ગરીબ બાઈનો હાથ લંબાયો છોને
હશે બાળ ભૂખ્યું જુઓ કાંખડીમાં

“Dipak Dholakia” <dipak.dholakia@gmail.com>
મુ, પ્રજ્ઞાબેન,
શ્રી જુગલભાઇએ છેલ્લા બે લેખ લખ્યા છે તેના તરફ તમારૂં ધ્યાન ગયું નથી એમ લાગે છે. એમણે બ્લૉગરોનું એક જૂથ બનાવવાની દરખાસ્ત મૂકી છે.આ જૂથમાં બધા બ્લૉગ એકત્ર કરવાનો વિચાર છે. આ સૂચનને જબ્બર પ્રતિસાદ મળ્યો છે. જૂથના અગ્રણી તરીકે તમારૂં નામ રજુ થયું છે. મેં પણ આ વિશે શ્રી જુગલભાઈ સાથે ચર્ચા કરી છે. તમે અનેક વિષયોમાં રસ લો છો અને કદાચ તમારી બરાબરી કરે એવું કોઈ બ્લૉગ જગતમાં તો દેખાતું નથી.
આ કામ મોટું છે અને તેમ છતાં કરવા લાયક છે. પહેલી વાર બધા બ્લૉગર્સ એક ઉદ્દેશ માટે એકત્ર થશે. એમાં સ્પર્ધા નથી, હુંસાતુંસીને સ્થાન નથી. કઈં પણ હોય તો આપણી માતૃભાષાની સેવા કરવા માટે સંગઠિત પ્રયાસ કરવાની ઇચ્છા છે. મારો પોતાનો ખ્યાલ એવો છે કે માત્ર લખવું કે વાંચવું અથવા પ્રતિભાવ પૂરતું જ લખવું એ જ પ્રવૃત્તિથી કશું અર્થપૂર્ણ કામ ન થઈ શકે. આના માટે તમારા જેવા વ્યક્તિત્વની જરૂર છે. શ્રી જુગલભાઈ્નો કન્સેપ્ટ છે એટલે તેઓ તો છૂટી જ નહીં શકે, તમારા પર કઈં બોજ નહીં રહે.
શ્રી જુગલભાઈ ‘ક્વૉલિટી કંટ્રોલ’ વિભાગ સંભાળે (ભાષા બાબતમાં). હું વર્ગીકરણ વિભાગ (બ્લૉગના મુખ્ય વિષયવસ્તુ પ્રમાણે) સંભાળવા તૈયાર છું. એક કૉમન બ્લૉગ બનાવીએ અને એમાં બધા બ્લૉગ જોડાય. આમ વાચકને પણ એક જ જગ્યાએથી બધી લિંક મળી રહે અને કયા બ્લૉગ પર શું મળશે તે પણ ટેલીફોન ડિરેક્ટરી કે યલો પેજિસની જેમ ખબર પડે.
એટલે તમે ગોવર્ધન તોળવા તૈયાર થતાં હો તો મારા જેવા ઉત્સાહી ગોવાળિયા ઘણા મળી જશે એની ખાતરી આપું છું.
૨. મેં શ્રી સુરેશભઈ મારફતે ઋગ્વેદ પરની મારી નોટ્સ હિન્દીમાં મોકલી હતી, તે વાંચવાનો સમય ફાળવવાની પણ આ સાથે વિનંતિ કરૂં છું.
આ મેઇલના સકારાત્મક જવાબની રાહ તો હું અને જુગલ્લભાઈ બન્ને જોઈએ છીએ.
કુશળ હશો.
દીપક
