કોમેડિયન ખરા પણ લેખક વધુ સારા – કાદર ખાનહિન્દી ફિલ્મોના ઇન્ડિયન-કેનેડિયન અભિનેતા, કોમેડિયન, સ્ક્રીપ્ટ અને સંવાદ લેખક અને દિગ્દર્શક એવા કાદર ખાનનો ૮૩મો જન્મ દિવસ. ૨૨ ઓક્ટોબર, ૧૯૩૭ના રોજ કાબુલમાં તેમનો જન્મ. ‘દાગ’ (૧૯૭૩)માં સરકારી વકીલ રૂપે પહેલી વાર પડદા પર દેખાયેલા કાદર ખાને ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ફિલ્મો માટે ખુબ લખ્યું પણ છે. સિત્તેરના દાયકાથી પચ્ચીસેક વર્ષમાં કાદર ખાને બસો જેટલી ફિલ્મોના સંવાદ લખ્યાં છે. મુંબઈ યુનિવર્સીટીમાંથી સ્નાતક થયેલા ખાન ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગમાંથી સિવિલ એન્જીનીયરીંગ ભણ્યા છે. ખાન ફિલ્મોમાં આવ્યા તે પહેલાં મુંબઈની સાબુ સિદ્દીક એન્જીનીયરીંગ કોલેજમાં સિવિલ એન્જીનીયરીંગનો વિષય શીખવતા હતા. ગત વર્ષે પહેલાં તેમના વિશેની અમંગળ અફવાઓ પણ ફેલાઈ અને વર્ષાંતે યાને ૩૧ ડીસેમ્બર, ૨૦૧૮ના રોજ કેનેડાના ટોરેન્ટોમાં ૮૧ વર્ષની જૈફ વયે તેમનું નિધન થયું હતું. કાબૂલ, અફઘાનિસ્તાનમાં તેમનો જન્મ. તેમના પિતા કંદહાર અને માતા બલોચીસ્તાનના હતાં. તેમનું મૂળ પશ્તુન છે અને તેઓ હાફીઝ-એ-કુરાન છે. તેમનું કોલેજનું નાટક બહુ સફળ થયું. દિલીપ કુમારને તેની ખબર પડતાં કાદરને બોલાવી નાટક જોવાની ઈચ્છા બતાવી. દિલીપ સાહેબે નાટક જોઈને કાદર ખાનને પોતાની આગામી ફિલ્મો ‘સગીના મહાતો’ અને ‘બૈરાગ’માં લીધા હતા. કાદરજીને ત્રણ દીકરા, જેમાંના સરફરાઝ ખાને અનેક ફિલ્મોમાં કામ પણ કર્યું છે. કાદર ખાન ચાર દાયકામાં ૩૦૦થી વધુ હિન્દી-ઉર્દૂ ફિલ્મોના અભિનય અને ૨૦૦થી વધુ હિન્દી ફિલ્મોના સંવાદ લખવાનો અનુભવ ધરાવે છે. મનમોહન દેસાઈએ તેમની ‘રોટી’ (૧૯૭૪)ના સંવાદ લખવા માટે ખાનને ૧.૨૧ લાખ રૂપિયાનો માતબર પુરસ્કાર આપ્યો હતો. જીતેન્દ્ર, ફિરોઝ ખાન, અમિતાભ, ગોવિંદા સાથે ખાન અભિનય કરતા અને ડેવિડ ધવનની ફિલ્મો લખતા પણ અને તેમાં અભિનય પણ કરતા. શક્તિ કપૂર અને જ્હોની લીવર સાથે તેઓ પણ કોમેડી કરતા. પિતા, કાકા-મામા, ભાઈ, મુખ્ય વિલન કે સાઈડ વિલન, મહેમાન કલાકાર કે કોમેડિયન જેવી વિવિધ ભૂમિકાઓ તેમણે ભજવી છે. છેલ્લા થોડા વર્ષોની તેમની ફિલ્મો ‘મુજસે શાદી કરોગી’, ‘લકી: ટાઈમ ફોર લવ’, ‘ફેમિલી: ટાઇઝ ઓફ બ્લડ’, ‘તેવર’ (૨૦૧૫) કે ‘હેરા ફેરી ૩’ (૨૦૧૬) યાદ કરી શકાય. એમની પોતાની કોમેડી સીરીયલ ‘હસના મત’ સ્ટાર પ્લસ પર રજૂ થઇ હતી. સહારા વન પર ‘હાય પડોસી… કૌન હૈ દોષી’ પણ આવી. કાદર ખાને મનમોહન દેસાઈ અને પ્રકાશ મેહરાની ફિલ્મો માટે લખેલાં સંવાદો અમિતાભ બચ્ચન પડદા પર બોલતા હતા. આ બંને મોટા નિર્માતાઓના હરીફ કેમ્પ્સમાં બે જ કોમન કલાકારો રહેતાં, અમિતાભ અને કાદર ખાન. તેમણે લખેલી ફિલ્મોમાં ‘શરાબી’, ‘કુલી’, ‘દેશ પ્રેમી’, ‘લાવારીસ’, ‘સુહાગ’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘પરવરિશ’ કે ‘અમર અકબર એન્થની’ને યાદ કરી શકાય. તે ઉપરાંત અમિતાભની અન્ય ફિલ્મો ‘મિ. નટવરલાલ’, ‘ખૂન પસીના’, ‘દો ઔર દો પાંચ’, ‘સત્તે પે સત્તા’, ‘ઇન્કિલાબ’, ‘ગિરફ્તાર’, ‘હમ’ કે ‘અગ્નિપથ’ના સંવાદો પણ કાદર ખાનના હતાં. ‘અગ્નિપથ’ અને ‘નસીબ’ની પટકથા પણ તેમણે જ લખી હતી. કાદર ખાનના સંવાદોથી દીપતી અન્ય ફિલ્મોમાં ‘હિંમતવાલા’, ‘કુલી નં. ૧’, ‘મૈ ખિલાડી તું અનાડી’, ‘ખૂન ભરી માંગ’, ‘કર્મા’, ‘સલ્તનત’, ‘સરફરોશ’, ‘જસ્ટીસ ચૌધરી’ કે ‘ધરમ વીર’ને યાદ કરી શકાય. ફિલ્મોના પ્રદાન મારે કાદર ખાનને સાહિત્ય શિરોમણી એવોર્ડ પણ અપાયો છે. તેમને ‘શ્રેષ્ઠ સંવાદ માટેના ફિલ્મફેર એવોર્ડ’ ‘મેરી આવાઝ સુનો’ (૧૯૮૨) અને ‘અંગાર’ (૧૯૯૩) માટે તથા ‘બેસ્ટ કોમેડિયન રૂપે ફિલ્મફેર એવોર્ડ’ તેમના ‘બાપ નંબરી, બેટા દસ નંબરી’ના અભિનય માટે અને ‘મુજસે શાદી કરોગી’માં ‘સહાયક અભિનેતા રૂપે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. જે ફિલ્મોમાં તેમને બેસ્ટ કોમેડિયન રૂપે ફિલ્મફેર એવોર્ડનું નામાંકન મળ્યું હતું, તેમાં ‘હિમ્મતવાલા’, ‘આજ કા દૌર’, ‘સિક્કા’, ‘હમ’, ‘આંખેં’, ‘મૈ ખિલાડી તું અનાડી’, ‘કુલી નં. ૧’, ‘સાજન ચલે સસુરાલ’ કે ‘દુલ્હે રાજા’નો સમાવેશ થાય છે. મુસ્લિમ સમાજ માટે તેમણે કરેલી સેવા બદલ અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ્સ ફ્રોમ ઇન્ડિયા દ્વારા કાદર ખાનનું સન્માન કરાયું છે. હિન્દી રંગમંચ પર તેમના નાટકો અને સંવાદો ધૂમ મચાવતા હતાં. કાદર ખાન મુંબઈમાં રહ્યાં અને આરોગ્યના કારણો સર ટોરેન્ટો ગયા હતા. તેમેણે કેનેડાનું નાગરિકત્વ લીધું હોવાની પણ વાત હતી. તેઓ ભારતીય મુસ્લિમ રૂપે ઓળખાતા હતા. તેઓ ‘સુપરાનુક્લિયર પાલ્સી’ નામના સારા ન થવાય તેવા રોગથી પીડાતા હતા. કેનેડાના ટોરેન્ટોમાં ૨૮ ડીસેમ્બર, ૨૦૧૮ના રોજ ‘શ્વાસની તકલીફ’ની ફરિયાદ સાથે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારે તેમના કેનેડામાં રહેતા દીકરા કુદ્દુસ અને પુત્રવધુ તેમની સાથે હતાં. અંતે ૩૧ ડીસેમ્બર, ૨૦૧૮ના રોજ તેમના અભિનેતા દીકરા સરફરાઝ ખાને જણાવ્યું હતું કે કાદર ખાન રહ્યાં નથી. કેનેડાના મેડોવવેલ મુકામે મિસિસાગુઆ મુકામે આવેલા કબ્રસ્તાનમાં તેમની અંતિમ વિધિઓ કરાઈ હતી. *ઓક્ટોબરના સિતારા – નરેશ કાપડીઆ
