Daily Archives: ફેબ્રુવારી 1, 2021

નિન્કમપૂપ:

નિન્કમપૂપ: મૂર્ખ, ભોળો ભા, કમઅક્કલ, બાઘો, ગતાગમ વિનાનો માણસ.ભાષાને ભૂર છો વળગ્યું ના હોય;પણ શબ્દોનું ઝૂર તો ઉતારીએ જી રે !– પ્રફુલ્લ પંડ્યાભૂર એટલે કમઅક્કલ, મૂર્ખ. પણ એનો એક અર્થ થાય છે નામશેષ. હવે જુઓને, જેમ રોજ નવા શબ્દો જન્મે છે તેમ ચલણમાં ન હોય એવા શબ્દો મરે ય ખરા ને ભાઈ. આજની પેઢીને ‘ભળભાંખળું’ કે ‘મોંસૂંઝણું’ એવા શબ્દો કદાચ ખબર નથી. ‘મળસકું’ ખબર છે? ‘પરોઢિયું’? હા, ઇ ખબર છે. અમને કવિ એટલે ગમે છે. તેઓનું કવિકર્મ મરણ પથારીએ પડેલા શબ્દોને જીવતદાન આપે છે. કવિઓએ મીટર અને ગાલગાગાનાં બંધનો નિભાવવા એવું કરવું પડે છે. કવિતાની આડપેદાશ રૂપે વણવપરાતા શબ્દો જીવી જાય છે. ગીત કે ગઝલ અમને માત્ર આ જ અને એટલા જ કારણોસર ગમે છે. પણ અહીં આ કોલમમાં આપણે વિશ્વભાષા ઇંગ્લિશનાં શબ્દોની વાત કરીએ છીએ. સમાચાર છે કે કેટલાક શબ્દો મરી રહ્યા છે. ગ્રેટ બ્રિટનમાં ૧૮થી ૩૦ વર્ષની વયનાં આશરે ૨૦૦૦ લોકોનો કેટલાંક શબ્દોની જાણકારી વિષે પૂછ્યું. આ સર્વેમાં એવું જાણવા મળ્યું કે યુવા પેઢી કેટલાંક એક સમયનાં બોલચાલમાં વપરાતા શબ્દોથી અજાણ છે. જેમ કે સોઝલ્ડ(Sozzled) -ખૂબ પીધેલો, કેડ(Cad)- હલકટ, અસંસ્કારી, બોન્ક(Bonk)- સંભોગ, વોલી(Wally)- બેવકૂફ, બીટ્રોડ(Betrothed)- વેવિશાળ થયેલું, બૂગી(Boogie)-નૃત્ય, નિન્કમપૂપ(Nincompoop)-મૂર્ખ વગેરે. આ પૈકી અમે આજે નિન્કમપૂપ શબ્દ એટલે પસંદ કર્યો કારણ કે કોલિન્સ ડિક્સનરી થોડી જુદી વાત કરે છે. એ કહે છે કે આ શબ્દ ત્રીસ વર્ષો પહેલા હતો એનાથી આજે ૩૭૩% વધારે લોકપ્રિય છે, એટલા માટે કે સોશિયલ મીડિયા ઉપર અપમાન કરવા માટે આ શબ્દનો વપરાશ વધ્યો છે. અપમાન માટે તો અપમાન માટે પણ શબ્દ જીવી જાય એ સારી વાત છે. તો ચાલો આપણે નિન્કમપૂપની વાત કરીએ. આમ અપમાન કરવું હોય તો જાણીને કરીએ તો મઝા આવે. હેં ને? હેં ને?!ગુજરાતી લેક્સિકોન અનુસાર નિન્કમપૂપ એટલે મૂર્ખો, ભોળો ભા, કમઅક્કલ, બાઘો, ગતાગમ વિનાનો માણસ. સત્તરમી સદીથી આ શબ્દ ચલણમાં છે. આમ તો એ શબ્દનું મૂળ અજાણ્યું છે પણ કહે છે કે લેટિન શબ્દસમૂહ ‘નોન કોમ્પોસ મેન્ટિસ’ પરથી આ શબ્દ આવ્યો છે. નોન એટલે નહીં, કોમ્પોસ એટલે નીરોગી, સ્વસ્થ અને મેન્ટિસ એટલે મગજ. જેનું મગજ સાબૂત નથી એવો. એટલે કે મૂર્ખ. ‘નોન કોમ્પોસ મેન્ટિસ’ લીગલ ટર્મ છે. જ્યારે અસીલનાં બચાવમાં વકીલ એવી દલીલ કરે કે આ કોઈએ જાદૂ ટોના કર્યું છે, કોઈ વશીકરણને કારણે આવું કર્યું છે, એનું મગજ એના કાબુમાં નથી. એની વિચારશક્તિ મરી પરવારી છે. સારાસાર વિવેક એને રહ્યો નથી. આ ‘નોન કોમ્પોસ મેન્ટિસ’નો કેસ છે, યોર ઓનર…. જો કે નિન્કમપૂપ શબ્દનું મૂળ નોન કોમ્પોસ મેન્ટિસ છે, એવું ઓક્સફોર્ડ ડિક્સનરીનાં શબ્દસ્રોત નિષ્ણાતો માનતા નથી. તેઓ માને છે કે આ કોઈ મૂર્ખ માણસનાં નામ પરથી બનેલો બોલચાલનો શબ્દ છે. કોઈ એવું પણ કહે છે કે આ ફ્રેંચ શબ્દ ‘નીઓદોમસ’ પરથી આવ્યો છે જેનો અર્થ મૂર્ખ એવો થાય છે. નિન્કમપૂપમાં ગતાગમ હોતી નથી. ગતાગમ એટલે? ગતાગમ એટલે સમજ, સમજણ, જ્ઞાન, કળવકળ, સૂઝ, પિછાન. આપણે મૂર્ખનાં સમાનાર્થી શબ્દ તરીકે ગધેડો શબ્દ બોલીએ છીએ. કવિ જી. કે. ચેસ્ટરટન પોતાના કાવ્ય ‘ડોન્કી’માં ગધેડો પોતે મૂર્ખ છે એવી લોકોની માન્યતાને અનુમોદન આપે છે પણ પછી છેલ્લે કહે છે કે ઇસુ ખ્રિસ્ત રાજા તરીકે જેરૂસલેમમાં દાખલ થયા એ પામ સન્ડેનાં દિને ગધેડા પર બેસીને આવ્યા હતા. ગધેડો એ શાંતિનું પ્રાણી છે. ઘોડા પર બેસીને આવત તો એ યુદ્ધનાં, હિંસાનાં પ્રાણીનાં પ્રતીક તરીકે ગણાત. આખરે ગતાગમનું ન હોવું કોઈ ખરાબ બાબત તો નથી જ. કોઈની ટીકા, કોઇની વગોવણી, કોઈને માટે ભૂંડા વેણ તો અમે કીધા નથી. હા, હું ભોળો ભા છું તો છું. પ્રિય કવિ રમેશ પારેખ લખે છે કે ગતાગમ, ભલે હોય નહીં શબ્દની, મૂંગો પ્રેમ પણ છે સહજ પ્રાર્થના…. નિન્કમપૂપ હોનેસે કુછ અચ્છા હોતા હૈ તો નિન્કમપૂપ અચ્છે હૈ!શબ્દ શેષ: “આ માણસ ગાંડો છે, મૂર્ખ છે અથવા ખોટો માણસ છે, એને કોઈ ગતાગમ નથી- દુનિયાનાં દરેક માણસ માટે ઓછામાં ઓછા દસ લોકોને તો એવું લાગે જ છે.” – ફિલોસોફર અને સોશિયલ ક્રિટિક મોકોકોમા મોખોનોઆના

May be an illustration of 1 person and text that says 'નિયોવી ઠાલવી દીધાં બધાં આંસુ પ્રતીક્ષામાં, હવે જો આવશો તો આંખથી મૃગજળ વરસવાનું. યામિની વ્યાસ Sketch by Mudurai Ganesh Vijya Graphics'

Leave a comment

Filed under Uncategorized