Daily Archives: માર્ચ 2, 2021

શમ્મી કપૂર

મનોરંજક પ્લેબોય – શમ્મી કપૂરપોતાની જોશીલી અદાઓવાળા પ્લેબોય શમ્મી કપૂર અગર જીવતા હોત તો આજે ૮૯ વર્ષના થાત. પૃથ્વીરાજ કપૂરને ત્યાં ૨૧ ઓક્ટોબર, ૧૯૩૧ના રોજ શમશેર રાજ ક્પૂર નામે મુંબઈમાં તેમનો જન્મ. પચાસના દાયકાના અંતથી સિત્તેરના દાયકાની શરૂઆત સુધી શમ્મીએ ધૂમ મચાવી હતી. તેઓ ભારતના સૌથી મનોરંજક અભિનેતા ગણાયા. તેમને ‘બ્રહ્મચારી’ અને ‘વિધાતા’ માટે ફિલ્મફેર એવોર્ડ્સ પણ મળ્યાં હતાં. ‘જીવન જ્યોતિ’ (૧૯૫૩)થી ફિલ્મ અભિનયની શમ્મીએ શરૂઆત કરી હતી. પણ ‘તુમ સા નહીં દેખા’થી તેમને પોતાનો માર્ગ મળી ગયો હતો. પછી તો ‘દિલ દેકે દેખો’, ‘સિંગાપોર’, ‘જંગલી’, ‘કોલેજ ગર્લ’, ‘પ્રોફેસર’, ‘ચાઈના ટાઉન’, ‘કાશ્મીર કી કલી’, ‘જાનવર’, ‘તીસરી મંઝીલ’, ‘એન ઇવનિંગ ઇન પેરીસ’, ‘બ્રહ્મચારી’, ‘અંદાઝ’ અને ‘સચ્ચાઈ’ સુધી તેઓ ચાહકોના દિલ પર રાજ કરતા ગયા. પૃથ્વીરાજ અને રામશરણી (મેહરા) કપૂરને ત્યાં જન્મેલા શમ્મી, રાજ કપૂરથી નાના અને શશી કપૂરથી મોટા ભાઈ હતા. તેમનું બાળપણ પેશાવર અને કોલકાતામાં વીત્યું. મુંબઈ આવીને હ્યુજીસ રોડની ન્યુ એરા સ્કૂલમાંથી મેટ્રીક થયા હતા. થોડો વખત શમ્મી રુઈયા કોલેજમાં પણ ભણેલા. રૂ. ૫૦ના પગારથી ૧૯૪૮માં તેઓ પૃથ્વી થિયેટરમાં જોડાયા હતા. ગાયક જીગલ કિશોર મેહરા તેમના મામાના દીકરા થાય. જેમના દીકરી એટલે પાકિસ્તાનથી આવેલાં અભિનેત્રી-ગાયિકા સલમા આગા. સલમા બી.આર. ચોપ્રાની ‘નિકાહ’થી ફિલ્મમાં આવ્યાં હતાં જે શમ્મી કપૂરના ભત્રીજી થાય.૧૯૫૫માં શમ્મી ‘રંગીત રાતેં’ ફિલ્મના હીરો હતા અને તે ફિલ્મમાં એક કીમિયો ભૂમિકા કરતા ગીતા બાલી તેમને મળ્યાં. બંને વચ્ચે પ્રેમ થયો અને ચાર માસ બાદ મુંબઈના નેપિયન્સી રોડ પરના બાણગંગા મંદિરમાં તેમણે લગ્ન કર્યા. તેના એક વર્ષ બાદ તેમને ત્યાં દીકરા આદિત્ય રાજ કપૂરનો જન્મ થયો. તેના પાંચ વર્ષ બાદ ૧૯૬૧માં તેમને ત્યાં દીકરી કંચનનો જન્મ થયો હતો. કમનસીબે શીતળાના રોગમાં૧૯૬૫માં પત્ની ગીતા બાલીનું નિધન થયું. ૧૯૬૯માં શમ્મી કપૂરે ભાવનગરના પૂર્વ રાજવી પરિવારના નીલા દેવી સાથે લગ્ન કર્યા હતાં.મહેશ કૌલ નિર્દેશિત ચાંદ ઉસ્માની સામેની ‘જીવન જ્યોતિ’માં તેઓ પહેલી વાર પડદે દેખાયા હતા. સુરૈયા સાથે ‘શમા પરવાના’, મીના કુમારી સાથે ‘મેમ સાહેબ’, મધુબાલા સાથે ‘રેલ કા ડિબ્બા’ અને ‘નકાબ’, નૂતન સાથે ‘લૈલા મજનું’, શ્યામા સાથે ‘ઠોકર’ કે નલીની જયવંત સાથે ‘હમ સબ ચોર હૈ’ જેવી ગંભીર ભૂમિકાઓવાળી નિષ્ફળતાઓ બાદ નસીર હુસૈનની ‘તુમસા નહીં દેખા’થી તેમને સફળતા મળી હતી. ‘જંગલી’થી તેઓ રીબેલ સ્ટાર બન્યા. હવે તેઓ ‘રોમકોમ’ ઈમેજમાં હતા. રફી તેમના મુખ્ય ગાયક અને શંકર જયકિશન તેમના સંગીતકાર હતા. પછી તો નવી અભિનેત્રીઓ શમ્મી દ્વારા લોન્ચ થતી જોવા મળી. આશા પારેખ, સાઈરા બાનુ, શર્મિલા ટાગોરની સફળ શરૂઆત શમ્મી કપૂરથી થઇ હતી. દોઢેક દાયકા સુધી શમ્મી એકલા જ ડાન્સિંગ સ્ટાર હતા. તેઓ પોતાના ડાન્સિંગ સ્ટેપ્સ જાતે જ કમ્પોઝ કરતા. તેઓ ભારતના એલ્વીસ પ્રેસ્લી ગણાતા. દક્ષિણ ભારતની નાયિકાઓ સાથે તેઓ સફળ થયા. સરોજા દેવી સાથે ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ અને ‘પ્રીત ન જાને રીત’, પદ્મિની સાથે ‘સિંગાપોર’ અને વૈજયંતીમાલા સાથે ‘કોલેજ ગર્લ’ અને ‘પ્રિન્સ’ કરી. સાંઠના દાયકાને અંતે સાધના સાથે ‘બદતમીઝ’ અને ‘સચ્ચાઈ’, નૂતન સાથે ‘લાટ સાહેબ’ અને બબીતા સાથે ‘તુમ સે અચ્છા કૌન હૈ’ કરી. નિર્દેશક શક્તિ સામંતે શમ્મી કપૂરને છ ફિલ્મોમાં ડીરેક્ટ કર્યા હતા. ‘સિંગાપોર’, ‘ચાઈના ટાઉન’, ‘કાશ્મીર કી કલી’, ‘એન ઇવનિંગ ઇન પેરીસ’, ‘પગલા કહીં કા’ અને ‘જાને અંજાને’. તેમાંની છેલ્લી બે ફિલ્મો નિષ્ફળ ગઈ હતી. શક્તિ સામંતે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે શમ્મી કપૂર એક સારા માણસ હતા. તેઓ જયારે ખૂબ સફળ હતા ત્યારે પણ તેઓ વિનમ્ર હતા. પછી વજન વધી ગયું, રોમાન્સિંગ હીરો બનવું શક્ય નહોતું, ‘અંદાઝ’ એવી છેલ્લી ફિલ્મ બની, જેમાં રાજેશ ખન્ના મહેમાન ભૂમિકામાં હતા. શમ્મી હવે ચરિત્ર અભિનેતા બન્યા. ‘ઝમીર’, ‘હીરો’, ‘વિધાતા’, ‘હકુમત’, ‘બટવારા’, ‘તહલકા’, ‘ચમત્કાર’, ‘પ્રેમગ્રંથ’ આવી. ૧૯૭૪માં તેમણે ‘મનોરંજન’ અને ૧૯૭૬માં રાજેશ ખન્નાની ‘બંડલ બાજ’નું નિર્દેશન પણ કર્યું. ૨૦૧૧માં તેમના મૃત્યના થોડા જ સમય પહેલાં શમ્મી કપૂર નિર્દેશક ઈમ્તીઆઝ અલીની સફળ ફિલ્મ ‘રોકસ્ટાર’માં દેખાયા. એ પડદા પરની તેમની છેલ્લી હાજરી. એ ફિલ્મમાં ભાઈ રાજ કપૂરનો પૌત્ર રણબીર કપૂર હીરો હતો. ૧૪ ઓગસ્ટ, ૨૦૧૧ની સાંજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ૭૯ વર્ષની વયે ક્રોનિક રીનલ ફેલીયોરને કારણે શમ્મી કપૂરનું નિધન થયું હતું. શમ્મી કપૂરના યાદગાર ગીતો: યું તો હમને (તુમસા નહીં દેખા), દિલ દે કે દેખો (શીર્ષક), ઝૂમતા મૌસમ (ઉજાલા), એહસાન તેરા હોગા (જંગલી), દિલ તેરા દીવાના હૈ સનમ (શીર્ષક), અય્ ગુલબદન (પ્રોફેસર), હમ હૈ રાજકુમાર (શીર્ષક), હૈ દુનિયા ઉસી કી (કાશ્મીર કી કલી), લાલ છડી મૈદાન ખડી (જાનવર), ઓ હસીના જુલ્ફોવાલી (તીસરી મંઝીલ), આસમાન સે આયા ફરિસ્તા (એન ઇવનિંગ ઇન પેરીસ), દિલ કે ઝરોખોં મેં (બ્રહ્મચારી), તુમ મુઝે યું (પગલા કહીં કા), ગોયાકે ચુનાંચે (મનોરંજન). *ઓક્ટોબરના સિતારા – નરેશ કાપડીઆ* પુસ્તકનો

Leave a comment

Filed under Uncategorized