Daily Archives: માર્ચ 16, 2021

હેમા માલિની

સ્વપ્ન સુંદરીમાંથી રાજકારણી હેમા માલિનીહિન્દી ફિલ્મોના ડ્રીમ ગર્લ હેમા માલિની ૭૨ વર્ષના થયાં. ૧૬ ઓક્ટોબર, ૧૯૪૮ના રોજ તમિલનાડુના અમ્મનકુડીમાં તેમનો જન્મ. તેઓ સપના જેવી કારકિર્દી ધરાવે છે. નૃત્યકાર, અભિનેત્રી, નિર્માત્રી, સંપાદક અને રાજકારણી. હિન્દી ફિલ્મોમાં તો ધર્મેન્દ્ર-હેમાની જોડી જે ફિલ્મમાં હોય તે સફળ થાય એવો તેમનો જમાનો હતો. તેમણે નાટકીય અને કોમિક બંને પ્રકારની ભૂમિકાઓ સફળતાથી કરી છે. તેમણે ૧૫૦થી વધુ ફિલ્મોમાં અભિનય કરીને ફિલ્મફેર એવોર્ડ માટે ૧૧ નામાંકન મેળવ્યાં અને ‘સીતા ઔર ગીતા’ માટે એવોર્ડ પણ મેળવ્યો. ૨૦૦૦ના વર્ષમાં તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો હતો. તેમને પદ્મશ્રીથી પણ નવાજાયા છે. સિંઘાનિયા યુનિવર્સીટીએ તેમને માનદ ડોક્ટરેટ પણ આપ્યું છે. તેમના સિને પ્રદાન માટે ૨૦૧૩માં તેમને આંધ્ર સરકાર દ્વારા ‘એન.ટી.આર. નેશનલ એવોર્ડ’ અપાયો હતો. તેઓ રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષા પણ બન્યા હતાં. ૨૦૦૩થી ૨૦૦૯ સુધી તેઓ રાજ્ય સભામાં ભાજપના પ્રતિનિધિ રૂપે ચૂંટાયા હતાં. તેઓ ભાજપના સેક્રેટરી પણ બન્યા અને ૨૦૧૪ની લોકસભા માટે મથુરાથી ચૂંટણી લડીને ૩.૩૦ લાખ મતે જીતીને સાંસદ બન્યાં. તેમણે ૨૦૧૯ની ચૂંટણી પણ જીતી અને ૨૬ જૂન, ૨૦૧૯ના રોજ સાંસદ રૂપે શપથ લીધા બાદ, ‘રાધે રાધે’ અને ‘ક્રુષ્ણમ વંદે જગતગુરુ’ કહીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અનેક સેવાકીય-સામાજિક કર્યો સાથે તેઓ સંકળાયા છે. ઇસ્કોનના તેઓ આજીવન સભ્ય છે. ૧૯૬૩માં ‘ઇથુ સાથિયમ’ તમિલ ફિલ્મથી તેઓ આવ્યા અને રાજ કપૂર સાથે ‘સપનોં કા સૌદાગર’ (૧૯૬૮) એ એમની પહેલી હિન્દી ફિલ્મ. તેમના પતિ ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના અને દેવ આનંદ સાથે તેમણે સૌથી વધુ ફિલ્મો કરી છે. તેમને ‘ડ્રીમગર્લ’ રૂપે પ્રોજેક્ટ કરાયા અને એ નામવાળી ૧૯૭૭ની ફિલ્મમાં પણ તેઓ હતાં. ફિલ્મ નિર્માતા પિતા અને માતા જયા ચક્રવર્તીના તેઓ સંતાન. ચેન્નાઈના આંધ્ર મહિલા સભામાં ભણ્યા, મંદિર માર્ગ પસાર કરીને ધો. ૧૨ પછી ફિલ્મો માટે અભ્યાસ છોડ્યો હતો. ધર્મેન્દ્ર સાથે હેમાજી પહેલી વાર ‘તુમ હસીન મૈ જવાન’ (૧૯૭૦)માં આવ્યા અને ૧૯૮૦માં તેમના લગ્ન થયા ત્યારે ધર્મેન્દ્ર સની અને બોબી દેઓલના પિતા બની ચુક્યા હતા. હેમાજીને અભિનેત્રી એષા અને સહાયક નિર્દેશક આહના એમ બે દીકરીઓ છે. તેમની બંને દીકરીઓને પણ દીકરીઓ છે, આમ હેમાજી બે વાર નાની બન્યાં છે.‘જ્હોની મેરા નામ’ (૧૯૭૦)ની સફળતા બાદ હેમા ‘અંદાઝ’ અને ‘લાલ પથ્થર’ ચમક્યા. ‘સીતા ઔર ગીતા’માં બેવડી ભૂમિકા કરી ફિલ્મફેર એવોર્ડ લીધો. તેમની નૃત્યકલાએ તેમને સાથ આપ્યો. સિત્તેરના દાયકામાં ‘સન્યાસી’, ‘ધર્માત્મા’, ‘પ્રતિજ્ઞા’, ‘શોલે’, ‘ત્રિશુલ’, ‘રાજા જાની’, ‘દોસ્ત’થી તેઓ આગળ વધતા ગયા. પતિ ધર્મેન્દ્ર સાથે હેમાજીએ ૨૮ ફિલ્મો કરી છે, જેમાંથી ‘શરાફત’, ‘નયા જમાના’, ‘રાજા જાની’, ‘સીતા ઔર ગીતા’, ‘દોસ્ત’, ‘શોલે’, ‘ચરસ’, જુગનુ’, ‘આઝાદ’, ‘દિલ્લગી’, ‘અલીબાબા ઔર ૪૦ ચોર’, ‘બગાવત’, ‘સમ્રાટ’, ‘રઝીયા સુલતાન’, ‘રાજ તિલક’ નોંધનીય બની.લગ્ન બાદ ‘ક્રાંતિ’, ‘નસીબ’, ‘સત્તે પે સત્તા’, ‘રાજપૂત’ કે ‘એક નઈ પહેલી’માં આવ્યા. રાજેશ ખન્ના-હેમા પણ ટોચની જોડી બની. સાહિત્યિક ‘એક ચાદર મૈલી સી’ અને ‘રિહાઈ’ કે ‘જમાઈ રાજા’માં પણ નોંધનીય. દિવ્યા ભારતી અને શાહરુખની ‘દિલ આશના હૈ’નું નિર્દેશન હેમાજીએ કર્યું હતું. વર્ષો પછી અમિતાભ સાથે ‘બાગબાન’ (૨૦૦૩) કરીને તેમણે ફરી દર્શકોનું દિલ જીત્યું હતું. ‘વીર ઝારા’ અને ‘લાગા ચુનરી મેં દાગ’ માં મહેમાન કલાકાર રૂપે ભૂમિકા કરી. તો તેમના નિર્માણ હેઠળની ત્રીજી ફિલ્મ ‘ટેલ મી ઓ ખુદા’માં પતિ ધર્મેન્દ્ર અને દીકરી એષા સાથે પણ આવ્યા. ૨૦૧૭માં ‘એક થી રાની ઐસી ભી’માં હેમા માલિનીએ ગ્વાલિયરના વિજય રાજે સિંધિયાની ભૂમિકા કરી હતી, જેમ તેમના પતિની ભૂમિકા વિનોદ ખન્નાએ કરી હતી, જે વિનોદની છેલ્લી ફિલ્મ બની રહી. હેમાજી દક્ષ ભરતનાટ્યમ નૃત્યકાર છે. દીકરી એષા અને આહના પણ ઓડિસી નૃત્યકાર છે. મા-દીકરીઓએ ધર્મદા હેતુ માટે ‘પરંપરા’ નૃત્ય નાટિકા રજૂ કરી હતી. તેઓ ‘ખજુરાહો ડાન્સ ફેસ્ટીવલ’માં પણ રજૂઆત કરી ચુક્યા છે. હેમાજી કુચીપુડી અને મોહિનીઅટ્ટમ પણ શીખ્યા છે. તેમના નાટ્ય વિહાર કલાકેન્દ્ર દ્વારા ‘સતી’, ‘પાર્વતી’ અને ‘દુર્ગા’ મંચ પર રજૂ કરી ચુક્યા છે. સૂરતમાં અમને તેમની મુલાકાત લેવાની તક મળી ત્યારે હેમાજીમાં અમને એક ‘લોખંડી મહિલા’ના દર્શન થયા હતા, તે સાંજે તેમણે ‘દુર્ગા’ રજૂ કર્યું હતું. તેઓ ‘મેરી સહેલી’ હિન્દી સામયિકના સંપાદિકા પણ છે.હેમાજી પ્રાણીઓના અધિકાર માટે કાર્યરત સંસ્થા પેટા સાથે જોડાયાં છે. ૨૦૦૯માં તેમણે મુંબઈના કમિશ્નરને પત્ર લખીને વ્યસ્ત શેરીઓમાં ઘોડા ગાડી ચલાવવાનું બંધ કરવાનું અભિયાન કર્યું હતું. તેમણે ૨૦૧૧માં વન અને પર્યાવરણ પ્રધાન જયરામ રમેશને પત્ર લખીને બુલ ફાઈટીંગ (જલીકત્તું – આખલા લડાઈ) પર પ્રતિબંધ મુકવાની પત્ર દ્વારા માંગ કરી હતી. તેમાં તેમણે આખલાઓ પર થતા અત્યાચાર વિગતે વર્ણવ્યા હતાં. શુદ્ધ શાકાહારી હેમા માલિનીને ‘પેટા પર્સન ઓફ યર’નો એવોર્ડ મળ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે મારા ખોરાકથી આપણી પૃથ્વી અને પ્રાણીઓને રાહત થાય છે એ જાણીને મને આનંદ થાય છે. હેમા માલિનીના યાદગાર ગીતો: નાદા કી દોસ્તી (સાપનો કા સૌદાગર), ઓ મેરે રાજા (જ્હોની મેરા નામ), શરીફો કા જમાને મેં (શરાફત), સારે ગામા પ (અભિનેત્રી), કિતને દિન આંખે તરસેગી (નયા જમાના), ઝીંદગી એક સફર (અંદાઝ), ફૂર ઉડ ચલા (તેરે મેરે સપને), ગીર ગયા ઝૂમકા (જુગનુ), યે કૈસા સૂર મંદિર હૈ (પ્રેમનગર), ચલ સન્યાસી મંદિર મેં (સન્યાસી), ક્યા ખુબ લગતી હો (ધર્માત્મા), દો નૈનો મેં (ખુશ્બૂ), જબ તક હૈ જાન (શોલે), મેરે નૈના સાવન ભાદો (મેહબૂબા), મીઠે બોલ બોલે (કિનારા), કિસી શાયર કી ગઝલ (ડ્રીમગર્લ), જલતા હૈ બદન (રઝીયા સુલતાન), મૈ યહાં તુમ વહાં (બાગબાન). ઓક્ટોબરના સિતારા – નરેશ કાપડીઆ પુસ્તકનો અંશ

Leave a comment

Filed under Uncategorized