Daily Archives: માર્ચ 8, 2021

મરીઝ સાહેબ

ગુજરાતીના ગાલીબ મરીઝ સાહેબનો ગળતો જામ આપણે જેમને પ્રિય શાયર મરીઝ સાહેબ રૂપે ઓળખીએ છીએ અને જેમના શેરોના આપણે કાયલ છીએ એમને ગુજરી ગયાને ૩૭ વર્ષો થયાં. ૧૯૮૩ની ૧૩મી ઓક્ટોબરે ઘરની બહાર જ રસ્તો ઓળંગવા જતા પૂરપાટ દોડી આવતી રીક્ષાની અડફેટે આવતા તેમને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માત જ તેમના મૃત્યુનું કારણ બન્યો. ગુજરાતમાં તેમની ગઝલકાર રૂપે સર્વાધિક લોકપ્રિયતા ત્યારે પણ હતી અને આજે પણ છે. તેમણે લખેલી ઉમદા ગઝલોને કારણે તેમને ગુજરાતીના ગાલીબ તરીકે ઓળખવામાં આવે છે.અબ્બાસ વાસી રૂપે ૨૨ ફેબ્રુઆરી ૧૯૧૭ના રોજ સુરતના દાઉદી વોહરા પરિવારના અબ્દુલ અલી વાસીના ઘરમાં થયો હતો. પિતા વ્યવસાયે શિક્ષક હતા. અબ્બાસે તેમની માતાની છત્રછાયા ખૂબ નાની ઉંમરમાં જ ગુમાવી હતી. તેમને બાળપણમાં શિક્ષણમાં રસ પડતો નહીં અને શાળાએ જવાને બદલે કહે છે કે તેઓ સુરત રેલ્વે સ્ટેશને આવતી-જતી રેલગાડીઓના એન્જીન જોવામાં સમય પસાર કરતા. શિક્ષક પિતાથી શિક્ષણ પ્રત્યેની તેમની આ નિરસતા સહન ન થતા, તેમને મુંબઈ પૈસા કમાવવા મોકલી દીધા હતા. માત્ર બે ધોરણ ભણેલા અબ્બાસે ત્યારે મુંબઈમાં રબર ફેક્ટરીમાં કામ કરવાથી શરૂઆત કરી હતી. તેમણે શાયરીની શરૂઆત ૧૪ વર્ષની ઉંમરે પોતાની મોટી બહેનની દીકરીના પ્રથમ જન્મદિન નિમિત્તે ગઝલ લખીને કરી હતી. તેમના મિત્ર અમિન આઝાદને તેઓ પોતાના ઉસ્તાદ ગણાવતા હતા. મુંબઈની રબરના બુટ બનાવતી ફેક્ટરી યુનિવર્સલ રબર વર્ક્સમાં અબ્બાસે નોકરીની શરૂઆત કરી હતી. જોકે, તેમણે વાંચનનો શોખ ન છોડ્યો, તેઓ ઓછું ભણેલા અને જીવનની કઠીન ફિલસુફીને સરળ ભાષામાં શેરમાં રજુ કરવાની તેમને ઈશ્વર દત્ત બક્ષિશ હતી. જેથી તેમના શેર આપણને શૈલેન્દ્ર કે ચાચા ગાલીબની યાદ અપાવે છે. તેઓ પોતાની ટૂંકી આવકનો મોટો હિસ્સો ફક્ત પુસ્તકો પાછળ જ ખર્ચતા. આગળ જતા તેમણે ‘વતન’ અને ‘માતૃભૂમિ’ અખબારોમાં પત્રકાર તરીકે પણ કામ કર્યું અને આઝાન, ખુશ્બુ અને ઉમીદ જેવા સામયિકોનું પ્રકાશન કરવાનું પણ કામ કર્યું, પરંતુ આર્થિક ભીંસને કારણે તેમાં બરકત ન આવી. ૧૯૬૦માં દાઉદી વોરા કોમના મુખપત્ર ‘ઈન્સાફ’નું તંત્રીપદ તેમણે સ્વીકાર્યું હતું, કોમ દ્વારા તેમને જાળવી લેવાનો આ સન્માનીય ઉપક્રમ ગણાય. છેક ૧૯૩૬માં આકાશવાણી મુંબઈ પરથી પ્રસારીત મુશાયરામાં ભાગ લીધો હતો. મુશાયરાઓમાં સુરતમાં તેમને સંભાળવાનું જેમને સૌભાગ્ય મળ્યું છે તેઓ તેમને કદી ભૂલી ન શકે; બલ્કે, તેમણે તેમનો છેલ્લો મુશાયરો પણ સુરતમાં જ કર્યો હતો. ૧૯૭૧ અને ૧૯૮૧માં મુંબઈમાં બે જુદાજુદા પ્રસંગે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પણ એ તો નિમિત્ત, એમનું સન્માન તો તેમના શેર બાદ દરેક ભાવકના મનમાંથી ઉઠતી વાહ છે. કપરી આર્થિક સ્થિતિથી તંગ થઈને ૧૬ વર્ષની ઉમ્મરથી જ આ શાયર દારૂની લતમાં ફસાયા હતા. પાછલા જીવનમાં કહે છે કે મરીઝ સાહેબ પોતાની ગઝલ પાંચ-દસ રૂપિયામાં દારૂ પીવા માટે વેચતા હતા. પછી દારૂની અસરને કારણે મુશાયરાઓમાં બરાબર રજૂઆત પણ ન કરી શકતા. અમારી આંખ સામે સુરતના શ્રોતાઓ સામે માઈક્રોફોનના સહારે જેમતેમ ઊભેલા મરીઝ સાહેબનું ચિત્ર આવે છે. તેમને એક-એક શેર પર શ્રોતાઓની દરિયાના મોજાંની જેમ દાદ મળતી હતી. તેઓ પોતાની જાણીતી ગઝલોના નવા શેર ઉમેરીને બોલતા અને મંચ પર બેઠેલા અન્ય શાયરો પણ તેમને ખુદાના અદભુત બંદા રૂપે ખૂબ માન આપતાં. તેઓ ખુદા કે પ્રભુને એક સરખી રીતે ફરિયાદ કરી શકતા, જેમાં કડવાશ કરતાં ફિલસુફી વધુ ભરેલી લાગતી. તેમના શેરોમાં જે નૈસર્ગિક રમૂજ કે કટાક્ષ જોવા મળે છે, તે મિર્ઝા ગાલીબની યાદ અપાવે તેવાં છે.એમણે થોડીક નઝમો અને મોટી સંખ્યામાં ગઝલો લખી છે, જેમાંની અનેક બીજાઓને વહેંચેલી-વેચેલી એમ પણ કહેવાય છે. પરિણામે થોડીક જ એમના નામે ગ્રંથસ્થ છે. કહો કે મરીઝ સાહેબ વતી ખુદા ગઝલ લખતાં અને તેને તેઓ પ્રસાદની જેમ સૌને વહેંચતા. એમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘આગમન’ (૧૯૭૫) અને બીજો ‘નકશા’ (મરણોત્તર, ૧૯૮૪) છે. આ ઉપરાંત અન્ય સાથે એમની રચનાઓ ‘દિશા’ (૧૯૮૦)માં સંપાદિત થયેલી છે.‘મરીઝ’ની ગઝલ એની સ્વરૂપગત મર્યાદાઓને અતિક્રમી ઊંચી કવિતા સિદ્ધ કરી શકી છે. એમની ગઝલોમાં ઉત્તમ શેરોની સંખ્યા ઘણી છે. કેટલીક તો સાદ્યન્તસિદ્ધ ગઝલો છે. એમણે જીવન વિશે, પોતાની અવદશા વિશે, ભાંગી પડેલા પ્રેમની વ્યથા વિશે, મિત્રો વિશે અને પરવરદિગાર વિશે કલાત્મક અભિવ્યક્તિવાળા શેર આપ્યા છે. એમના શેરની વિશેષતા એ છે કે તે સાદી સરળ વાણીમાં માર્મિક વાત કહી જાય છે. એમાં કવિનો મર્મ કે ક્યારેક કટાક્ષ એવી રીતે ધ્વનિત થતો હોય છે કે તે સહસા પમાય નહીં. આમ, ઊંડાણ અને અસરકારકતાના ગુણોને કારણે કાવ્યરસિકો એમને ગાલિબ સાથે સરખાવવા પ્રેરાયા છે. તેઓ ગુજરાતી ગઝલક્ષેત્રે સાચી કવિતાના સર્જક છે. એ ઓછા આનંદની વાત છે કે બે ધોરણ ભણેલા આ શાયરની ગઝલો ગુજરાતના વિદ્યાર્થીઓની પેઢીઓ ભણતી રહી, હાલ પણ મહારાષ્ટ્ર બોર્ડના પાઠ્ય પુસ્તકમાં તેમની ગઝલ ભણાવાય છે. આપણા સુરતના રઇશ મણિયારે ‘મરીઝ : અસ્તિત્વ અને વ્યક્તિત્વ’ પર સુંદર પુસ્તક કરીને કવિનું દસ્તાવેજીકરણ કર્યું છે. તો રમેશ પુરોહિતે ‘મરીઝની ગઝલ’નું સંપાદન કર્યું છે. તો નિતિન વડગામાએ પણ ‘ગઝલ સર્જક મરીઝ’ પુસ્તક કર્યું છે. ૧૯ ઓક્ટોબરના રોજ તેમના મલ્ટીપલ ફ્રેક્ચરોની શસ્ત્રક્રિયા કરવામાં આવી, જે સફળ રહી હતી પરંતુ તુરંત જ તેમને હૃદયરોગનો હુમલો થયો જેમાં તેમનું અવસાન થયું હતું. મરીઝ સાહેબ કદી ભુલાશે નહીં. તેમણે જ શીખવ્યું છે, જિંદગીનો જામ પીવામાં કરો જલદી મરીઝ, એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.’ – નરેશ કાપડીઆ

Leave a comment

Filed under Uncategorized