Daily Archives: ફેબ્રુવારી 12, 2021

ગીતોમાં શાસ્ત્રીયતા ગાનારા મન્ના

ગીતોમાં શાસ્ત્રીયતા ગાનારા મન્ના ડેહિન્દી અને બંગાળી ફિલ્મોના ગીતોમાં શાસ્ત્રીય ધુનો પર સંખ્યાબંધ યાદગાર ગીતો ગાનારા મહાન ગાયક મન્ના ડેની સાતમી પુણ્યતિથિ. ૨૩ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ ૯૪ વર્ષની વયે બેંગલુરુમાં તેમનું નિધન થયું હતું. તેમનું મૂળ નામ પ્રબોધ ચંદ્ર ડે હતું. ૧ મે, ૧૯૧૯ના રોજ કોલકાતામાં તેમનો જન્મ. ૧૯૪૨થી ૨૦૧૨ સુધી મન્નાદા એ ચાર હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતાં. ભારત સરકાર દ્વારા તેમને ૧૯૭૧માં પદ્મશ્રી, રવીન્દ્ર ભારતી યુનિવર્સીટી તરફથી ૨૦૦૪માં ‘ડી.લીટ’ની ડીગ્રી, ૨૦૦૫માં પદ્મભૂષણ અને ૨૦૦૭માં દેશના સર્વોચ્ચ સિનેસન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી તેમને નવાજવામાં આવ્યા હતા. હિન્દી, બંગાળી અને ગુજરાતી ઉપરાંત મન્નાદા એ દેશની લગભગ તમામ ભાષાઓમાં ગાયું હતું. ૧૯૫૩થી ૧૯૭૬નો સમયગાળો મન્નાદા માટે સૌથી સફળ રહ્યો હતો. તેમના માતા-પિતા મહામાયા અને પૂર્ણ ચંદ્ર ડે હતાં. તેમના મામા સંગીતાચાર્ય કૃષ્ણ ચંદ્ર (કે.સી.) ડેએ મન્ના દાને ખુબ પ્રોત્સાહન આપ્યું હતું. દસેક વર્ષની ઉમરે જયારે તેઓ સ્કૂલમાં ભણતા હતા ત્યારથી મન્નાદા મંચ પર ગાતા હતા. કોલકાતાના સ્કોટીશ ચર્ચ સ્કૂલ અને વિદ્યાસાગર કોલેજમાં મન્ના ભણ્યા હતા. કોલેજમાં તેમણે કુસ્તી અને મુક્કાબાજીની રમતમાં રસ લીધો હતો. શાસ્ત્રીય સંગીતની તાલીમ સાથે ફિલ્મ સંગીતની તાલીમ મન્ના ડે સહાયક સંગીતકાર રૂપે મામા કે.સી. ડે અને સચિનદેવ બર્મન પાસે લીધી હતી. સ્વતંત્ર સંગીતકાર રૂપે પણ તેમણે કાર્ય કર્યું હતું. કે.સી. ડેના સંગીતમાં ૧૯૪૨માં ‘તમન્ના’ ફિલ્મ માટે સુરૈયા સાથે ‘જાગો આઈ ઉષા પોંચી બોલેય જાગો’થી મન્નાદાએ ફિલ્મી ગાયકીની શરૂઆત કરી હતી. પછી ‘રામરાજ્ય’માં ગાયું. સચિનદેવ બર્મનના સંગીત પર કવિ પ્રદીપના ‘મશાલ’ના ‘ઉપર ગગન વિશાલ’ ગીતથી તેઓ જાણીતા બન્યા. પછી તો અનીલ બિસ્વાસ, શંકરરાવ વ્યાસ, સચિન દેવ બર્મન, ખેમચંદ પ્રકાશ, મો. શફીના સંગીતમાં દસેક વર્ષ નિયમિત ગાતા રહ્યા. ઉભરતી ગાયિકા લતા મંગેશકર સાથે પહેલું યુગલ ગીત મન્નાદાએ ‘નરસિંહ અવતાર’ (૧૯૪૯) માટે ગાયું હતું, તો ઉભરતી ગાયિકા આશા ભોસલે સાથે તેમણે પહેલું ગીત ‘બુટ પોલીશ’ (૧૯૫૩)માં ‘વો રાત ગઈ યે સૂબહા નઈ’ ગાયું હતું. સલિલ ચૌધરીના સંગીતમાં ‘દો બિઘા જમીન’ના ગીતોથી તેઓ દેશભરમાં જાણીતા બન્યા. સંગીતકાર શંકર જયકિશને મન્ના ડેના ગળાનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો હતો, એવું મન્ના ડે એ જાતે કહ્યું હતું. રાજ કપૂર માટેના ખાસ ગીતોમાં તેમણે મુકેશને બદલે મન્ના ડેના ગળાનો ઉપયોગ કરીને કમાલ કરી હતી. ‘આવારા’, ‘શ્રી ૪૨૦’, ‘ચોરી ચોરી’, ‘પરવરિશ’, ‘દિલ હી તો હૈ’, ‘મેરા નામ જોકર’, ‘કલ આજ ઔર કલ’ અને ‘અબ્દુલ્લા’ સુધી આ ટીમ સાથે રહી હતી. રાજ કપૂર માટે ધીમા લયના દર્દભર્યા ગીતો મુકેશ ગાતા તો તેજ લય અને રોમાન્સના ગીતો મન્ના ડે ગાતા. રાજ કપૂરના સૌથી લોકપ્રિય યુગલ ગીતોમાંથી મોટા ભાગના મન્ના ડેએ ગાયા છે. અન્ય દિગ્ગજ સંગીતકારો સાથે પણ મન્નાદાએ ખુબ અને ગુણવત્તાસભર ગાયું છે. મન્ના ડે અને મોહંમદ રફીએ પણ ઘણાં ગીતો યુગલ સ્વરૂપે ગાયા. અભિનેતા રાજેશ ખન્નાની ફિલ્મોના ગીતોને કારણે ૧૯૭૧ બાદ મન્ના ડે ફરી લોકપ્રિય થયા હતા. એજ રીતે મેહમૂદ માટેના કેટલાંક યાદગાર ગીતો પણ મન્ના ડેએ ગાયા. મન્ના ડેએ ફિલ્મી ગીતો ગાવાની સુવર્ણ જયંતિ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડીયમમાં ગીતો ગાઈને ૧૯૯૨માં ઉજવી હતી. ત્યાર બાદ મન્નાદા માત્ર બંગાળી ગીતો ગાતા. ભજન અને ગઝલ ગાતા, પ્રાદેશિક ફિલ્મોમાં ગાતા. આવું છેક ૨૦૧૨ સુધી ચાલ્યું. ૨૦૧૨માં તેમણે મુંબઈમાં રંગમંચ પરનો છેલ્લો જીવંત શો કર્યો હતો. ત્યાં સુધી મન્ના ડે દેશ-વિદેશમાં શોમાં ગાતા રહ્યા હતા.૧૯૫૩માં મન્ના ડે એ કેરળના સુલોચના કુમારન સાથે લગ્ન કર્યા હતા. તેમણે શુરોમાં અને સુમિતા નામની બે દીકરીઓ હતી. સુલોચનાજીનું ૨૦૧૨માં કેન્સરથી નિધન થતાં પચાસથી વધુ વર્ષો મુંબઈમાં રહ્યા બાદ મન્ના ડે બેંગલુરુ રહેવા ગયા હતા. ૮ જૂન, ૨૦૧૩ના રોજ મન્ના ડેને બેંગલુરુની હોસ્પિટલમાં છાતીમાં ચેપ લાગવાને કારણે દાખલ કરાયા હતા. લગભગ એક માસ સુધી તેમને વેન્ટીલેટર પર રખાયા હતા. તેઓ સારા થઈને ઘરે પણ ગયા. પણ ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ બપોરે ૩.૪૫ કલાકે હૃદય રોગના હુમલાને કારણે ૯૪ વર્ષની વયે તેમનું નારાયણા હૃદયાલયા હોસ્પિટલમાં નિધન થયું, જયારે તેમના દેશભરના ચાહકો શોકમાં સરી પડ્યા હતાં. તેમની અંતિમ વિધિઓ બેન્ગ્લુરુંમાં જ કરાઈ હતી.મન્ના ડે ના યાદગાર ગીતો: ઉપર ગગન વિશાલ (મશાલ), અપની કહાની જોડ જા (દો બિઘા જમીન), આજા સનમ મધુર ચાંદની મેં, યે રાત ભીગી ભીગી (ચોરી ચોરી), યે નહીં હૈ ઝીંદગી (આવારા), પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈ, દિલ કા હાલ સુને દિલવાલા (શ્રી ૪૨૦), ભયભંજના સુન વંદના હમારી (બસંત બહાર), તું પ્યાર કા સાગર હૈ (સીમા), અય્ મેરે પ્યારે વતન (કાબુલીવાલા), લાગા ચુનરી મેં દાગ (દિલ હી તો હૈ), અરે જારે હટ નટખટ, તુ છુપી હૈ કહાં (નવરંગ), આઓ ટ્વીસ્ટ કરે (ભુત બંગલા), કૌન આયા મેરે મન કે દ્વારે (દેખ કબીરા રોયા), ચુનરી સમ્હાલ ગોરી (બહારોં કે સપને),તુઝે સુરજ કહું યા ચંદા (એક ફૂલ દો માલી), એ ભાઈ જરા દેખ કે ચલો (મેરા નામ જોકર), જીવન સે લંબે હૈ બંધુ (આશીર્વાદ), ઝનક ઝનક તોરી બાજે પાયલિયા (મેરે હુઝુર), આયો કહાં સે ઘનશ્યામ (બુઢા મીલ ગયા), ઝીંદગી કૈસી હૈ પહેલી (આનંદ). ઓક્ટોબરના સિતારા: નરેશ કાપડીઆ – પુસ્તકનો અંશ

Image may contain: 1 person, eyeglasses, beard and closeup

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized