને આ જીવન બક્ષ્યું છે તેનું ચરમ લક્ષ્ય છે જેમાંથી આપણો પ્રાદુર્ભાવ થયો તેમાં ભળી તેની સાથે એકરૂપ થઈ, તેમાં તદૃપ થઈ, આપણી આ હસ્તીને ‘તેના’મય  બનાવવી. આપણું આ જીવન મૂળભૂત બે શક્તિઓનું બનેલું છે: ‘ આત્મા ‘ અને ‘મન’. મન એ આ જીવન જીવવાનું સાધન છે. જ્યારે આપણો આત્મા – ‘જીવાત્મા’ – એ સ્મૃતિઓનું , પૂર્વ-સંસ્કારોનું ફરજંદ છે. એને – જીવાત્માને – ઈન્દ્રિય-લક્ષી અનેકવિધ વાસનાઓનું અસીમ ખેંચાણ છે, અને આપણું આ મન એને સંતોષવાનાં અનેકવિધ માર્ગો અને ઉપાયો શોધતું રહે છે. મનનાં વલખાંનો કોઈ અંત નથી, અને સદા ય નાવિન્ય ઝંખતાં એ જીવાત્માની લોલૂપતાનો કોઈ આરો નથી. આમ આ નિત નવી મોહજાળમાં અટવાતું આ જીવન સદા ય ઊણું અને અતૃપ્ત જ રહે છે. એનો કોઈ કહેતાં કોઈ અંત નથી. સદા ય સુખની અપરિચ્છિન્ન શોધમાં અટવાતું એ અનેક વિટંબણાંઓનો ભોગ બની કોઈ અબુધ તૃપ્તિના તલસાટમાં નિઃસ્વાસતું, કોક ચિરંતન, શાશ્વત શાન્તિની અણનમ ઝંખનામાં ખોવાઈ અપરિમિત વલખાં મારી રહ્યું છે. તો આવું આ જીવન છે શું? આખરે એનું અંતિમ ધ્યેય શું છે? અને જો કોઈ ચોક્કસ ધ્યેય હોય તો તે ધ્યેય હાંસલ શી રીતે થાય?

અને એ બને  સાચું જીવન તે કે જેનું હરેક કદમ નિર્વિકાર વિચારથી પ્રેરાએલ હોય, ક્ષુલ્લકને ત્યજી અનંત અને દિવ્યને પામવા જ્યાં પુરુષાર્થ હોય, હર ક્ષણે નાવિન્ય અનુભવતું જે પ્રગતિનું દ્યોતક બની રહ્યું હોય,  શાશ્વત સુખ એ જેનું સીમાચિહ્ન હોય, ચરમ લક્ષ્ય હોય. તો આ ધ્યેય હાંસલ કરવામાં અંતરાય કયો છે? જેને આપણે સામાન્ય   સંજોગમાં ‘હું’ કહીએ છીએ એવા આપણા આ દૈહિક જીવન પર મનનું વર્ચસ્વ છે. મન આપણાં આ શરીરનો બાહ્ય સ્વામી છે. સ્વભાવે ચંચળ હોવાને કારણે એ આપણાં આ જીવનને અસ્થિર બનાવે છે. આપણો આત્મા મનનાં આવરણ નીચે ઘેરાએલ છે. એ આવરણ જ્યાં સુધી ન હઠે ત્યાં સુધી આપણે આત્માનું સાચું સ્વરૂપ ન સમજી શકીએ. જ્યાં સુધી આપણું આ મન બદ્ધ છે, સીમિત છે, – conditioned– છે,  ત્યાં સુધી એ મુક્ત ન બને. આપણે પૂર્વ ખયાલોની નાગચૂડમાંથી ન નીકળીએ ત્યાં સુધી એ સીમિત જ રહેવાનું. એવું મન સર્વગ્રાહી ન બની શકે. જે વસ્તુ સીમિત છે તે મુક્ત શી રીતે હોઈ શકે? એ પૂર્ણ પણે મોકળું થઈ જવું જોઈએ. અને ‘મોકળું’ એટલે સાવ છુટ્ટું કે મર્યાદાહીન નહીં, ‘ખુલ્લું’ – open, સર્વગ્રાહી. વળી આવાં આ મનને કોઈ નિર્ણિત દૃષ્ટિ, કોઈ ઉત્કૃષ્ટ ધ્યેય સાંપડેલું હોવું જોઈએ, એક એવું ધ્યેય જે પ્રતિનું એનું પ્રયાણ મુક્ત અને ચિરંતન બની રહે. જ્યારે આ બને ત્યારે અને ત્યારે જ એનાં હરકોઈ બાહ્ય વલખાં શાંત પડી એ સ્વ-નિર્ણિત માર્ગે પ્રયાણ કરવાં ઉદ્યુક્તarte color fresco gifs sombreros histórico lols pintura - 5156019968

Leave a comment

Filed under Uncategorized