Daily Archives: માર્ચ 3, 2021

ડૂમસ્ક્રોલિંગ

ડૂમસ્ક્રોલિંગ: જ્યાં જ્યાં નજર મારી ઠરે, નેગેટિવ ન્યૂઝ જ મુજને જડે! ડૂમસ્ક્રોલિંગ (Doomscrolling ) શબ્દ સૌ પ્રથમ વખત વર્ષ ૨૦૧૮માં ફાઇનાન્સ રીપોર્ટર કરેન હોએ ટ્વીટર ઉપર લખ્યો. પછી કોવિડ મહામારીનાં વર્ષમાં આ શબ્દ જબરો ચાલ્યો. અત્યારે આ શબ્દ મેરિયમ વેબસ્ટર ડિક્સનરીનાં વૉચલિસ્ટમાં છે. અને ઓક્સફોર્ડ ડિક્સનરી દ્વારા તાજેતરમાં જાહેર કરેલાં વર્ડ્સ ઓફ ધ યર-૨૦૨૦નાં શબ્દો પૈકીનો એક શબ્દ છે. ઓણ સાલ એટલું એટલું બન્યું કે ઓક્સફોર્ડ ડિક્સનરીએ કોઈ એક શબ્દને સરતાજ શબ્દ બનાવવાની જગ્યાએ ઘણાં શબ્દોનું ઝુંડ સરતાજ તરીકે જાહેર કરવાનું મુનાસિબ માન્યું છે. ડૂમસ્ક્રોલિંગ એ પૈકીનો એક શબ્દ છે. એ નોંધનીય છે કે આ ઓણ સાલનાં શબ્દોનાં ઝુંડમાં એકે ય શબ્દ પોઝિટિવ નથી. તે ક્યાંથી હોય? પોઝિટિવ શબ્દ ય હવે ક્યાં પોઝિટિવ રહ્યો છે?ડૂમસ્ક્રોલિંગ બે શબ્દોનું સંયોજન છે. ડૂમ અને સ્ક્રોલિંગ. ‘ડૂમ’ એટલે કયામત. ડૂમ એટલે નિયતિ, વિનાશ, મૃત્યુ, –ને કમનસીબ કે સંકટમાં નાખવું, વિનાશ તરફ ધકેલવું તે. અને ‘સ્ક્રોલ’ એટલે કાગળ કે ચર્મપત્રનો વીંટો, જૂના વખતનું વીંટાના સ્વરૂપનું પુસ્તક, ચર્મપત્રના વીંટાના આકારનું શિલ્પ–સુશોભન, પત્રક કે સારણી. ગુજરાતી ભાષામાં એક સરસ શબ્દ છે: ટીપણું. ભગવદ્ગોમંડલ અનુસાર એનો અર્થ થાય છે: કાગળો સાંધી સાંધી ને બનાવેલું મોટું ભૂંગળું; ભૂંગળભટિયું. સ્ક્રોલિંગ એટલે એને ફેરવતા રહેવું. હવે ટીપણુંની જગ્યાએ અલબત્ત કમ્પ્યુટર અને મોબાઈલ ફોન આવી ગયા. આ જબરું ભૂંગળભટિયું છે, જેમાં અનંત કાગળો વીંટાયા છે. એ વાત અલગ છે કે ‘ટીપણું’ શબ્દનો મૂળ અર્થ ટીપવાનું સાધન, એવો થાય છે. સ્ક્રોલિંગ એટલે ટીપણાંનો વીંટો ગોળ ગોળ ફેરવ્યા કરવો. આખો શબ્દ ડૂમસ્ક્રોલિંગનો અર્થ થાય છે વિનાશનું ટીપણું વારંવાર જોયા કરવું તે. હું એ જ તો કરું છું. મને નવું જાણવાની સતત ઇંતેજારી છે. અને આ બ્રેકિંગ ન્યૂઝ હૈ કે માનતા નથી. એને ટેવ છે મારા મોબાઈલ ફોન ઉપર ટાણેકટાણે ત્રાટકવાની. મોટે ભાગે આ બધા મોંકાણનાં સમાચાર જ હોય છે. મોંકાણનાં સમાચાર એટલે માઠા સમાચાર, જીવન કે ધંધાની બરબાદીના ખબર. ભલે પછી હું દુ:ખી દુ:ખી થાઉં, ચિંતાતૂર થઈ જાઉં પણ તેમ છતાં હું આવા સમાચારને સતત સ્ક્રોલ કરતો રહું છું. એ બધામાં સારા સમાચાર તો જૂજ જ હોય છે. બાકી બધા ચિંતાનાં દ્યોતક હોય છે. અને હવે મને ટેવ પડી ગઈ છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે વાઇરસની! કોઈ વહાલાંને મળવું હવે દવલું થઈ ગયું છે. અને વાઇરસ જો લાગ્યો તો.. મારા ઘર, મારી શેરી, મારી સોસાયટી, મારા વિસ્તાર, મારા શહેર, મારા રાજ્ય, મારો દેશ, મારા વિશ્વ-માં રોજ અસંખ્ય લોકોને ચેપ લાગે છે. અને અનેક લોકો મરે છે. ‘કરફ્યુ’ અને ‘લોકડાઉન’ બે જુદા શબ્દો છે પણ આજે એક બીજામાં લીન થઈ ગયા છે. હું એ બધા સમાચાર ચીપતો રહું છુ અને હું પોતે એમાં ચીપાતો રહું છું. મારું મન ઉદાસ થઈ જાય છે. પછી તો માથું દુ:ખે છે, ચક્કર આવે છે. વાતે વાતે મને વાંકું પડે છે. મારો સ્વભાવ ચીઢિયો થઈ જાય છે. ક્યાંનો ગુસ્સો ક્યાં નીકળી જાય છે. પહેલાં તો શિયાળો બેસે ત્યારે પડતી ગુલાબી ઠંડી મને ગમતી પણ ઓણ સાલ ઠંડી ય વાઇરસનો પૈગામ લઈને આવી છે. ક્યાંય સખ નથી. વખ ઘોળું?-એવા વિચાર મનમાં સ્ક્રોલ કરી જાય છે. આ ડૂમસ્ક્રોલિંગ ઇફેક્ટ છે. ડૂમસ્ક્રોલિંગ શબ્દ જો કે કોવિડ મહામારીને કારણે જ છે એવું નથી. એટલે એમ કે કોવિડ તો જતો રહેશે પણ નેગેટિવ સમાચાર તો રહેવાના. અને સ્માર્ટ ફોન પણ રહેવાના. અને એટલે ડૂમસ્ક્રોલિંગ શબ્દ આયુષ્યમાન ભવ-નાં આશીર્વાદ લઈને આવ્યો છે. એ તો રહેશે જ. આપણે સમજી જશું તો એની અવળી અસરમાંથી બચી જશું. મોબાઈલ ફોનની કુટેવ પડી જાય છે. મને એનું વ્યસન થઈ ગયું છે. પણ એ વ્યસનમાં ડૂમસ્ક્રોલિંગનું વ્યસન ભળે તો પછી એ કોમ્બિનેશન અઘરું થઈ જાય છે. શરૂઆત શી રીતે થાય? મને મનમાં સવાલ થાય અને હું ગૂગલ તરફ વળું. મને લાગે કે જવાબ મળશે એટલે મને સારું લાગશે. કારણ કે આ અનિશ્ચિતતા સહન થતી નથી. જોયા કરતાં જાણ્યું ભલું. પણ પછી હું સમાચારને સ્ક્રોલ કરતો જ રહું, કરતો જ રહું.. સારું લાગવાની જગ્યાએ સમૂળગાનું નઠારું લાગે. કેમ કરીએ રે અમે કેમ કરીએ? દવ લાગ્યો રે ડુંગરિયે અમે કેમ કરીએ? શું કરવું? ઊઠતાં વેંત જ સમાચાર સ્ક્રોલ કરવાનું રહેવા દો. અથવા નક્કી કરો કે પંદર મિનિટ પ્રતિ દિનથી વધારે કોઈ પણ સમાચારને સ્ક્રોલ નહીં કરો. અને એ પણ સવારે તો નહીં જ. સવારે મોંકાણનાં સમાચાર વાંચો તો આખો દિવસ બગડે. અને જ્યારે આપણું ગૂગલ ટીપણું અનંત હોય ત્યારે એ જોવાની, એને સ્ક્રોલ કરવાની ટાઈમ લિમિટ હોવી જરૂરી છે. આખો દિવસ પછી સમાચારનો ઉપવાસ કરવાનો. ફરાળ પણ નહીં કરવાની. સમાચારની ભૂખ લાગે તો પણ નહીં। અરે ભાઈ, કાલે છાપામાં વાંચી લેજો ને.. બીમારું સમાચારની પરેજી પાળવા માત્રથી કદાચ આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. એટલે ટેવ પાડો સમાચારમાં કોઈ પોઝિટિવ વાત શોધવાની. આખા દિવસમાં માત્ર ત્રણ પોઝિટિવ વાત તો તમને જડી જશે. બસ, એ વિષે વિશેષ જાણવાની કોશિશ કરીએ તો કેવું? અને ભગવાનનો આભાર પણ માનીએ કે સૂર્ય ઊગ્યો. શ્વાસ ચાલ્યો. તરસ મટી. આંતરડી ઠરી. કોઈને તમે યાદ આવ્યા. દોસ્તોની વહાલપ યથાવત રહી. અને ક્યારેક ક્યારેક તો હરખનો સનેપાત થયો. લો બોલો! અમે એવું જરાય કહેતા નથી કે શાહમૃગ બની જાવ. જાણવું જરૂરી છે પણ દિવસ એક જ ડોઝ અને એ ય ઓછી માત્રામાં. હેં ને? શબ્દ શેષ:“તમે આખો દિવસ શું જુઓ છો, શું વાંચો કે સાંભળો છો અને તમને દિવસભર શું ફીલ થાય છે; એ વચ્ચે ડાયરેકટ કનેક્શન છે. તમારો મૂડ, તમારી સ્ફૂર્તિ, તમારી મહત્વકાંક્ષા એની ઉપર આધારિત હોય છે.” – લાઈફ કોચ અને ‘એવેરીથિંગ ઈઝ ફિગરઆઉટેબલ’ પુસ્તકની લેખિકા મેરી ફોર્લો

Leave a comment

Filed under Uncategorized