Daily Archives: માર્ચ 18, 2021

સૌથી વધુ એવોર્ડ વિજેતા અભિનેત્રી શબાના આઝમી

સૌથી વધુ એવોર્ડ વિજેતા અભિનેત્રી શબાના આઝમી
નાટક, ફિલ્મ અને ટેલીવિઝનના પ્રતિભાશાળી અભિનેત્રી શબાના આઝમી આજે ૭૦ વર્ષના થયાં. ૧૮ સપ્ટેમ્બર, ૧૯૫૦ના રોજ હૈદરાબાદમાં તેમનો જન્મ. પુણેની ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના તેવો પૂર્વ વિદ્યાર્થીની છે. ૧૯૭૪માં પહેલી વાર તેઓ પડદા પર દેખાયાં અને સમાંતર સિનેમાના જાણીતા અભિનેત્રી બની ગયાં. ગંભીર મુદ્દાઓ અને ખાસ કરીને ડાબેરી વિચારસરણીની પ્રણેતા તથા સાહજીક એવી બંગાળથી શરૂ થયેલી સિનેમા શૈલી ‘સમાંતર સિનેમા’ રૂપે ઓળખાઈ. શબાનાએ એવી ફિલ્મોમાં અનેકવિધ ભૂમિકાઓ કરી અને દેશના શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંના એક બની ગયાં. તેમના ખુબ વખાણ થયાં અને એવોર્ડ્સ પણ મળ્યાં, જેમાં શ્રેષ્ઠ અભિનેત્રીના વિક્રમ જનક પાંચ નેશનલ એવોર્ડ સામેલ છે. તેમને અનેક આંતરરાષ્ટ્રીય સન્માન પણ મળ્યાં. પાંચ ફિલ્મફેર એવોર્ડ્સ ઉપરાંત ભારતના ૩૦માં આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં શબાના ‘વુમન ઇન સિનેમા’ રૂપે સન્માનિત પણ થયાં. ૧૯૮૮માં શબાનાને પદ્મશ્રીના એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતાં.
શબાનાએ ૧૨૦થી વધુ હિન્દી અને બંગાળી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમાં મુખ્ય ધારાની અને સમાંતર સિનેમાનો સમાવેશ છે. ૧૯૮૮થી તેમણે અનેક વિદેશી પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે. એમની અનેક ફિલ્મોને પ્રગતિશીલ ભારતીય સમાજની ચિત્રણ કરતી ફિલ્મ રૂપે માનવામાં આવે છે. જેમાં ભારતીય પરંપરાઓ અને રિવાજને દર્શાવાયા છે. અભિનય ઉપરાંત શબાનાનું મોટું પ્રદાન તેમની સામાજિક અને મહિલા અધિકાર માટે પ્રવૃત્ત નેતા રૂપે પણ છે. તેઓ કવિ અને સિને લેખક ગીતકાર જાવેદ અખ્તરના પત્ની છે. યુનાઈટેડ નેશનના પોપ્યુલેશન ફંડના તેઓ ગુડવિલ એમ્બેસેડર પણ બન્યાં. જેનું મુખ્ય કાર્ય ભારતમાં વસ્તી નિયંત્રિત કરવા માટે એબોર્શન અને ગર્ભનિરોધક સાધનો વહેચવાનું છે. એમના જીવન અને કાર્યને બિરદાવવા માટે કોંગ્રેસ સરકારે તેમને રાજ્ય સભાના અનીર્વાચિત સભ્ય રૂપે નિમ્યા હતાં.
શબાના હૈદ્રાબાદના મુસ્લિમ પરિવારમાં શાયર કૈફી આઝમી અને રંગમંચના અભિનેત્રી શૌકત આઝમીના દીકરી છે. તેઓ બંને ભારતીય સામ્યવાદી પક્ષના સભ્યો હતાં. તેમના ભાઈ બાબા આઝમી સિનેમેટોગ્રાફર છે. શબાના સાથે જાવેદના બીજા લગ્ન હતા. પહેલાં ફિલ્મ લેખિકા હની ઈરાની સાથે થયા હતા. જાવેદ જેવાં પરિણીત અને ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર જેવાં સંતાનોના પિતા સાથે શબાનાના પરણવા અંગેના નિર્ણયનો શબાનાના માતા-પિતાએ વિરોધ કર્યો હતો.
શબાના મુંબઈની જાણીતી ક્વિન મેરી સ્કૂલમાં ભણ્યા, મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી મનોવિજ્ઞાનના વિષય સાથે સ્નાતક થયાં. જયા ભાદુડીની પુણે ઇન્સ્ટિટયૂટની ડીપ્લોમા ફિલ્મ ‘સુમન’ થી પ્રભાવિત થઈને શબાના પણ તેમાં વિદ્યાર્થીની બન્યાં. ‘મારે જે જોઈતું હતું તે પુણે ઇન્સ્ટિટયૂટમાં મળ્યું’ એવું કહેનારા શબાના ૧૯૭૨ના બેચના ટોપર છે.
શબાનાની યાદગાર ફિલ્મોમાં અંકુર (૧૯૭), પરિણય, ફાસલા, નિશાંત, શક, ફકીરા, શતરંજ કે ખિલાડી, અમર અકબર એન્થોની, કિસ્સા કુર્સી કા, ઝૂનુન, સ્વામિ, તૂટે ખિલૌને, દેવતા, સ્વર્ગ નરક, લહુ કે દો રંગ, જીના યહાં, સ્પર્શ, થોડીસી બેવફાઈ, આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ, હમ પાંચ, અપને પરાયે, અર્થ, યે નઝ્દીકીયા, નમકીન, માસૂમ, અવતાર, મંડી, દુસરી દુલ્હન, આજકા એમએલએ, પાર, ખામોશ, કમલા ને યાદ કરી શકાય. હજી તેઓ ‘એ ડીસન્ટ એરેન્જમેંટ’ (૨૦૧૪), કલ્પવૃક્ષ (૨૦૧૫), ‘ચોક એન્ડ ડસ્ટર’ (૨૦૧૬) કે ‘નીરજા’ (૨૦૧૬) માં અભિનય કરતાં દેખાય છે. શબાના આઝમીએ ૨૦૧૩માં ભારતીય ટીવી શ્રેણી ‘૨૪’ માં અને ૨૦૧૬માં ‘એક માં જો લાખોં કે લીયે બની – અમ્મા’ માં અભિનય કર્યો હતો. આજના જન્મ દિને, હાલ શબાના ‘હેપી બર્થ ડે નિકીતા’ નામનું અંગ્રેજી નાટક બ્રિટનમાં ભજવી રહ્યાં છે.
શબાનાને ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ના પાંચ નેશનલ એવોર્ડ્સ ‘અંકુર’ (૧૯૭૪), ‘અર્થ’ (૧૯૮૩), ‘ખંડહર’ (૧૯૮૪), ‘પાર’ (૧૯૮૫) અને ‘ગોડમધર’ (૧૯૯૯) ફિલ્મોના અભિનય માટે મળ્યાં છે. તો જે ફિલ્મોના અભિનય બદલ શબાનાને શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે, તેમાં ‘સ્વામી’, ‘અર્થ’, ‘ભાવના’નો સમાવેશ થાય છે. ‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’નો ફિલ્મફેર એવોર્ડ તેમને ‘નીરજા’ ફિલ્મના અભિનય માટે મળ્યો હતો. ૨૦૦૬માં તેમને ફિલ્મફેર દ્વારા લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો હતો. તે ઉપરાંત શબાનાના તેમના ‘અંકુર’, ‘થોડીસી બેવફાઈ’, ‘માસૂમ’, ‘અવતાર’, ‘મંડી’, ‘સ્પર્શ’, ‘મકડી’ અને ‘તેહજીબ’ ફિલ્મોના અભિનય માટે ફિલ્મફેરનું ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નું નામાંકન મળ્યું હતું. ૧૯૯૩માં ‘લિબાસ’ના અભિનય માટે નોર્થ કોરિયામાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. ગૌતમ ઘોષની ફિલ્મ ‘પતંગ’ માટે તેમને ઇટલીના તાઓરીમા આર્ટે ફેસ્ટીવલમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. તો ૧૯૯૬માં ‘ફાયર’ના અભિનય માટે ચિકાગો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં સિલ્વર હ્યુગો એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ મળ્યો હતો. એજ ફિલ્મ માટે તેમને એલ.એ. આઉટફેસ્ટમાં ‘આઉટસ્ટેન્ડીંગ એક્ટ્રેસ ઇન અ ફીચર ફિલ્મ’નો એવોર્ડ પણ મળ્યો હતો.
‘સપ્ટેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી – શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized