Daily Archives: માર્ચ 29, 2021

માસ્ટરજી સરોજ ખાન

May be an image of 1 person, hair and standing

મોટી અભિનેત્રીઓના માસ્ટરજી સરોજ ખાનફિલ્મી નૃત્યોની યાદગાર કોરિયોગ્રાફી કરનારા માસ્ટરજી સરોજ ખાન હોત તો આજે તેમનો ૭૨મો જન્મ દિન ઉજવતે. સરોજ ખાન મૂળે તો નિર્મલા નાગપાલ હતાં. હમણાં જ ૩ જુલાઈના રોજ અચાનક આવેલા હૃદય રોગના હુમલાએ આપણી પાસેથી આ તેજસ્વી મહિલાને છીનવી લીધાં છે. તેઓ હિન્દી ફિલ્મોના ટોચના નૃત્ય સંયોજક – કોરિયોગ્રાફર હતાં. તેમને સૌ માનથી ‘માસ્ટરજી’ કહેતાં. હિન્દી ફિલ્મોના આરંભથી રજુ થતી નૃત્ય સંયોજનની કલાને પોતાના આકર્ષક કામથી ગૌરવભર્યું સ્થાન અપાવનાર રૂપે સરોજ ખાનને હંમેશા યાદ કરાશે. તેમના નૃત્ય સંયોજન માટે સરોજ ખાનને ત્રણ રાષ્ટ્રીય અને આઠ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. ખરેખર તો તેમના ‘એકદોતીન – તેઝાબ’ના નૃત્ય સંયોજનની લોકપ્રિયતાને કારણે નૃત્ય સંયોજનનો ફિલ્મફેર એવોર્ડ આપવો શરુ થયો હતો. તેના પહેલાં જ ત્રણ એવોર્ડ મેળવવાનો પણ તેમનો વિક્રમ છે. ૨૨ નવેમ્બર, ૧૯૪૮ના રોજ મુંબઈમાં ખત્રી શિખ પરિવારમાં જન્મેલાં નિર્મલા નાગપાલના પિતા કિશનચંદ સાધુ સિંઘ અને માતા નોની સિંઘ દેશના ભાગલા વખતે મુંબઈ આવીને વસ્યાં હતાં. માત્ર ત્રણ વર્ષની ઉમરે નાનકડી નિર્મલાએ તેમની કરિયર ‘નઝરાના’ ફિલ્મમાં બેબી શ્યામા રૂપે શરુ કરી હતી. પચાસના દાયકાની અનેક ફિલ્મોમાં તેઓ બેકગ્રાઉન્ડ ડાન્સર હતાં. તેઓ ફિલ્મ નૃત્ય સંયોજક બી. સોહનલાલ પાસે નૃત્ય શીખ્યા હતાં. નવાઈની વાત તો એ છે કે ૪૩ વર્ષના એ ગુરુને ૧૩ વર્ષની નિર્મલા પરણી ગઈ હતી. ત્યારે ગુરુ સોહનલાલ પરિણીત અને ચાર સંતાનોના પિતા હતા. જોકે, જ્યારે લગ્ન થયાં ત્યારે નાનકડી નિર્મલાને આ વાતની ખબર નહોતી. એમનાથી છુટા થયાં બાદ નિર્મલા ૧૯૭૫માં બિઝનેસમેન સરદાર રોશન ખાનને પરણીને સરોજ ખાન બન્યાં હતાં. તેમણે સુકૈના ખાન નામની દીકરી હતી જે દુબઈમાં ડાંસ ઈન્સટીટ્યુટ ચલાવતા હતાં. પછી તેઓ નૃત્ય સંયોજન તરફ વળ્યાં. પહેલાં તેઓ સહાયક સંયોજક બન્યાં અને પછી સ્વતંત્ર સંયોજક રૂપે તેમને ‘ગીતા મેરા નામ’ (૧૯૭૪)માં બ્રેક મળ્યો હતો. જોકે સફળતા મેળવવા માટે તેમણે ઘણી રાહ જોવી પડી, જે તેમણે ‘મિ. ઇન્ડિયા’ (૧૯૮૭)ના શ્રીદેવીના ‘હવા હવાઈ’માં આવી મળી. પછી ‘નગીના’ અને ‘ચાંદની’ આવી. ત્યારબાદ માધુરી દીક્ષિતના ‘તેઝાબ’ (૧૯૮૮)ના ‘એક દો તીન’, ‘થાનેદાર’ના ‘તમ્મા તમ્મા લોગે’ અને ‘બેટા’ના ‘ધક ધક કારણે લગા’થી તેઓ સફળતાની ટોચ પર પહોંચ્યાં. પછી તો તેઓ બોલીવૂડના સૌથી સફળ નૃત્ય સંયોજક બની રહ્યાં. ૨૦૧૪માં સરોજ ખાને ‘ગુલાબ ગેંગ’માં ફરી માધુરી દીક્ષિત સાથે કામ કર્યું. રીશીહૂડ યુનિવર્સિટીમાં સરોજ ખાન સલાહકાર હતાં. તેઓ ટીવી પર રજુ થતાં નૃત્યના રિયાલીટી શો માં પણ છવાયેલાં રહ્યાં. ‘નાચ બલિયે’ (૨૦૦૫)માં અને બીજી સીઝનમાં પણ તેઓ જજ હતાં. ૨૦૦૮માં ‘નાચલે વે વિથ સરોજ ખાન’ શો ૨૦૦૮માં આવ્યો, જેનું નૃત્ય સંયોજન તેમનું હતું. ટીવી શ્રેણી ‘બુગી વૂગી’માં જાવેદ જાફરી, નવેદ જાફ્રેઈ અને રવિ બહલ સાથે સરોજ જજ હતાં. ‘ઝલક દિખલા જા’ની ત્રીજી સીઝનમાં પણ તેઓ વૈભવી મર્ચન્ટ અને અભિનેત્રી જુહી ચાવલા સાથે જજ બન્યાં હતાં. ૨૦૧૨માં ફિલ્મ્સ ડિવિઝને નિધિ તુલીના નિર્દેશનમાં ‘ધ સરોજ ખાન સ્ટોરી’ રૂપે તેમના પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. ‘તારક મહેલતા કા ઉલટા ચશ્માં’ શ્રેણીમાં યોજાયેલી નૃત્ય સ્પર્ધામાં પણ સરોજ ખાન જજ બનીને આવ્યાં હતાં. એક નૃત્ય સંયોજક રૂપે સરોજ ખાનનું ખુબ સન્માન થયું છે. તેમને ‘ડોલા રે ડોલા – દેવદાસ’, ‘શ્રીંગારમ્’ ફિલ્મના નૃત્યો અને ‘યે ઈશ્ક હાયે – જબ વી મેટ’ એમ ત્રણ વાર ‘શ્રેષ્ઠ નૃત્ય સંયોજકના નેશનલ ફિલ્મ એવોર્ડ્સ મળ્યાં હતાં. તેમના ‘એક દો તીન – તેજાબ’ની લોકપ્રિયતાથી ફિલ્મફેર એવોર્ડમાં ‘નૃત્ય સંયોજન’નો એવોર્ડ શરુ થયો હતો. જેમાં ૧૯૮૯થી ૧૯૯૧ સુધી પહેલાં ત્રણ વર્ષ તેમની એવોર્ડની હેટ-ટ્રિક થઈ હતી. તેમને સૌથી વધુ ૮ વાર નૃત્ય સંયોજનના ફિલ્મફેર એવોર્ડ મળ્યાં છે. તેમને જે ફિલ્મોના નૃત્ય સંયોજન માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યાં હતાં, તેમાં ‘તેઝાબ’ (૧૯૮૯), ‘ચાલબાઝ’, ‘સૈલાબ’, ‘બેટા’, ‘ખલનાયક’, હમ દિલ દે ચુકે સનમ’, ‘દેવદાસ’ અને ‘ગુરુ’ (૨૦૦૮)નો સમાવેશ થાય છે. તે ઉપરાંત પણ સરોજ ખાનને દેશ-વિદેશમાં અનેક એવોર્ડ્સ મળ્યાં હતાં. ૧૭ જૂન, ૨૦૨૦ના રોજ શ્વાસની તકલીફની ફરિયાદ સાથે સરોજ ખાન મુંબઈના બાન્દ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. અંતે બીજી જુલાઈની રાત્રે ૧.૫૨ કલાકે (૩ જુલાઈના રોજ) હૃદય રોગના હુમલાને કારણે મૃત્યુ પામ્યાં. તેઓ ૭૧ વર્ષના હતાં. તેમના દીકરા હમીદ ખાન અને દીકરી સુકૈના ખાનને તેઓ વિલાપ કરતાં છોડી ગયાં. – નરેશ કાપડીઆ

Leave a comment

Filed under Uncategorized