Daily Archives: માર્ચ 30, 2021

ઉષા ઉથુપ

May be a closeup of 1 person, hair and jewelry

પોપ ગાયિકા ઉષા ઉથુપભારતના જાણીતા પોપ, ફિલ્મી, જાઝ અને પાશ્વ ગાયિકા ઉષા ઉથુપનો ૭૩મો જન્મ દિવસ. ૭ નવેમ્બર, ૧૯૪૭ના રોજ મુંબઈમાં તેમનો જન્મ. સાંઠથી એંશીના દાયકાના તેઓ જાણીતા ગાયિકા. ૨૦૧૨માં ‘સાત ખુન માફ’ ફિલ્મ માટે રેખા ભારદ્વાજ સાથે ગયેલાં તેમના ‘ડાર્લિંગ’ ગીતને ફિલ્મફેરનો શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ તેમને મળ્યો હતો. તેમના પિતાજી વિદ્યાનાથ સોમેશ્વર સાની મદ્રાસથી આવી મુંબઈ વસેલા હતા. તેમને ત્યાં ૧૯૪૭માં ઉષાજીનો જન્મ થયો હતો. ભાયખલ્લાની સેન્ટ એજ્નેસ હાઈસ્કૂલમાં તેઓ ભણ્યા હતાં. તેઓ સ્કૂલમાં હતાં ત્યારે તેમની ઉંમર પ્રમાણેનો અવાજ ન હોવાને કારણે ઉષાને કાઢી મૂકાયાં હતાં. પણ તેમના સંગીત શિક્ષકે તેમનામાં સંગીત હોવાનું શોધ્યું હતું અને તેમને વિશ્વાસ હતો કે ઉષા લોકોને મઝા પડે તેવું ગાઈ શકશે. ભલે તેમને સંગીતની પદ્ધતિસરની તાલીમ ન મળી, પણ ઉષાનો સંગીતના વાતાવરણમાં ઉછેર થયો. તેમના મા-બાપ વેસ્ટર્ન ક્લાસિકલથી માંડી હિન્દુસ્તાની અને કર્ણાટકી શાસ્ત્રીય સંગીત સાંભળતા. રેડીઓ પર કિશોરી અમોનકર અને બડે ગુલામઅલી ખાનને તેઓ સાંભળતા ત્યારે ઉષા પણ તેમની સાથે સાંભળતા. તેઓ રેડીઓ સીલોનને પણ ખુબ માણતા. તેમના પડોશી પઠાણ ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ હતા અને તેમના દીકરી સાથે રહી ઉષા હિન્દી શીખી ગયાં. આવા બધાં પ્રકારના ફ્યુઝનને કારણે ઉષા ઉથુપે સિત્તેરના દાયકામાં ઇન્ડિયન પોપની પોતાની બ્રાન્ડ વિકસાવી. કેરળના કોટ્ટાયમમાં જાની ઉથુપ સાથે ઉષાએ લગ્ન કર્યા. હાલ તેઓ કોલકાતામાં રહે છે. નવ વર્ષની વયે ઉષાને પહેલીવાર જાહેરમાં ગાવા મળ્યું હતું. તેમના સંગીત શીખતાં બહેનો ઉષાને જાણીતા ઉદઘોષક અમીન સાયની પાસે લઇ ગયાં હતાં. અમીનજીએ ઉષાને રેડીઓ સીલોન પર ઓવલટાઈન મ્યુઝિક અવરમાં ગાવાની તક આપી હતી. તેમણે ત્યારે ‘મોકિંગ બર્ડ હિલ’ ગીત ગાયું હતું. પછી તો કિશોરાવસ્થામાં ઉષા ગાતાં રહ્યાં. પછી ચેન્નાઈના શેફાયર થિયેટરના બેઝમેન્ટમાં આવેલી નાઈટ ક્લબમાં ઉષા ગાતાં થયાં. તેમાં મળેલી સફળતા બાદ ઉષા કોલકાતાની નાઈટ ક્લબમાં ગાતાં થયાં. ત્યાં જ ભાવિ પતિ ઉથુપનો સંપર્ક થયો હતો. પછી મુંબઈની નાઈટ ક્લબમાં તેઓ ‘ટોક ઓફ ધ ટાઉન’માં ગાતાં. પછી તેઓ દિલ્હીની હોટેલ ઓબેરોયમાં ગાતાં. ત્યાં નવકેતન ફિલ્મ્સના યુનીટ અને શશી કપૂરે તેમને સાંભળ્યા. ખુશ થઈને તેઓએ ઉષા ઉથુપને ફિલ્મમાં ગાવાની ઓફર કરી. પરિણામે ઉષાએ ફિલ્મોમાં ગાવાની શરૂઆત આઇવરી મર્ચન્ટની ‘બોમ્બે ટોકીઝ’ (૧૯૭૦) માં શંકર જયકિશનના સંગીતમાં એક અંગ્રેજી ગીતથી થઇ. હિન્દીમાં તેમણે ‘હરે રામ હરે કૃષ્ણ’ માટે ગાયું. ૧૯૬૮માં તેમણે ‘જમ્બલાયા’ અને ‘કિંગ્સટન ટ્રાયો’ પોપ આલબમમાં ગાયું. બીબીસી રેડીઓ, લંડનમાં તેમના ઇન્ટરવ્યુ થયાં. નૈરોબીમાં ‘લાઈવ ઇન નૈરોબી’ આલબમ બનાવ્યું. સિત્તેર અને એંશીના દાયકામાં રાહુલદેવ બર્મન અને બપ્પી લાહિરીના સંગીતમાં ઉષા ઉથુપે ગીતો ગાયા. આર.ડી.ના ‘મેહબૂબા ઓ મેહબૂબા’ અને ‘દમ મારો દમ’ જેવાં ગીતો ગાઈને તેમને વિદેશી શ્રોતાઓમાં લોકપ્રિય કર્યા. તેમણે ગયેલાં બાળકો માટેના ‘કરાડી બાળગીતો’ના બે આલ્બમ પણ ખુબ લોકપ્રિય થયાં હતાં. ભારતીય વાતાવરણ અને ડ્રેસના ઉલ્લેખવાળા આ બાળગીતો બાળકો અને બાળસહજ વાલીઓને ખુબ ગમતાં. ડીડી નેશનલ પરના સિંગિંગ રીયાલીટી શો ‘ભારત કી શાન: સિંગિંગ સ્ટાર’ માં ઉષા ઉથુપ જજ તરીકે પણ આવ્યા અને ‘કૌન બનેગા કરોડપતિ’ની પાછલી મોસમના શોમાં તેઓ મહેમાન રૂપે પણ દેખાયા હતાં. નવેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ પુસ્તકનો અંશ

Leave a comment

Filed under Uncategorized