Daily Archives: ફેબ્રુવારી 2, 2021

ખુબસુરતીનો પર્યાય હતાં લીલા નાયડુ

ખુબસુરતીનો પર્યાય હતાં લીલા નાયડુ
થોડી હિન્દી અને અંગ્રેજી ફિલ્મોમાં અભિનય કરનારા અભિનેત્રી લીલા નાયડુની ૧૧મી પુણ્યતિથિ. ૨૮ જુલાઈ, ૨૦૦૯ના રોજ મુંબઈમાં ૬૯ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. આપણે તેમને ‘યે રાસ્તે હૈ પ્યાર કે’ની નાયિકા રૂપે ઓળખીએ છીએ. જે નાણાવટી ખૂન કેસની સત્યકથા પરથી બની હતી. આઈવરી મર્ચન્ટની ફિલ્મ ‘હાઉસ હોલ્ડર’માં પણ તેમણે અભિનય કર્યો હતો. લીલા ૧૯૫૪ના ફેમિના મિસ ઇન્ડિયા બન્યાં હતાં. ‘વોગ’ મેગેઝીનમાં ‘દુનિયાની દસ સૌથી ખુબસુરત મહિલાઓ’ની યાદીમાં તેમનું નામ મહારાણી ગાયત્રી દેવી સાથે દેખાતું હતું. વિશ્વના જાણીતા ફેશન મેગેઝીનની આવી યાદીમાં લીલા નાયડુનું નામ પચાસ અને સાંઠના દાયકામાં વારંવાર આવતું હતું. તેમના શાંત સૌન્દર્ય અને સાહજિક અભિનયને કારણે લીલાજી હંમેશા યાદ કરાશે.
લીલાનો જન્મ મુંબઈના જાણીતા અણુ વૈજ્ઞાનિક ડૉ. પત્તીપતિ આર. નાઈડુ જેવા હોનહાર પિતાજીના ઘરે થયો હતો. પિતાજી આંધ્ર પ્રદેશના ચિત્તૂર જીલ્લાના માંડનાપલ્લેના હતા. પિતા ડૉ. નાયડુએ નોબલ વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીના હાથ નીચે પેરીસમાં કામ કર્યું હતું. મેડમ ક્યુરી ત્યારે યુનેસ્કો દ્વારા દક્ષિણ-પૂર્વ એશિયા વિસ્તાર માટે કાર્યરત હતાં. બાદમાં તેઓ ટાટા ગ્રુપના સલાહકાર હતા. લીલાના માતા ડૉ. માર્થે મેંગે નાયડુ પત્રકાર અને ઇન્ડોલોજીસ્ટ હતાં. તેઓ સ્વિસ-ફ્રેંચ મૂળના હતાં. દક્ષિણ ફ્રાંસના પોન્ટ ડી એવીગ્નોનના તેઓ વતની હતાં. લીલા તેમના માતાની આઠ ગર્ભાવસ્થામાંના એક માત્ર સંતાન હતાં. લીલાને વિખ્યાત માતા-પિતાનો લાભ મળ્યો હતો. તેઓ યુરોપમાં મોટાં થયાં, સ્વીટઝરલેન્ડના જીનીવાની વિખ્યાત સ્કૂલમાં લીલા ભણ્યાં હતાં. જીન રેનોઈર પાસે તેઓ કિશોરાવસ્થામાં અભિનય શીખ્યાં હતાં. પેરીસની ગ્રાન્ડ હોટેલ ઓપેરામાં લીલાનો પરિચય સાલ્વાડોર ડાલી સાથે થયો હતો, જેમણે લીલાનું પોટ્રેઈટ ચીતર્યું હતું. ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સરોજીની નાયડુ લીલાના આંટી થતાં હતાં.
૧૯૫૪માં લીલા નાયડુએ ફેમિના મિસ ઇન્ડિયાનો તાજ પહેર્યો હતો અને તેજ વર્ષે તેઓ વોગ સામયિકના વિશ્વના સૌથી સુંદર દસ મહિલાઓમાંના એક રૂપે પસંદ થયાં હતાં.
લીલાએ બલરાજ સાહનીસાથે ‘અનુરાધા’ (૧૯૬૦)માં તેમની ફિલ્મ અભિનય યાત્રાનો આરંભ કર્યો હતો. તેના નિર્દેશક હૃષીકેશ મુખર્જી હતા. કમલાદેવી ચટ્ટોપાધ્યાયએ લીલાનો લીધેલો એક ફોટો જોઇને હ્રુશીદાએ લીલાને ફિલ્મમાં લીધાં હતાં. જોકે એ ફિલ્મ ટીકીટ બારી પર સફળ થઇ નહોતી, પણ તેને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. લીલાના અભિનયના તેમાં વખાણ થયાં હતાં. મહાન સિતારવાદક પંડિત રવિ શંકરે તેના યાદગાર ગીતો બનાવ્યાં હતાં. ‘હાય રે વો દિન કયું ના આયે’, ‘જાને કૈસે સપનો મેં ખો ગઈ અખિયા’ અને ‘કૈસે દિન બીતે કૈસે બીતી રતિયાં’ જેવાં યાદગાર ગીતો એ ફિલ્મમાં હતાં.
લીલાની બીજી ફિલ્મ અશોક કુમાર અને જોય મુખર્જી સાથેની નીતિન બોઝની ‘ઉમીદ’ (૧૯૬૨) હતી. તો આર. કે. નય્યર નિર્દેશિત ‘યે રસ્તે હૈ પ્યાર કે’ (૧૯૬૩)માં લીલા નાયડુએ લગ્ન બહારના સંબંધ ધરાવતી પત્નીની બોલ્ડ ભૂમિકા ભજવી હતી. સુનીલ દત્ત અને રેહમાન સાથેની એ ફિલ્મ કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર કોર્ટ કેસ પર આધારિત હતી. વિવાદી વિષય હોવા છતાં એ ફિલ્મ પણ નિષ્ફળ ગઈ હતી. જોકે તેનું શીર્ષક ગીત અને ‘યે ખામોશીયા યે તાન્હાઈયા’ ગીતો જાણીતા બન્યાં હતાં.
૧૯૬૩માં લીલા નાયડુએ મર્ચન્ટ આઈવરી ફિલ્મ્સની જેમ્સ આઈવરી નિર્દેશિત અંગ્રેજી ફિલ્મ ‘ધ હાઉસહોલ્ડર’ની બળવાખોર યુવા પત્નીની ભૂમિકા કરી હતી. લીલાજીએ તેમની ૨૦૦૯માં પ્રકાશિત થયેલી આત્મકથામાં વર્ણવ્યું છે કે ઈસ્માઈલ મર્ચન્ટ અને જેમ્સ આઈવરી એક આર્કીયોલોજીસ્ટની કથાવાળી ફિલ્મ બનાવવાના હતાં. પણ તેની કથા બેકર્સને ન ગમતા લીલાએ તેમને રૂથ ઝાબવાલાની નવલકથા ‘ધ હાઉસહોલ્ડર’ પરથી ફિલ્મ બનાવવાનું સૂચવ્યું હતું. મર્ચન્ટ અને આઈવરી માટે તે પહેલી ફિલ્મ હતી. તેમણે તે માટે મહાન સત્યજીત રાયની મદદ લીધી હતી. રાયે તેમના અનેક કલાકારો અને કસબીઓ આપ્યાં હતાં. ત્યાં સુધી કે બની ગયેલી ફિલ્મના સંકલન-સંપાદનમાં સત્યજીત રાયે ઘણું કામ કર્યું હતું. અહીંથી મર્ચન્ટ અને આઈવરીએ ફિલ્મ કલા શીખવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે હોલીવૂડમાં જગપ્રસિદ્ધ ફિલ્મો બનાવીને અનેક એવોર્ડ્સ જીત્યાં હતાં. લીલાની તે ભૂમિકા જોઇને સત્યજીત રાય માર્લોન બ્રાન્ડો અને શશી કપૂર સાથે લીલાને લઈને એક અંગ્રેજી ફિલ્મ બનાવવા માંગતા હતા, પરંતુ કમનસીબે તે સપનું કદી સાકાર થયું નહોતું. તો વિજય આનંદની મહાનતમ ફિલ્મ ‘ગાઈડ’ (૧૯૬૫) ની રોઝી રૂપે પણ લીલા નાઈડુને વિચારાયાં હતાં. પરંતુ તે ભૂમિકા માટે એક તાલીમબદ્ધ નર્તકીની જરૂરિયાત જોતાં તે ભૂમિકા વહીદા રહમાનને મળી હતી. લીલા નાઈડુની છેલ્લી ફિલ્મ પ્રદીપ કુમાર, મુમતાઝ અને વિજયા ચૌધરી સાથેની મોટા પાયાની ફિલ્મ ‘બાગી’ (૧૯૬૪) હતી. જોકે મર્ચન્ટ-આઈવરીની ‘ધ ગુરુ’ (૧૯૬૯)માં લીલા નાઈડુએ મહેમાન ભૂમિકા કરી હતી. તેજ રીતે શ્યામ બેનેગલની સામયિક ફિલ્મ ‘ત્રિકાલ’માં લીલાએ ગોવાનીઝની નાની ભૂમિકા કરી હતી. તો પ્રદીપ કૃષ્ણની ફિલ્મ ‘ઇલેક્ટ્રિક મૂન’ (૧૯૯૨) લીલા નાઈડુની પડદા પરની છેલ્લી હાજરી હતી.
લીલા નાઈડુએ રાજ કપૂર દ્વારા ફિલ્મમાં કામ કરવાની ઓફર ચાર વાર નકારી હતી. તેજ રીતે ડેવિડ લીન અને સત્યજીત રાય પણ તેમને ફિલ્મોમાં લેવા માંગતા હતાં.
૧૯૫૬માં ૧૭ વર્ષની ઉમરે લીલા નાઈડુએ ઓબોરોય લક્ઝરી હોટેલ્સ ચેઈનના સ્થાપક મોહન સિંઘ ઓબેરોયના દીકરા તિલક રાજ (ટીક્કી) ઓબેરોય સાથે લગ્ન કર્યા હતાં. ત્યારે પતિ ‘ટીક્કી’ ૩૩ વર્ષના હતા. તેમને બે જોડિયા દીકરીઓ પ્રિયા અને માયા હતી. તેમનું ટૂંકું લગ્ન તૂટ્યું અને પિતાને બંને દીકરીઓની કસ્ટડી મળી હતી. પછી લીલાનો જીદ્દું કૃષણમૂર્તિ સાથે લંડનમાં મિલાપ થયો. તેમની ટેકનીકથી લીલા ખૂબ આકર્ષાયા હતાં. ૧૯૬૯માં લીલાએ વિખ્યાત કવિ-લેખક ડોમ મોરાઇસ સાથે બીજી વાર લગ્ન કર્યા. તેઓ ૨૫ વર્ષ હોંગકોંગ, ન્યુ યોર્ક સીટી, નવી દિલ્હી તથા મુંબઈમાં રહ્યાં. ડોમ મોરાઈસે અંગ્રેજીમાં ૩૦ પુસ્તકો લખ્યાં છે અને ‘અંગ્રેજીમાં લખતાં ભારતીય લેખક’ રૂપે તેમની નામના હતી. કમનસીબે એમની સાથેના સંબંધનો પણ અંત આવતા લીલા નાઈડુ ભાંગી પડયા હતાં.
મુંબઈના કોલાબાના સાર્જન્ટ હાઉસના મોટા ફ્લેટમાં લીલા એકલા રહેતાં હતાં. જીવનનો છેલ્લો દશકો આ મહિલા ઘરમાં જ પુરાઈ રહ્યાં. આર્થિક હાલતને કારણે તેઓ પેઈંગ ગેસ્ટ રાખતા અને તેમની કંપની માણતા. તેમણે દીકરીઓ સાથે સંપર્ક જાળવ્યો હતો. ૨૦૦૮માં દીકરી પ્રિયાનું હૃદય રોગમાં નિધન થયું હતું. અને ૨૮ જુલાઈ, ૨૦૦૯ના રોજ મુંબઈમાં ફેફસાંની નિષ્ફળતાથી ઇન્ફ્લુંએન્ઝા થવાને કારણે લીલા નાઈડુએ તેમની લીલા સંકેલી ત્યારે તેઓ ૬૯ વર્ષના હતાં. ‘લીલા: એ પોટ્રેઈટ’ નામના તેમના જીવન ચરિત્રના સહલેખક જેરી પિંટો છે, પેન્ગ્વીને તે પુસ્તક ૨૦૦૯માં બહાર પાડ્યું હતું.
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકનો અંશ. આભાર શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under પ્રકીર્ણ