Daily Archives: ફેબ્રુવારી 10, 2021

સુપર શાયર સાહિર લુધિયા

સુપર શાયર સાહિર લુધિયાનવીહિન્દી-ઉર્દૂ ભાષાના કવિ, ફિલ્મોના સુપર શાયર સાહિર લુધિયાનવીની આજે ૪૦મી પુણ્યતિથિ છે. ૧૯૮૦ની ૨૫ ઓક્ટોબરે તેમનું નિધન થયું હતું. ૮ માર્ચ, ૧૯૨૧ના રોજ લુધિયાણામાં જન્મેલા સાહિરનું મૂળ નામ અબ્દુલ હાઈ હતું. તેમની કવિતાઓથી હિન્દી ફિલ્મોના ગીતોમાં અનોખી ભાત પાડતું કાવ્યતત્વ આવ્યું. સાહિરને શ્રેષ્ઠ ગીતકારના ત્રણ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. તો સરકાર દ્વારા પદ્મશ્રીના ઈલકાબથી સાહિરને નવાજવામાં આવ્યા હતા. ૨૦૧૩માં સાહિરની યાદમાં ટપાલ ટિકિટ પણ જારી કરાઈ હતી. પંજાબના લુધિયાણાના કરીમપુરાની લાલ હવેલીમાં સહીરનો મુસ્લિમ પરિવારમાં ૮ માર્ચ, ૧૯૨૧ના રોજ જન્મ થયો હતો. તેમના માતા સરદાર બેગમે પતિનું ઘર છોડીને સાહિરને એકલા ઉછેર્યા હતા. પિતાએ બીજા લગ્ન કરીને કેસ કરીને દીકરાની કસ્ટડી માંગી હતી. તેમની માતાએ આવી મુસીબતો અને ગરીબીનો સામનો કરીને સાહિરને ઉછેર્યા હતા જેની અસર સાહિર પર આજીવન રહી હતી, તેમના ગીતોમાં તે વર્તાતી પણ હતી. લુધિયાણાની ખાલસા હાઈસ્કૂલ અને ધવન સરકારી કોલેજમાં સાહિરે પોતાની ગઝલ અને નઝમોથી સૌના દિલ જીત્યા હતાં. આજે એ કોલેજનું ઓડીટોરીયમ સાહિરના નામે ઓળખાય છે. એજ કોલેજમાં આચાર્યના બગીચામાં કોલેજની છોકરી સાથે પ્રેમ કરવા બદલ સાહિરને કાઢી પણ મુકાયા હતા. ૧૯૪૩માં સાહિર લાહોરમાં સ્થાયી થયા. બે વર્ષમાં ઉર્દુમાં તેમનો પહેલો કાવ્ય સંગ્રહ ‘તલ્ખિયાં’ આવ્યો. સાહિરે ઉર્દૂ મેગેઝીનોનું સંપાદન કર્યું અને પ્રોગ્રેસીવ રાઈટર એસોસિએશનમાં જોડાયાં. દેશના ભાગલા પડતાં હિંદુ અને શીખ મિત્રોને યાદ કરીને સાહિર લાહોરથી દિલ્હી આવ્યા. ઇસ્લામિક પાકિસ્તાન કરતા સર્વધર્મવાળા ભારતમાં રહેવાનું તેમણે પસંદ કર્યું હતું. બે જ મહિનામાં સાહિર મુંબઈ ગયા, અંધેરીમાં રહ્યાં, જ્યાં એમના પાડોશીઓમાં ગુલઝાર અને ઉર્દૂ સાહિત્યકાર કૃષ્ણ ચંદર પણ હતાં. સાહિરના અંગત જીવનમાં કવયિત્રી અમૃતા પ્રીતમ, ગાયિકા સુધા મલ્હોત્રા સહિત મહિલાઓ હતાં, પણ સાહિર આજીવન કુંવારા રહ્યા. પોતાના કલામય-કવિત્વવાળા સ્વભાવને કારણે સાહિર ઘણીવાર વિવાદ કરતા. ‘આઝાદી કી રાહ પર’ (૧૯૪૯) ફિલ્મના ચાર ગીતોથી તેમણે શરૂઆત કરી હતી. જેની કોઈ અસર જોવા મળી નહોતી. પણ સંગીતકાર એસ. ડી. બર્મનની ‘નૌજવાન’ અને પછી ‘બાઝી’થી તેઓ સફળ થયા. પછી સાહિર ગુરુ દત્તની ટીમનો હિસ્સો હતા. બર્મન-સાહિરની સંગીતકાર-કવિની જોડી ખુબ જામી. સાહિરે સંગીતકારની ફી કરતા પણ એક રૂપિયો વધુ માંગી કવિનું સન્માન માંગ્યું હતું. ‘પ્યાસા’ એમનું સર્વોત્તમ કાર્ય હતું. જોકે ‘પ્યાસા’થી જ બર્મન-સાહિર જોડી તૂટી પણ ગઈ હતી. સાહિરના ગીતોને રવિ, રોશન, ખૈય્યામ, મદન મોહને સંગીતથી સજાવ્યા. સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત પ્યારેલાલે પણ સાહિરના ઉત્તમ ગીતો સજાવ્યા. નિર્માતા-નિર્દેશક બી. આર. ચોપ્રા અને યશ ચોપ્રા સાથે સાહિરના લાંબા સમયના સંબંધો રહ્યાં. બી.આર. ફિલ્મ્સની ‘ઇન્સાફ કા તરાઝુ’ સાહિરની છેલ્લી ફિલ્મ રહી. સાહિર જે ફિલ્મોના ગીતોથી અમર થયા છે, એમાંની કેટલીક છે: ‘બાઝી’, ‘પ્યાસા’, ‘નયા દૌર’, ‘ફિર સુબહ હોગી’, ‘ગઝલ’, ‘અદાલત’, ‘બરસાત કી રાત’, ‘હમ દોનો’, ‘ગુમરાહ’, ‘હમરાઝ’, ‘ચિત્રલેખા’, ‘કાજલ’, ‘વક્ત’, ‘દાગ’, ‘ઇઝ્ઝત’, ‘દાસ્તાન’, ‘કભી કભી’ વગેરે.સાહિરને ‘ઔરતને જનમ દિયા મર્દો કો – સાધના’ (૧૯૫૮), ‘જો વાદા કિયા વો – તાજમહાલ’ (૧૯૬૪) અને ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ – કભી કભી’ (૧૯૭૭) રચનાઓ માટે શ્રેષ્ઠ ગીતકાર રૂપે ફિલ્મફેર એવોર્ડ્સ અપાયા હતાં. સાહિર લુધિયાનવીના જીવનની વિગતોને ‘મૈ સાહિર હું’ રૂપે સાબિર દત્ત, ચંદર વર્મા અને ડૉ. સલમાન આબિદે પુસ્તક રૂપે રજુ કર્યું છે. ૨૦૧૦માં ડેનીશ ઇકબાલે આ શાયરના જીવન પર ‘સાહિર’ નામનો નાટક લખ્યો હતો, જેને પ્રમિલા લે હન્ટે નિર્દેશિત કરી દિલ્હીમાં સફળતાથી રજુ કર્યો હતો, જેમાં સાહિરના ગીતોનો ઉપયોગ થયો હતો. તો અક્ષય માનવાણીએ ‘સાહિર લુધિયાનવી: ધ પીપલ્સ પોએટ’ નામનું સાહિરને લગતી મુલાકાતો આધારે તૈયાર કર્યું છે; જેમાં યશ ચોપ્રા, દેવ આનંદ, જાવેદ અખ્તર, ખય્યામ, સુધા મલ્હોત્રા, રવિ ચોપ્રા અને રવિ શર્માએ સુપર શાયર માટે તેમના મંતવ્યો અને વિચારો વ્યક્ત કર્યા છે. ૨૫ ઓક્ટોબર, ૧૯૮૦ના રોજ એકાએક આવેલાં હૃદય રોગના હુમલામાં સાહિરનું નિધન થયું હતું. તેમની ધુમ્રપાન અને શરાબની આદત ભારે પડી. તેમના મિત્ર જાવેદ અખ્તરની હાજરીમાં તેમનું મૃત્યુ થયું. સાહિર લુધિયાનવીના યાદગાર ગીતો: ઠંડી હવાએ (નૌજવાન), જાને વો કૈસે લોગ થે જિનકે, યે દુનિયા અગર મીલ ભી જાયે તો ક્યા હૈ (પ્યાસા), તકદીર સે બિગડી હુઈ (બાઝી), આના હૈ તો આ (નયા દૌર), વો સુબહા કભી તો આયેગી (ફિર સુબહા હોગી), રંગ ઔર નૂર કી સૌગાત કિસે પેશ કરું (ગઝલ), જાના થા હમ સે દૂર (અદાલત), તું હિંદુ બનેગા ના (ધુલ કા ફૂલ), યે ઈશ્ક ઈશ્ક હૈ, જિંદગી ભર નહીં ભૂલેંગે (બરસાત કી રાત), હર ફિકર કો ધુએ મેં ઉડાતા ચલા ગયા અને અલ્લા તેરો નામ (હમદોનો), ચલો એક બાર ફિર સે (ગુમરાહ), સંસાર સે ભાગે ફિરતે હો (ચિત્રલેખા), તુમ અગર સાથ દેને કા વાદા કરો (હમરાઝ), આગે ભી જાને ના તું અને અય મેરી જોહરા જબી (વક્ત), છૂ લેને દો નાજુક હોઠોં સે, તોરા મન દર્પન કહલાયે (કાજલ), મેરે દિલ મેં આજ ક્યા હૈ (દાગ), યે દિલ તુમ બિન (ઈજ્જત), મૈ પલ દો પલ કા શાયર અને કભી કભી મેરે દિલ મેં (કભી કભી).ઓક્ટોબરના સિતારા – નરેશ કાપડીઆ પુસ્તકનો અંશ

Leave a comment

Filed under Uncategorized