Daily Archives: ફેબ્રુવારી 6, 2021

સુરીલા ગાયિકા અનુરાધા પૌડવાલ

સુરીલા ગાયિકા અનુરાધા પૌડવાલહિન્દી ફિલ્મોના સફળ ગાયિકા અનુરાધા પૌડવાલ ૬૬ વર્ષના થયાં. ૨૭ ઓક્ટોબર ૧૯૫૪ના રોજ તેમનો કર્ણાટકના કારવારમાં જન્મ. તેઓ શ્રેષ્ઠ ગાયિકા રૂપે ૧૫ વાર ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત થયા છે અને ચાર વાર વિજેતા પણ બન્યાં છે. તેમને ગાયિકા રૂપે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો છે. અનુરાધાએ હિન્દી ઉપરાંત દેશની સંસ્કૃત સહિતની લગભગ તમામ ભાષાઓમાં ગાયું છે. અનુરાધાની ફિલ્મી ગાયકીની શરૂઆત અમિતાભ-જયાની ફિલ્મ ‘અભિમાન’ના સંસ્કૃત શ્લોક ગાનથી થઇ હતી. તે ૧૯૭૩નું વર્ષ હતું. તેજ વર્ષે મરાઠી ફિલ્મ ‘યશોદા’ માટે પણ તેમણે ગાયું હતું. તરત જ તેમની ‘ભાવ ગીતે’ નામની મરાઠી રેકોર્ડ આવી અને ખુબ લોકપ્રિય થઇ. ‘કાલીચરણ’ના ગીતથી તેમને હિન્દી ફિલ્મોમાં બ્રેક મળ્યો. લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતમાં ‘આપ બીતી’માં તેમનું પહેલું સોલો ગીત આવ્યું હતું. પછી તો રાજેશ રોશનની ‘ઉધાર કા સિંદૂર’, જયદેવની ‘દૂરિયાં’ અને ‘લૈલા મજનું’; કલ્યાણજી આનંદજીની ‘કલાકાર’, ‘વિધાતા’ કે ઉષા ખન્નાના સંગીતવાળી ‘સૌતન’, ‘સાજન બિન સુહાગન’માં ગાઈને તેઓ જાણીતા બની ગયાં. અનુરાધાને દેખીતી રીતે શાસ્ત્રીય ગાયનની કોઈ ખાસ તાલીમ નથી મળી. તેઓ જાતે જ કહેતાં કે મને તાલીમની તક ન મળી, પણ હું કલાકો સુધી લતાજીને સાંભળતી રહી અને શીખી. લક્ષ્મી-પ્યારેના સંગીતમાં ‘હીરો’ના ગીતોથી તેઓ લોકપ્રિય બન્યાં. એજ સંગીતકારોના ‘મેરી જંગ’ અને ‘બટવારા’ કે ‘નગીના’ના ગીતોથી તેઓ ખુબ લોકપ્રિય બન્યાં. એલપીના ‘રામ લખન’માં અનુરાધાના ત્રણ ગીતો હીટ થયાં. તેઓ ‘તેઝાબ’માં ‘કહદો કી તુમ’ અને ‘હમ તુમકો દિલબર’ સુધી આ સફળતા લંબાઈ. એ પછી તેઓ નિર્માતા ગુલશન કુમાર સાથે સંકળાયા અને સફળતા આગળ વધી. તેમની સંગીત કંપની ટી સીરીઝ સાથે ‘લાલ દુપટ્ટા મલમલ કા’, ‘આશિકી’ અને ‘દિલ હૈ કી માનતા નહીં’ના ગીતો હીટ બન્યાં. તેમની સાથે અનુરાધાએ અનેક નવા ગાયકો સાથે ગાયું, જેમાં કુમાર સાનુ, ઉદિત નારાયણ, અભિજિત કે સોનું નિગમને યાદ કરી શકાય. અનુરાધા સાથે તેમના પતિ અરુણ પૌડવાલ સહિતના નવા સંગીતકારો પણ સંગીત જગતમાં આવ્યા. નદીમ-શ્રવણ, અનુ મલિક, આનંદ મિલિન્દ, નિખીલ વિનય અને અમર ઉત્પલ ટી સીરીઝ દ્વારા આગળ આવ્યાં, તેમાં અનુરાધા સાથે હતાં. અનુરાધાએ કિશોર કુમાર, મોહંમદ રફી, લતા, આશા, કવિતા કૃષ્ણમુર્થી, અલકા યાજ્ઞિક અને સાધના સરગમ સાથે પણ ગાયું છે. દક્ષિણના જાણીતા ગાયકો યેસુદાસ કે બાલાસુબ્રમણ્યમ સાથે પણ સુંદર યુગલ ગીતો અનુરાધાએ ગાયા. અનુરાધાના કેટલાંક સુંદર ગીતો સંગીતકાર શિવ-હરિના ‘સાહેબાં’માં પણ આવ્યાં. રાહુલદેવ બર્મનને ટી સીરીઝ માટે સંગીત આપવા માટે અનુરાધાએ જ મનાવ્યા હતા. ત્યારના બધાં જ સંગીતકારોના સ્વરમાં અનુરાધાએ ગાયું હતું. તેજ રીતે મજરૂહ, આનંદ બક્ષી, ગુલઝાર, ઇન્દીવર, જાવેદ અખ્તર, સમીર, દેવ કોહલી કે સઈદ કાદરીના લખેલાં ગીતો અનુરાધાએ ગાયા છે. તેમણે અલકા યાજ્ઞિક અને લતાજીના ગયેલાં ગીતો પણ ફિલ્મમાં ડબ કર્યા હોવાના વિવાદો પણ થયાં. પોતે લોકપ્રિયતાના શિખરે હતાં ત્યારે અનુરાધાએ જાહેર કર્યું હતું કે તેઓ ફક્ત ‘ટી સીરીઝ’ માટે જ ગાશે. તેમણે ભક્તિ સંગીત પર ધ્યાન આપ્યું અને ‘કવર વર્ઝન’ આલબમ બનાવ્યાં. અનુરાધા પહેલાં એવા ગાયિકા છે, જેમનો ચહેરો ફિલ્મના આલબમના કવર પર ફિલ્મના અભિનેતાઓ કરતાં પણ મોટો બતાવાયો. જોકે થોડા સમય સુધી તેઓ માઈકથી દૂર પણ થયાં. પાંચેક વર્ષ પછી અનુરાધા ગાવા માટે પરત પણ થયાં. તેમના થોડા ગીતો જાણીતા પણ થયાં, પણ હવે તેમનો જાદૂ ઓસરી રહ્યો હતો. અનુરાધાને ૨૦૧૦માં લતા મંગેશકર એવોર્ડ મળ્યો. એવા અનેક એવોર્ડ રાજ્યો દ્વારા પણ મળ્યાં. ૧૯૮૯ના ‘હે એક રેશમી – કાલત નાકાલત’ માટે તેમને ગાયિકાનો નેશનલ એવોર્ડ મળ્યો. એમને જે ગીતો માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યાં તે આ રહ્યાં: મેરે મન બાજો ઉત્સવ (ઉત્સવ), નઝર કે સામને (આશિકી), દિલ હૈ કી માનતા નહીં (શીર્ષક) અને ધક ધક કરને લગા (બેટા). અનુરાધા પૌડવાલના યાદગાર ગીતો: મુઝે નીંદ ના આયે, ઓ પ્રિયા પ્રિયા (દિલ), મૈને પ્યાર તુમ્હી સે કિયા હૈ – (ફૂલ ઔર કાંટે), બસ એક સનમ ચાહિયે, જાને જીગર જાનેમન, મૈ દુનિયા ભુલા દુંગા (આશિકી), દિલ હૈ કી માનતા નહીં (શીર્ષક), બહુત પ્યાર કરતે હૈ (સાજન), ચાહા હૈ તુજકો (મન), કોયલ સી તેરી બોલી, ધક ધક કરને લગા (બેટા), મૈયા યશોદા (હમ સાથ સાથ હૈ), કેહ દો કી તુમ હો મેરી (તેઝાબ).ઓક્ટોબરના સિતારા – નરેશ કાપડીઆ – પુસ્તકમાંથી

Leave a comment

Filed under Uncategorized