Daily Archives: જાન્યુઆરી 6, 2021

*પૈસો, દારૂ અને દંભ*

*પૈસો, દારૂ અને દંભ* વાઈન અને લીકરમાં ફેર હોય છે. વાઈન ફળોમાંથી બને છે. લીકર અનાજ કે શેરડીમાંથી બને છે. વાઈનમાં પરપોટા નીકળે એવી વેરાઇટી ય હોય પણ લીકરમાં એવું હોતું નથી. આલ્કોહોલનું પ્રમાણ પણ વાઇનમાં ઓછું અને લીકરમાં વધારે હોય છે. દ્રાક્ષમાંથી રેડ વાઈન કે વ્હાઇટ વાઈન બને છે. અન્ય ફળ જેમ કે બ્લુબેરી વાઈન પણ હોય છે. વ્હિસ્કી જવમાંથી, રમ શેરડી તો વોડકા બટકામાંથી બને છે. એટલે તો મરીઝ સાહેબ લખે છે કે ‘મરીઝ’ એની ન્યામતનું શું પૂછવાનું? ફળોમાં અનાજોમાં દીધી મદિરા. ન્યામત એટલે? ગુજરાતી લેક્સિકોન અનુસાર ન્યામત એટલે ધન, દોલત; દુર્લભ ચીજ; સુખ. તમે કહેશો કે હશે, એવું હશે, પણ આજે એનું શું? ‘બિઝનેસ ઇનસાઇડર’નાં એક તાજા સમાચાર છે કે ન્યૂયોર્કનાં એક રેસ્તોરાંમાં ચાર વોલસ્ટ્રીટ બિઝનેસમેને સૌથી મોંઘા વાઈનનો ઓર્ડર આપ્યો. એક બોટલની કિમત હતી $ ૨૦૦૦ ( ૧.૪૭ લાખ). બીજા ટેબલ ઉપર એક યુગલ બેઠું હતું. એમણે એમની આર્થિક સ્થિતિને અનુરૂપ સૌથી સસ્તો વાઈન મંગાવ્યો, જેની કિમત હતી માત્ર $ ૧૮ ડોલર ( ૧૩૦૦). વેઈટરે ગરબડ કરી. વાઇનની અદલબદલ થઈ ગઈ. નવાઈ એ વાતની હતી કે મોંઘોદાટ દારૂ પીવાની જેને તલપ હતી, તેઓને ખબર ય ન પડી કે તેઓને સસ્તો દારૂ પીરસાયો છે. બલકે એ ચાર પૈકી એક બિઝનેસમેન તો સસ્તો વાઈન ચાખીને મોટે અવાજે બોલ્યા, વાહ! વાહ! અને પછી એ વાઇનની શુદ્ધતાનાં ગુણગાન ગાવા લાગ્યો. બાજુનાં ટેબલ ઉપર બેઠેલું યુગલ કે જેમને એમનાં ઓર્ડરથી અનેકગણો મોંઘો વાઈન પીરસાયો હતો પણ તેઓ આ અદલબદલથી અજાણ હતા. તેઓ તો માનતા હતા કે તેઓ એમનાં ઓર્ડર મુજબ જ સસ્તો વાઈન પી રહ્યા છે. એમ છતાં તેઓ પોતે ‘વાઈન સ્નોબ’ છે- એવો પોતાનાં ઉપર જોક પણ કરી રહ્યા હતા. ‘સ્નોબ’ એટલે દંભી, અહંમન્ય, માણસ, ગુણ કરતાં પૈસા કે પદ પરથી માણસની કિંમત આંકનાર, ઊતરતી કક્ષાના લોકો સાથે તોછડાઈથી વર્તનાર, સામાજિક દરજ્જો, ધનસંપત્તિ વગેરેને વધુ પડતું માન કે મહત્ત્વ આપનાર વ્યક્તિ. જ્યારે તેઓને કહેવામાં આવ્યું કે ભૂલથી તેઓને મોંઘો દારૂ પીરસાયો છે તો એમનો આનંદ અનેકગણો વધી ગયો. આમ ચાખીને કોઈને ય ખબર પડી નહોતી. પણ કીધું ત્યારે જ ખબર પડી. બીજી તરફ પેલા ચાર બિઝનેસમેનને એમનાં ઓર્ડર મુજબ વાઈન ફરી પીરસી અપાયો. ભાવમાં ફેર હતો પણ સ્વાદનો ફેર કોઈ પણ પારખી ન શક્યા. કોઈએ કહ્યું છે તેમ, જો મગજને ખબર ન હોય તો એ વસ્તુ સામે હોય તો ય દેખાય નહીં. ખબર ન હોય તો કદાચ સ્વાદ પણ ન પારખી શકાય. હા, આ તો રીસર્ચથી સાબિત થયું છે કે જે વાઈન રસિયા હોય છે એ જ વાઇનનો સાચો રસાસ્વાદ માણી શકે. વાઇનની કિમત પણ એની ઉપર જ તય થતી હોય છે. પણ કહેવત છે ને કે ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? ખાખરાની ખિસકોલી એટલે બિનઅનુભવી હોય તે. અમને એક વાત સમજાય છે. વાઈન એ વાઈન છે, નશો એ નશો છે. કિમત કે ગુણવત્તાનો ફર્ક અણસમજુઓને સમજાતો નથી. શું ફેર પડે છે? માત્ર દેખાડો કરવાનો કે અમે દોઢ લાખની બોટલ ઢીંચી ગયા. અને જેઓને તેરસોની બોટલનો દારૂ જ પોષાય છે તો ય ઠીક છે, તેમાં એટલો જ નશો છે! જેની પાસે પૈસા છે એ તો દેખાડો કરવાના જ. અને એનાં સમાચાર મીડિયામાં આવશે અને સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થશે. પણ એ દેખીને આપણે દુ:ખી થઈએ તો એમાં આપણો જ વાંક છે. જે સ્નોબ છે, દંભી છે, જે વાતે વાતે પોતાનાં વૈભવની વાત કરે છે, બીજાને નીચા પાડવાની કોશિશ કરે છે, એવા લોકોને આપણે ઓળખી લેવા જોઈએ. ઇંગ્લિશ નવલકથાકાર એન્થોની ટ્રોલોપ કહે છે કે એવો માણસ જે માત્ર ધનસંપત્તિને જ ભજે છે એ સ્નોબ છે. દોઢ લાખનો વાઈન ખરીદ કરવાનો નશો છે એને. પણ નશાની સમજણ જેને નદારદ છે. એનાથી સોશિયલ ડિસ્ટન્સ બનાવી રાખો, કોરોના જાય પછી પણ…

15Jasmine Bhatt and 14 others3 CommentsLikeCommentShare

Leave a comment

Filed under Uncategorized