Daily Archives: માર્ચ 6, 2021

સ્મિતા પાટીલ

ખૂબ પ્રતિભાશાળી સ્મિતા પાટીલભારતીય રંગમંચ અને ફિલ્મોએ જોયેલી સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંના એક સ્મિતા પાટીલ અગર જીવતા હોત તો ૬૫ વર્ષના થાત. ૧૭ ઓક્ટોબર, ૧૯૫૫ના રોજ પુણેમાં જન્મેલા સ્મિતા ફિલ્મ, ટીવી અને રંગમંચના બહુ સારા અભિનેત્રી હતાં. માત્ર અગિયારેક વર્ષની ટૂંકી કારકિર્દીમાં સ્મિતાએ ૮૦થી વધુ હિન્દી-મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમને રાષ્ટ્રીય કક્ષાના અને ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. ૧૯૮૫માં તેમને પદ્મશ્રીથી પણ નવાજાયા હતાં. ગુજરાતની શ્રેષ્ઠ ફિલ્મ ગણાતી ‘ભવની ભવાઈ’ના પણ તેઓ નાયિકા હતાં.પુણેની ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટિટયૂટમાંથી સ્નાતક થયેલાં સ્મિતાએ શ્યામ બેનેગલની ‘ચરણદાસ ચોર’ (૧૯૭૫) ફિલ્મમાં પહેલીવાર અભિનય કર્યો હતો. સમાંતર સિનેમાના મુખ્ય નાયિકાઓમાંના તેઓ એક હતાં. તેઓ મુખ્યધારાની ફિલ્મોમાં પણ દેખાયા હતાં. તેમની કેટલીક યાદગાર ભૂમિકાઓમાં ‘મંથન’, ‘ભૂમિકા’, ‘આક્રોશ’, ‘ચક્ર’, ‘ચિદમ્બરમ’ કે ‘મિર્ચ મસાલા’ને યાદ કરી શકાય. અભિનેત્રી હોવા ઉપરાંત સ્મિતા સક્રિય નારીવાદી આંદોલન સાથે જોડાયાં હતાં. તેઓ એવી ફિલ્મો પસંદ કરતાં કે જેમાં પારંપરિક ભારતીય સમાજમાં નારીવાદનો મુદ્દો હોય. ભારતીય સમાજની સેક્સુઆલિટી, શહેરીકરણના નાદમાં મધ્યમવર્ગીય મહિલાએ સહન કરવાં પડતાં પડકારોને લગતી ફિલ્મો કરીને તેમણે મોટું કામ કર્યું હતું. પુણેના કુનબી મરાઠા પરિવારમાં રાજકીય નેતા શિવાજીરાવ પાટીલ અને ખાનદેશના સામાજિક કાર્યકર માતા વિદ્યાતાઈને ત્યાં સ્મિતાનો જન્મ થયો હતો. પુણેના રેણુકા સ્વરૂપ મેમોરીયલ હાઈસ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો હતો. સિત્તેરના દાયકામાં તેઓ મુંબઈ દૂરદર્શન પર સમાચાર વાચક પણ બન્યા હતાં, તે ઉપરાંત તેઓ સારા ફોટોગ્રાફર પણ હતાં.અભિનેતા રાજ બબ્બરે રંગકર્મી નાદિરા બબ્બરને છોડી સ્મિતા પાટીલ સાથે લગ્ન કર્યા હતા. ૧૩ ડીસેમ્બર, ૧૯૮૬માં માત્ર ૩૧ વર્ષની વયે બાળજન્મને લગતા કારણે સ્મિતાનું નિધન થયું હતું. દીકરા પ્રતીકને જન્મ આપીને દસેક દિવસમાં તેઓ વિદાય થયા. તેમના નિધન બાદ તેમની દસથી વધુ ફિલ્મો રજૂ થઇ હતી. પ્રતીકે ૨૦૦૮માં ફિલ્મમાં અભિનય કર્યો હતો. સ્મિતાના નિધનના લગભગ બે દાયકા બાદ મહાન નિર્દેશક મૃણાલ સેને એવો આક્ષેપ કર્યો હતો કે સ્મિતા પાટીલ મોટી તબીબી બેદરકારીનો શિકાર બન્યાં હતાં. સમાંતર સિનેમાના નિર્દેશકો શ્યામ બેનેગલ, ગોવિંદ નિહાલાની, સત્યજીત રાય (સદગતિ), જી. અરવિંદન (ચિદમ્બરમ) અને મૃણાલ સેન જેવાં નિર્દેશકો સાથે સ્મિતાએ કામ કર્યું હતું. તેમની ‘ભૂમિકા’, ‘ઉંબરઠા’ કે ‘બાઝાર’ જેવી ફિલ્મોથી સમર્થ નારીને તેમણે ઉજાગર કરી હતી. તેમની કેરિયરના પહેલાં પાંચ વર્ષ તેમણે નામ-દામ જોયા વિના કલાત્મક ફિલ્મોને આપ્યા પણ સંજોગોવશાત તેઓ નામ કમાવા ખાતર વ્યવસાયિક ફિલ્મો તરફ જોડાયાં. સ્મિતાજીના જ શબ્દોમાં, ‘હું સમાંતર સિનેમાને પાંચ વર્ષ સુધી કમિટેડ હતી. મેં તમામ કમર્શિયલ ઓફરો ઠુકરાવી હતી. ૧૯૭૭-૭૮ દરમિયાન ‘સ્મોલ સિનેમા’ આંદોલને વેગ પકડ્યો હતો. હવે તેમને ‘નામ’ જોઈતું હતું. મને બે ફિલ્મોમાંથી એટલાં માટે કાઢી મુકાઈ કે મારું નામ નહોતું. આ એક સૂક્ષ્મ બાબત હતી પણ તે મને સ્પર્શી ગઈ. મેં જાતને કહ્યું કે મેં નાણા સામે જોયાં વિના મોટી-કમર્શિયલ ફિલ્મો એટલાં માટે જતી કરી હતી કે હું નાની – કલાત્મક ફિલ્મોના આંદોલનને વળગી રહેવા માંગતી હતી. તેના બદલામાં મને શું મળ્યું? જો તેમને ‘નામ’ જોઈતું હોય તો હવે હું ‘નામ’ કમાઈશ. તેથી મેં મને જે પણ ઓફરો મળવા માંડી તે લેવા માંડી. પરિણામે રાજ ખોસલા, રમેશ સિપ્પીથી બી આર ચોપ્રાએ તેમને ‘ખુબ સારા’ અભિનેત્રી માન્યા. ‘શક્તિ’ અને ‘નમક હલાલ’થી તેઓ સ્ટાર બન્યાં. મોન્ટ્રીયલ વર્લ્ડ ફિલ્મ ફેસ્ટીવલમાં ૧૯૮૪માં તેઓ જ્યુરી સભ્ય બન્યાં. તેમની સૌથી સારી અને કમનસીબે છેલ્લી ભૂમિકા કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’ (૧૯૮૭)માં આવી. ભારતીય સિનેમાની શતાબ્દી સમયે ફોર્બ્સ દ્વારા એપ્રિલ, ૨૦૧૩માં ‘ભારતીય સિનેમામાં ૨૫ મહાન અભિનયની યાદી’માં સ્મિતા પાટીલના ‘મિર્ચ મસાલા’ના અભિનયને સામેલ કર્યો હતો. દેશના ટપાલ વિભાગે સિનેમાની શતાબ્દી ટાંણે સ્મિતા પાટીલના ચહેરાવળી ટપાલ ટિકિટ મે, ૨૦૧૩માં બહાર પાડી હતી. સ્મિતા પાટીલને ‘ભૂમિકા’ અને ‘ચક્ર’ માટે નેશનલ એવોર્ડ અને ‘જૈત રે જૈત’ અને ‘ઉંબરઠા’ (બંને મરાઠી) અને ‘ચક્ર’ માટે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. તે ઉપરાંત સ્મિતાને ‘ભૂમિકા’, ‘બાઝાર’, ‘આજ કી આવાઝ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીના અને ‘અર્થ’ અને ‘મંડી’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત કરાયા હતાં.સ્મિતા પાટીલના ગીતો: મારો ગામ કાથા પારે (મંથન), આપ કી યાદ આતી રહી રાત ભર (ગમન), કોઈ યે કૈસે બતાયે (અર્થ), કરોગે યાદ તો હર બાત (બાઝાર), જનમ જનમ કા સાથ હૈ તુમ્હારા હમારા (ભીગી પલકેં), આજ રપટ જાયે તો અને પગ ઘૂંઘરું બાંધ (નમક હલાલ), હમને સનમ કો ખત લિખા અને જાને કૈસે કબ કહાં (શક્તિ), જિહાલ એ મિસ્કીન માંકુંબા રંજીશ (ગુલામી). ઓક્ટોબરના સિતારા – નરેશ કાપડીઆ – પુસ્તકના અંશ

Leave a comment

Filed under Uncategorized